'મહાભારત' રસ્તો સૂઝાડ .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- વાત તો તેમાં હજારો વર્ષ જૂની છે અને છતાં દરેક સમયની તેમાં કથા છે, ગૂંચો છે, તેના ઉકેલો પણ છે
'મ હાભારત' પાસે મને વારંવાર જવાનું ગમે છે. જ્યારે જ્યારે ત્યાં જઈ પહોંચું છું ત્યારે ગંગાના નીરમાં ડૂબકી મારીને નવી સ્ફૂર્તિ સાથે બહાર નીકળ્યાનું હું અનુભવતો આવ્યો છું. તેણે મને ક્યારેય નિર્વાક્ કરી દીધો છે તો ક્યારેક જીવનના કેટલાક બંધ ઓરડાનાં દ્વાર પણ ખોલી આપ્યાં છે. વાત તો તેમાં હજારો વર્ષ જૂની છે અને છતાં દરેક સમયની તેમાં કથા છે, ગૂંચો છે, તેના ઉકેલો પણ છે. સમય બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પાત્રો બદલાય છે પણ અંદરના જીવનતંતુઓ તો જેવા ને તેવા છે. મૂળ પાત્રો જે ત્યારે બોલ્યાં છે તે ઉદગારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. હા, ભાષા બદલાઈ છે, રૂપાન્તરે કેટલીક પરિસ્થિતિઓ જુદી લાગે, પણ અંદરનું સત્ય તો અડોલ જ રહ્યું છે. આવી કૃતિઓને કદી કાટ લાગતો નથી. હું તેથી તેને શાશ્વતનો અરીસો કહું છું.
આજે પણ 'મહાભારત'ની એક જાણીતી ઘટના પાસે મન અટકયું છે. ચિત્તમાં તે સાથે આપણા સમયનો આજનો પરિવેશ પણ જોડાતો જાય છે. જૂની બાબત ભલે એ હોય, પણ તારણો તો આપણી આજની વિષમ સ્થિતિને બરાબર તાકે છે. દ્રોપદીના પુત્રો હણાયા પછી પાંડવ છાવણીમાં હાહાકાર મચી ગયો હતો. પાંડવો માટે આભ તૂટયા જેવું થયું હતું. દ્રૌપદી સમેત નારીવૃંદની વ્યથા અકલ્પ્ય હતી. કૃષ્ણ અને અર્જુન સમેત પાંડવો એક રીતે હતપ્રભ થઇ ગયા હતા.
સાથે એ પણ નોંધવું જોઇએ કે કૌરવ રાજકુમાર દુર્યોધન પણ પાંડવોની જેમ અશ્વત્થામા પર ફિટકાર વરસાવી રહ્યો હતો. અશ્વત્થામાને તે કોઇ રીતે માફ કરવા તૈયાર નહોતો. મૃતશય્યા પર પડેલા દુર્યોધને તેથી જ અશ્વત્થામાને નર્યા ધિક્કાર સાથે પોતાની નજર સામેથી દૂર થઇ જવા કહ્યું હતું. કુરુક્ષેત્રનું યુધ્ધ એક રીતે તો ન હાર, ન જીત જેવું ઉભય પક્ષે બની રહ્યું હતું.
આ યુદ્ધ એ સંદર્ભે જીવનના અનેક પાઠ શિખવાડી રહે છે. કૃષ્ણ-અર્જુન અશ્વત્થામાને દંડ આપવા તેની શોધ આદરે છે. કૃષ્ણ પોતાની રીતે તેને દંડ પણ આપે છે. પૃથ્વીના વિશાળ પટ પર સદા સદા જીવીને હવે તેને ભટક્યા કરવાનું હતું. અને તે પણ દૂધતા વ્રણ સાથે. મણિ વિનાના લલાટની ક્ષણે ક્ષણની વેદના સાથે. કૃષ્ણએ તેને કરેલી આ શિક્ષા સર્વથા ઉચિત હતી. આવું જીવવું- પીડા સાથે - એ મોતથી પણ મોટી સજા હતી. જુઓ, વેદનાબોધ તો બંને પક્ષે રહ્યો. પાંડવ કે કૌરવ માટે કોઇ પિંડ સરાવનાર જ બચ્યું નહોતું. કૌરવોનું લગભગ નિકંદન અને પુત્રો વિનાની પાંડવોને રાજગાદી.
કૃષ્ણ અશ્વત્થામાના જધન્ય કૃત્યની સજા આપ્યા પછી પણ નર્યા આકુલ હતા. 'મહાભારત'માં પરિસ્થિતિની પાર જઇ જોઇ શકે તેવી તે વ્યક્તિ હતી. તેમના મનમાં એક પ્રશ્ન તેથી સતત ઘોળાયા કરતો હતો. અશ્વત્થામાની હીનતાથી તે હલી ઊઠયા હતા, દ્રવ્યી ઊઠયા હતા. તેમણે તે વખતે અશ્વત્થામાને તો ગુનેગાર ઠેરવ્યો જ પણ સાથે સાથે આવા ક્રૂર શિષ્યોનું ઘડતર કરનારા ગુરુઓ સામે પણ, તેમના માતા-પિતા સામે પણ, આંગળી ચીંધી છે. ગુરુઓ-આચાર્યોનું સત્ત્વ જ્યારે નકારે, કેળવણી આપવામાં તે ઉણા ઊતરે, વિદ્યાદાન-શસ્ત્રજ્ઞાાન જો કુપાત્રને અપાય તો તેનાં પરિણામો માત્ર પરિવારે જ નહીં, સમગ્ર રાષ્ટ્રે પણ ભોગવવાં પડતાં હોય છે. જો કોઇ ને કોઇ કારણસર માતા-પિતા પણ સંતાનોના ઉછેરમાં, સંતાનપ્રેમને કારણે, અધૂરપ કે ઊણપ દાખવે તો એવાં સંતાનો કેટલી અધમ કક્ષાએ પહોંચી શકે તે પણ કૃષ્ણ અહીં સૂચવી દે છે.
બ્રહ્માસ્ત્રની શક્તિઓ જાણ્યા પછી તેના ઉપયોગમાં કશો વિવેક ન દાખવી શકનાર, નૃશંસ અશ્વત્થામા છેક ઉત્તરાના ગર્ભનું હનન કરવા તૈયાર થાય તો એવા અવિચારી પગલા માટે અશ્વત્થામા જેટલા જ પેલા આચાર્યો-ગુરુઓ કે તેમના પાલકો પણ જવાબદાર છે. આજે લગભગ આપણી આસપાસ જુદા રૂપે પણ આવી જ સ્થિતિ જોવાય છે. આચાર્ય-ગુરુઓથી આગળ વધીએ તો સમગ્ર બુદ્ધિજીવી વર્ગ હવે બૌદ્ધિક પંગુતા ધારીને બેઠો છે. માતા-પિતા પણ કાં તો પોતાના સંતાનોની માવજતમાં ઊણાં પડે છે કાં તો તે પણ લપસણિયા માર્ગ પણ જવા પરોક્ષ રીતે પ્રોત્સાહિત કરે છે. પરિણામે એક આખી પેઢીને તેથી લૂણો લાગી રહે છે. રાજકારણ તો અંધત્વથી ભરેલું છે. તેવાઓને અશ્વત્થામા જેવાઓનો સાથ છે.
તેવાઓ તો ઈચ્છે છે કે સત્તા ટકવી જોઈએ, કોઈ પણ ભોગે, કોઈ પણ રીત-રસમો. ત્યારે તો પાંડવો સાથે કૃષ્ણ હતા. જે કર્તા અને હર્તા બની રહેતા. તેઓ સત્ય પણ ઉદ્ગારી શકતા હતા. ઉત્તરાના ગર્ભનું તેથી તે રક્ષણ કરી શક્યા હતા. હવે આવું રક્ષણ કરી શકનાર કૃષ્ણ આપણા સમયના આજના કુરુક્ષેત્રના યુદ્ધમાં નથી. દુર્યોધન તો મૃત્યુશય્યા પર રહ્યે રહ્યે અશ્વત્થામાને ધિક્કારી શકે છે. તેની હીનતાનો ભારોભાર તિરસ્કાર કરે છે.
આજે એવું પણ આપણી પાસે નથી જે સ્વાર્થી હોય તો પણ અણીને સમયે સાચું બોલી શકે. આપણે સૌ કોઈકે ભણાવેલા પોપટ થઇ ગયા છીએ. કૃષ્ણના શબ્દોનું ફરી એકવાર રટણ કરું છું : કમભાગ્ય છે આર્યાવર્તનું કે અહીં વિદ્વાનો-આચાર્યો પોતાના શિષ્યોને અધૂરું વિદ્યાજ્ઞાાન-શાસ્ત્રજ્ઞાાન આપે છે. આવા અધૂરા-અલ્પજ્ઞાાન કરતાં નિર્દોષ-નિરુપદ્રવી અજ્ઞાાન વ્યક્તિ હજાર દરજ્જે સારા... કૃષ્ણે પ્રજાની પવિત્રતાને ન રક્ષી શકે તેવા શાસનની પણ ટીકા કરી છે.
હું કૃષ્ણના આ ઉદ્ગારોને સમજવા આપણી વર્તમાન સ્થિતિના સંદર્ભે મથામણ કરું છું... 'મહાભારત' ! રસ્તો સૂઝાડ, મને અને આર્યાવર્તના સૌને....