પ્રકૃતિ-આપણું પિયર ! .

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
પ્રકૃતિ-આપણું પિયર !                                               . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- ક્યાં છે આપણી મૂળની ગંગા અને આપણી યમુના ? ક્યાં છે આપણો મૂળનો હિમાલય ?

મને કોઈ પ્રશ્ન પૂછે કે - 'તમને જીવવું કેમ ગમે છે ?' તો મારો ઉત્તર છે : વૃક્ષો છે, પહાડો છે, પંખી છે, નદી છે, કહો કે પ્રકૃતિ છે એટલા માટે.

કોઈ વળી મને બીજો પ્રશ્ન કરે કે - 'તમને કેવા સ્થળે રહેવું-વસવું ગમે ?' મારો જવાબ છે - વૃક્ષ શ્રેણીઓ વચ્ચે, પહાડો વચ્ચે, હિમાલય જેવા સ્થળે... હા, હું તળપદમાં જ શ્વાસ ભરતો રહ્યો છું. પ્રકૃતિએ જ મારી પ્રકૃતિ અને શબ્દકૃતિને ઘડવામાં હિસ્સો આપ્યો છે. હું સતત પામતો આવ્યું છું કે સૃષ્ટિના પદાર્થો, ઘટનાઓ કોઇક ને કોઇ રીતે પરસ્પર ગૂંથાયેલાં છે. અંગાંગીભાવે તેમનું જોડાણ રહ્યું છે. પ્રકૃતિ આપણાથી ભિન્ન છે જ નહીં. પ્રકૃતિ વિનાનું આપણું જીવિત, આપણું અસ્તિત્વ હોઈ શકે નહીં. તેનાથી દૂર જવું એટલે આપણે આપણાથી દૂર જવું. આવી દૂરતા સૃષ્ટિનો સંવાદ ખોરવી નાખે છે. ઘણું ક આપણે ન ધારતા હોઈએ તેવું ય તેથી વિપરીત બની રહે છે. આપણે આજે પ્રકૃતિ સાથેનું એકત્વ ક્રમશ: ગુમાવતા જઇએ છીએ એ વાત ચિંતાનો વિષય બનવી જોઇએ.

પ્રકૃતિ ઇશ્વરનો પ્રસાદ છે. ત્યાં જ આપણો વાસ છે, શ્વાસ છે. પ્રકૃતિ અને સંસ્કૃતિની પરસ્પરાશ્રિતતાનો આપણે ત્યાં અને અન્યત્ર પણ થયેલો વિચાર આપણે ધીમે ધીમે ભૂલતા જઇએ છીએ. પ્રકૃતિ એક વસ્તુ, પદાર્થ કે દ્રશ્ય માત્ર નથી. તે આપણું અંત:સૂત્ર છે. તે આપણને પ્રેમ શીખવે છે, તે સૌંદર્ય પ્રતિ દોરી જાય છે, તે નિરાડંબર રહેવાનો સ્વયં એક પાઠ છે. તે ખુદ એક અધ્યાત્મ છે. તેનીપાસે કશીક એવી અગોચર શક્તિ છે કે જે ઋષિઓ પાસે વેદ સર્જાવે છે, ઉપનિષદો સર્જાવે છે, રામાયણ-મહાભારત સર્જાવે છે. જે જીવનમર્મને, જીવનધર્મને ખોલી આપે છે. પ્રકૃતિ સંગીત છે, પ્રકૃતિ ગીત છે, પ્રકૃતિ ધર્મ પણ છે, અનેકોએ આ પ્રકૃતિનો પોતાના ગુરૂ તરીકે સ્વીકાર કર્યો છે. અનેકોએ સહજરૂપે જ તેનો શક્તિ-સૌંદર્યના સ્રોતરૂપે મહિમા કર્યો છે. અનેકોને એ પ્રકૃતિ પાસેથી જ જુદા જુદા પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થઇ છે. આ પ્રકૃતિએ તેનાં વૃક્ષો અને પહાડોએ અનેકોના જીવનને અર્થ આપ્યો છે, વૃક્ષ બોધિવૃક્ષ બન્યું છે, પહાડ બોધિ પહાડ બન્યો છે. શું છે આ વૃક્ષો, પહાડો, પંખી, સરિતા કે સૂર્ય-ચંદ્ર પાસે ? શું છે આ ધરતી પાસે, તેની ચારુતા પાસે, તેનાં સંખ્યાતીત આકૃષ્ટ કરી મૂકે તેવાં લીલારૂપો પાસે ? કે રાધા-કૃષ્ણ-ગોપીઓનું આખુંય વિશ્વ વારંવાર આપણને વૃક્ષો નદી પાસે લઇ જાય છે ? કેમ પારાવાર લૌકિક અલૌકિક કથાઓ વનશ્રી વચ્ચે જ ઘટે છે, વૃક્ષો પહાડો સરિતા-સમુદ્રો કે અરણ્યની આસપાસ જ ગૂંથાતી આવી છે ? અધ્યાત્મના કે સૌંદર્યના પિપાસુઓ શા માટે પ્રકૃતિના એવા સ્પૃહણીય દર્શનીય ભૂભાગો પાસે જ પલાંઠી વાળીને બેઠા છે કે હજી પણ બેસવાની ઇચ્છા ધરાવે છે ?

પ્રકૃતિ જ આપણું સદાનું સાચું સરનામું છે. ભાષા મળી, સભ્યતા પામ્યા, ગણિત શીખ્યા અને ધીમે ધીમે આપણે આપણા સરનામાને વિસારે પાડતા ગયા. ઇશ્વરી સામ્રાજ્યને છોડીને આપણે આપણું સામ્રાજ્ય રચવામાં કે એના વિસ્તારમાં કે એના પ્રભુત્વ માટેના પ્રયત્નોમાં પડયા. પ્રકૃતિની આપણે કૃતિ હતા તેના બદલે પ્રકૃતિના આપણે પ્રતિસ્પર્ધી બન્યા. વિજ્ઞાાન આવ્યું એ તો સારું થયું પણ વિજ્ઞાાનનો ખતરનાક ઉપયોગ કરતા થયા, યંત્રવાદ બજારવાદ ગ્રાહકવાદ વિસ્તર્યાં. વિકરાળ વીજાણું રાસાયણિક શોધો, જંતુનાશક દવા અને આજે તો ગણ્યાં ગણાય નહીં તેવા એઆઈ સુધીનાં કરતૂતો જન્માવ્યો. પ્રકૃતિ સાથેના સહ અસ્તિત્વનો તાર તૂટયો. વાહન વ્યવહાર, ઝડપી અવરજવર માટે વૃક્ષોનું અકલ્પ્ય નિકંદન, સિમેન્ટ, કોંક્રિટ રેતીનાં આખાં ને આખાં નવાં જંગલો ઊભાં કરી દીધાં. અધૂરું હતું તે અવકાશમાં પણ ઉપગ્રહો તરતા મૂકવાનું શરૂ કર્યું. ચંદ્ર-મંગળ-સૂર્ય સુધી પહોંચવાના ઉધામા વધી ગયા. લાંબી સડકો, સિમેન્ટના રસ્તાઓ પણ નવા સમયમાં 'વિકાસ'ના નામે ઓળખાવવા લાગ્યા. પ્રકૃતિ, તેનો આખો પરિવેશ, જાણ્યે-અજાણ્યે આપણાથી સાવ ઇતર બની ગયો. એ ઇતર બનતાં આપણું ભીતર પણ એની મૂળની આંતરસમૃદ્ધિ ગુમાવવા લાગ્યું. આપણએ તો જડ બનતા ગયા, પ્રકૃતિને પણ નરી ક્ષત-વિક્ષત કરી મૂકી, ઋતુઓની પાસેથી એનો મૂળ દમદાર જે વૈભવ હતો તે આપણે લૂંટી લીધો. વસંતને મૂંગી કરી દીધી, ગાતાં પંખીઓના ગાનને હણી લીધું. કેટલીક પ્રજાતિઓ નષ્ટ થઇ ગઈ. નદીનાં વહેણો લુપ્ત થવાં લાગ્યાં કે પછી તેને દૂષિત કરી મૂકવાની હોડમાં આપણે પડી ગયા. ક્યાં છે આપણી મૂળની ગંગા અને આપણી યમુના ? ક્યાં છે આપણો મૂળનો હિમાલય ? બધાંને આપણે આપણી એડી નીચે લાવી મૂક્યાં છે. તેમનું મુક્તગાન આપણે ઝૂંટવી લીધું છે. તેમની સાથે સમભાવથી જોડાયેલા આપણે વિષમભાવથી તેને જોવા લાગ્યા. કવિ ઉશનસ્નો 'તૃણનોગુરુ' ક્યાં રહ્યો છે ? મકરંદ દવે જે પ્રકૃતિના સંદર્ભે 'આનંદ આઠો જામ ?' કહે છે તે ટક્યો છે ખરો ? 'વૃક્ષ' વૃક્ષ મટીને 'ઝાડ' કે 'ઝાડવું' બની ગયું છે.

યાદ કરો આદિવાસી ટોળકીના આગેવાન સિએટલ રેડ ઇન્ડિયને કરેલી વાત - 'વૃક્ષનું એકે એક પાંદડું પવિત્ર છે' 'આપણે પૃથ્વીના માલિક નથી તેના એક અંશ છીએ' પણ આ બધું આજે સાવ ભૂલાઈ ગયું છે. હવાને પવિત્ર નથી રાખી, ધરાને અપવિત્ર કરી દીધી છે. વડર્ઝવર્થ જેવા અઢારમી સદીના કવિએ આવી સૌંદર્યભર પ્રકૃતિના ગાનમાં આખી જિંદગી વીતાવી દીધી હતી. ફ્રેંચ ક્રાંતિએ સર્જેલી તારાજી, સમાજમાંથી નહિ થયેલ ન્યાય અને નીતિ-એ સર્વને ફરીથી સંવેદનાસભર કરવા માટે વડર્ઝવર્થ વિજ્ઞાાની બજાર ઉદ્યોગો કારખાના એ બધાં વિપરીત પરિબળો વચ્ચે લહેરાતા પવનની વાત કરી, ફરી હરિયાળાં ખેતરોનું સૌંદર્ય ખોબલે ખોબલે પ્રકટ કરેલું, ફરી આકાશ અને નિર્મળ ઝરણાં તરફ માણસોનું ધ્યાન ખેંચેલુ. ફરીથી પ્રકૃતિ મનુષ્યને પાસપાસે લાવવા ને ગીતો લખતા રહ્યા.

આજે કહો, છે કોઈ, ક્યાંય જે માણસને પુન: એકવાર પ્રકૃતિનો ઘેરૈયો બનાવી મૂકે ? મેં હજી મારા ઉત્તરોનો ઉત્સાહ જાળવી રાખ્યો છે. પ્રકૃતિ જ મારું પિયર છે..


Google NewsGoogle News