ક્યાં છે એવા સ્ફોટક શબ્દો? .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- આપણા સમયને એવા સ્ફોટક શબ્દોની જરૂર છે, આગ ભરેલા શબ્દોની જરૂર છે. દંભના પડદાઓને ચીરી નાખી નેસ્તનાબૂદ કરી રહે તેવા શબ્દોની જરૂર છે
છે લ્લાં થોડાંક વર્ષોથી એમ થાય છે ક માણસે બોલવાનું ઓછું કરી નાખીને જોવાનું વધુ રાખવું જોઈએ. ક્યારેક એમ પણ થાય છે ક ન લખીએ તો ચાલે અથવા અનિવાર્ય બને તો થોડું થોડું લખવું. સાથે એવું ય થાય લખવા કરતાં શું વધુ ને વધુ વાંચવા જેવું નથી ? આ વાંચવાની વાત કરું છું ત્યાં શું વાંચવું એ ય પ્રશ્ન છે. એવી યાદી અલબત્ત, દરેકની જુદી જુદી હોવાની પણ તે બધાંમાં એક વાત તો સમાન કદાચ હશે જ. કંઈક એવું વાંચવું જે આપણને ઢંઢોળી રહે, કંઈક એવા શબ્દોમાં ભ્રમણ કરવું જે આપણી ચેતનાને, આપણી માન્યતાઓને જુદી રીતે જોવાનું - સમજવાનું શીખવે. આપણને ઉત્તેજી રહે, અથવા દિવસો સુધી આપણી વાચા જ હણી લે. જીવનની ન કલ્પેલી ભાતનાં જેમાં દર્શન થાય. બધું ક્યારેક તેમાં અવળેથી શરૂ થતું જણાય. આપણા મનને પણ ક્ષત-વિક્ષત કરી મૂકે, આપણી શાંતિને હણી લે, અથવા બોલવા જતાં આપણા હોઠ જ સીવી લે. આપણા મગજની નસેનસ તૂટતી લાગે. આપણાં કરતૂતોની લીલાઓ કંઈક એવી વણકલ્પેલી હોય કે આપણે જ છળી ઊઠીએ. મુઠ્ઠીભર હૃદય સાત સમુદ્રના ઉછાળથી પણ વધુ ઊછળતું લાગે. નાનેરું મન એવા એવા નાટારંભો દાખવતું જણાય કે વિશ્વનો સ્યાહી ખડિયો પણ અપૂરતો લાગે. મન અને કર્મની સોગઠાં બાજી અતાગ છે - તેવું એવા શબ્દોમાંથી પામી રહીએ. કહો કે વર્ષોની, યુગોની આપણા પર બાઝી ગયેલી ધૂળને એવો શબ્દ ખંખેરી નાખે. સભ્યતા- સંસ્કૃતિ- વગેરેના મીઠા પરપોટાને તે એક ઝાટકે ફોડી નાખીને તેની પાછળની જે અસલિયત છે, છૂપો નગ્ન નાચ છે તેને તે પ્રત્યક્ષ કરી આપે. કહો કે આપણે જ આપણો એક્સ-રે નિહાળીને ધૂ્રજી ઊઠીએ. ફિસ્સા-પોચટ- કૃતક- દંભભર્યા શબ્દોના પ્રભાવને એવા વિરલ શબ્દો એક ઝાટકે ખતમ કરી નાખે. આપણા સમયને એવા સ્ફોટક શબ્દોની જરૂર છે, આગ ભરેલા શબ્દોની જરૂર છે. દંભના પડદાઓને ચીરી નાખી નેસ્તનાબૂદ કરી રહે તેવા શબ્દોની જરૂર છે. વરણાગીવેડાને તે પાસે ફરકવા જ ન દે તેવા પથરીલા શબ્દોની જરૂર છે, ઘાતક શબ્દોની જરૂર છે.
આપણી આસપાસ અનેક આવરણો વીંટળાઈ રહ્યાં છે ત્યારે, શબ્દ અતિ બોલકો બનીને એનો પ્રભાવ વિસ્તારી રહ્યો છે ત્યારે, ભાષાને ભોગવી રહેલા નિર્દય માણસો ભાષા વડે જ સત્યને ઢાંકી રહેવા સફળ થઈ રહ્યા હોય ત્યારે, આપણે જીવનની મૂળ ભાષા સુધી પહોંચવા, હયાતીના આપણા મૂળ શબ્દના અર્થને પામવા ફરી કશુંક વ્યક્તિગત અભિયાન આદરવાનું રહે છે. વિલંબ ઘાતક છે. એટલે જ ચાલો, મનુષ્યજાતિએ તેના નિરીક્ષણ, અવલોકન, મનન-મંથનમાંથી જન્માવેલા શબ્દોની પલાંઠીવાળીને સંગત કરીએ. એ બધું મારે-તમારે વાંચવું પડશે - ચોટલી બાંધીને. નહીં વાંચી શકનારને તે બધું કથા-વાર્તા કહીને સમજાવવું પડશે. આ બાજુ દોસ્તો-એ-વસ્કી બેઠો છે. ત્યાં કિર્કેગાર્ડ છે, અને નિત્શે છે, કાફકા પણ છે, સાત્રને પણ ઉમેરી શકો, કામૂને પણ. આ બધાનાં આંક અવળા જરૂર છે, પણ મિથ્યા નથી. નિષેધ-નિરાશા ત્યાં જરૂર છે, પણ અંધકાર વ્યાપન માટે તે નથી. ભંજન જરૂર છે, તોફાન જેવું ય, બંડ જેવું જ લાગે, પણ તે મારો - તમારો કાન આમળવા માટે છે. વિસંવાદ - પછી, અશાંતિ-ઉદ્વેગ પછી, દૂરની આશા તો ત્યાં સંવાદની છે, શાંતિની છે.
મારે-તમારે એ બધું વાંચવું પડશે. આપણા દેશની ભાષાઓમાં પણ એવો અંગાર શબ્દ કશેક કશેક જરૂર મળશે. તેમની વક્રોકિતઓને, તેમનાં કલ્પનોને સમજવાં પડશે. ઓછું લખીને ત્યાં બધુ પમાય તેમ છે. ભોંયતળિયાના માનવીને સ્વપ્નોની વેલમાં બેસાડવા મથનારાઓથી આવો શબ્દ ચેતવે છે. આવો શબ્દ આ કે તેવી વિચારધારાના આકર્ષણ પ્રત્યે પણ સતર્ક કરે છે. વધુ તો એવો શબ્દ અંતે તો આપણા આતમરામ ઊંઘી ન જાય, તેને જાગરણ કરાવે એ તેનું લક્ષ હોય છે. એવા તોખારી શબ્દો હું-તમે વટલાઈ ન જઈએ તે માટે ક્યારેક ડામ આપવા જેવું પણ કામ કરે છે. દોસ્તો-એ-વસ્કી સ્ત્રી-પુરુષોની, ગુનાઈત માનસ ધરાવનારાઓની, એક આખી પંગત લઇને આપણી ભીતરની નગ્નતાને આપણી સામે છતી કરી આપે છે એ જાણીએ છીએ ત્યારે માણસને આપણે જુદે રૂપે જોતા થઈએ છીએ. ભવાઈ કરનારાઓથી, રંગલાઓથી આપણે ચેતી જઈએ છીએ. પેઢી -દર- પેઢી સુધી લંબાતી છલનાઓને, તેના ક્રૂર વાસ્તવને સમજવા દોસ્તો-એ- વસ્કીની નવલકથાઓ તેથી વાંચવી જોઈએ. વ્યક્તિ- એક છે પણ તેના રંગ અનેક છે - તેવી સમજ તેનાં પાત્રો વડે પાકી થાય છે. સાચ્ચો સર્જક આવું નાટકીય રૂપ દર્શાવીને જ, જુદેરૂપે માનવને તેના વાસ્તવ તરફ દોરી જતો હોય છે, તે પછી જ તે સ્વર્ગ સુધીનો રસ્તો દર્શાવતો હોય છે અથવા મનુષ્યે જાતે એ રસ્તો શોધી લેવાનું કહે છે. પણ તે પૂર્વે જીવન-જગતની નકરી વાસ્તવિકતાની કઢાઈમાં શેકાવું પડે છે. કહો કે દોસ્તો-એ-વસ્કી કે એવા બીજા સર્જકોની સૃષ્ટિ અટપટી જરૂર લાગે, તે જ તો પડદા પાછળનું અસલ રૂપ છે. એ જાણ્યા વિના બહારના થપેડાઓ પછી તે - સભ્યતાના હોય કે સંસ્કૃતિના હોય - એનો અર્થ ખરો ?
વિશ્વના ઉત્તમ સર્જકો આમ વારંવાર નકારાત્મક વિશ્વ વિશે, ક્યારેક અસહ્ય બની રહે તે રીતે તેનો ચિતાર આપે છે પણ તે માણસને ઉથલાવી કે તોડી નાખવા નહીં. પણ સત્ય વચ્ચે તેને રોપી કે સ્થાપી આપવા માટે કરતા હોય છે. દોસ્તો-એ-વસ્કીનો એક નાયક નામે ઝોસિમા તેથી તો છેવટે ઈશ્વરી અને માનવીય વ્યવસ્થામાં શ્રધ્ધા મૂકવાનું કહે છે. દોસ્તો-એ-વસ્કી જેવો વાઈનો દરદી, વિના ગુનાએ જેલવાસ, એકવીસ જણ કતારમાં ઊભા રહી ગોળીઓનો શિકાર બની રહ્યા હતા ત્યારે, તેનો ક્રમ આવતાં જ એ હુકમનું રદ થવું, અંગત જીવનની કલુષિતતા,
ગરીબાઈ, જીવનના બે છેડા ભેગા કરવા દિન રાત વૈતરું કરનાર, બધી રીતે હારેલો- થાકેલો આ સર્જક એક એકથી ચડિયાતું સર્જન કેવી રીતે આપી શક્યો હશે ? એ જ કોયડો છે. પણ તાવણીમાં તવાયેલ એવો સર્જક જ જીવનનાં શ્રધ્ધેય સમીકરણો સુધી પહોંચી શકે, શબ્દને શબ્દને બદલે એક અનોખું વિશ્વ બનાવી રહે. તેના એક નાયક અલ્યોશાની જેમ વાસ્તવિકતા સામે તેણે ક્યારેય આંખ મિચામણાં કર્યાં નથી, તેણે વાસ્તવનો, નજરે દેખાતી વસ્તુનો, એ જ રૂપે સ્વીકાર કર્યો છે. કડવું તો કડવું, અભદ્ર કે અણઘડ તો તેવું ક્રૂર કે ક્રૂર કે કદરૂપું - સર્વને તે સ્વીકારે છે. - મારે તમારે પણ તે જોવું પડશે, જાણવું પડશે. રામાયણ- મહાભારતને પણ કથાઓમાંથી બહાર કાઢી, તેની વાસ્તવિકતાઓ સુધી વાચકે પહોંચવું પડશે.
- આવા થોડાક સર્જકો- વિચારકોને ફરી એકવાર ધ્યાનથી વાંચી યાદ કરતા રહેવાના આ દિવસો છે... અન્યથા....