તું તારો દીવો થા ! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ગુરુઓએ, અનામ જીવનોમાં ઘણા ચમત્કાર સર્જ્યા છે, ઘણાંના જીવનવહેણ બદલી નાખ્યાં છે.
'ગુ રુ' શબ્દમાં આમ તો બંને અક્ષર લઘુ છે. અર્થાત્ ભાર વિનાના, બોલવામાં પણ સરળ અને લખવામાં પણ સહજ - સરળ ! છતાં આ 'ગુરુ' શબ્દ વધુમાં વધુ વજનવાળો છે, વધુમાં વધુ અર્થસભર છે, વધુમાં વધુ તેનું માહાત્મ્ય રહ્યું છે. સમય બદલાય છે, સમાજો બદલાય છે, અરે, સંસ્કૃતિમાં પણ ચઢાવઉતાર આવે છે, શિક્ષણ કે ધર્મનાં માળખાંમાં પણ પરિવર્તનો આવે છે છતાં હજી 'ગુરુ' શબ્દ એટલો જ સ્થિર રહ્યો, એટલો જ પ્રસ્તુત પણ રહ્યો છે. હા, ગુરુઓ બદલાયા છે, તેમની ચાલનાઓમાં ક્યાંક ફેરફારો જોવાય છે, તેમના આશયો પણ ક્યાંક બદલાતા જોવા મળે પણ 'ગુરુ' શબ્દની જે મૂળ સમજ છે તે તો હજી એવી જ એકબંધ છે.
ઋષિકાળનો 'ગુરુ' શબ્દ એક રીતે તો તેજભર્યો શબ્દ છે. 'ગુરુ' એટલે જ્ઞાન, ડહાપણ, સમજ, શક્તિ, પ્રેમ, આશીર્વાદ, માર્ગદર્શન, સારપ અને સંબંધો... હજી ગુણોની એ યાદી લંબાતી જાય. તેમાં વિવિધ કૌશલ્યો પણ હોય, સમયની સાથે, સમયની આગળ ચાલવાના રસ્તા પણ તે દર્શાવે. યથાર્થ અને યથાર્થની પારનું, દ્રશ્યની પારનું અદ્રષ્ટ પણ તે બતાવે કહો કે ગુરુ જ અવર બ્રહ્મા, ગુરુ જ નિયંત્રિત કરતી શક્તિ કે અપાર દ્યુતિ એવું એક સર્વ સામાન્ય સમીકરણ સતત રચાતું આવ્યું છે. સંસ્કૃતિએ એવા 'ગુરુ'નો આદર કર્યો છે, તેને પૂજનીય-વંદનીય વિભૂતિ રૂપે નિહાળ્યો છે. આપણા વેદો-ઉપનિષદો- પુરાણો અને ગીતા સમેતના ગ્રંથોએ ગુરુને જ બ્રહ્મા, મહેશ્વર કહ્યો છે. આવું સાક્ષાત્ ઈશ્વરરૂપ જેનામાં આદિ કાળે - સંસ્કૃતિના આરંભે ને પછીનાં વર્ષોમાં પણ જોવાતું આવ્યું છે એ 'ગુરુ'નું સમયે સમયે આજે પણ એક યા બીજા રૂપે પૂજન-અર્ચન અલબત્ત, થતું રહ્યું છે.
મેકરણ લો, મીરાં લો, અખો લો, દાસી જીવણ લો કે નામદેવ કબીર વગેરેનો લો. સૌએ જીવનદીક્ષા-જીવન સમજ માટે ગુરુનો એક સરખો મહિમા કર્યો છે. શોધ દરેકની અલગ અલગ, અનુભવો દરેકના ન્યારા પણ 'ગુરુ' મળતાં બધું પછી અંદર-બહાર ઝળહળ ઝળહળ થઈ રહેતું. આ 'ઝળહળ' કરી મૂકે એ ગુરુ એવું સાદું સમીકરણ રચીએ તો પણ ગુરુ સ્થાનની અગત્ય સમજાય. 'ગુરુ' શબ્દ આંખ સામે આવતાં જ સાંદીપનિનું સ્મરણ થાય, વિશ્વામિત્ર યાદ આવે, વસિષ્ઠ યાદ આવે, દ્રોણની સ્મૃતિ જાગી રહે, વાલ્મીકિ સાંભરી આવે - આ યાદી ખાસ્સી લંબાવી શકાય તેવી છે. મૂળ વાત આવી 'ગુરુ' શક્તિની છે, તેની ચેતનાની વ્યાપક અસરની છે. એથી તો આપણો સંત સાવ મિતાક્ષરમાં ઉદ્ગારી રહે છે : ગુરુ અને ગોવિંદ બંને સન્મુખ છે. અરે, હું કોને પાયે લાગું ? અને ઉત્તર મળે છે - ગુરુનાં ચરણ પ્રથમ સેવો... કદાચ કવિનો મર્મ એ પણ છે કે ગોવિંદ તો 'મહાતીર્થ' છે જ, પણ મહાતીર્થ સુધી પહોંચાડનારો તો પેલો 'ગુરુ' છે. જીવનમાં-અધ્યાત્મમાં અને આપણા કૌશલમાં 'ગુરુ' જ, સાચો ગુરુ જ, સાચો માર્ગ ચીંધી રહેતો હોય છે, તે જ દિશાસૂચન કરે છે, તે જ ઊર્જાની સન્મુખ મૂકી આપે છે.
જેઓ એવી ગુરુપ્રસાદી પામ્યા છે તેઓની યાદી પણ સમયે સમયે લંબાતી રહી છે. અનેક આમ ગુરુઓએ, અનામ જીવનોમાં ઘણા ચમત્કાર સર્જ્યા છે, ઘણાંના જીવનવહેણ બદલી નાખ્યાં છે. રામનું દ્રષ્ટાંત તો સદા-સર્વકાલ નજર સમક્ષ રહ્યું છે. અર્જુનનું વ્યક્તિત્વ પણ આપણી નજર સામે જ છે. અરે, એકલવ્ય જેવાનું દ્રષ્ટાંત પણ જુદી રીતે સ્મરણમાં રાખવું પડે તેમ છે. પ્રત્યક્ષ ચમત્કાર તો ગુરુ સર્જે છે જ, પણ અપ્રત્યક્ષ રહીને ય તે મનોમન ચેતના-ઊર્જા શિષ્યમાં સ્મરણ માત્રથી પ્રોવી રહેતો હોય છે. આપણા સંખ્યાબંધ સંતોની ચેતનામાં ગુરુઓની આશીર્વાદભરી વાણી અને તેમની શુદ્ધ વર્તણૂંકનો જ મોટો હિસ્સો રહ્યો છે. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ જેવાં ગુરુ-શિષ્યના સંબંધોની અકળ લીલા હજી આપણી સામે સમયદ્રષ્ટિએ સાવ તાજી જ લેખાય. અબ્દુલ કલામ જેવાનું નામ પણ ઉમેરી શકાય.
આજે 'ગુરુ' શબ્દનો મૂળ અર્થ તો હજી એ જ રહ્યો છે, પણ 'ગુરુ' શબ્દને કલંક લગાડે તેવી ઘટનાઓ પણ આપણી આસપાસ જોવા મળે છે. ન-ગુરુ હોવું એ એક સમયમાં અપરાધ જેવું હતું તો આજે એક જુદી પરંપરા પણ શ્રીમંતો-ઉપલાવર્ગમાં ઊભી થતી જાય છે અને તે છે - પોતાને કોઈ એક ગુરુ હોવો જોઈએ. પછી એ ગુરુ કોણ, કેવો, શા માટે ? એવા પ્રશ્નો કોઈ કરતુ નથી ! પરિણામ એ આવ્યું છે કે 'ગુરુ'નું ગૌરવ હવે તૂટતું જાય, ખંડિત થતું જાય, તેનો મહિમા અસ્ત થતો જાય એવું અનેકવાર જોવા મળે છે. ઋષિકાળના 'ગુરુ'થી એમ આજનો 'ગુરુ' ખાસ્સો અલગ બની રહ્યો છે, મૂળ વિભાવથી દૂર તે સરી રહ્યો છે. સ્ટેટસ માટે, સમાજમાં ધાર્મિક કહેવડાવવા માટે તેથી હવે લોકો કોઈ પણને ગુરુ કરી બેસે છે ! પરિણામે દિશાભ્રાન્ત ગુરુ શિષ્યને પણ ધન હરી વેગળો મૂકી દે છે. આત્મતત્ત્વની ઓળખ કરાવવાને બદલે એવા ગુરુઓ પોતે જ અનાત્મ થકી વિશાળ સામ્રાજ્યોના માલિક બની રહ્યા છે. તેવા ગુરુનાં ડ્રેસ અને એડ્રેસ બદલાઈ ચૂકયાં છે. સમાજે એના માઠાં પરિણામો પણ ક્યારેક ક્યારેક ભોગવ્યાં છે જ.
વાત તો છેવટે અખા કે બુધ્ધ જેવા કવિ-ચિંતકો પાસે આવીને અટકે છે. સમાજનો એક નાનો, સમજભર્યો, ડહાપણભર્યો વર્ગ, એવું સ્વીકારતો આવ્યો છે કે બુધ્ધ સાચા છે. 'તું જ તારો દીવો થા !'. અખો પણ તાર સ્વરે કહે છે 'તું તારો ગુરુ થા', 'તું તારું સલૂજીને બેસ' વાત હવે પોતે જ પોતાના ગુરુ થવાની છે. જે છે તે ભીતર છે, ઈતર કશું નથી. રજનીશજીએ તેથી જ એકથી વધુ વાર છેતરપિંડી કરનારા ગુરુ વેશધારીઓ પર પ્રહાર કર્યા છે. હા, 'ગુરુ' જો સમર્થ હોય, શુદ્ધ ચેતનાવાળો હોય તો જરૂર વખતે તે તમારા પ્રશ્નમાં આશ્વસ્ત કરી શકે પણ તે પછીનો માર્ગ તો જાતે ખોલવાનો છે. આપ મૂઆ વિના સ્વર્ગ મળવું કેવી રીતે શક્ય બને ? આત્મપ્રતીતિ જ ઉપર તરી રહે છે. એટલે આપણા સમયમાં 'ગુરુ'ના મૂળ વિભાવને ફરી એકવાર પ્રતિષ્ઠિત કરવાનું ટાણું આવ્યું છે. દંભલીલાઓને ખુલ્લી પાડવાની છે. સાચી સાધુતા શી છે એ વાતને સમજવાની છે. અંદરની ચેતનાને જગવે તેવો ગુરુ મળે તો જરૂર બેડોપાર થાય પણ એવા ગુરુ ક્યાં છે ?
ચાલો, આપણે અંદર અને બહાર - બંને રીતે ગુરુ શોધ આદરીએ. સંભવ છે કે કશેક તો નિષ્ઠાભરી શોધનું સુચારુ પરિણામ મળી જ રહેશે. સાચા ગુરુને સદા પ્રણામ જ હોય ! એવા ગુરુ વિના જ્ઞાન ક્યાંથી ?