હાન કાંગ અને નોબેલ પ્રાઈઝ .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- 'ધ વેજિટેરિયન'નો વાચક જાણે છે કે હાન કેવા કેવા સામાન્ય લાગતા વિષયમાંથી પણ અસામાન્ય સંવેદન વિશ્વ ખડું કરી રહે છે.
ગ ઇકાલે ૧૦મી ઓક્ટોબરની સાંજે રૉયલ સ્વીડિશ એકેડેમીએ, નોબેલ સમિતિના કાયમી સચિવ શ્રી મેટ્સ માલમ દ્વારા ઇ.સ. ૨૦૨૪નું નોબેલ પારિતોષિક દક્ષિણ કોરિયાની હાન કાંગને આપવાની ઘોષણા કરી ત્યારે મારી જેમ અનેક સાહિત્ય પ્રેમીઓએ આશ્ચર્યકારક સમાચાર સાંભળી જરૂર આનંદિત થઇ ઊઠયા હશે. કારણ કે અહીં ઉચિત સર્જક સન્નારીનું ઉચિત સમયે સન્માન થયાની ઘટના બની રહી હતી. વિશ્વ આજે યુદ્ધજવરથી તમતમી રહ્યું છે, લાખો લોકોના પ્રાણ વિના વાંકે હણાઈ રહ્યા છે ત્યારે હાનકાંગ જેવી સર્જકને પોંખીને સ્વીડિશ અકાદમીએ એ દિશામાં જગતને જોવા વિચારવાની એક તક સંપડાવી આપી છે. હાન કાંગના સંદર્ભે એકેડેમીએ નોંધ્યું છે તેમ, આ સર્જક ચેતનાએ ઇતિહાસ બોધને શબ્દ વડે પ્રસ્તુત કરી અનેક આઘાત પ્રત્યાઘાતમાંથી પસાર થઇ રહેલા આજના માનવીની ત્યાં નાજુક સ્થિતિને વાચા આપી છે. હાનના કાવ્યસભર મર્માળા ગદ્યની પણ ત્યાં નોંધ લેવાઈ છે. વધુ તો તેમાં માનવ સંવેદના જે ઊંડાણથી અભિવ્યક્ત થઇ છે, તેમાં તેનો સર્જક તરીકેનો વિશેષ રહ્યો છે.
હાનનો જન્મ ૧૯૭૦માં દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં થયો હતો. નવ વર્ષની ઉંમરે આખો પરિવાર સિઓલમાં સ્થિર થયો. હાનના પિતા હેન સેંગ વૉન પોતે પણ એક સુખ્યાત નવલકથાકાર છે. પરિણામે પુત્રીને આરંભથી જ સાહિત્યના વાતાવરણનો લાભ મળ્યો છે. પણ હાન પોતે જ અત્યંત સંવેદનશીલ રહ્યાં છે. પોતાની આસપાસ કે પોતે જ્યાં નિવાસ કરી ચૂક્યાં છે એ બધાનાં વેશ-પરિવેશ તેમણે નરી આંખે નિહાળ્યાં છે. ૧૯૮૦માં ગ્વાંગજુમાં થયેલો વિદ્રોહ, દુઃખદાયક હત્યાઓ, શાસકીય લશ્કર દળોની ક્રૂરતા, વિદ્યાર્થીઓ યુવાનો પર ત્યારે વીંઝાયેલો દમનનો કોરડો, તે પાછળ રહેલી નિર્દયતા આ સર્વનાં તે સાક્ષી રહ્યાં છે. આ બધી ઘટનાઓએ ત્યારે અને તે પછી પણ જે કરુણતા સર્જી હતી તેની છાયા વધુને વધુ દર્દનાક સ્વરૂપે વિસ્તરતી રહી હતી. તેમણે એક ઉત્તમ સર્જક તરીકે એ સઘળું પોતાના શબ્દમાં ઝીલ્યું છે, જગત સામે રજૂ કર્યું છે. કહો કે હાન એક રીતે વાસ્તવની ધીંગી ધરા સાથે કામ પાર પાડનારી સર્જક ચેતના છે. સંકુલ જીવનને, તેની ગર્ભસ્થ વેદનાને તે સહજ સરળ છતાં વાચકને ઊંડેથી સ્પર્શી રહે એવી પોતાની જ કહી શકાય તેવી શૈલીમાં તેમણે તે પ્રકટ કર્યું છે.
૧૯૯૩માં તેમણે 'સાહત્ય અને સમાજ' સામયિકમાં પોતાનાં કાવ્યો પ્રસિધ્ધ કરીને લેખનના શ્રી ગણેશ માંડેલા તે પછીના તરતના ગાળામાં ૧૯૯૫માં તે વૃત્તાંત મૂલક સાહિત્ય તરફ વળીને 'લવ ઑફ એઓ સુ' વાર્તા સંગ્રહ આપીને ગદ્ય ક્ષેત્રે પ્રવેશ કરે છે. ૨૦૦૭ સુધીમાં તો તે દેશના સીમાડા ઓળંગીને સૌ કોઇનું પોતાની લાક્ષણિક સર્જકતા વડે ધ્યાન ખેંચે છે. તે પછી તે તેમણે 'ધ વેજિટેરિયન', 'ધ વ્હાઇટ બુક', 'હ્યુમન એક્ટસ' એન 'ગ્રીક લેસન્સ' એમ ઉપરાઉપરી નવલકથાઓ આપીને માનવીય સંઘર્ષોનું, માનવીય સંવેદનાઓનું, તેના જટિલરૂપનું, એવું અનોખું ચિત્રણ કર્યું કે જે સ્વયં તેમને અપ્રતિમ સર્જક તરીકે સ્થાપી રહે છે. 'ધ વેજિટેરિયન'નો વાચક જાણે છે કે હાન કેવા કેવા સામાન્ય લાગતા વિષયમાંથી પણ અસામાન્ય સંવેદન વિશ્વ ખડું કરી રહે છે. એક સ્ત્રીનો માંસ ન ખાવાનો નિર્ણય આમ તો સહજ લાગે પણ તેમાંથી પારિવારિક સામાજિક અને માનસિક સમસ્યાઓ જે રીતે ઊભી થાય છે તેનું તેમાં તે પ્રકારે નિરૂપણ થયું છે તે હાનને એક સશક્ત સર્જક તરીકે પ્રકટ કરી રહે છે. ૨૦૧૫માં લખાયેલી ત્રણ ભાગમાં વિસ્તરેલી આ કૃતિનો ડેબોરાહ સ્મિથે અંગ્રેજીમાં તેનો અનુવાદ પણ કર્યો છે. 'હ્યુમન એક્ટસ'માં આગળ ઉલ્લેખ્યું છે તેમ નિર્દયતાપૂર્વક વિદ્યાર્થીઓને યુવાનોને કચડી નાખવામાં આવ્યા હતા તેના શારી નાખે તેવા અંશો સાથે તેની જે મનોવૈજ્ઞાનિક અસરો નીપજી ભાવાત્મક રીતે તેનો જે પ્રભાવ ઝિલાયો વ્યક્તિ અને સમૂહ તેનાંથી ક્ષત-વિક્ષત થયાં તે બધું તેમાં સુપેરે દર્શાવાયું એવી જ નવા વિષયને લઇને આવતી 'ધ વ્હાઇટ બુક' (૨૦૧૮)માં શૈશવ અવસ્થામાં જ મૃત્યુ પામતી પુત્રીના દુર્દમ્ય આઘાતમાં સરી જતી માતાના દુઃખનું વેધક નિરૂપણ થયેલું જોવાય છે. જીવન, મૃત્યુ, શોક, વિશ્રાન્તિ જેવા અનેક બિન્દુઓને ત્યાં હાન સ્પર્શી રહે છે. ૨૦૨૩માં પ્રકટ થયેલી 'ગ્રીક લેસન્સ' પણ એવુ જ સંવેદનાનું હૃદય વિદાયક વિશ્વ લઇને આપણી સામે આવે છે. અહીં દ્રષ્ટિ ગુમાવી ચૂકેલો શિક્ષક અને અવાજ ગુમાવી ચૂકેલી વિદ્યાર્થીનું બે વિરુધ્ધ દિશાએથી થયેલું ચિત્રણ મળે છે. જાન્યુઆરી ૨૦૨૫માં યુ.એસ.માંથી પ્રકાશિત થનાર નવલકથા 'વી ડુ નોટ પાર્ટ'ને પણ અહીં યાદ કરવી જોઇએ. પ્રકટ થનાર આ કૃતિનો અંગ્રેજી અનુવાદ પેજ અનિયા મોરિસ કરી રહ્યાં છે. આ કથા પણ માનવ ચેતના કેવા કેવા રૂપે આહત થતી આવી છે તેના પર પ્રકાશ પાડે છે. કાનની નવલકથા કે તેનું અન્ય સાહિત્ય માનવ જીવનનો ઊંડોબોધ લઇને આવે છે. તેમાં વાસ્તવ તો છે જ પણ ક્યારેક ભારતીય વાચકને પ્રભાવિત કરી રહે તેવી શરીર અને આગળ વધીને આત્માની વાત પણ તેનામાં આવે છે. દોરડા પર ચાલી રહેલા નટ જેવું તો ક્યારેક મહોરા પહેરી જીવી રહેલા માનવનું, તેની જિંદગીનું, મિત્ર હાન, નકરી ધરા પર ઊભાં રહીને આપે છે. આધ્યાત્મિકતા સાથે તેનું જોડાણ તેની કૃતિઓનું જુદું પરિમાણ સર્જી રહે છે. અકાદમીના અધ્યક્ષ ઓલ્સને આ બાબતની સમુચિત નોંધ લીધી છે. સમિતિના એક બીજા સદસ્ય પામે પણ લેખિકાની આઘાત-પીડા-ક્રૂરતાની સૃષ્ટિમાંથી ઉઠતા કરુણાના સૂરને વધાવ્યો છે, તેના લયાત્મક ગદ્યને પ્રશંસ્યું છે.
૨૦૨૨માં એની એર્નોક્સને નોબેલ પારિતોષિક મળેલું તે પછી ૨૦૨૪માં હાન કાંગને મળે છે. આ પારિતોષિક પ્રાપ્ત કરનાર તેઓ અઢારમાં મહિલા સર્જક છે. ખરું તો એ છે કે ચીન-જાપાનની છાયાઓ વચ્ચે શ્વાસ ભરી રહેલા દક્ષિણ કોરિયા જેવા દેશ માટે આ એક મોટી સાહિત્યિક-સાંસ્કૃતિક ઘટના છે. કોરિયન પ્રજાને તેથી વિશ્વ સામે એક નવી ઓળખ પ્રાપ્ત થઇ છે. મોરિસે નોંધ્યુ છે તેમ, કોરિયન સાહિત્ય માટે આ ઘટનાથી અનેક દ્વાર ખૂલી ગયાં છે. કોરિયન સંસ્કાર-સંસ્કૃતિ-ઇતિહાસ માનવની પણ અહીં એક સર્જકચેતનાએ આગવી ઓળખ ઊભી કરી આપી છે. નોબેલ પારિતોષિક તો આજે મળે છે પણ અગાઉ હાન કાંગને તેમની વિશિષ્ટ સર્જન શક્તિના પરિણામ રૂપે બુકરપ્રાઇઝ પ્રાપ્ત થયેલું.
યૂન ફોસેને જ્યારે નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત થઇ ત્યારે તેઓ ડ્રાઈવિંગ કરી રહ્યા હતા. એ સમાચાર તેમણે જે આશ્ચર્યથી સ્વીકારેલા એવું જ કંઇક હાન કાંગના સંદર્ભે બન્યું. તેમણે આ સમાચારની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું: 'હું આવા આ સન્માનથી આશ્ચર્યચકિત થઇ છું. હું મારા પુત્ર સાથે ચા પીવા ઇચ્છું છું. હું આ ઘટનાને શાંતિથી ઉજવીશ'
હાન કાંગના આ શબ્દોમાં તેમનું સહજ-સરળ વ્યક્તિત્વ સચોટ રીતે અંકિત થતુ જોવાય છે. હાન આ પારિતોષિકની સાચી અધિકારિણી છે.