નાથો તો નાથ, નહિતર અનાથ! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ગુસ્સે થવાનાં કારણો તો બધાંને મળતાં હોય છે પણ, શાણો માણસ તેની વિનાશક શક્તિને જાણે છે તેથી ગુસ્સે થવાનું તે ટાળે છે
જે ક્ષણે માણસનાં ડહાપણનો પ્રવેશ થાય છે, તે ક્ષણે કે ત્યારથી જ તે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, મોહ કે તેવાં અન્ય લોભામણાં તત્ત્વો વિશે વિચારવાનું શરૂ કરે છે. આ બધું લગભગ બધામાં સ્થાયી તત્ત્વરૂપે પડેલું હોય છે જ. પણ જે સવેળા જાગી જાય છે તે એને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. અથવા સત્સંગ, યોગ વગેરેથી તેને અપ્રસ્તુત બનાવી રહે છે. આવાં બળો વિઘાતક રહ્યાં છે. માણસને તે માણસમાંથી કોઈપણ પળે હેવાન બનાવી શકે છે. સદપુરૂષો કે સંતો પણ આવાં તત્ત્વો સામે ક્યારેક નિ:સહાય બની રહ્યાંનાં પુષ્કળ દ્રષ્ટાંતો પ્રાપ્ત થઇ રહે છે. અહીં એવાં તત્ત્વોમાંથી ક્રોધ વિશે કેટલીક વાતો કરવી છે. ગુસ્સો - ક્રોધ એ એક અન્ય આવેગો જેવો જ પ્રબળ આવેગ છે. એ આવેગ એકાએક જાગતો નથી. તેની પાછળ એકથી વધુ કારણો, પડેલાં હોય છે. ક્યારેક ધાર્યું ન થાય ત્યારે, ક્યારેક અહમ્ - અહંકાર મનનો કબજો લે ત્યારે, ક્યારેક પૂર્વગ્રહો કોઈ વ્યક્તિ કે ઘટના વિશેના હોય અને સપાટી પર આવી રહે ત્યારે અથવા તો મૂળે પ્રકૃતિ જ તામસી હોય, વાતને સમજવાની તૈયારી જ ન હોય, ત્યારે પણ ક્રોધ જન્મે છે. ઇતર કારણો પણ ઘણાં છે.
પણ ક્રોધ આખરે ક્રોધ છે. તેનું લગીર વર્ણન કરવું હોય તો એમ કરી શકાય કે તે વિકરાળ અને બિહામણો, કદાવર છે. તે લાલઘૂમ ડોળા સાથે ફરે છે, તેની જીભ સતત લપક્યા કરતી હોય છે, તેનું આખુંય શરીર ધૂ્રજતું હોય છે, તેની ભાષામાં શેતાનના શબ્દો પ્રકટ થતા આવે છે. તે ઘડીકમા તેની મુઠ્ઠી વાળી પ્રહાર માટે તૈયાર થઇ જાય છે તો ઘડીકમાં તે તેના પગ પછાડે છે. મારું કે મરું એવો ખરાખરીનો ખેલ પાડી રહેવાનો એનો પાકો બદઇરાદો હોય છે. તેની નજીક ફરકવું કે રહેવું સારા માણસને ગમ્યું નથી. એવાને રોધ નથી તો તેને માટે કોઈ બોધ પણ નથી. એ ક્રોધ જ છે, શતમુખ વિનિપાત અને વિનાશ, વિનાશ - અંદર અને બહાર બધેથી...
આવી ક્રોધ- ક્રોધિત પ્રકૃતિનો નિગ્રહ કોણ કરી શકે ? કહેવાતા સદપુરુષો, સાધુ-સંતો પણ તેની ઝપટમાં આવી જાય છે. શિવજી આશુતોષની સાથે આશુરોષ પણ છે, દુર્વાસા તો ક્રોધનો જ પર્યાય રહ્યા છે. તો પછી સામાન્ય માણસનું તો ગજુ જ શું ? હા, અનુભવ અને કોઠા સૂઝ ત્યાં તેને રોકવા જરૂર કામ આપે. જ્ઞાન પણ મદદે આવે. ગીતાએ તો ગાયું છે જ. ક્રોધ તો તેની સાથે વિનાશની બીજી સામગ્રીનું પોટકુંય બાંધીને આવતો હોય છે. ક્રોધથી સંમોહ જન્મે છે, સંમોહથી સ્મૃતભ્રંશ થાય છે, સ્મૃતિ ભ્રંશથી બુધ્ધિ નાશ પામે છે અને બુધ્ધિ નાશ પામતાં માણસ આખાનો નાશ-પ્રણાશ થઇ રહે છે. ક્રોધની વાણી શાપિત છે, ક્રોધમાં થતાં કાર્યો પણ વિનાશક છે, ક્રોધ સ્ખલનોની પરંપરા સર્જે છે, માણસનું સંચિત બધું તપ પળમાં જ વિનષ્ટ થઇ જતું હોય છે.
મારા પિતાજી વારંવાર અમને કહેતા - 'માર માર શું તો કાળ માર.' આ નાનું પણ અર્થગર્ભ વિધાન મને આજેય સંકોરતું રહ્યું છે. દરેકના જીવનમાં એવી કેટલીક ક્ષણો અર્થાત્ 'સમય' જરૂર આવે છે જ્યારે શરીર-મનનો કબજો 'ક્રોધ લઇ બેસે. સૂધબૂધ ત્યારે ભૂલાઈ જાય. બદલાની ભાવના જાગી ઊઠે, પોતાને જ કે પોતાની વાતને જ સ્થાપી રહેવા મરણિયો પ્રયાસ એવા ક્રોધ થકી કરી રહીએ. પણ તે પળે પેલા 'કાળ'ને આવી પડેલા 'સમય'ને, મારવાનો અર્થાત્ નિયંત્રિત કરવાનો છે, એ સમયને ઓળંગી જવાનો છે. જો તેમ નથી કરી શક્તા તો ક્રોધનું પ્રચંડ વાવાઝોડું આપણો જ કોળિયો કરી રહે છે. ક્રોધને નાથે છે તે નાથ બની જાય છે, નથી નાથી શક્તો તે અનાથ થઇને રહે છે. 'વામન પુરાણ' પણ ગીતાજીની માફક જ કહે છે કે ક્રોધથી બધું પુણ્ય-સદાચાર તો ખતમ થઇ જ જાય છે પણ પ્રાણ સુદ્ધાં હણાઈ જતો હોય છે. હા, જરૂરી બને ત્યાં ક્રોધ પ્રકટ થઇ શકે પણ તેને પ્રકટ કરવાની રીત જુદી હોય. ન ગમતી વાત સારી ભાષામાં કરી શકાય. ક્રોધમાં લાલચોળ થવું જરૂરી નથી. મક્કમ પણે, શાંતિથી પણ ન ગમતી વાત કહેવાય કે તેનો મુકાબલો કરવાનો થાય તો તે રીતે કરી શકાય. ક્રોધને ઠારવાનો હોય છે, તેનાં બલાવલોનો વિચાર કરવાનો હોય છે. અહીં મને લોરેન્સ ડગ્લાસ યાદ આવે છે. તેણે કહેલું કે ક્રોધ કરશો તો તેથી કંઇ તમારી કોઈ સમસ્યા હલ થવાની નથી, કશો સક્કરવાર થવાનો નથી, ઉલ્ટાનું, તે છે એને ય નષ્ટ કરી દેશે. ગુસ્સે થવાનાં કારણો તો બધાંને મળતાં હોય છે પણ, શાણો માણસ તેની વિનાશક શક્તિને જાણે છે તેથી ગુસ્સે થવાનું તે ટાળે છે. થોમસ જેફરસન આ વાતને બીજી રીતે મૂકી આપતાં કહે છે - ગુસ્સે થાય ત્યારે એક-બે ત્રણ ચાર એમ ગણવાનું શરૂ કરો અને તેથી ય ગુસ્સો ન શમે તો સો કે તેથી વધુવારની ગણતરી કરવાનું શરૂ કરો ! અર્થાત્ એવી પળે મનને બીજી બાબત સાથે જોડી રહેવા પ્રયત્ન કરો, બની શકે તો મૌન પણ ધારી રહેવાય. ક્યારેક આત્મબળથી ભરેલું મૌન ક્રોધની સામે મોટી ઢાલ બનીને વિજય આપી રહે છે.'
અહીં - 'ઉતાવળે, એકાએેક કશું પગલું ન ભરવું -' એવી સંસ્કૃત ભાષાની નાનકડી વાર્તા-કથાનું અવશ્ય સ્મરણ થશે. ગર્ભવતી રાણીને તજીને રાજાને એકાએક યુદ્ધમાં જવું પડયું. અથવા તો રાણીએ પુત્રને જન્મ આપ્યા પછી તરત રાજાને યુદ્ધ માટે વર્ષો સુધી બહાર જવું પડયું અને લડાઈ લડવી પડી. યુદ્ધ પૂરૃં થતાં રાજા વર્ષો પછી પરત આવી રાત્રિના પ્રહરમાં અંત:પુરમાં પ્રવેશ છે ત્યારે રાણીને કોઈ હૃષ્ટપુષ્ટ યુવાન સાથે સૂતેલી જુએ છે. રાજા તત્ક્ષણે તલવાર કાઢી યુવાનની હત્યા કરવા માટે તૈયાર થઇ જાય છે.
પણ તે જ ક્ષણે 'ઉતાવળે એકાએક કાર્ય, ગુસ્સામાં કરવું નહીં' તે વાક્યનું સ્મરણ થાય છે. તે ક્ષણે તે તલવાર મ્યાન કરે છે, રાણી જાગી જાય છે અને 'યુવાન તે બીજો કોઈ નહીં આપણો આવો રૂપાળો, મોટો થઇ ગયેલો આ કુંવરપુત્ર છે' એમ કહે છે. રાજા સ્તબ્ધ થઇ જાય છે. ક્ષણભર ગુસ્સો કરી હત્યા કરી હોત તો કેવું મોટું પરિણામ આવત તેવો વિચાર કરી રાજા જાતને ઠપકો આપી રહે છે. અહીં 'કાળ'ને ને એમ ક્રોધને સાચવી લેનારની વાત થઇ છે.
ક્રોધથી બુધ્ધિનો અને સમગ્ર ચેતનાનો દીપક બૂઝાઈ જતો હોય છે. સાત્ત્વિક માણસો મૈત્રી, કરુણા, મુ્રર્દુતા, પ્રેમ વગેરે ગુણો પોતાનામાં ઉમેરીને ક્રોધને નિયંત્રિત કરી શકે છે. શાપને પણ વરદાન લેખી રહે તેવું ત્યાં ધૈર્ય દાખવે છે. ગાંધારી કૃષ્ણને ક્રોધભર્યાં વચન સાથે આપેલા શાપ વેળાએ કૃષ્ણે દાખવેલું ધૈર્ય ક્રોધ સામેનું ઔષધ બની રહ્યું હતું. ગુસ્સાથી થોડાક ઉપર ઉઠીને વિચારીએ તો જરૂર લાગવાનું કે આ જીવન તો ક્ષણિક છે. ક્રોધનું એમાં સ્થાન ખરું ? બુધ્ધના વચનમાં રહેલી કરુણા કદાચ એ જ કહે છે : ક્રોધને ઠારી દો, બધું ક્ષણિક છે, નાશવંત છે, શાશ્વત તો કરુણાની ગંગા છે.