Get The App

ગામ-ઘર ખોળવાનું ભૂલી જા .

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
ગામ-ઘર ખોળવાનું ભૂલી જા                                . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- મનવા ! શું કરશો એ સઘળું હવે આજે યાદ કરીને ? શું કરશો એ સઘળામાં બંધાઈને? ગયું તે ગયું...સંસરણને કોણ રોકી શક્યું છે? ધારો કે મનવા !

આ મન મોસમ જેવું છે. સ્થિર થવાને બદલે આ કે તે નિમિત્તે તે તેની પસંદગીની રમત શોધીને યદ્રચ્છા જ નર્તન કરવા લાગે છે. ક્યારેક તેને સમજાવું છું, પટાવું છું, જરા વિનયથી પ્રેમભરી ભાષામાં પણ કહું છું - મનવા ! આ બધું ન શોભે, વધતી વયે પાકટ થઇ રહો. વસ્તુઓ તો આવે અને જાય, વિહવળ થવાના પ્રસંગો પણ આવે, ક્યારેક ડબ ડબ આંસુ દડી રહે, સત્ય કહેવા અધીર બની રહીએ પણ મનવા ! આ તો જગ છે, ઠગ છે, ભોળું ભટ એમ ન થઇ રહેવાય. સાવ તમે આમ કેમ મનવા ? ચહેરા અને મહોરાં અલગ છે સમજ ઓ મનવા ! અરે, અહીં તો નિરંતરનું નાટક ચાલે છે, રંગબેરંગી પડદા ઊઘડે છે અને પડે છે ! બધું જોઈ લીધા પછી, અનુભવની સીડી પર વારંવાર ચડઊતર કર્યા પછી પણ કોણ મનવા ! તને આમ ખેંચી રહે છે ? તું મનવા ! જાણે છે જ કે અહીં બધું સમયજીવી છે, સંદર્ભો જીવી છે. અરે, વિચારો, વિચારધારાઓ, લોકો, તું જે કંઇ નિહાળી રહ્યો છું એ દ્રશ્યો, દ્રશ્યાવલિઓ અને છતાં મનવા ! તને કોણ આમ પરિબધ્ધ કરી લે છે ? કેમ તારી ભીતરના શૈશવને પાછો ફરી તું જગાડી રહે છે, તેમાં કેદ થઇ રહે છે અથવા તેના જ તું અબળખા રાખે છે ? શાને કારણે નિરંતરનો તારો જાપ રહ્યો છે શૈશવનો, શૈશવની લીલાઓ માટેનો ?

હા, મનવા ! હું જાણું છું તારો અજંપો, તારી તારામાંથી જ નીકળવાની મથામણ, તારામાં જ ઘર કરી સ્થિર થઇ ગયેલી ભેખડો તોડવા માટેનો તારો સતત પ્રયત્ન, તારું છૂટી ગયેલું સૂત્ર પકડવા માટેના તારા ઝાંસા, પુન: તને તારી સ્મૃતિ જગવી રહે તેવી ઢબુરાઈ ગયેલી ચેતનાને ઢંઢોળી રહેવાની તીવ્ર વૃત્તિ... પણ મનવા ! શૈશવ તો ગયું એ ગયું. એ તો તારું ચહકતું ભોળું ભોળું પંખી હતું. તારું જે ઘર-ગામ હતું એ તો એક સ્થળ હતું. એક ભૂમિ હતી. આખા આભને ત્યારે તું તારામાં ખેંચી લાવે તેવી તારી મનવા ! રમણા હતી. ધરતી આખીને તું ત્યારે મનવા! તારામાં ડોલાવી રહેતું હતું. મનવા! તું નહિ, ઈશ્વર તારી આંગળી પકડીને ત્યારે ચાલતો હતો. ઇશ્વરને પૃથ્વી જોવાનું જ્યારે મન થતું ત્યારે મનવા ! એ તારા જેવા શિશુઓની આંગળી પકડી લેતો હોય છે. મનવા ! રેશમ જેવા શિશુત્વમાં સદૈવ બંધાઈ રહેવાની તારી કામનાને હું બરાબર જાણું છું, હું એ પણ જાણું છું કે તારે તબડક તબડક તારા નાના નાના પગ વડે દોડવું છે, બે હોઠ ઉઘાડબંધ કરીને તારા જેવા જ નવજાત શબ્દોને તારે પ્રકટ કરવા છે એ ય જાણું છું, તારા ચહેરા પર ખેંચાતા સ્મિતતારકોથી તું મોટેરાંઓને ચકિત કરી રહેતો એવા સ્મિતની શોધમાં તું ગરક થવા મથી રહ્યો છે તેય જાણું છું. મનવા, આ ધખના શાને ?

મનવા ! તારે, તારા શિશુત્વને શબ્દો વિનાના શબ્દોથી શબ્દ જેવી ચેષ્ટાથી તારા ગામના ઘરના વાડામાં બીજની જેમ વાવી રહ્યો હતો એ સાચ્ચે જ સ્વર્ગીય ક્ષણો હતી. મનવા! તારા એ વાડામાં આથમતા સૂરજનાં કિરણોને તારી લાલ લાલ હથેળીની નાજુક રેખાઓમાં અનાયાસ તું અંકિત કરી રહે તો હતો એ દુર્લભ ક્ષણો હતી તે ય ખબર છે. મનવા ! એ શિશુત્વે અને શૈશવ પછીના કિશોરત્વે તો ત્યારે જ્યાં ને ત્યાં, આ કે તે દ્રશ્યોમાં, અકારણ જ તારી આત્મલીલાની મહેક કેવી પાથરી દીધી હતી ! મનવા ! ત્યારે તારી આંખ માત્ર આંખ જ ક્યાં હતી ? કાન માત્ર કાન જ ક્યાં હતા ? પંચેન્દ્રિયો બધી જ ત્યારે પરમેશ્વરી લીલાનો પર્યાપ્ત હતી. બધું અવળસવળ, આડું અવળું અને ક્યારેક અગ્નિ કે જળને પણ, વીંછી કે સર્પને પણ, ખાડા કે ટેકરાને પણ એ ઇન્દ્રિયો અભાનપણે જ ભયરહિત થઇ જઈ સ્પર્શવા, ઓળંગવા મથતી. શું કહીશું એને ? તીખું કે કડવું પણ ત્યારે તારી જીભ ગ્રહી લેતી આરામથી પણ પછી મુખવિવર અને ચહેરાની રેખાઓ-અરે, અદ્ભુત એ ક્ષણો હતી ! કિશોરાવસ્થામાં પણ તે એવું તેવું સમજની પાર રહી કેવા નાટારંભો કરી રહેતું !

ત્યારે મનવા ! તારી ઋતુ હતી, તારો રંગ હતો, રણકો હતો, તું ત્યારે એક અસ્સલ આકાર હતો, સહજ, પુષ્પની ગંધ જેવો આકાર. માત્ર મહેક અને મહેક...

મનવા ! શું કરશો એ સઘળું હવે આજે યાદ કરીને ? શું કરશો એ સઘળામાં બંધાઈને ? ગયું તે ગયું...સંસરણને કોણ રોકી શક્યું છે ? ધારો કે મનવા ! તું તારે ગામ, તારે ઘર પહોંચી જાય ફરી પેલું શિશુત્વ પૂર્વવત્ આકાર ધારી રહે તો પણ એ 'સમય' તારી પાસે છે ખરો ? એ 'સમય' તો અતીતમાં પરિવર્તિત થઇ ગયો છે. તેનો વૈભવ હવે ગઇકાલ બની ગયો છે. એ 'માણસ' પણ ત્યાંનો માણસ હતો. તું જ મનવા ! કહે ને કે હવે ત્યાં તારું ગામ-ઘર ક્યાંય વૃક્ષો સાથે મીઠી મસલત કરતું નજરે પડે છે ? ક્યાંય પેલી પ્રકૃતિનો આહલાદક મિજાજ તારા ગામ કે સીમમાં જોવા મળે છે ? અને હા, એ ગામમાં મનવા ! તું ઇચ્છે છે તેવી વિશ્રાંતિનો કોઈ ઓછાયો અનુભવી રહેશે ખરો ? ત્યારે તું મનવા ! ઋતુ એ ઋતુએ નવાં નવાં નાચગાન કરી રહેતો હતો - એ ઋતુઓનું રમ્ય રૂપ પણ હવે નજરે પડે છે ? દરેક ઋતુ ત્યારે કલાકારની કોઈ શ્રેષ્ઠ કૃતિ બની રહેતી હતી. એ શક્તિ, એ ઊર્જા, એ પ્રેરણા એ સૌંદર્યભર્યું જીવનકંપન ત્યાં બચ્યાં છે મનવા ? એ અનુભવ વિશ્વ જ લુપ્ત થઇ ગયું છે આજે મનવા ! મનવા ! એ ગામ ઘર કેવાં હતાં ! ન બહુમતી, ન લઘુમતી-હતી માત્ર ત્યારે માનવમતિ ! મનવા ! તારી શૈશવલીલાની શય્યા જેવી પેલી નદી જ નદી ક્યાં રહી છે ?

 પેલાં રમણીય કલ્લાલતા કાંઠા પણ ક્યાં છે ? ક્યાં છે એ સ્વચ્છ જળવહેણ અને એની તરંગ લીલાઓ, વૃક્ષોની નિબિડ ડાળીઓ વચ્ચેથી જોવાતા આકાશના રંગ-બેરંગી ટુકડાઓ અને પછી તેની એક સમગ્ર ભાત અરે, એ દૈવી સવારો, એ ઘંટીનો મીઠો ઘર્ઘરાટ, એ મંદિરનો એક દાર્યો કર્ણપ્રિય ઘંટનાદ, પીપળા-વડ-આંબલી-લીમડામાંથી ચળાઈ આવતા મુદિત પવનની છેક ઓરડા સુધી આવતી લહેરખીઓ પ્રાત:કાળે ગામની એકે એક ગલીમાંથી ઓછો - અધૂરો સંભળાતો નેકી માણસોનો મધુર શબ્દરવ, એવી સવારે બે માણસો સામા મળે તો અનાયાસ જોડાઈ જતા, પ્રણામ કરતા બે હાથ કે, 'જયશ્રીકૃષ્ણ' જેવા ભાવસભર શબ્દો, કૂવા પરની આકળીઓનો મોહક અવાજ અને તેમાં ભળી જતી પનિહારીઓની ગુફતેગો ! અરે, મનવા ! જરા ડાહ્યું થા ! લોક તને રોકી રહેશે તારી આવી ભોળપણભરી વાતોથી ! મનવા ! સમયની નદીમાંથી ઘણાં પાણી વહી ગયાં છે. કોઇનો ય અજંપો ક્યાં કશે ચાલ્યો છે ? મનવી ! મારું તો માનવું છે કે ભૂલી જા આ બધું કશે બંધાઈ રહેવાનો સમય જ ક્યાં રહ્યો છે ? મનવા ! આશ્વાસન જોઇતું જ હોય તો ક્યારેક થોમસ હાર્ડીની વેસેક્સની ચિતરામણ વાપી નવલકથાઓ કે ઇવાન બુનિનનું 'ગામડું' વાંચી લે જે.

ગામ-ઘર-શૈશવ ખોળવાનું ભૂલી જા !


Google NewsGoogle News