Get The App

એ ધૂળ અમારી, એજ તખ્ત ને તાજ!

Updated: May 16th, 2023


Google NewsGoogle News
એ ધૂળ અમારી, એજ તખ્ત ને તાજ! 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

-  દિવસના કે રાત્રિના, અરે, કોઈ પણ ઋતુના રંગ-ઢંગમાં હવે રસ જ કોણ દાખવે છે? 

હાઈફાઈ, ઉચ્ચવર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગ, બ્યૂરોક્રેટ્સ અને એવી કેટલીય કેટેગરીઝ ! બસ, તે તેમનાં આલિશાન નિવાસોમાં છે, એરકન્ડીશનથી ટાઢી ટાઢી ઓફિસોમાં છે

હા જી, ચૈત્ર ચાલે છે, ઉનાળો ટોચ પર છે, એટલે કે એપ્રિલ (આ લખું છું એપ્રિલના પ્રથમ સપ્તાહના અંતે) પાનખર અને કંઈક વસંત પણ જોડાજોડ છે. ઋતુનો પોતાનો આગવો મિજાજ તો છે જ, પણ સવાર, બપોર, સાંજ અને રાત્રિના પણ ખેલ અને વેશ નોખા નોખા લાગે. બપોર વિરાગી, રાત્રિ રમણીય અને સવાર જય શ્રી કૃષ્ણ જેવી ! તો પછી સાંજને શું કહીશું ? દિવસભર પ્રતીક્ષા કરી રહેલા સમયને સાંજ જેવું નામ દિવસના છેવાડે મળે છે. તો પછી એવી પ્રતીક્ષાને રાધા જ કહીએ. સાંજ એટલે રાધા. સાંજનો પ્રભાવ કંઈક ગરુર ભર્યો છે. મંદ ચાલે ચાલતા સૂરજમાં મૃદુતા ભળી હોય છે, બપોરે તેનો જે રૂઆબ રહ્યો હોય છે તેમાં પણ ખાસ્સું પરિવર્તન આવી ગયું હોય છે. લાગે કે તેની સરમુખત્યારશાહીમાં થોડોએક લોકશાહીનો પ્રભાવ ભળ્યો છે. કદાચ એટલે જ સાંજે ઘર છોડીને બહાર નીકળનારાઓની સંખ્યામાં વધારો થતો હશે. પણ લો, એક તરફ રાધાને સાંજ સાથે મૂકું છું ને ત્યાં આ સરમુખત્યારશાહી વચ્ચે ક્યાંથી ટપકી ? સંભવ છે એમ પેલા બપોરના ઉત્તપ્ત ઉનાળાનું પરિણામ હશે પણ ના,, એ બધું છોડો, છોડવા જેવું ય છે. વાત સાંજની જ કરો. રાધા જેવી શાતાકર સંધ્યા, રાધા જેવી પ્રભાવી સંધ્યા, ઘૂંટી ઘૂંટીને જેનામાં ઈશ્વરે ધૈર્ય મૂક્યું છે તેવી રાધા શી સંધ્યા, સંધ્યાને ય દિવસભરની દાહકતા તો જીરવવી પડે છે. તે પછી ઘૂંટાતાં ઘૂંટાતાં તેનું સંધ્યારૂપ આપણી સન્મુખ આવી રહે છે.

પણ ભલા મન ! દિવસની આવી ઝીણી ઝીણી વાતો કરવાનું કારણ ? અને આ પ્રશ્ન મને હું પૂછું છું ત્યાં જ થોડો હું ખસિયાણો પડી જાઉં છું. મને જ થાય છે દિવસના કે રાત્રિના, અરે, કોઈ પણ ઋતુના રંગ-ઢંગમાં હવે રસ જ કોણ દાખવે છે ? ચલતી કા નામ ગાડી, બસ, ગાડી ચાલવી જોઈએ. ઉન્નત્તભૂ્રઓ, હાઈફાઈ, ઉચ્ચવર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગ, બ્યૂરોક્રેટ્સ અને એવી કેટલીય કેટેગરીઝ ! બસ, તે તેમનાં આલિશાન નિવાસોમાં છે, એરકન્ડીશનથી ટાઢી ટાઢી ઓફિસોમાં છે, એવી જ ઠંડી ઠંડી પ્રસારી રહેતી રસ્તા પર વેગથી દોડતી ગાડીઓમાં તેઓ નિદ્ધિ-અનિદ્રિત આંખે ઝોકાતા આગળ વધી રહ્યા છે ! ર્શ ૌસી, ર્ા જાચહગ ચહગ જાચિી... બાપડો ડેવિસ જેવો કવિ કકળી ઊઠે છે...

મને લાગે છે કે મારી જેમ ડેવિસ જેવા કવિમાં પણ ગામડાનું ભૂત સદા ધૂણ્યા કરતું હશે. આવા ચૈત્ર-એપ્રિલના દિવસોમાં પણ ઋતુ-દિવસ-દિવસના વિભિન્ન સમયખંડો વગેરેને માણવા તે અહીંથી તહીં ભટકતો હશે. ભટકે નહિ તો ભોમિયો ક્યાંથી થાય ? અને ભોમિયો ન હોય તો પછી અનુભવ કથાઓ પણ ક્યાંથી હોય ? હોય તો કેવી હોય ?આ પળે સાચ્ચું કહ્યું ? હું કવિ ડેવિસને બહુ મિસ કરું છું. ખાસ તો આ તપ્ત દિવસોમાં, ઉદાસીભર્યા દિવસોમાં મારે એને સાંભળવો છે. તેથી કથાનાં ફૂમતાંના રંગોને ફેરવી ફેરવી જોવાં - જાણવાં છે. અને હું ય તે વચ્ચે વચ્ચે તેને થોભાવીને બાળપણની મસ્તીભરી મારી અદાઓમાં ગરોળી અને વીંછીની કૂતૂહલભરી કથા કહીશ, વાડામાં આવતા સર્પ અને નોળિયાના દિલધડક દ્ધન્દ્ધની વાર્તા માંડીશ. સૂમસામ બપોરે વાડા પછવાડેના મંદિરમાં કોઈ અજાણ્યો, દુઃખી આત્મા આવી ઘંટ વગાડતો હતો અને એનો રણકાર કાને જે રીતે ઝીલ્યો છે તેની પણ વાત કરીશ. અરે એટલું જ નહીં, વાડના થોર પર ઊડાઊડ કરતા તીતીઘોડાની ચાલનું  જોવા જેવું નૃત્ય પણ કથા રૂપે કહીશ. અને માંડવા પર એક વેલા પરથી બીજા વેલા પર સરકી જઈ, ધબ્બ દઈને નીચે પડી, તરત હાંફળું ફાફળું દોડી જતી ખિસકોલીનું ચિત્ર પણ શબ્દશ કહીશ. એ ભલો કવિ છે, મને જરૂર સાંભળશે. અને વળી લીલાલીલા ઘાસમાં સાંજ કે સમયે પાણીનો આછેરો છંટકાવ કરી ભીની માટીની સુગંધને ફેફસામાં ભરીને મન જે આહ્લાદ અનુભવતું હતું તે વિશે પણ ચોક્કસ એને કહીશ. અને એવા સમયે જ ઓટલીની લગભગ સાવ નજીકથી પસાર થતાં ધીમી ચાલે જતાં ગાડાં, તેના પાછા વળતાં થાકી ગયેલા બળદ, તેમની કંઈક લથડતી ચાલ, ઘરે પહોંચવાની અધીરાઈ જેના ચહેરા પર અંકિત થયેલી છે એવા તેના હાકેડુ-એ સર્વને પણ રીતની આ મારી વાર્તા તેની સામે ઉપહાર રૂપે ધરી રહીશ. એય જરા, આ બંધ જેવો જ હશે. ગામડું આવે, ઘર આવે, ગામ આવે, નદી આવે, ચૈત્રની રાત્રિ કે તેનું આકાશ, તારકો આવે એટલે રંગમાં આવી જતો હશે. રાધા જેવી કોમળ-મધુર સાંજે નદી ભણી દોટ મૂકી જ્યાં થોડું એક પાણી વહેતું હોય ત્યાં પગ ઝબકોળવાને નિમિત્તે પગ વડે આખા શરીરમાં નદી કેવી પ્રવેશી જતી હતી તે પણ કહીશ, અરે, દૂર પાવાગઢની રોજ થતી ઝાંખી પાંખી છબીને ભીતરમાં કેવી ચિત્રિત કરી દીધી હતી તે પણ ટેસથી કહીશ. અને શાળાએ જતા રસ્તાનાં વૃક્ષો આવતાંના મૂળ પાસે રોજ રોજની ગમતી-નહીં ગમતી વાતોની પોટલીઓ કસીને બાંધી કેવી સંતાડી રાખી છે તેમ જરા મારા અસલી ગામડી-લહેકાથી કહીશ.

મને એના વાતોડિયા સ્વભાવની થોડીક ખબર છે તેથી હું થાકીશ ત્યારે કહીશ ઃ ડેવિસ અમારી પેલી તમે જે રાત્રિઓમાં નદીને જોયા કરી હતી, તેમાં તારકોનાં પ્રતિબિંબ ઝીલાતાં તમે નાચી ઉઠતા હતા, પછી આકાશ ભણી જોઈને પારાવાર ખુશી અનુભવતા હતા તે વિશે તો કહો. અને જુઓ પછી અસર-પરસની સંગત-રંગત, રાત્રિ, ટમક્યા કરતા તારકો, વિહસતો ચંદ્ર દોડી જતી કોઈક નાની છોકરી જેવી વાદળી, અજાણ્યા પક્ષીનું દિલહર ઉડ્ડયન, ઘુવડનો રહસ્યગર્ભ અવાજ, 

એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદી રાત્રિને ફંફોડયા કરતું વણિયર કે, સીમમાંથી દૂર શિયાળની લાળીનો ચળાઈ આવતો, કંપ જગવી જતો અવાજ, ચૈત્રની રાત્રિમાં રસ્તા પર કાથીના ખાટલામાં જાગ-ઊંધની આખી રાત ચાલતી પકડ દાવ રમત એવું બધું એ કહેશે, કદાચ હું પણ એને કહીશ, પછી એ મને કહેશે - જિંદગીમાં આ બધું થોભીને માણ્યું નથી તો સમજ તારી જિંદગી દળદરની જ લેખાય. અને હું પણ એની સાથેની ચૈત્રીના દાવે કહીશ ઃ ડેવિસજી ! અમે ધૂળના, સ્ત્રોત અમારું, ગોત્ર અમારું ધૂળ, તખ્ત-તાજ પણ એનાં ! અને એ પછી થોડુ નાખી અમે બંને અડધા ઊભા થઈ ગામડિયા વેશે આપીશું એકબીજાને તાળી... ! રાધાજીના ચરણ તળેની ચપટીક ધૂળે કૃષ્ણના શિરદર્દને ગાયબ કરી દીધું હતું એ તો જાણો છો ને ? રે એ ધૂળ અમારી ! અમારી!


Google NewsGoogle News