ગોડ! તું ગ્રેટ છે, એક્સલન્ટ છે! .

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ગોડ! તું ગ્રેટ છે, એક્સલન્ટ છે!                              . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- શ્રધ્ધા તર્કને ગાંઠતી નથી, તો શ્રધ્ધાને કારણો પણ હોતાં નથી. શ્રધ્ધા કેવળ અને કેવળ આત્મપ્રતીતિ છે.

આ કથા છે એક નિગ્રોની, એક પીડિત માનવની કદાચ આપણામાંથી પણ કોઈ એવો માનવી હોય ! નિગ્રોનું ચિત્ર તો આપણા સૌના મનમાં અમુક રીતે અંકિત થયેલું છે જ. અશ્વેત શરીર, મોટું માથું, પહોળું નાક, કંઈક જાડા કહી શકાય તેવા હોઠ. ચહેરા પર વારંવાર પ્રકટી આવતી ઉદાસી વગેરે વગેરે. કથામાંના આ નિગ્રોની ઉંમર પાંત્રીસેક વર્ષથી વધુ નથી. આર્મી મેન જેવાં કપડાં પહેર્યા છે, માથે ફેલ્ટ પણ એવી જ છે. પણ તે કંઈ આર્મી મેન નથી. નર્યો દરિદ્ર છે, કરૂણ છે. પાટિયાં-ખપાટિયાં મારેલા એક ઝૂંપડામાં તેનો નિવાસ છે. ઘરમાં અસલાલ જેવું તો શું હોય ? બહાર દોરી બાંધેલી વળગણી પર માત્ર બેત્રણ વસ્ત્રો-જૂનાં પૂરાણાં-ઝૂલે છે. હા, આ નિગ્રોની સાથે એની સાત-આઠ વર્ષની એક દીકરી છે. શ્યામ, માસૂમ ચહેરાવાળી. આછું વનપીસ પહેરેલું છે. ઉપર આભ અને નીચે ધરતી અને વચ્ચે ઝૂંપડામાં આ પિતા-પુત્રી !

ક્રિસમસના દિવસો છે. ઈશુખ્રિસ્તના જન્મનો દિવસ નાતાલનો આરંભ. પેલી શ્યામ દીકરી તો ભલીભોળી છે. તેના માટે ક્રિસમસ એટલે આનંદનો દિવસ. સારું સારું ખાવાનો દિવસ. પિતાને તે આ ક્રિસમસમાં કશુંક સારું ખવડાવે તેવું કહે છે. પણ બાપડો પિતા ખવડાવે તો શું ખવડાવે ? દીકરીની નજર ચૂકવી એક પ્લાસ્ટિકની કોથળીમાં તે પાંચ-સાત પથ્થરના ટુકડા એકત્રિત કરી લાવ્યો હોય છે. ઝૂંપડાની બહાર એક ભાગ્યાતૂટયા ચૂલા પર જર્જરિત એલ્યુમિનિયમનું તપેલું ચઢાવે છે. ચૂલાને પેટાવવા તે કાગળના ડૂચા, અહીંતહીં ઊડતી કોથળીઓ વગેરે એકઠું કરી અંદર મૂકે છે. તપેલામાં પાણી રેડે છે, દીકરી આ બધું ન જોઈ જાય તેનું ય તે ધ્યાન રાખે છે ! ઘરમાં દિવાસળીય નહોતી. દીકરીને તે બીજે ઘેરથી દિવાસળી લેવા મોકલે છે. અને પછી ચૂલો પેટાવાય છે. પથ્થર અને પાણી ઉકળ્યા કરે છે. કહો પેલા પાંત્રીસેક વર્ષના નિગ્રો પિતાના મનમાં ઊંડેથી કેટલી અને કેવી ગડમથલ ચાલતી હશે ! દીકરીને તે મીઠાઈને બદલે ઉકાળેલું, મીઠાવાળું પાણી જ આ ક્રિસમસમાં આપશે ને ? પણ-નિગ્રોબાપ એ વેદનાને ચહેરા સુધી લાવતો નથી. દીકરી કશુંક આજે સારું ખાવાનું મળવાનું છે તેથી ઉત્સાહિત તો છે જ, સાથે પિતા પર પણ તે માસૂમ એટલી જ ઓળઘોળ છે ચૂલા પર પાણી ઉકળે છે. નિગ્રોબાપ દીકરી સાથે એક બેઠક પર બેસી ક્રિસમસનું ગીત ગાય છે. ગીતના શબ્દોમાં બીજું તો શું હોય ? બાપ અને દીકરી એક જ મુદ્રામાં, એક જ અવાજમાં પ્રાર્થના શરૂ કરે છે : 

હે પ્રભુ ! તું દયાળું છે, કે ઈશ્વર, તું ઉમદા છે. હે પ્રભુ ! તું ખૂબ ખૂબ સારો છે. તું મારી જિંદગી છે. હું તને ખૂબ પ્રેમ કરું છું, તું પણ મને ખૂબ પ્રેમ કરે છે. તું મારી સાથે જ છે, તું ભગવાન ! મારી સંભાળ રાખે છે - પ્રાર્થનાના શબ્દોનો આરોહ-અવરોહ બદલાતો જાય છે, ઈશ્વર પ્રત્યેની દ્રઢ શ્રધ્ધાનો રણને વધુ બુલંદ થતો જાય છે, ચૂલો સળગતો જાય છે, પથ્થરના ટુકડા પાણીમાં ઊકળતા જાય છે. નિગ્રોબાપનો સ્વર ઊંચોને ઊંચો થતો જાય છે, દરેક શબ્દે તેનું વેદના આપણને ભીતરથી હલબલાવી રહે એ રીતે પ્રકટતી જતી હતી. દીકરી બાપના શબ્દો આનંદભેર બોલતી જતી હતી. બાપની પ્રાર્થનાના શબ્દો તો એ જ હતા પણ અહીં શ્રધ્ધા સાથે રુદન ભળ્યું હતું. એક બાપ તરીકે તેની જે દરિદ્ર સ્થિતિ હતી, એ ડૂસકું પેલી પ્રાર્થનાના શબ્દોમાં સંવેદનાશીલ માણસ સાંભળી શકે એ રીતે ઘુટાતું આવતું હતું. આંખમાં પરાણે સંતાડી રાખેલાં આંસુુ હવે બહાર નીકળવા માંડયાં હતાં. પણ શ્રધ્ધા ઈશ્વર માટે અફર હતી. શ્રધ્ધા તર્કને ગાંઠતી નથી, તો શ્રધ્ધાને કારણો પણ હોતાં નથી. શ્રધ્ધા કેવળ અને કેવળ આત્મપ્રતીતિ છે. ઈશ્વર સાથેનું ન નિહાળી શકીએ તેવું અંત:સૂત્ર છે. આ નિગ્રોનું ઈશ્વર સાથેનું એવું અંત:સૂત્ર પાકું અને સાચું રહ્યું હતું. ઈશ્વર તેના માટે ગ્રેટ હતો એક્સેલેન્ટ હતો, ગુડ હતો.

અને જુઓ, શ્રધ્ધા શું કરી શકે છે ? એવા પ્રશ્નનો અહીં તરત ઉત્તર મળી રહે તેવું અનાયાસ વાતાવરણ ઊભું થાય છે. ઝૂંપડાની નજીક જ એક શૂટ-બૂટવાળો અશ્વેત સજ્જન ગાડી લઈને આવી પહોંચે છે. પેલા નિગ્રો બાપને મળે છે. એની કોઈ સમસ્યા કે મૂંઝવણ છે ખરી ? એવો એ અગંતુક સજ્જન પેલા દરિદ્રને પ્રશ્ન કરી રહે છે. પણ આ દરિદ્ર નિગ્રો તો શ્રધ્ધાનો જીવ હતો, દયાળુ ઈશ્વરમાં તેની ભરોભાર આસ્થા હતી. તેતો ના હું સુખી છું, મારે કોઈ સમસ્યા નથી. તેવું ઝડપથી આંખમાંના આંસુ લૂછી હસતે ચહરે પેલા સજ્જનને કહે છે. પણ સજ્જન સાચ્ચે જ સજ્જન હતા. તેમણે કહ્યું, 'ના, મને તમારા માટે જ પ્રભુએ અહીં મોકલ્યો છે. આજે ક્રિસમસ છે અને તમારા માટે જ આ કંઈક મોકલ્યું છે.' સજ્જન પોતાની કારનું પાછળનું બારણું ઉઘાડે છે. દરમ્યાનમાં નિગ્રો બાપ આશ્વર્યચકિત થઈ સજ્જનને, કારને, સજ્જના વ્યવહારને નિહાળી રહે છે. ઈશ્વરને માટે તાળી પાડી રહેલા બાપ-દીકરીના હાથ અત્યારે શાંત છે. પેલા સજ્જની મદદ માટેની વિંનતી ભર્યા શબ્દોથી તે વિસ્મિત થઈ રહે છે. સજ્જનની તેને એક નાનું કુલર આપે છે, કુંલરમાં મીઠાઈ છે, સાથે ડ્રીંક્સનું એક પેકેટ પણ આપે છે. વાત એટલેથી ન અટકી પેલો સજ્જન રૂપિયાની થપ્પીવાળું એક બંડલ પણ આપે છે. નિગ્રો બાપ રૂપિયાનું બંડલ લેવા આનાકાની કરે છે. પોતાના હક્કનું તે નથી, એવું પણ કહે છે. છતાં આગંતુક સજ્જન તો ભારપૂર્વક કહે છે - 'તમારા માટે જ આ નાણાં લઈને મને કોઈકે મોકલ્યો છે.' અને સજ્જન પછી ચાલી જાય છે....

નિગ્રો બાપનો આનંદઉછાળ કલ્પી શકાતો નથી. એટલા-માટે નહીં કે આ બધી નાણાંસમેતની વસ્તુઓ મળી છે. પણ પોતાની પુત્રીને તે આજે ક્રિસમસમાં સારું ખાણું આપી શકશે, સારું પીણું આપી શકશે. નાણાંનો યોગ્ય ઉપયોગ કરી 

શકાશે તેવા કોઈક વિચારે. હવે ફરી એકવાર પ્રાર્થનાનું ચિત્ર જુદી રીતે આપણી સમક્ષ આવે છે. હવે પિતા-પુત્રી બંને ઢીંચણથી પગવાળીને - અંદર લઈને-પ્રાર્થના કરે છે. ફરી એ જ શબ્દો, વધુ આનંદ સાથે, બેવડી શ્રધ્ધા સાથે, ભીતરી પ્રકાશ સાથે પિતા-પુત્રી ઉદ્દગારી રહે છે. 

હે પ્રભુ ! તું દયાળું છે, હે ઈશ્વર તું ઉમદા છે, તું ગ્રેટ છે, તું ગુડ છે, એક્સલન્ટ છે, તું મારી સાથે જ છે. કોઈકને એવું ય થાય શું આવો ચમત્કાર થાય ખરો ? અને એવા પ્રશ્નનો ઉત્તર આપી રહે તેવો ચમત્કાર ઈશ્વર કરી રહે છે. તેવો પણ કોઈક કોઈકનાં અનુભવ તો રહ્યો જ છે ! શ્રધ્ધા સત્ને ઘારે છે. તે મોડે મોડે પણ ક્યાંક ચમત્કાર કરી રહે છે. બનોર્ડ ડેડીના એક કાવ્યની પંક્તિ અત્યારે આ નિગ્રો બાપના સંદર્ભે યાદ આવી ગઈ - I Thank you Godfor creating me Black !


Google NewsGoogle News