Get The App

હું નાયક - મારી કથાનો! .

Updated: Dec 13th, 2022


Google NewsGoogle News
હું નાયક - મારી કથાનો!                          . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- ગઈકાલની કોઈ છાપ શરીર પર રહી ગઈ હોય તો તેને ભૂંસી નાખો, ગઈકાલે સાંભળેલા કોઈ શબ્દો હજી પજવતા હોય તો તેનેય તમે હાંસિયામાં મૂકી દો.

કે વી કથાનો હું નાયક છું ! નથી હું પ્રસંગો વર્ણવી શકતો કે નથી તેના તાર ક્યાંક જોડી શકતો. કથા છે પણ કથા વિનાની જીવન વચ્ચે જ છું છતાં જાણે જીવનથી જોજનો દૂર ચાલ્યો ગયો છું. શબ્દો તો સાંભળું છું, પણ કાનને સરવા કરી મૂકે તેવા શબ્દોની હું રાહ જોયા કરું છું. કામ તો ગમતાં કરવાં છે, છતાં ગમતાં કામ મળે છે ક્યાં ? ઘણીવાર તેથી અંદરથી પોકારી ઊઠું છું - મારે કશો બદલાવ, કશો ચૅન્જ જોઈએ છે. એકને એક સંવાદો, એકને એક ભાષા, એકને એક દૃષ્ટાંતો, એકને એક સલાહ - આ બધું કંટાળો ઉપજાવે છે. ભાગી છૂટવા તકાજો કરે છે. ક્યારેક તેથી પેલા ઓ'નીલની જેમ થઈ આવે છે - ચાલ, થોડા ઘૂંટ ચાના પી લઉં, ચાલ, કોઈક ગેઈમ રમી લઉં, રીબોકને પહેરી લઉં. મને તો ઉમેરવું ગમે; ચાલ, કોઈ શિખર પર ચઢીને અર્થ વિનાના શબ્દો બોલી બૂમાબૂમ કરી લઉં, કોઈ સંવેદનશીલ બૌદ્ધિકને મળીને તેની સાથે કલાકો ગાળી લઉં, અનેક વિષયોના રસની ત્યાં રેલંછેલ કરી રહું અથવા એમ જ 'પૈસા, પૈસા' ના ઘોંઘાટથી અનેક ગાઉ દૂર એકાકી જ કોઈ વૃક્ષ નીચે બેસી તેની સાથે વાતોએ વળગું.

પણ... પણ... આ બધું મનના ભંડકિયામાં જ રહે છે. રાત્રિ પૂરી થાય ન થાય ત્યાં તો સૂરજનું તેડું આવી પહોંચે છે, સવાર પડયાની આલબેલ શરૂ થાય છે, દૂજતા વ્રણ ફરી એક વધુ વાર પીડા આપવા દૂજી રહે છે. રુઝાવવાનું તો એ નામ જ ક્યાંથી લે ? તમે-હું કહો શું કરી શકીએ આ પીડાનું ? તેનું સોલ્યૂશન ક્યાં છે રે ? હા, સોલબેલો જેવા નવલકથાકારની 'ડેંગલિંગ મૅન' જેવી નવલકથાનો નાયક જોસેફ કે જેમ ઘરમાં શૂટ-બૂટ પહેરીને બેસી રહે છે તેમ બેસી રહેવાનો વિકલ્પ છે પણ એવી અગતિ ય સારી જ રહે. પછી તમે હીંચકે હીંચો, બુશર્ટના બટનને ગોળ ગોળ ફેરવો, કોઈ કેસેટ સાંભળો, કોઈ બારણે ટકોરો દે તો બારણું ઉઘાડ-વાસ કરો. ત્યાંય તમે 'તમે' ક્યાં હો છો ? તમે ત્યારે 'તમે' રૂપે શ્વાસ જ ક્યાં ભરતા હો છો ? ઓશિયાળા થઈને બેસી રહો, હક્ક વિનાના, સ્વમાન વિનાના. ઘરમાં કોઈક જ્યારે પાછું વળે ત્યારે દયામણું મોં કરીને તમે કૉફી માગો, નાસ્તો માગો, એક ભિખારી બનીને.

તો પછી તમારે-મારે સૂરજની હાક પડતાં ઊઠી જવું જ પડે. 'ગતિ'નો નશો ચઢ્યો હોય તો બી રેડી. ઘડિયાળના કાંટા સામે એકવાર તાકીને જોઈ લો. બ્રશ કરો, મોં ધૂઓ, કૉફી કે ચા પીવો, ટોસ્ટ ખાઈ લો, ઉતાવળે નાહી લો, ગઈકાલની કોઈ છાપ શરીર પર રહી ગઈ હોય તો તેને ભૂંસી નાખો, ગઈકાલે સાંભળેલા કોઈ શબ્દો હજી પજવતા હોય તો તેનેય તમે હાંસિયામાં મૂકી દો. પછી બાથરૂમની બહાર આવો. અરીસામાં જુઓ, ફ્રેશ છો એવું જ માનીને આગળ વધો. સેન્ટ, ક્રીમ બધું સામે જ પડયું છે. ઝટપટ તેનો ઉપયોગ કરી લો. બારી ખોલી નાખવાનું ગમે તો બારી ખોલી નાખો. સૂરજ ખાસ્સો હવે દેખાય છે, બારી સુધીને ડોકિયાં કરી લે છે. મારી સામે, કદાચ તમારી સામે પણ, તે ટગર ટગર જોઈ રહે છે. તેના મૌનમાં પણ ઘણા શબ્દો અમળાતા હશે. પણ એ સર્વને નજર અંદાજ જ કરવાં રહે. અને હા, ત્યારે સૂરજ સાથે વાત પણ ક્યાં થશે ? તમે ત્યારે, હું પણ આ કામ, તે કામ એવી મનોમન યાદી તૈયાર કરીશું, થોડીક વસ્તુઓ જે શક્ય જ નથી તેને ઉશેટી ફેંકી દઈશું. થઈ શકે તેવાં કાર્યોના ભાર સાથે પછી ડાઈનિંગ ટેબલ પર બેસીશું. આ તે કંઈક ખાઈ લઈશું. ઘડિયાળ સામે ફરી જરા આવેશથી જોઈ લઈશું અને આંખો પછી સ્થિર થઈ જશે ઑફિસ પર, ઑફિસમાં કરવાના કામો પર, બોસની નારાજગી કે રાજીપણા પર. તમે કે હું સીધા કપડાં પહેરી, ક્યારેક બેલ્ટ પહેરવાનું ભૂલી જઈને કે મેચિંગ મોજાં પણ પહેર્યા વિના, કશુંક ભળતા - ન ભળતા રંગનું પહેરીને નીકળી પડીશું. રોજના ઉબડ-ખાબડ રસ્તા પર આવી જઈશું. બસની કતારમાં ઊભા રહીશું. પાસને હાથમાં રાખી બસની પ્રતીક્ષા કરીશું. દરમ્યાન કતાર પર, લોકો પર, વાહનો પર અને બીજી અવરજવર પર આપણી અધીરાઈભરી નજર ફરતી રહેશે. બસ આવી, જગા ન મળી, ઊભા રહી ઑફિસે પહોંચી જઈએ. ત્યાં પણ ખુરશી-ટેબલ પર ધૂળ, પટાવાળો ક્યાંક ખૂણેખાંચરે બીડીનો કસ લઈ રહ્યો હશે. તમે એક કાગળ લઈ ટેબલ-ખુરશી લૂછી બેસો - ન બેસો ત્યાં તો બોસનો કોલ... પછી કોલ... કોલ... કોલ... હું, અરે, મને જ ભૂલી જાઉં છું, તમને તમારું વિસ્મરણ થઈ રહે છે. તમે - કે હું ઘડીકમાં ફાઈલ જોઈએ છીએ, તેમાં બોસે નોંધેલી રિમાર્ક વાંચીએ છીએ, પછી ફોલોઅપ માટે જરૂરી નોંધ મૂકી ફાઈલને આગલા ટેબલે પહોંચે એ રીતે ધક્કો મારી આપીએ છીએ. ક્ષણેક ખુલ્લી બારીમાં જોઈ, રસ્તા પરની ભીડમાં ખોવાઈ જઈએ છીએ, નજર વાળીને ફરી ફાઈલમાં રોપાઈ જઈએ છીએ. બપોરની રિસેશમાં માનો ઘૂંટ ભર્યો ન ભર્યો ત્યાં પત્નીનો ફોન આવે છે - 'વળતાં શાકભાજી લેતા આવજો, સાથે સત્ય આજે ફી માગતો હતો તે પણ ધ્યાનમાં રાખશો અને હા, સ્કૂલ ડ્રેસની પણ તે વાત કરતો હતો. જમવાનું શું રાત્રે છે તે પણ કહેશો.' આ સંવાદ પૂરો સાંભળ્યો ન સાંભળ્યોને ચા તો એમ જ પીવાઈ ગઈ.

ફરી ટેબલ પર, ફરી આંખો સામે અક્ષરોનું જંગલ, વૃક્ષો અને અગણિત કાર્યોનાં પીળચટ્ટાં પર્ણો ! એક પછી એક કામ આટોપી ફરી ઘડિયાળ સામે વેધક નજર. પાંચ થઈ ગયા. સંધ્યા વળી ઊતરશે. વળી ગમગીનીનો પંજો વધશે. આ કે તે - ટૂંકો માર્ગ, વળતાં ચાલીને જવાનું, શાકભાજી લેવાની, મંદિરમાં દર્શન કરવાના સારાં-વાનાં માટે ઈશ્વરને પ્રાર્થના કરવાની. ઘેર પહોંચો એટલે એક બીજું વર્તુળ ઘેરી લેવા તૈયાર જ ઊભું હોય છે. બૂટ કાઢો, કપડાં બદલો, બને તો પરસેવે રેબઝેબ એવા નાહી લઈએ.

 થોડી ચા, પછી ખુરશી અને નર્યું મૌન. પણ થાકે ક્યાં ચાલશે જી ! ફરી આંખ-મનને એકાગ્ર કરો, શરીર કળે, માથું દુઃખે, આંખો બળે - પણ ફ્રેશ જ છીએ તેવા વ્યવહાર સાથે થોડુંક આરોગી રહો... શું ખાવા બનાવ્યું કે ન બનાવ્યું તેની પડપૂછ છોડી દઈને તમે ઘરનાં સાથે થોડી વાતો ઈધર-ઉધરની કરી લો. વળી તમે તમારા ખંડમાં ચાલ્યા જાવ, મારી જેમ. લાઈટ ઓફ કરી દો. શરીર લંબાવી પડી રહો - કદાચ ઊંઘી જઈ શકો. આકાશમાં ચંદ્ર છે, ઘરમાં અંધારું છે. નવા સૂરજનું સમણું જોવાય તો જોઈ લો. આજનો દિવસ પૂરો થયો છે, એમ જ સપ્તાહ પૂરું થશે, માસ પૂરો થશે, વર્ષ પૂરું થશે, વર્ષો પૂરાં થશે, જિંદગી પૂરી થશે. ઈશ્વર કહે છે: તનતોડ મહેનત કર્યે જાવ... ચાલો એરિકશન તો કહેશે: તમે/હું સારું જીવી રહ્યા છીએ !!! સાચ્ચેજ, હું નાયક છું - મારી કથાનો ! સારું જીવી રહ્યો છું...!


Google NewsGoogle News