રામને પળેપળ જીવીએ... .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- 'રામ' સંજ્ઞા ઉત્તમ જીવનરંગની સંજ્ઞા છે, 'રામનામ' સત્ની સંજ્ઞા છે, 'રામનામ' જીવનના મર્યાદ કે મર્યાદાની સંજ્ઞા છે.
રા મનામથી રામબોધ સુધીની યાત્રા એ માત્ર દરેક ભારતીયનું જ નહીં, માનવમાત્રનું લક્ષ્ય હોવું ઘટે. 'રામ' શબ્દ જાદુઇ છે. રામને વંદન કરીએ છીએ ત્યારે વાલ્મીકિને વંદન કરીએ છીએ, ત્યારે દશરથને વંદન કરીએ છીએ, ત્યારે સકલ 'રામાયણ'ને વંદન કરીએ છીએ. રામને જન્મ આપનાર માતા કૌશલ્યાને પણ પ્રણામ કરીએ છીએ. સીતા સમેતના તેમના સમગ્ર પરિવારને પ્રણામ કરીએ છીએ, અયોધ્યાને પણ નમન કરી રહીએ છીએ, અયોધ્યાના ભૂભાગની સાથે તે સમયના લોકને પ્રણામ કરીએ છીએ. 'રામ' માત્ર એક નામ નથી, રામ કેવળ એક વ્યક્તિ નથી, એક ચોક્કસ સમયનું તે ફરજંદ નથી. તેમની કથા કેવળ કથા નથી. 'રામ' સંજ્ઞા ઉત્તમ જીવનરંગની સંજ્ઞા છે, 'રામનામ' સત્ની સંજ્ઞા છે, 'રામનામ' જીવનના મર્યાદ કે મર્યાદાની સંજ્ઞા છે. 'રામ' 'શિવ' અને 'કૃષ્ણ'ની જેમ ભારતીય સંસ્કાર-સંસ્કૃતિ સભ્યતા અને જીવનના ક્રિયાકલાપને તાકે છે. તે માત્ર આસ્થા નથી, શ્રદ્ધા જ નથી, પણ જીવનબળ છે. સંવેદના છે, વિચારદ્યુતિ છે, સકલ પુરુષ છે. રામની ભક્તિ તેથી માત્ર ભજન-કીર્તનથી અટકી ન જવી જોઇએ. માત્ર મૂર્તિ કે મંદિરને નમન કરીએ ત્યાં તે વાત પૂરી થતી નથી. મનુષ્યના હૃદયમાં પડેલા રામતત્ત્વને ત્યાં ઢંઢોળવાનું છે. રામનામ એ રીતે વિચારતણખો છે. તે ક્ષણે ક્ષણે યાદ અપાવે છે કે તું મનુષ્ય છે, તારામાં અપાર શક્તિઓ પડેલી છે, પાર વિનાના ગુણો તારામાં છે. તું નિર્બળ નથી, સશક્ત છે, તું માત્ર શરીર નથી, એક પ્રાણવાન આત્મા છે. તું જાગી જા, ચેતી જા, તને ઓળખી લે, તું તને પામી લે. હું તને માર્ગ ચીંધીશ પણ તે મારી ક્રિયાઓ વડે સૂચવીશ. તું તારા ભીતરના પરિવર્તનનો સંકલ્પ કરી લે. માત્ર સંકલ્પ નહીં, તેને કાર્યમાં રૂપાન્તરિત કરી રહે. બસ, બાકીનું તું મારા પર છોડી દે. જો એવું તારાથી થઇ શકશે તો સમાજ કે તારો રામ તારી સમક્ષ હાજરાહજૂર હશે. રામ તારી પાસે રામબોધ ઇચ્છે છે.
રામભક્તિ, રામની સેવા-પૂજા-અર્ચન એ એક બહારનું આવરણ છે. રામતત્ત્વ આપણને ભીતરમાં ઊતરવા જણાવે છે. રામ આપણો આત્મા બની રહે ત્યાં સુધીનો તેની સાથે આપણો સંબંધ બંધાય તેવું તે ઇચ્છે છે. તુલસીદાસના રામ તેથી આખાય 'રામાયણ'નું સત્ય બે પંક્તિમાં સમજાવતાં આપણને કહે છે :
નિર્મલ મન જન મોહિ પાવા
મોહિ કપટ છલ છિદ્ર ન ભાવા
બસ, આ બે પંક્તિઓ માણસે પોતાના ધબકતા હૃદય પર અંકિત કરી રાખવા જેવી છે. માત્ર મનને નિર્મલ કરો. અદૂષિત રાખો. તેના પર આ કે તે એવા કોઈ ઓઘરાળા ન પડવા દો, મલિનવૃત્તિથી તેને દૂર રાખો. આપણા આ પરમ પુરુષ રામ પછી તરત કહે છે કે મને કપટ છળ નથી ગમતું. એનાથી મનને દૂર રાખો. બીજાનાં છિદ્ર કે દોષો જોવાનું પણ ટાળો. જો આપણા જ મનનું જળ ડહોળાયેલું હશે તો પછી તેમાં કોઈ સ્વચ્છ પ્રતિબિંબ ઝીલાશે ખરું ? રામના આટલા જ શબ્દોનું સ્મરણ કરીને તેને આચરણમાં મૂકીએ તો રામબોધ સુધી આપણી યાત્રા પહોંચી એમ ગણાય. જુઓ, રાજ્યતિલકની ક્ષણે જ કૈકેયી દશરથનું સૂચન થાય છે કે ભરતને ગાદી અને તમારા માટે ચૌદ વર્ષનો વનવાસ ! - રામ આ શબ્દો સાંભળીને પિતા-માતા સામે બંડ નથી પોકારતા, નારાજગી પણ નથી પ્રકટ કરતા અથવા કલેશ પણ અનુભવતા નથી. વિનયપૂર્વક, અવિકલ રહી સર્વને પ્રણામ કરી ક્ષણનાય વિલંબ વિના તે સહર્ષ વનવાસ સ્વીકારી લે છે. આ રામનું રામત્વ છે. રામે ગાદી પ્રાપ્તિ માટે કોઈ છળકપટ ન કર્યું, હક્ક દાવા રજૂ ન કર્યા, એટલું જ નહીં કૈકેયી કે ભરત માટે પણ લગીરે દ્વેષવૃત્તિ ન દાખવી. આવું સમત્વ, આવું ધૈર્ય, વિનીતરૂપ એ રામનો પરિચય છે. યુદ્ધમાં પણ ઉન્માદ કે અભદ્ર વર્તનને બદલે તેમણે હંમેશાં વિનયનો આગ્રહ રાખ્યો છે. મેઘનાદ લક્ષ્મણ વચ્ચે થનાર યુદ્ધમાં તેથી જ રામ લક્ષ્મણ ભિક્ષાપાત્ર લઇ અન્ન લઇ આવવા કહે છે. રામને ત્યાં કહેવું તો એ છે કે યુદ્ધમાં પણ વિનમ્રતા જ કામ કરી જતી હોય છે - ઘમંડ નહીં, ક્રોધ નહીં. રાક્ષસોનો નાશ કરવાનું ઉત્તરદાયિત્વ રામને નિભાવવાનું આવ્યું ત્યારે તેમણે ક્યાંય નારાજગી પ્રકટ કરી નહોતી. પિતા-વિશ્વામિત્ર અને વસિષ્ઠ એ ત્રણેની આજ્ઞા માથે ચઢાવી તેમણે આતતાયીઓનો સંહાર કરી ઋષિઓનું યજ્ઞા-અનુષ્ઠાનનું કાર્ય સંપન્ન કરી બતાવ્યું હતું. રામની એવી વીરતા પણ તેમના ચરિત્રનું લક્ષણ છે. પોતાના ચરણસ્પર્શથી અહલ્યાનો ઉદ્ધાર પણ રામે જ કર્યો હતો. સીતાસ્વયંવરમાં તેમણે દાખવેલું ક્ષત્રિયકર્મ પણ એ રીતે તેમના વ્યક્તિત્વનો અનોખો અંશ હતો. વનવાસ દરમ્યાનનું તેમનું જીવન સાદગીભરી રહેણીકરણી લક્ષ્મણ સીતાજી સાથેનો સહવાસ, શબરી કેવટ કે વનવાસીઓ સાથેનું તેમનું એકત્વ તેમના માનવીય વ્યવહારની ઉજળી બાબતોને પ્રકટ કરી રહે છે. હનુમાનજી વાનરસેના વગેરે સાથેનો વર્તાવ તેમની એક બીજી માનવેતર સૃષ્ટિ સાથેના સાહચર્યનો ઉત્તમ પરિચય આપી રહે છે. રામના રામત્વને પ્રકટ કરતી આવી સંખ્યાબંધ કથા-પ્રસંગલીલા આપણે 'રામાયણ'માં જોઈ શકીએ છીએ. એ બધું સરવાળે રામના 'રામત્વ'ને પ્રકાશિત કરી શકે છે. પુત્ર તરીકે, પિતા તરીકે, પતિ તરીકે, ભાઈ તરીકે, રાજા તરીકે કે પ્રજાજનોના સાચા મસીહા તરીકે તેમણે હંમેસા ઉજ્જવલ દ્રષ્ટાંત રૂપ વર્તણૂંક દાખવી છે.
શિવને જો વૈરાગ્યના પ્રતીક તરીકે જોઇએ, કૃષ્ણને જો લીલામય શક્તિરૂપે ઓળખીએ તો રામને જીવનનાં તમામ ક્ષેત્રોમાં એક મર્યાદ મર્યાદા પુરુષ તરીકે જોઈ રહીએ છીએ. તેમણે આપણી સંસ્કૃતિની એક અનન્ય બુનિયાદ રચી આપી છે. તેમણે ક્યાંય સ્વ અર્થનો, સ્વાર્થનો પક્ષ નથી લીધો કે વિચાર સુધ્ધાં નથી કર્યો. એક ધોબીના વચનને તે સમગ્ર પ્રજાની લાગણીરૂપે જુએ એ બિના એ સત્તાધીશ કેવો હોય તેનું પ્રમાણ પૂરું પાડયું છે. એકચક્રીત્વભર્યું શાસન પણ કેવું પ્રબળ લોકતંત્ર ભર્યું તે પણ તેમના શાસનમાંથી જાણવા મળે છે. તેમણે કશેય ઘમંડ, ઉદ્ધતાઈ અવિવેક, હું નું વરવું રૂપ કે સત્તાનો દુરુપયોગ કર્યો નથી. તેઓ વિરોધ કરનારને પણ આદર આપતા પરિણામે પૌરાણિક કથામાં કહેવાયું છે તેમ ત્યારે, લોકો પ્રેમપૂર્વક હળીમળીને જીવતા હતા, નિ:સ્વાર્થભાવથી જીવન વ્યતીત કરતા હતા, ઇર્ષ્યા નામનું તત્ત્વ ત્યારે નહોતું, રાજાને પ્રજાની ચિંતા રહી તો પ્રજાને રાજા માટે પણ એટલું જ માન હતું, એટલો જ પ્રેમ હતો. 'રામરાજ્ય' જેવો શબ્દ કદાચ તેથી જ કહેવતરૂપ બની ગયો હશે.
રામને ક્ષણેક્ષણ યાદ કરીએ, ક્ષણેક્ષણ જીવીએ, રામબોધથી આપણી જીવનચર્યા ઘડીએ. કદાચ એ જ રામભક્તિનું સાચું સ્વરૂપ હશે, તર્પણ પણ.