રાધા! રાધા! રાધા! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- રાધા પ્રેમીકા નથી તો પછી કૃષ્ણ વિના કેમ અખંડદીપ જલાવી તેની પ્રતીક્ષામાં શરીરને-ચેતનાને સંકેલી લેતી જણાય છે ?
ક હો મિત્રો, ભાદ્રપદના શુકલ પક્ષની અષ્ટમીના દિવસને તમે કઈ રીતે જોયો-ઉજવ્યો ? હું આ પ્રશ્ન કંઈ કોઈની પરીક્ષા માટે નથી કરી રહ્યો, કોઈના જ્ઞાાનની ચકાસણીનો પણ અહીં કોઈ ખ્યાલ નથી. હું જાણું છું કે કૃષ્ણભક્તો તરત ઉત્તર આપશે - અરે, આ તો રાધાઅષ્ટમી થઈ ! સો ટકા સાચી વાત છે. પણ હું તો ઉત્તરની અપેક્ષા યુવાન હ્ય્દય પાસેથી રાખીને બેઠો છું. રાધાઅષ્ટમી માત્ર રાધાના જન્મદિવસ રૂપે જ યાદ રાખવાની તિથિ નથી. રાધાના નામનો જાદુ વિશ્વભરમાં એના જન્મની ક્ષણથી આરંભાયો એ જાણવું અનિવાર્ય છે. રાધા જન્મની ક્ષણથી જ કહેતી બનતી ગઈ. તેના રૂપ-રંગ, તેનું ચાપલ્ય, તેની મૃદુ-મોહક વાણી, એનું ઉષ્માપૂર્ણ વર્તન, તેનું માર્દવ અને તેની મધુર જીવનરીતિ ક્રમશ: એવી રીતે આપણી સામે ઊઘડી આવે છે કે રાધા એક નામ મટીને એક કથા બની રહે છે. જે કથા અનંતા છે, જે કથા જીવનના અનેક ચઢાવ-ઉતારની છે. જે કથામાં સીમા છે, તો તેમાં તેનું ઉલ્લંઘન છે, જે કથામાં પ્રણય છે તો પ્રણયવેદનાનું વિશ્વ પણ છે, જે કથામાં ક્ષણે ક્ષણનો અનન્ય ધબકાર છે તો તેમાં શારી નાખે તેવું શાંત જગત પણ છે, જે કથા એક ચોક્કસ સમયાવધિની છે છતાં એ કથા યુગયુગાન્તરની છે, જે કથા એક સ્ત્રીની છે અને છતાં સ્ત્રી વિશ્વની એ કથા બની જાય છે. જે કથામાં અજંપો છે તો એ કથામાં શાતાકર વિશ્વાંતિનું જગત પણ છે, જે કથા એક પરિણીત સ્ત્રીની છે અને છતાં એ કથા એવા કોઈ વિધિવિધાનને ગાંઠતી પણ નથી. જે કથાની કોઈ હજી સુધી ખરાઈ કરી શકયું નથી અને છતાં એ કથા સત્યની એરણ પર સાચી નીવડતી રહી છે. જે કથામાં લખાઈ ચૂકેલું, લખાતું એવું અને લખાનાર છે એવું પણ, પ્રેમવિશ્વ છે તો એ જ કથામાં અનુભૂત કે અનઅનુભૂત વિશ્વનું એક બીજું, ન્યારું, પકડ બહારનું, પ્રેમ જગત છે. રાધા ઉછરતી ગઈ, ઉકેલાતી ગઈ, ઉત્ક્રાંત થતી ગઈ એ જ રાધા એટલી જ, સમયે સમયે નિગૂઢ પણ રહી છે. રાધાની ઈર્ષ્યા-અસૂયા કરનાર સ્ત્રી પણ રાધાની ચાહક બની ગઈ છે. રાધા હતી ત્યારે, અને રાધા આજે આપણી વચ્ચે નથી છતાં રાધાના અસ્તિત્વની ગૂંજ હજીય, આ ક્ષણેય, દૂર-સીદૂર સમયને આરપાર વીંધીને આપણા સુધી આવતી રહી છે. રાધા શું છે ? કૃષ્ણની પ્રિય સખી છે ? કૃષ્ણની જીવનસંગિની છે ? કૃષ્ણની આરત કે અભીપ્સા છે ? કે કૃષ્ણને જ એક અંતર્નિહિત જીવન પ્રદેશ છે ? શું રાધા માટે યં કૃષ્ણ માત્ર કૃષ્ણ હતા ? સખા હતા ? પ્રેમી હતા ? અરધું અંગ હતા ? કે પછી તે ય રાધાના હ્ય્દય લોકનો જ અતિગૂઢ હિસ્સો હતા ? રાધામાં ક્યો જાદુ હતો, કઈ શક્તિ હતી ? કયું તેજ હતું ? કેવા પ્રકારની તેની રઢ હતી ? તેના પ્રેમભાવનું કયું અવિચળ તત્વ હતું જે મનુષ્યમાત્રની સમજણ બહારનું બની રહ્યું છે. બરસાનાની ભૂમિની રજમાં એનાં પડેલાં ચરણની છાપ હજીય કેમ અલોપ્ય રહી છે ? હજીય કેમ વૃક્ષ-વેલી જગત રાધાના નામથી, રાધાના અવાજના સ્મરણ માત્રથી યુગો પછીય રોમાંચ અનુભવતું આવ્યું છે ? શાખા-પ્રશાખાઓ, પર્ણે પર્ણ હજી કેમ અજાણતાં જ એ નામથી કંપન અનુભવી રહે છે ? બરસાના અને બરસાનાની બહાર, જ્યાં જ્યાં કૃષ્ણ સંગ રાધાનાં ચરણ રુમઝૂમ્યાં છે, પગલીઓ અંકિત કરી છે ત્યાં ત્યાં મયૂરોને બધી જ ખુમારી સાથે કળા કરવાનું કેમ મન થાય છે ? કેમ હજીય તેના ટહુકારમાં કશીક વેદનાની ટીશ અનુભવી રહેવાય છે ? શું રાધા શક્તિનો પર્યાય હતી ? શું રાધા ભક્તિનું અમરગાન લઈને જન્મી હતી ? શું રાધા એની હથેળીની રેખાઓમાં માત્ર અને માત્ર પ્રેમ રેખાને જ લઈને જન્મી હતી ? શું શબ્દકોશ-કથાકોશના બધા જ શબ્દોને હાંસિયામાં રાખી માત્ર 'કૃષ્ણ' જ તેની જિહવાગ્રે સાથે હ્ય્દયાગ્રે હતા ? શું છે આ રાધાકૃષ્ણની યુતિ ? કયું વશીકરણ રહ્યું છે આ યુગમાં ? શું લૌકિક ચેતનાથી એ ઉભય પરિબધ્ધ હતાં ? અને જો કશુંક અલૌકિક હોય તો કેમ તે વારંવાર લૌકિક કે જાગનિગ પગથારે ઊતરીને આપણને સૌને ક્યારેક આનંદિત કરી મૂકે છે અથવા તો વિક્ષુબ્ધ કરી મૂકે છે ? જો એ અલૌકિક છે તો પછી કેમ માનવીય જીવનની બધી જ લીલાઓ ત્યાં શોભાસંભૃત થતી જણાય છે ? અને જો જાગતિક છે તો પછી જેમાંનું આપણામાં ભાગ્યે જ જોવા મળે એવું સઘળું, પાર વિનાનું, ત્યાં કઈ રીતે જોવા મળે છે ? રાધા-કૃષ્ણ દ્વૈત નથી, અદ્વૈત છે ? શું તે બે વિભિન્ન પથ કે ધારા છે ? જો એમ છે તો પછી વારંવાર કૃષ્ણ રાધા વિના સૂનો સૂનો કે સૂનકારભર્યો કેમ દીસે છે ? કેમ રાધા કૃષ્ણ વિના ક્ષણેક્ષણ મત્સ્યનો તરફડાટ અનુભવે છે ? કેમ કૃષ્ણ નિરાશાના છેલ્લા બિન્દુ પર આવે છે ત્યારે રાધાનું આલંબન શોધતાં શોધતાં તેના ઉત્સંગમાં જ છૂપાઈને પુન: એકવાર ચૈતન્યાનુભવ કરી રહે છે ? રાધા નિષ્ક્રિય તો ક્યાંય નથી તો પછી પ્રતીકાર પણ ક્યાં કશે કરે છે ? રાધા પ્રેમીકા નથી તો પછી કૃષ્ણ વિના કેમ અખંડદીપ જલાવી તેની પ્રતીક્ષામાં શરીરને-ચેતનાને સંકેલી લેતી જણાય છે ?
કોણ છે આ રાધા ? કૃષ્ણ યુગની કૃષ્ણસખી છે ? તો પછી આપણા સર્વોચીન-આધુનિકઅનુઆધુનિક સમય સુધી કેમ રે એક અચંબાભરી નારી ચેતના રૂપ લાગે છે ? કેમ તે પ્રેમ, પ્રેમનાં સંખ્યાતીત રૂપો, કે કલ્પી ન શકાય તેવાં નારી રૂપોનો એ શાશ્વત કોશ લાગે છે ? રાધા વિશ્વભરની નારીનું પ્રતિનિધિત્વ કરે છે ? નારી લીલાઓનું તે સંકુલ રૂપ-પ્રરૂપ છે ? રાધા કેમ આજેય અણખૂટ રહી છે ? કેમ તે આજેય યુગોયુગોથી કવિઓ-ભક્તો-પ્રેમીઓનો પારાવાર સ્ત્રોત બન્યા પછી પણ એટલી જ અક્ષુણ અને અખંડા લાગે છે ?
આ અષ્ટમીએ ઓ રાધા ! તને જ વારંવાર પ્રશ્ન કરવાનું મન થાય છે, અરે, જી, તું કોણ છે ? કેમ અહર્નિશ તારી રટણા રહે છે ? એક યુગ પુરુષને સાચવી રાખી, સદા તેને મુક્ત રાખી ને ચાહ્યા કર્યો છે તે પાછળ કઈ શક્તિ તારામાં કામ કરે છે ? કહેતો ખરી રાધા ને પ્રકટ થઈને પણ અપ્રકટ રહી કઈ રીતે તારી શ્રીમત્તા સંસિધ્ધ કરી છે ? મનુષ્યતો ખરાં જ પણ પશુ-પંખી-પ્રકૃતિ સર્વને વશ-અવશ કરી મુકવાની તારી શક્તિનું વહેણ કઈ અદ્રિમાલાઓમાંથી વહેતું આવ્યું છે ?
રાધા બોલ, કૃષ્ણની બંસીના સૂર અટકી ગયા છે ! ઓ ચિર સત્વા, ચિર યૌવના રાધા ! તું સાચેસાચ કોણ છે ?