શું પરિવર્તન એ નિયતિ છે? .

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
શું પરિવર્તન એ નિયતિ છે?                                  . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- કોઈપણ ભૂભાગ કે દેશ હોય શાસન જ્યારે દુ:શાસન બનવાનું શરૂ કરે ત્યારે ક્રાંતિનાં કે પરિવર્તનનાં બીજ ત્યાં નંખાઈ જતાં જ હોય છે.

'પ રિવર્તન' શબ્દથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. છાશવારે એ શબ્દનો પ્રયોગ પણ થયા કરે છે. આપણા આજના સમયમાં તો તેના ઉપયોગમાં ઠીક ઠીક ઉછાળ આવ્યો છે. આપણાં શાસ્ત્રો, સંતો અને અભ્યાસીઓએ પણ 'પરિવર્તન'ના સ્વીકારની વાત પર પૂરેપૂરી સહમતી દાખવી છે. છતાં 'પરિવર્તન' શબ્દ પૂરેપૂરો સમજાયો છે ખરો એ એક પ્રશ્ન છે. હા, પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, મનુષ્યની પણ એ પ્રકૃતિ છે. સૌ કોઈ કશાક બદલાવને ઈચ્છતું હોય છે. પણ એવા બદલાવ કે પરિવર્તનને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવાનું વલણ લગભગ ઓછું જણાય છે. પરિવર્તન અર્થાત્ પરિવર્ત તો એવું સૂચવે છે કે એક ચોક્કસ સમયનો, અવધિનો અંત આવ્યો છે. પણ વાત એ સર્વમાં પરિવર્તન એક સહજ ક્રિયા રૂપે આવ્યું છે ખરું ? શું તેમાં કશુંક સ્થિર-બંધિયાર, અરુચિકર હતું અને તેથી અનિવાર્યપણે એક નવો વળાંક જન્મી આવ્યો છે ? શું તેવા પરિવર્તન માટે એવી કોઈ સામાજિક, આર્થિક, રાજકીય કે સાંસ્કૃતિક ભૂમિકા રહી હતી ? શું એ પરિવર્તન સમયની પોતાની જ એક ઘણા સમયની માગ હતી ? પરિવર્તનની એવી લહર જે કારણે આવી છે તે પાછળ કશાંક વિધાયક પરિબળો રહ્યાં છે ખરાં ? શું પરિવર્તનની એવી આબોહવામાં સહજ રૂપે પ્રજાકીય ચેતનાએ કોઈ સક્રિયતા દાખવી હતી ખરી ? એવું પરિવર્તન સ્વયંભૂ, ભોંય ફાડીને કોઈ ક્રાંતિ રૂપે આવ્યું હતું ખરું ? અથવા તો પછી એવું પરિવર્તન કોઈ જૂથ, વર્ગ કે વિચારધારા પ્રેરિતના એક ભાગરૂપે આભાસ રૂપે આવ્યું છે ? અથવા જે કંઈક પરંપરાગત હતું તેની સકારણ અવળસવળ કરી રાજકીય કારણોસર પ્રજાને તેવાઓ કંઈક નવું આપી રહ્યા છે કે કરી રહ્યા છે તેવું બતાવવા માટે પરિવર્તનનું એક કૃત્રિમ વાતાવરણ સર્જી રહ્યા છે ? વગેરે સંદર્ભો પણ તપાસ માગી રહે છે. પરિણામે 'પરિવર્તન' જેવી સંજ્ઞાાઓ સમયે સમયે થયેલો પ્રયોગ અલગ અલગ સંદર્ભો કે પરિપ્રેક્ષ્ય લઈને આવે છે.

પરિવર્તન એકાએક આવતું નથી, કદાચ લાવી પણ શકાતું નથી. રાજકારણો ઘણીવાર ઈતિહાસ દર્શાવે છે તેમ એ શબ્દનો ભ્રમજાળ ઊભી કરવામાં ઉપયોગ કર્યો છે. એવા 'પરિવર્તન' શબ્દે આખી પ્રજાને ગેરમાર્ગે દોર્યાનાં દ્રષ્ટાંતો છે. પણ પછી એવો પરિવર્તનનો ફુગ્ગો જોતજોતામાં ફૂટી જતો હોય છે. પ્રજાને છેતરામણીનો અનુભવ પણ થાય છે. પણ ત્યારે દેશ-પ્રજાને ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે. આભાસી પરિવર્તન સર્જવામાં એવા રાજકારણ કે ચોક્કસ વિચારધારાની સાથે પ્રજાનો અમુક ભાગ પણ હઈસો હઈસો કરીને જોડાતો આવ્યો છે. આવું ઈતિહાસમાં બન્યું છે. એનાં પાર વિનાનાં દ્રષ્ટાંતો છે. પ્રજાને આંજી રાખનારા, પ્રજા પર શબ્દોની ભુરખી નાખનારા જાદુગર સરમુખત્યારોના ઉન્માદે 'પરિવર્તન' શબ્દનો એકાધિક સમયે દુરુપયોગ કર્યો છે. એટલે 'પરિવર્તન' સંજ્ઞાાનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આ કે આવું બીજું ઘણું ધ્યાનમાં લેવું પડતું હોય છે.

અહીં પરિવર્તનના અસ્વીકારની વાત નથી. એકલદોકલ વ્યક્તિ કે પ્રજાનો અમુક વર્ગ ન ગમતા પરિવર્તનને અલબત્ત, રોકી શકતાં નથી. તેનો એળે નહીં તો બેળે સ્વીકાર તો કરવો પડે છે પણ ત્યારે ત્યાં એવા થોડાક જણની મરજી કે ઈચ્છા તેવા સ્વીકારની હોતી નથી. હા, આપણે અહીં આ કે આવું કહીએ છીએ ત્યારે કોઈ સ્થિર-રૂઢ પરંપરાનો પક્ષ લઈએ છીએ એવું નથી. સ્થિર-રૂઢ પણ કોઈ એક સમયનું પરિવર્તન જ હતું. પણ તેવી વસ્તુ કે સ્થિરિ રૂઢ બનતાં તેમાં કેટલીક અડચણો વધે, તેની સીમા બંધાય તો ત્યાં એને જડપણે વળગી રહેવાનું હોતું નથી. પરિસ્થિતિ એનો માર્ગ શોધી લેતી હોય, પરિવર્તન યથાસમયે પછી એનું સ્થાન લઈ લેતું હોય છે. ફ્રેચ ક્રાંતિ કે ભારતની આઝાદી એવાં રાજકીય પરિવર્તનોનાં તરત સ્મરણમાં આવે તેવાં દ્રષ્ટાંતો છે. પ્રજા ચેતનાનો સ્વયંભૂ જુવાળ ત્યારે કશુંક નવું કરીને રહે છે. એટલે જે કંઈ જૂનું-જર્જરિત છે, પ્રજાને બિનજરૂરી કે અપ્રસ્તુત છે, નુકસાનકારક છે તેમાં અવશ્ય પરિવર્તન થવું જોઈએ. એવા પરિવર્તન સામે સ્વીકાર-અસ્વીકારનાં પ્રશ્ન રહેતા નથી. અવરોધક- પરિબળોને પરાસ્ત થવું જ પડે છે. મહાભારતમાં કુરૂક્ષેત્રનું યુદ્ધ એવા વ્યાપક પરિવર્તન માટેનું જ યુદ્ધ હતું. તેના સદ્-અસદ્ સાથે પ્રજા કલ્યાણ પણ જોડાયેલું હતું.

હવે આપણી આસપાસ જે પરિવર્તનો- નાનાં કે મોટાં થતાં આવે છે. એ પરિવર્તનોને આંખ ઝીણી કરીને જોવા જેવાં છે. વિશ્વભરમાં અત્યારે કંઈક પ્રજામાં અજંપો છે, રાજકારણમાં કંઈક બખેડા છે, સત્તા-મહત્વાકાંક્ષાઓ જ મુખ્ય બન્યાં છે, 

પ્રજાકારણ છેક જ હાંસિયામાં ધકેલાઈ ગયું છે. રાજનીતિને બદલે રાજકારણ, સત્તાકારણ કે સત્તાપ્રપંચ જ કેન્દ્રમાં આવતાં રહ્યાં છે. તે માટેના જે માર્ગો અપનાવાતા રહ્યા છે, તે માટે જે ભાષાનો ઉપયોગ થતો જાય છે, પ્રજાની પાસે જે સવાર-સાંજ જુદાં જુદાં તેવાઓ વડે જે સમીકરણો મૂકાતાં જાય છે અને આ કે તે એવા બદલાવ-પરિવર્તન માટેની જોરશોરથી જે વાતો થાય છે એ બધું કંઈક ગળે ન ઊતરે તેવું છે. આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે સાહિત્ય વગેરે ક્ષેત્રે જે કંઈક વિશ્વભરમાં અત્યારે બદલાવ આવી રહ્યો છે અથવા નજર સમક્ષ તેનાં જે ચિત્રો ઊપસી રહ્યાં છે તેમાં 'બદલાવ' કરતાં, 'પરિવર્તન' કરતાં, બીજું કશુંક ભળતું જ દેખાય. કોઈપણ ભૂભાગ કે દેશ હોય શાસન જ્યારે દુ:શાસન બનવાનું શરૂ કરે ત્યારે ક્રાંતિનાં કે પરિવર્તનનાં બીજ ત્યાં નંખાઈ જતાં જ હોય છે. એવી સ્થિતિ જ્યારે દુર્નિવાર બને ત્યારે જે વ્યાપક સ્ફોટ થાય છે એ ખરું પરિવર્તન. એવું પરિવર્તન સંભવ છે કે પ્રજાને તકલીફમાં ક્યારેક મુકે, સહન કરવાનું પણ તેને ભાગે આવે, છતાં એક બીજી સુંદર સવારનું ત્યાં એવા પરિવર્તનનું સમણું હોય છે. પરિવર્તન જે હોય તે, જે રીતે આવે એ રીતે, પણ તે ક્યારેય પ્રેરિત કે ઉત્ક્રોશ અર્થાત્ બૂમ-બરાડાવાળું ન હોય. તેની પાછળ ચોક્કસ ઉમદા હેતુ હોય, સમજ હોય, પ્રજાના સુખની ઊંડી ચિંતા હોય- કશેય દેખાડો ન હોય- બલ્કે, નરી નિસબતભરી શુદ્ધ વૃત્તિ પડી હોય - તો એવું પરિવર્તન એના સાચા અર્થમાં 'પરિવર્તન' બની રહે. 'પરિવર્તન' આપણી અને વિશ્વની પણ નિયતિ છે. એનો સ્વીકાર જરૂર કરીએ, પણ અંતે ઓળખવું ય એટલું અનિવાર્ય છે. સાચું પરિવર્તન વધુ સૂક્ષ્મ હોય, તે ઉત્ક્રાન્ત થતું આવે, આકસ્મિક ન હોય.


Google NewsGoogle News