યા મતિ સા ગતિ .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- વ્યાપક તત્ત્વવિચારણાને જો યોગ્ય રીતે પામવાનો વિચાર કરીએ તો પહાડો વૃક્ષશ્રેણીઓ, પંખીઓનાં ગાન અને ઇશ્વરી સંગીત વચ્ચે ઋષિ-મુનિઓએ સર્વ પ્રકારની, સર્વકાલીન ચેતનાની બારીક સ્પંદલીલાને ઝીલી છે
ભા રતીય તત્ત્વજ્ઞાાન, ભારતીય તત્ત્વવિચાર, હંમેશા મારી જિજ્ઞાાસાનો વિષય રહ્યું છે. મને એની પરિભાષામાં કે તેની આંટીઘૂંટીમાં રસ નથી. વાસ્તવમાં ભારતીય તત્ત્વ વિચાર એવો અટપટો છે પણ નહીં. પણ ચર્ચકો-વિદ્વાનો એને જરૂર કરતાં વધુ અઘરો બનાવી દે છે. કદાચ તેવાઓનું પાંડિત્ય તેમાં ઝળકી રહેતું હશે ! સાચી વાત તો એ છે કે ભારતીય તત્ત્વવિચાર કે સહજ-સરળ છે. તે બહુમુખી છે. જેની જેવી જ્ઞાાનપિપાસા કે જાણવાની ઇચ્છા-તેવું બધું તેમાં પ્રાપ્ત થઇ રહે છે. આવા તત્ત્વવિચારને સાચી રીતે પામી રેહનાર જરૂર અનુભવી રહેવાનો કે તેમાં કશે કશાનો આગ્રહ હશે તો પણ તેની પાછળ ભાગ્યે જ જડત્વ જોવા મળવાનું. આગ્રહ ખરો પણ અનાગ્રહ ભર્યો. જાણે કે આપણા તત્ત્વ વિચારે બધી નદીઓનું જળ એકત્રિત કરીને તેનો એક મહાસાગર લહેરાતો કર્યો છે. એ મહાસાગરમાં દરેકની ભાવોત્તેજના પ્રમાણે દરેકને કશુંક ને કશુંક પ્રાપ્ત થઇ રહે છે.
ઘણા આવા તત્ત્વજ્ઞાાનની વાત કરતાં કરતાં અમુક ગ્રંથ ઊંચો અને અમુક ગ્રંથ ઉતરતો એવાં ગણિત માંડે છે પણ તેય બરાબર નથી. વેદ-ઉપનિષદ-ગીતા-પુરાણો કે બીજું જે કંઇ છે તે એક પ્રકારની તેના રચયિતાઓની ખોજ છે, તેમની પ્રાપ્તિ છે. એકને જે ગમ્યું તે બીજાને ન ગમે કે ન જચે તેવું બનવાનું. પણ તેથી કશું ચઢિયાતું કે ઊતરતું છે એમ કહી શકાય નહીં. આ બધું નિરંતરની તત્ત્વયાત્રાનું રૂપ છે. આ તત્ત્વમાં કશું સ્થિર ન હોઈ શકે. સ્થિરતાની વાતમાં પણ સૂક્ષ્મ ગતિનો સંચાર હોય છે. તો દ્વૈતની વાત કરનારમાં જેટલું સત્ય હોય છે, એટલું જ સત્ય અદ્વૈતની વાત કરનારમાં પણ શોધી શકાય. દરેકની પ્રકૃતિ-પ્રવૃત્તિ અલગ અલગ છે. તેથી આવાં મતવૈવિધ્યોને એ રીતે જ નિહાળવાં રહે. સંભવ છે કે એ સર્વને ખ્યાલમાં રાખી વિચાર કરનારને જ આપણા તત્ત્વનો નકશો કે આખો આલેખ સમજાય. કોઇને પ્રેમપંથ ઉજાગર કરી આપતો હોય તો એ રસ્તો મનીષીઓએ બતાવ્યો છે જ. કોઇકને ભક્તિ સમર્પણમાં શ્રધ્ધા હોય તો તે રાહ પણ સુસ્પષ્ટ કરી આપનાર વિભૂતિઓ રહી છે જ. કોઇકને જ્ઞાાનનો સૂર્ય જ ઉત્તમ લાગ્યો હોય તો જ્ઞાાનમાર્ગની ગવેષણા ઋષિઓએ કરેલી જ છે. સમયે સમયે, બદલાતી સંસ્થિતિઓમાં, જે તે સમયના સમાજનાં સર્વ સામાન્ય વલણોને લક્ષમાં રાખીને આવી વિચારણા અવતરતી હશે. તેથી જ શંકરાચાર્યની સાથે ચાર્વાકને પણ જોવાનું વલણ છે, કૃષ્ણ એ રામ જેવાં આપણાં મહાકાવ્યોનાં સર્વોત્કૃષ્ટ પાત્રોને પણ અલગ અલગ દ્રષ્ટિથી જોનારા છે જ. વેદાન્તમાર્ગની સાથે ભક્તિ-નવધાભક્તિ છે. અઘોરી પંથીઓની સાથે સંસારમાં નિમજ્જિત સંતો પણ છે. ગીતા ગાય કે વિભિન્ન સમયનાં તત્ત્વ વહેણોને સંકલિત કરવાનો પ્રયત્ન કર્યો છે તે ગીતાના વાચકથી અજાણ્યું નથી. મૂર્તિપૂજાના ચાહકોને મૂર્તિપૂજામાં જ શ્રધ્ધાદ્રઢ થતી જાય તેવું પાર વિનાનું મળવાનું તો સામે પક્ષે નિરાકારમાં આસક્તિ રાખનાર માટે નિરાકાર માર્ગ પણ છે. અહીં કશાનો નિષેધ નથી. કોઈ પહાડની કરાડ પર બેસીને કઠોર તપ કરે છે તો કોઈ યજ્ઞાાદિ-ઉપવાસો કરી શરીર ગાળી નાખીને તત્ત્વને અને એમ પોતાને પામવા અહીં મથ્યા છે, તો સાથે સંસારમાં સરસ્યા રહીને પણ એ બધું પામી શકાય છે જેવો પણ તાત્ત્વિક સાથે વ્યવહારુ અભિગમ રહ્યો છે જ. કોઇકને અહીં જગત મિથ્યા કે માયા લાગ્યું છે અને એ રીતે તેનાં વર્ણનો પણ થયાં છે. તેવાઓ બ્રહ્મને જ સત્ય લેખે છે. બીજી તરફ આપણો સામે એવોય તત્ત્વવિચાર રહ્યો છે કે બ્રહ્મ તો સત્ય છે જ, સાથે જગત પણ સત્ય છે. કશું મિથ્યા નથી, આવો દ્રષ્ટિકોણ પણ પુરસ્કૃત થતો આવ્યો છે. કોઇક કોઇક જીવનરાગ અને જીવનલીલાના ઊર્ધ્વીકરણમાં રસ દાખવે છે તો કેટલાક સિધ્ધ-અર્થ માટે બધું તજીને સંન્યાસ ગ્રહણ કરી લેવાનું કહે છે. કેટલાક ધ્યાનબાનને અનિવાર્ય જ લેખતા નથી, તો કેટલાક ધ્યાનને જ કેન્દ્રમાં રાખીને તેના અનેક માર્ગો સૂચવે છે.
ખરું તો એ છે કે આપણા વેદ-ઉપનિષદોને, તેની વ્યાપક તત્ત્વવિચારણાને જો યોગ્ય રીતે પામવાનો વિચાર કરીએ તો પહાડો વૃક્ષશ્રેણીઓ, પંખીઓનાં ગાન અને ઇશ્વરી સંગીત વચ્ચે ઋષિ-મુનિઓએ સર્વ પ્રકારની, સર્વકાલીન ચેતનાની બારીક સ્પંદલીલાને ઝીલી છે. સમયે સમયે એ ચેતનાને ઉત્ક્રાંત કઇ રીતે કરી શકાય, મનુષ્ય રૂપે જ ઇશ્વર તત્ત્વ સુધીનું ઉડ્ડયન કઇ રીતે કરી શકાય, તે બતાવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે અને છેવટે 'તે તું જ છે' એ સત્ય સારવી આવ્યું છે. માર્ગ સંખ્યાતીત છે પણ લક્ષ્ય તો આત્મ-સ્થ થવાનો છે, આત્મ-ઓળખનો છે. 'અષ્ટાવક્ર ગીતા'નું ઝરણું પણ વેદો ઉપનિષદોમાંથી જ વહેતું આવ્યું છે, શ્રીમદ્ ભગવદગીતાની જેમ ગીતામાં સ્થિતપ્રજ્ઞા થવાની વાત છે, ઉપનિષદો નિ:સંગ થવાનું કહે છે, સંતો-ઋષિઓ સંગ-નિસંગ પ્રતિ અંગુલિ નિર્દેશ કરે છે. વાત તો છેવટે જપમાળા-શાસ્ત્રોનું પઠન-શ્રવણ ત્યાગ વૈરાગ્ય એ પછી સ્વસ્થ રહો એ છે. આ સ્વ-સ્થતા ક્યારે આવે ? બધું પામી-સમજી લીધા પછી સંકેલી લઇ સ્વ-સ્થ થઇએ ત્યારે. જો એવી સ્વ-સ્થતા સિધ્ધ થાય તો મુક્તિ-બંધન સ્વર્ગ-નર્ક બધું સુસ્પષ્ટ થઇ રહે. સ્વ-સ્થ થવું એટલે છેવટે તો પોતાના પર જ આધારિત, પોતે જ કર્તા, હર્તા, પ્રેય-શ્રેય, જાત સાથેની જ આધારિત, પોતે જ કર્તા, હર્તા, પ્રેય-શ્રેય, નમસ્કાર હજો ! સ્વયંબ્રહ્મ !
ભારતીય તત્ત્વવિચાર સાદા શબ્દોમાં - તું તને જાણી લે, તું તને પામી લે, તું તારામાં સ્થિર થઇ જાય. તારે બહિ કોઈ આવરણો જ પછી નહીં રહે. ન સમય, ન દ્વૈત-અદ્વૈત-ન મૃત્યુ, ન સંબંધ. આત્મા જ વિશ્વ, આત્મા જ વિશ્રાંતિ. 'અષ્ટાવક્રગીતા'માં એવી દિશા દર્શાવી છે અંતે તો યા મતિ સા ગતિર્ભવેત-નું સત્ય તરી રહે.