એક બહેન હોત તો! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- 'રક્ષા'નો અર્થ તો 'રક્ષણ કરવું' છે. પણ તેમાં પ્રેમ છે, પ્રાર્થના છે, દીર્ઘ-સ્વસ્થ જીવનની અને સુખ-શાંતિની મનોકામના છે.
હિ ન્દુધર્મ અને એના તહેવારો-ઉત્સવો પાછળ જીવનનો ઊંડો મર્મ પડેલો જોવાય છે. જીવન સાથે તેનો રહેલો અનુબંધ જીવનમાં પ્રાણ પૂરે છે, નવી સ્ફૂર્તિ આપી રહે છે, આનંદ અને એકતાનું વાતાવરણ સર્જી રહે છે.
'રક્ષા'નો સીધો અર્થ તો 'રક્ષણ કરવું' એ થાય છે. પણ એ સાથે 'રક્ષા' વડે બીજા અર્થ પણ સૂચવાય છે. તેમાં પ્રેમ છે, પ્રાર્થના છે, દીર્ઘ-સ્વસ્થ જીવનની અને સુખ-શાંતિની મનોકામના છે. શ્રાવણ માસમાં રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને કે માનેલા ભાઈને કે ભલું ઇચ્છતા કોઇપણ જણને રક્ષા બાંધે છે - જાતે રૂ-બ-રૂ મળીને. મૂળે તો રાખડી એટલે લાલ દોરો બાંધવાની ચાલ પણ સમય બદલાતાં હવે ભાત-ભાતની નયનરમ્ય રક્ષા બજારમાં મળતી તઇ છે. સોના-ચાંદીની રાખડી પણ મળે છે. પણ મૂળ ભાવના તો બહેન પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી, કુમકુમ તિલક ભાઇના કપાળે કરી, અબીલ-ગુલાલ-ચોખાથી તેની પૂજા કરી, મોં મીઠું કરાવી તે તેનું સર્વ પ્રકારનું કલ્યાણ ઇચ્છે છે. પેલો પ્રેમથી બાંધેલો લાલ દોરો કે રક્ષા તેનું રક્ષાકવચ બની રહે તેવી તેમાં બહેનની અંતરની લાગણી રહેલી હોય છે. સામે ભાઈ પણ યથાશક્તિ બહેનને ભેટ-સોગાદ આપી તેનું મંગલ ઇચ્છે છે અને સાથે બહેનની રક્ષાનું ઉત્તરદાયિત્વ પણ પ્રેમભાવથી સ્વીકારી લે છે. કહો કે બહેન-ભાઈ વચ્ચેના આંતર સંબંધોની આ તહેવાર એક મજબૂત કડીને વધુ મજબૂત બનાવી રહે છે.
દરેક ઉત્સવમાં જેમ કોઇકને કોઇક કથા કે દંતકથા રહેલાં હોય છે તેમ રક્ષાબંધન પાછળ પણ કેટલીક પ્રેરણા આપતી, ભાઈ-બહેનના સંબંધને દ્રઢાવતી અને પરસ્પર માટે શ્રદ્ધા જગવતી કથાઓ રહેલી છે.
કોઇક એનાં મૂળ બીસીઈ સમયથી એલેક્ઝાન્ડર દ ગ્રેટ સાથે સંબંધિત દંતકથામાં ખોળવા પ્રયત્ન કરે છે, તો આપણાં શાસ્ત્રો પણ એકથી વધુ કથાઓ રક્ષાબંધનના તહેવારની પગલીઓ સાચવીને બેઠી છે. ઇન્દ્ર પત્ની સચી રાક્ષસ બાલી સાથેના યુદ્ધમાં ઇન્દ્રના કાંડે દોરો બાંધે છે. જુઓ અહીં પત્ની-પતિની રક્ષા કરવા દોેરો બાંધે છે. આપણે 'તાવીજ' કહીએ કે 'રક્ષાપોટલી' કહીએ તેવું જ કંઇક. એટલે આરંભે ભાઈ-બહેન ઉપરાંત જે કોઇનું ભલું ઇચ્છતા હોઇએ તેને આવો દોરો બાંધવામાં આવતો. કુન્તા અભિમન્યુને અમર રાખડી બાંધેછે - એ આપણા મધ્યકાલીન સાહિત્યમાં ઉલ્લેખાયું છે જ.
એક બીજી કથા પણ જાણીતી છે. રાજા બલિને વિષ્ણુએ હરાવી ત્રણ જગત જીતી લીધાં હતાં. રાજા બલિ પરાજિત થતાં વિષ્ણુને પોતાના મહેલમાં નિમંત્રે છે. પણ વિષ્ણુ પત્ની લક્ષ્મી તેનો સ્વીકાર કરતાં નથી. અને રાજા બલિના કાંડા પર રાખડી બાંધી તેને પોતાનો ભાઈ બનાવે છે. રાજા બલિ તેથી પ્રભાવિત થાય છે. અહીં હાર-જીત ભૂંસાઈ જઇ પ્રેમ ઉપર તરી રહે છે. ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણની આ કથા એમ વ્યાપક અર્થ દાખવે છે. વેર નહીં, પ્રેમ સર્જી રહે છે. એવી જ એક દ્યોતક કથા ગણેશ અને બહેન દેવી મનસાની પણ છે. દેવી મનસા ગણેશના કાંડે રક્ષા બાંધે છે ત્યારે ગણેશ પુત્રો શુભ-લાભને થાય છે કે 'એક બહેન હોય તો !' બંને પુત્રોની ઇચ્છા ગણેશ પૂરી કરે ચે જેમાંથી સંતોષી માનું સર્જન થાય છે અને પછી પ્રતિવર્ષ ત્રણે ભાઈ-બહેન એકઠાં થઇ રક્ષાબંધનની શ્રાવણમાં ઉજવણી કરે છે. એ જ રીતે કૃષ્ણ દ્રૌપદીની કથા - મૈત્રી કથા પણ સુખ્યાત છે. કૃષ્ણને યુદ્ધમાં આંગળી પર ઇજા થઇ હોય છે અને દ્રૌપદી કૃષ્ણની આંગળીએ લોહી વહેતું જુએ છે ત્યારે પળનાય વિલંબ વિના પોતાની સાડીમાંથી ચીંદરડી કાઢી કૃષ્ણની આંગળીએ તરત જ પાટો બાંધે છે. મૈત્રીનું આ ઋણ કૃષ્ણ-દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે સંખ્યાતીત ચીર પૂરી દ્રૌપદીની કાયાને ઢાંકી તેની મર્યાદાનું રક્ષણ કરી ઋણ રહે છે. ઇતિહાસમાં એક બીજી કથાય કહેવાતી આવે છે. તે છે રાણાની માતા કર્ણાવતીની. રાણીએ વિકટ સંજોગોમાં હુમાયુને રાખડી તરીકે બંગડી મોકલી ભાઈ થઇને મદદ કરવા સંદેશ મોકલ્યો હતો અને કહેવાયું છે તેમ હુમાયુએ ત્યારે મદદ કરેલી...
રક્ષાબંધનના તહેવાર સાથે જોડાયેલી આ કે એવી બીજી કથાઓ એવું સૂચવે છે કે ભાઈ-બહેન વચ્ચે અતૂટ પ્રેમસંબંધ જળવાવવો જોઇએ. આજે રાખડીનું રૂપ બદલાયું છે, ભાઈ-બહેન સિવાય પણ હવે તો જે કોઇનું મંગલ ઇચ્છતા હોઈએ તેને આ દિવસે રાખડી બાંધવાનો ચાલ શરૂ થયો છે. સેનાના સૈનિકો કે જેલના કેદીઓને પણ આજે રક્ષા બાંધવા, તેમની બહેન રૂપે અનેક બહેનો રાખડી મોકલે છે. મિત્રો વચ્ચે પણ રક્ષા બંધાય છે. કહો કે મૂખે ભાઈ-બહેનના સંબંધને ગૌરવ આપી રહેતો આ તહેવાર આપણા સમયમાં વ્યાપકતા ધારણ કરે છે. પ્રેમ અને રક્ષણ માટેની ઊંડી કામનાનો તે પર્યાય બની રહ્યો છે. પરસ્પર આદર, પારિવારિક ..., પ્રેમ, કરૂણા, મૂલ્યો-આ બધું આ ઉત્સવમાંથી સમયે સમયે ફલિત થતું આવે છે. ખેડૂતો-માછીમારો પણ અનુક્રમે ફળદ્રુપતા માટે તેમજ સમુદ્ર અને મત્સ્ય માટે વરૂણ દેવને પ્રસન્ન કરવા દેશના વિભિન્ન ભાગોમાં શ્રાવણી પૂર્ણિમાએ ઉત્સવ મનાવે છે. રાજસ્થાની-મારવાડી સમાજમાં તો ભાઈ ઉપરાંત ભાઈની જીવનસંગિનીને પણ તેની બંગડી પર 'લુમ્બા રાખડી' બાંધવાનો વિશિષ્ટ ચાલ છે. જેમાં પોતાનાં ભાઈ-ભાભીના જીવનની એકતા અને સુખ-સમૃધ્ધિનો ખ્યાલ સેવાઓ છે. રક્ષા-બંધન એમ મનુષ્યની આત્મ ચેતના જ એક ભાગરૂપે આવિષ્કાર પામેલો ઉત્સવ છે. દેશની વિવિધ કોમ-સંસ્કૃતિ, ભાઈ-બહેન, પડોશી, મિત્રો, સ્નેહી-શુભેચ્છકો વગેરે સુધીનું આજે આ ઉજવણીનું વર્તુળ વિસ્તર્યું છે. ઊંડી ચાહનાનો આ ચાલ છેવટે માનવધર્મને જ લક્ષે છે.