Get The App

અરે, કોણ છે આ શિવજી? .

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
અરે, કોણ છે આ શિવજી?                                           . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- શિવનું 'હર' રૂપ છે, 'ભવ' રૂપ પણ છે. શિવ દેવ છે તો મહાદેવ પણ છે. શિવ રાજાઓના રાજા છે તો ભગવાનોનાય ભગવાન છે

શિ વનું સદૈવ એક અકળ આકર્ષણ રહ્યું છે. હું જ્યારે જ્યારે મને પૂછું છું કે કોણ છે આ શિવ ? મને તરત ઉત્તર મળી રહે છે - તારા શૈશવકાળનો ભેરુ. હા, શિવ મારો ભેરુ છે. શૈશવ-કિશોરાવસ્થાના એ દિવસોનું સ્મરણ કરું છું ત્યારે મારા ગામમાં આવેલું શિવમંદિર સ્મરણમાં આવે છે. અમારી ઘણી સાંજ એ શિવ-સંનિધિમાં વીતી છે, મંદિરની અંદર પ્રતિષ્ઠા પામેલી શિવ-પાર્વતીની મૂર્તિને સાંજે રોજ પ્રણામ કરવાનો એક સિલસિલો હતો. આરતી ટાણે સપ્તાહમાં ત્રણચાર દિવસ મંદિરનો ઘંટ વગાડવાનું મારે ફાળે આવતું. ઘંટનાદનો મર્મ, 'ઓમ' શબ્દનો મર્મ, પછી સમજયો પણ તેનાં કંપનો તો ત્યારથી અનુભવતો આવ્યો છું. કદાપિ વરસાદની ઋતુ ઠેલાય તો એ મંદિરમાં જ ચારે કોર માટીની પાળ બાંધી, ગામમાંથી અનેક જણ આવી જલાભિષેકથી શિવની મૂર્તિ આખી ડુબી જાય, પાણીનું સ્તર ગોખમાં બેઠેલાં પાર્વતીના ચરણ સુધી પહોંચે, ત્યાં સુધી જળાભિષેકનો મારો ચલાવે મારા ત્યારના નાના નાના હાથે ઉમળકાથી એવા શિવજીને રીઝવવામાં ભાગ ભજવ્યો છે. અરે, જળ-માળા પણ એ શિવજીને રાજી કરવા, વર્ષા લાવવા કર્યા છે. ઈશ્વરની આરંભે 'શિવ' રૂપે આમ મારા ગામના એ મંદિરે ઓળખ કરાવી...

- અને એમ ઉત્તરોત્તર શિવમય થવાનું એક વિનાકારણનું વ્રત, મારી રીતનું વ્રત, ચાલ્યા કરે છે. કયા શિવ ? વિચિત્રવેશી શિવ ? વ્યાધ્રચર્મવાળા શિવ ? શિવતાંડવવાળા શિવ ? એક હજાર જેટલાં એક એકથી ચંડિયાતા ગુણવિશેષવાળાં નામ ધરાવતા શિવ ? ગિરિજાપતિ શિવ ? નીલકંઠ ધરાવનાર શિવ ? ગળામાં નાગ વીંટી રાખનાર કે જટામાં ગંગાને બાંધી રાખનાર શિવ ? પેલા ત્રિશૂલ કે ડમરુંધારી શિવ ? ભભૂતિથી દીપ્ત શિવ ? શિવચાલીસાના શિવ ? શ્રાવણમાસમાં જેનું વિશેષરૂપે ગાન કરવાનું બધાને ગમે છે એ શિવ ? અનેક વિરોધી ગુણો-વિશેષતાઓથી ભર્યા ભર્યા શિવ ? પેલા ત્રીજું નેત્ર ધરાવનાર શિવ ? ધંતુરાના પુષ્પથી કે બીલીપત્રથી પ્રસન્ન થઈ રહેતા એ શિવ ? નંદી નામના બળદ પર સવારી કરી રહેતા શિવ ? રાક્ષસોને જન્માવી રહેનાર શિવ ? રાક્ષસોનો સંહારક શિવ? અનેક કથા-વાર્તાવાળા શિવ? હિમાલયની ગાયો પર ગુસ્સે થયેલા શિવ ? હિમાલયના શીત શિખરો વચ્ચે આસનસ્થ શિવ? ભાષા-નૃત્ય-સંગીતના આદ્ય પ્રવર્તક એવા શિવ? શિવપુરાણમાં જેમનો અપરંપાર મહિમા કરવામાં આવ્યો છે, જ્યાં અનેક પુરાકલ્પનીય વિશ્વખડું થાય છે, જ્યાં શિવનું આખુંય તાદશ ચિત્ર રચાયું છે, એ શિવ ? આનંદની પ્રતિપળે અનુભૂતિ કરાવી રહે છે એ શિવ? મૃત્યુંજયના જાપ કરી રહેનારની વાંછાને પૂરી કરી રહે છે એ શિવ ? અથવા વિરૂપ જણાતા પણ એની પૂંઠે એટલા જ દર્શનીય એવા દિવ્યતાથી ભર્યા ભર્યા એ શિવ ? અથવા ઉંમરને ઓળંગી ગયા છે એ શિવ ? કે પછી જે શાશ્વત છે એ શિવ ? કે પછી ઓમકારના ધ્વનિ સાથે વિવર્તાતું વિરાટ અદ્રશ્ય રૂપ અને તેની એવી જ નિ:સીમ શક્તિ-એ શિવ ? કે પછી સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ એવું એક અસ્તિત્વ એ શિવ ? અથવા સૃષ્ટિનો સંહાર પણ કરી શકે અને નવી સૃષ્ટિ જન્માવી પણ શકે એવા કર્તા-હર્તા એ શિવ ? બસ, પ્રશ્નો તો થતા જ રહે છે, થતા જ જાય છે અને શિવનાં અદ્દભુત રૂપો નજર સમક્ષ તરવરતાં જાય છે. કહો કે દરેકને પોતાનો એક અનેકગણું વિશિષ્ઠ 'શિવ'. બધા જ પ્રશ્નો પછી પણ શેષ રહી જાય છે. એ શિવ સાચ્ચે જ અકળ છે.

શિવનું 'હર' રૂપ છે, 'ભવ' રૂપ પણ છે. શિવ દેવ છે તો મહાદેવ પણ છે. શિવ રાજાઓના રાજા છે તો ભગવાનોનાય ભગવાન છે. હિન્દુઓના આ પરમ પ્રિય દેવ છે એટલું કહેવું પર્યાપ્ત નથી. તેઓ સમગ્ર સૃષ્ટિના દેવ છે, સમગ્ર માનવજાતિના દેવ છે. અન્ય દેવોમાં પણ તેનું સૂક્ષ્મ રૂપે વિસ્તરણ થતું આવ્યું છે. દેવકૂળ શોધવા ઝંખતો માણસ પાછલા પગલે પહોંચે તો તે શિવ પાસે આવીને જ અટકવાનો. શિવ તેથી જ દેવાધિદેવ છે. શિવ ઝડપથી રીઝી જનાર છે તો ઝડપથી ગુસ્સે થનાર દેવ પણ છે. શિવ ભોલા-નાથ છે, ગંભીર છે તો બેફિકર પણ છે. શિવ ઉદાર, અતિ ઉદાર છે. ભક્તિથી એ જલ્દીથી રાજી થઈ ઊઠનાર દેવ છે. જીવ જો શિવ સાથે જોડાઈ રહેવા તૈયાર હોય તો શિવજી તો એવા જીવને પોતાનામાં ભેળવી દેવા ઉત્સુક જ હોય છે. જીવ-શિવ ભેગા થાય ત્યાં એકત્વ સધાય, ત્યાં સૃષ્ટિનું અને જીવનનું સંગીત એના ઉત્તમ રીતે બીજી રહે. આદ્ય શંકરાચાર્યે નિર્વાણશટકમ રચીને જીવ અને શિવના અદ્વૈતનો પરમ મહિમા કર્યો છે. જેણે શિવનું આંતર-બાહ્ય ગુંજન સાંભળ્યું છે એ શિવત્વ સુધી વિસ્તરી શકે છે તે શંકરાચાર્યે  સમુચિત રીતે દર્શાવ્યું છે. ત્યાં મસ્તક, બુધ્ધિ, અહમ્, ચિત્તનું બિંબ, પંચેન્દ્રિયો, આકાશ ધરા અગ્નિ, પવન કશું નથી માત્ર શાશ્વત શિવત્ય છે. ત્યાં તિરસ્કાર-રાગ, લોભ-મદ ઈચ્છા-કામના નથી, માત્ર શાશ્વત ઓળખ છે. ત્યાં દુ:ખ-સુખ નથી, ભોજક-ભોજન નથી, ભોક્તા પણ નથી - માત્ર ચેતના-માય પરમાનંદ શિવ છે. ત્યાં મૃત્યુ નથી, ત્યાં સંશય નથી, મિત્ર-ગુરુ-શિષ્યની વાત નથી, માત્ર પરમાત્મા છે. ત્યાં આકાર નથી, ખેંચાણ-જોડાણ નથી, ઈચ્છા-મુક્તિ કશું નથી. માત્ર સોડહમ્, શિવ છે.

હા, શિવનું સ્મરણ-સ્તવન-મનન-ચિંતન ઋગ્વેદને યાદ કરીને કહીએ, તો આ એકમ સત્નું ગાન છે. જ્યાં એકમ્ સત્ છે ત્યાં નિરાહંકાર હોય, નિષ્કપટપણું કોર, સંપૂર્ણપ્રેમરૂપ હોય. શિવ વૈશ્વિક ચેતના છે, વૈશ્વિક શક્તિસ્પંદ છે, વૈશ્વિક સંદર્ભે ઉત્ક્રાન્ત થતી આવેલી ને ઘૂંટાઈને 'શિવ' નામ ધારણ કરી ચૂકેલી શક્તિ છે. જીવન પણ શિવ સુધીની યાત્રા કરી શકે છે, શિવત્વનો વિકલ્પ તેના માટે પણ એટલો ખુલ્લો છે. અમિષા જેવા લેખકની શિવ પરની ત્રણ કથાઓ વાચનારને લાગવાનું કે 'શિવ' ઈશ્વરથી કંઈક વધુ છે, તો માનવ એવી પ્રચંડ શક્તિઓથી ઈશ્વરત્નના દ્વાર સુધીની 

યાત્રા પણ એટલી જ સહજતાથી કરી શકે છે. સૃષ્ટિ-જગત જ્યારે એની પીડાઓની ટોચ પર હોય, સર્વત્ર અંધકાર જ વિસ્તરતો જતો હોય, પ્રકાશનું કિરણ સ્વપ્નવત્ બની જાય, અધર્મ જ ધર્મ લેખાય, દુષ્ટ જ સજ્જનમાં ખપવા લાગે ત્યારે કોઈ પ્રચંડ-ચંડ શક્તિ એવા વિશ્વને ઉગારી લે છે અથવા એનો નાશ કરી રહે છે. એવા ઉદ્ધારકને કોઈ 'શિવ' રૂપે જુએ, કોઈ દેવોના દેવ મહાદેવ રૂપે જુએ, કોઈ વ્યક્તિ ચેતનાનું પરમોચ્ચ શિખર એને લેખે. બ્રહ્માંડ સદા એવી શક્તિને જરૂર નમન કરવાનું, સ્તવન કરવાનું, એની વાણીનું શ્રવણ કરવાનું. સત્ય અને સુંદર શિવથી અભિન્ન છે....


Google NewsGoogle News