Get The App

એક પત્ર, પ્રિયજનો ને મૃત્યુ... .

Updated: Oct 11th, 2022


Google NewsGoogle News
એક પત્ર, પ્રિયજનો ને મૃત્યુ...              . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- મૃત્યુ વિશે આવી પાકી તૈયારી 'હું કોણ છું?' 'મારે શું કરવાનું છે ?', 'જગત મધ્યે મારું શું કર્તવ્ય છે ?' જેવા પ્રશ્નોનો ઉત્તર શોધી, એ માર્ગે જીવનાર વ્યક્તિ જ કરી શકે

તુ લસીએ આ સંસારમાં ભાત ભાતના માણસો છે - એમ કહીને કેટલું મોટું સત્ય કહી દીધું છે ! એમાંથી થોડા એક એવા હોય છે જે સદા માટે પોતાની વિશિષ્ટ 'ભાત' છોડી જાય છે. એ તો દસ આંગળી ઊંચેરું સ્થાન ધરાવે છે જ પણ સમાજેય પેલી 'ભાત'થી કંઇક વધુ ઊંચે ચઢતો હોય છે. અલબત્ત, આવી સ્મરણીય ઘટનાઓ ઓછી હોવાની પણ હોવાની તો ખરી જ - આપણા ચાલી રહેલા કળિયુગમાં પણ ! હમણાં એકાદ સપ્તાહ પહેલાં ઓચિંતો જ એક પોસ્ટકાર્ડ મળ્યો. તેમાં પરિચિત અક્ષરો, સરનામું પણ એ અક્ષરોમાં જ અને અંદરની સામગ્રી પણ પત્ર લખનારની ઊંચી રસવૃત્તિ-જીવનવૃત્તિને ઉજાગર કરી આપે તેવી. લખાણ તો અન્ય લેખકનું પણ મહત્વ તો લખાણની પસંદગીનું મારે મન વધુ હતું. મે પોસ્ટકાર્ડ આમ તેમ હાથમાં લઇ ફેરવ્યો, જોયો મને થયું ટપાલ ખાતામાં ક્યાંક અટવાઈને પત્ર આવ્યો છે. પણ વધુ ધ્યાનથી જોયું તો પત્ર તો બે ત્રણ દિવસ પૂર્વે જ ટપાલમાં નખાયો હતો - તો આ બન્યું શું ? પત્રનું રહસ્ય ઘેરાતું જતું હતું. પણ પત્રની પાછળ જોયું, વાંચ્યું, તો તેમાં અક્ષર જુદા હતા. સરનામું અને આગળના લખાણમાં અક્ષર પરિચિત ને તેય ભિન્ન. મને થયું મહેન્દ્ર મેઘાણી તો ત્રીજી ઓગસ્ટ, ૨૦૨૨માં આખરી શ્વાસ લઇ ચુક્યા છે તો આ પત્ર....! છેક હમણાં કેવી રીતે ?

અને પત્ર ફેરવ્યો. મહેન્દ્રભાઈનાં સંતાનો અબુલ, મંજરી, ગોપાલ, અંજલી વ.એ તેમાં લખ્યું હતું. અને જણાવ્યું હતું કે, પિતાજીએ આવા થોડાક પત્રો ૨૦૧૧માં સરનામા સાથે લખી રાખ્યા હતા. તેમણે પોતાના અવસાન પછી એવા પત્રો જે તે સરનામા પ્રમાણે ટપાલમાં રવાના કરવાનું કહ્યું હતું. પ્રેમાળ સંતાનોએ પિતા મહેન્દ્રભાઈની એ લાગણીને ઊંડેથી સમજી-વાચીને એ પત્રો તેઓના દેહાવસાન પછી સર્વે આત્મીયજનોને રવાના કર્યા હતા ! એક ત્રીજી પેઢીએ સંસ્કારો કેવા વિસ્તરતા રહ્યા છે તેવો સંતાનોએ તો પરિચય કરાવ્યો જ પણ સાથે મહેન્દ્રભાઈના 'પ્રિયજનો' સુધી તેમણે ઉત્કટ ભાવનાથી એક સેતુ રચી આપવાનું સ્તુત્ય કાર્ય પણ બજાવ્યું ! હા, શબ્દને ઓળખનાર, શબ્દનું ઘર બાંધી તેમાં જીવનાર એ ત્રણ ત્રણ પેઢીને વંદન એટલે કરવાનું મન થાય છે કે હજી સંવેદનાનું ઝરણું ક્યાંક ક્યાંક ખળ ખળ વહેતું રહ્યું છે. અંગત રીતે કહું તો મહેન્દ્રભાઈને હું એક જ - કદાચ બેએકવાર મળ્યો છું, પણ ભરપૂર મળ્યો છું, બથભરીને વહાલપૂર્વકનું મળ્યો છું. તેમના વિશે મારા ચંદનનાં વૃકષ ચરિત્રગ્રંથમાં તેમનું ચરિત્ર પણ લખ્યું છે.

પણ આજે જે મહેન્દ્રભાઈની વાત કરવા ઇચ્છું છું તે થોડીક જુદી છે. મહેન્દ્રભાઈ જાગ્રત વ્યક્તિ હતા, અંદરથી ઊઘડી ગયેલા હતા, શબ્દમાં આખાય જીવનને તેમણે ભેળવી દીધુ હતું. તે શબ્દ વાંચતા લખતા એમ કહેવા કરતાં તે શબ્દને જીવતા  હતા. 'શબ્દ'માં કબીરે કહ્યું છે તેમ, તેમને બરાબરની 'ખબરાં' હતી એટલે તેમણે તેમના જીવનના સર્વ ક્રિયા-કલાપને એવા શબ્દની ભીતરી કલા સાથે જોડી દીધા હતાં. ખાવું-પીવું, બોલવું-ચાલવું-વ્યવહારમાં કેમ જીવવું, લોક સાથે, પરિવાર સાથે કે સદ્તત્વો સાથે કેવી રીતે એકરૂપ થવું, પોતાની રીતનું પરિવર્તન શી રીતે થઇ શકે, એક વ્યક્તિની યાત્રા સભર કેવી રીતે બને તે કે તેવું બીજું ઘણું તેઓ અન્યત્રથી તો પામ્યા હશે પણ વધુ તો આ 'શબ્દ' સાથેની ઊંડેરી નિસબતમાંથી મેળવ્યું ને પોતાના પિંડને રચતા રહ્યા. સાથે સંસાર અને જગત કે તેના માનવીને સમજવા પ્રયત્ન કરતા હતા. અને ઇસ્વરની લીલાને પણ તેમણે પોતાની રીતે અંકે કરી લીધી હતી.

આવી વ્યક્તિ જ જન્મ અને મૃત્યુ-ઇશ્વરાધીન છે એવી સમજ સાથે તેનો સહજપણે સ્વીકાર કરી લે. મનુષ્ય તરીકેના ઉત્તરદાયિત્વને તો તેમણે ખંતથી તંતોતંત નિભાવ્યું જ પણ અસ્તિત્વના ઉજાશની દિશાઓય તેમણે પોતાની રીતે ખોળી લીધી. આથી જ તેમણે ભીતરથી તેના નક્શાઓ પોતાની રીતે રચવા માંડેલા. એક તરફ કર્મયજ્ઞા, બીજી તરફ ધર્મ (કર્તવ્ય) યજ્ઞા, તો ત્રીજી તરફ એ ઉભયથી મળતી સંતૃપ્તિએ એમનો નિજપંથ હતો. સર્વનો સ્વીકાર સર્વનો આદર સર્વનો સત્કાર. તેથી તો તેઓ મૃત્યુ પૂર્વે અગિયાર વર્ષ અગાઉથી પ્રિયજનોને આવા પત્રો લખી રાખે છે ! મૃત્યુના સ્વાગત માટે એમણે કેટલીક પૂર્વ તૈયારી કરી રાખી હતી ! સંગ-નિસંગવૃત્તિનું આપણી નજર સામેનું દ્રષ્ટાંત મહેન્દ્રભાઈ એ રીતે બની રહે છે. જુઓ, એ પત્રમાં તેમને કુન્દનિકા કાપડિયાનો મૃત્યુ વિશેનો એક સુંદર પરિચ્છેદ ટાંક્યો છે. મૃત્યુ વિશે એમાં સહજભાવે, અંદરની પ્રાર્થના રૂપે લખાયું છે. પણ વધુ મહત્વની વાત તો મહેનદ્રભાઈ પોતે મૃત્યુ વિસે કેવી તૈયારી કરીને બેઠા હતા, કેવા ઉત્સવરૂપે તેને તેઓ જોતા હતા અને કેવી સમુદાર દ્રષ્ટિએ તે મનુષ્ય-ઇશ્વર વ. સાથે જોડાયેલા હતા - તે પણ પરોક્ષપણે વ્યક્ત થઇ રહે છે. એ પત્ર વાંચો.

'પૃથ્વી પર મારા આ છેલ્લા દિવસો છે. હવે કોઇ પણ ઘડીએ મારી આંખ મિચાઈ જાય એમ બને. જીવનની આ છેલ્લી પળોમાં હે પરમાત્મા ! હું તમારી ને કેવળ તમારી જ નિકટતા અનુભવી રહું એવું કરજો. મારું મન કશી વસ્તુમાં, કોઇ અધુરપથી ગ્લાનિમાં ન અટવાય એવું કરજો. મૃત્યુપળે હું માગું છું માત્ર તમારું સ્મરણ, તમારું સાનિધ્ય.'

હા, પત્રની લેખિકા કુન્દનિકા કાપડિયા છે. તેની બાજુમાં જ મહેન્દ્રભાઈએ પોતાની સહી પણ કરી છે. મારે મન તેથી આ પત્ર કુન્દનિકાજીનો જેટલો છે, તેટલો જ મહેન્દ્રભાઈનો પણ છે. મહેન્દ્રભાઈએ પરોક્ષરીતે તે શબ્દોમાં પોતાની લાગણીઓનો પડઘો પડયો છે, પોતાનું આર્જવ તેમાં પ્રકટ થતું જણાયું છે. મહેન્દ્રભાઈની મૃત્યુ વિશેની આવી તૈયારી આગળ નોંધ્યું છે તેમ, ૨૦૧૧થી ચાલી આવતી હતી. મૃત્યુ વિશે આવી પાકી તૈયારી 'હું કોણ છું?' 'મારે શું કરવાનું છે ?', 'જગત મધ્યે મારું શું કર્તવ્ય છે ?' જેવા પ્રશ્નોનો ઉત્તર શોધી, એ માર્ગે જીવનાર વ્યક્તિ જ કરી શકે. મૃત્યુ વિશે લખવું એક વાત છે અને મૃત્યુની મોંઢામોંઢ માણસ મુકાય, ત્યારે તે તેનો સ્વીકાર કેવી રીતે કરે છે એ બીજી વાત છે. ટાગોર જેવા મનીષીએ મૃત્યુ વિષય-જીવન દેવતા વિશે લખ્યું છે - ઘણું લખ્યું છે તેમના અંતિમ દિવસોમાં તે બીમાર હતા ત્યારે બુધ્ધદેવ બસુએ ટાગોરની મુલાકાત લીધી હતી. ટાગોર ત્યારે તેમને મૃત્યુ સામે વિચલિત થતાં લાગ્યા હતા ! મહાભારતમાં વ્યાસ 'મૃત્યુ'ને 'સેતુ' રૂપ લખે છે. જન્મ અને મૃત્યુ વચ્ચેનો સેતુ- અર્થાત્ જીવન. 

જે ઉચિત માર્ગ પકડી લે છે તેને મૃત્યુ ભયાવહ લાગતું નથી, બલ્કે, બીજા સમૃધ્ધ, અતિ સુંદર ઘરમાં વસવાટ કરવા જઇ રહ્યાનું અનુભવાય છે. વેદમાં તેથી વ્યાસ તેને 'સુંદરી'રૂપે જુએ છે ! કબીર જેવા મરમી પણ તેને 'શૃંગારિક પળ' ગણાવે છે. મહેન્દ્રભાઈ એમના ઘર અને અંતિમ ઘર - વચ્ચેની યાત્રાના પથને સુ-પથ બનાવી ચૂક્યા હતા. તેથી તો મૃત્યુનું આટલું આગોતરું, પ્રેમભર્યા યજમાનની જેમ આતિથ્ય કરે છે... મહેન્દ્રભાઈની આ પણ એક 'ભાત' છે !


Google NewsGoogle News