સુકન્યાનું ઢોલવાદન...
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ગીતસિંહ માટે કહેવાય છે કે તે ભારતની પહેલી ને એકમાત્ર ઢોલવાદક કન્યા છે
આ લખી રહ્યો છું ત્યારે જોગાનુજોગ પાંચેક દિવસ પછી નારીદિન પણ આવી રહ્યો છે. ત્યારે માતૃભાષા દિનની જેમ નારી, નારીચેતના વિશે શબ્દોનાં તૈયાર ચોસલાં મૂકી દેનારા હડિયાદોટ કરવાના. અનેકોનાં અવતરણો અને જૂની નવી કહેવતો મૂકી 'નારી'ને ત્યારે એ લોકો સમજાવશે. પણ નારીને સમજવાની વાત એવાઓમાંથી ભાગ્યે જ કોઈ કરશે. અરે, એવી ચાવળાઈ કરવાને બદલે આપણી આસપાસ જે કંઈક જુદું થઈ રહ્યું છે, ઊફરી ચાલે કોઈ ચાલી રહ્યું છે, તેની તરફ નજર નાખોને. નારી પ્રશસ્તિને બદલે નારીની એ નોખી ચાલનાની વાત કરોને- નારી દિનનું સાર્થક્ય કદાચ એવી બાબતોમાં શોધવું ઘટે.
હા, હું, કન્યા-સુકન્યા- નારીવૃન્દને અને પુરુષ-યુવાનો ઇચ્છે તો તેમને પણ આ વાત સંભળાવવા માગું છું. આ તો એક હમણાં જાણવા મળેલું દ્રષ્ટાંત છે બાકી ચારેકોર એવું ઘણું બની રહ્યું છે. નારીચેતના માટે એવી ઘટનાઓને સમાજ સામે લાવવી રહી. મોટીવેશનલ લેકચર્સ એટેન્ડ કરીને કોરાધાકોડ પરત ફરનાર જિજ્ઞાાસુઓને પણ કહું છું કે લેકચરબાજી છોડો, આવી જીવનબાજીને જાણો. જીવનને કોઇપણ પસંદગીના ખૂણેથી ખીલવી શકાય છે માત્ર ખંત અને તંત જોઇએ, જિદ્દીપણું જોઇએ, ધૂન જોઈએ, બેફિકરાઈ જોઈએ, ઊંડી નિસબત અને પૂરી લગન જોઈએ. કોઈ પણ કશુંક કરવા ઈચ્છતી નારીમાં - કન્યામાં આવી શક્યતાઓ છૂપાયેલી હોય છે જ.
એવા એના શક્તિ ખજાનાની ચાવી પણ એની પાસે છે. માત્ર આપણે જો કંઇક કરવું જોઈએ એવું જે વિચારનારાઓ થોડાક છે તેમણે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું પડે, તેમ ન કરી શકે તો કમસે કમ આગળ વધવા ઈચ્છતી એવી સ્ત્રીના માર્ગમાં રોડાં ન નાખીએ તો પણ ઘણું. હું અહીં જેની વાત કરી રહ્યો છું એ છે જહાન ગીતસિંહ. એકવીસ વર્ષની એ નમણી, ભાવવાહી ચહેરો ધરાવતી સુકન્યા છે. તેના અંગાંગમાં સ્ફૂર્તિ છે, થનગનાટ છે, નર્યો આનંદઓઘ લાગે. ચંદીગઢની આ રહેવાસી ગીતસિંહને નાનપણથી ઢોલનું, ઢોલ વગાડવાનું ઘેલું હતું. બાર વર્ષની ઉંમરથી તેણે ઢોલ હાથમાં પકડયું તે પકડયું. હું એક યુવતી છું અને ઢોલ હું વગાડીશ તો લોકો શું કહેશે એવી ભીતિ તેણે કદી સેવી નહોતી. બસ, હું ઢોલ વગાડીશ, મારા તાલે નાચીશ અને ઢોલનો એવો તાલ હશે કે સાંભળનારને પણ અવશ્ય થઈ નાચવું પડશે. એક સુકન્યા તેની અંદરની ઈચ્છા પ્રમાણે ધારે તે કરી શકે એ વાત તે બરાબરની આરંભેજ સમજી ચૂકી હતી.
ઢોલ વગાડવાનો તેણે આરંભ કર્યો ત્યારે તે દરેક થાપમાં પોતાનો પ્રાણ રેડવા પ્રયત્ન કરતી. બંને હાથે એવી થાપ આપવામાં લોહી વહી જતું, પારાવાર વેદના થતી, પણ પાટાપિંડી કરી તે વળી આગળ ઢોલ વગાડવાનું ચાલુ રાખતી. ના ડરી, ના ડગી. હિંમત હાર્યા વિના અંદરની ચેતનાને, તેના લયને તે તેની થાપમાં ઊતારતી ગઈ. શરૂ શરૂમાં ઘરના કોઈ ખંડમાં તે પોતાનો રિયાઝ કરતી. થાપ ચૂકતી તો ફરી આરંભ કરતી. થાપને ક્યાં કેવો આરોહ-અવરોહ આપવો, કેવી રીતે સાંભળનારમાં એ થ્રિલ ઊભી કરી શકે એ બધાંનો પણ તે મનોમન ખ્યાલ રાખતી. કહો કે તેણે પોતે જ પોતાના ચરણમાં બેસી એ કૌશલ પ્રાપ્ત કર્યું.
ગુરુ પણ એ શિષ્ય પણ એ. આરંભે તેણે પોતાના ઓરડાને ગુંજથી ભર્યો, ધીમે ધીમે એ અવાજ કેવો રંગ લાવી રહ્યો છે તે તેણે અનુભવ્યું. અને એની એવી લગનીનો પરિવારના જનોને પણ અનુભવ કરાવ્યો. પરિણામે પરિવારને લાગ્યું કે ગીતસિંહ ઢોલ માટે જ જન્મી છે, ઢોલ જ એનો રસ છે, ઢોલ જ એનું જીવન છે, એ જ એનો આનંદ છે, પ્રાણ છે. પરિવારજનોએ એને પછી મોકળું મેદાન આપ્યું.
તેના પ્રયત્નોને સૌએ બિરદાવ્યા, તેને પ્રોત્સાહન પૂરું પાડવા માંડયું. અને ઢોલ પ્રત્યેનું, કલા પ્રત્યેનું એનું આવું સમર્પણ પછી રંગ લાવી દે છે. તે ઘર છોડી ગામ-નગર-શહેરો સુધી પહોંચે છે. આરંભે ઘરમાં ધીમેથી ઢોલ વગાડતી ગીતસિંહ હવે પૂરી તાકાતથી ઢોલ વગાડે છે. તે સાચા અર્થમાં દ્રઢ- મનોબળથી અને નિરંતરના પ્રયત્નોથી પોતાને ઢોલવાહક પુરવાર કરીને રહે છે.
લગ્ન પ્રસંગે નિમંત્રણ મળે તો તે ત્યાં પહોંચી જાય છે, પ્રોફેશન કોઈ નિમંત્રણ મળે તો ત્યાં પણ પોતાનો કસબ દર્શાવવા આનંદથી જાય છે. ચંદીગઢની આ સુકન્યા છ કિલો વજનનું ઢોલ ગળામાં ભેરવીને બંને હાથથી, દાંડી લઈને ઢોલમાંથી જે રણકો ઊભો કરે છે એ રણકાથી આસપાસના એના ઢોલને માણી રહેલાનો હાથ-પગ થિરકવા લાગે છે. દરેકના હૃદયમાં એ ઢોલની થાપ હલચલ મચાવી મૂકે છે. બસોથી ય વધુ કાર્યક્રમોમાં તેણે આવું કૌશલ દાખવી બતાવ્યું છે. એની યાત્રા વણથંભી છે, આ તો પ્રારંભ માય છે. અત્યારે ગીતસિંહ માટે કહેવાય છે કે તે ભારતની પહેલી ને એકમાત્ર ઢોલવાદક કન્યા છે. યંગેસ્ટ-ઑન્લી ઢોલ પ્લેયર ઓફ ઇન્ડિયાનો ખિતાબ પણ મેળવી ચૂકી છે. આરંભે કોઈક કોઈક મજાક ઉરાડનારાના મોં આજે બંધ થઈ ગયા છે. સૌ એની ઢોલવાદક તરીકેની કળા પર વારી ગયા છે. નરી પ્રસન્નતા સાથે, પૂરી તન્મયતા સાથે એને ઢોલ વગાડતાં જોઈએ છીએ ત્યારે લાગે છે કે ગીતસિંહને એનું મનગમતું જીવન મળી ગયું છે. એના ઢોલને સાંભળવા માટે થતી ભીડમાં આયુષ્યમાન ખુરાના જેવા અભિનેતાઓ પણ છે.
નારીશક્તિ વિશે ચર્વિતચર્વણા કરીને, શબ્દોને આડાઊભા કાંતી રહેલાઓને તો ક્યાંથી રોકી શકીશું ? બસ, ઢોલવાદક ગીતસિંહ પોતાનામાંથી જ પોતાનો એક નૂતન આવિષ્કાર સર્જ્યો છે તે તેવાઓ જુએ, માણે... અને એવાં બીજા અનેકોનાં કૌશલ સુધી પહોંચે...