Get The App

એની એર્નોક્સનું વેદનાનૃત્ય .

Updated: Nov 8th, 2022


Google NewsGoogle News
એની એર્નોક્સનું વેદનાનૃત્ય                                 . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- બાળપણથી જ તે કંઈક જુદાં, અતડાં, પોતાનું ધારેલું કરનાર, કંઈક અંશે છોકરી કરતાં છોકરા જેવો મિજાજ દાખવનાર રહ્યાં છે.

આ દિવસોમાં સાહિત્ય જગતમાં ફ્રેંચ લેખિકા એની એર્નોક્સ એમને મળેલા આ વર્ષના નોબેલ પ્રાઈઝને લઈને વિશેષ ચર્ચામાં છે. સુજ્ઞા સાહિત્ય રસિકને તરત પ્રશ્ન થવાનો કે એની એર્નોક્સના સર્જનમાં એવા કયા વિશેષ ગુણો છે જેથી તેમને આ પ્રાઈઝ મળ્યું ? સ્વીડીશ એકેડેમીએ તેના કારણમાં નોંધ્યું છે :  ‘For the Courage and clinical acuity with which she uncovers the roots, Estrangements of personal memory' એક રીતે કહીએ તો એની એર્નોક્સના સમગ્ર સાહિત્યનું આ વિધાન પ્રતિબિંબ ઝીલી રહે છે. હા, એની પ્રતિભાવાન છે, તો પ્રગલ્ભ પણ છે, સ્ત્રીની સંવેદના છે તો સાથે કકરા વાસ્તવની સામે ઝીંક લેવાની ક્ષમતા પણ છે, વ્યક્તિગત સ્મૃતિઓનું વિવિધતાભર્યું, ક્યારેક સમીકરણો ન માંડી શકીએ તેવું વિશ્વ છે. તો સાથે સામૂહિક ચેતના સામે પોતાનું સત્ય મૂકી આપવાનું આંતરિક બળ પણ છે. વિચલનો વચ્ચે તેમના 'હું'ને તે વિચલિત થવા દીધા વિના પ્રકટ કરે છે. કહો કે તેમનામાં એ બધું ઊંડા મુળિયાં નાખીને પડેલું છે. એ મૂળિયાં જેટલાં સશક્ત છે તેટલાં ન્યારાં છે. તેથી જ સાહિત્ય પ્રેમીઓને તેનાં એવાં મૂળ ને જાણવાનું પણ ગમે. કઈ નોલવેલ છે. જે એ મૂળિયાંને વધુમાં વધુ સમૃધ્ધ કરતી રહી છે. એ વિશે પણ જિજ્ઞાાસા રહે.

હા, તો આ ફ્રેંચ લેખિકા ૧૯૪૦ જન્મ્યાં છે. નોર્મેન્ડીના એક નાના નગર યવેટોટમાં, સામાન્ય ઘરમાં, સામાન્ય માતા પિતા અને પરિવાર વચ્ચે, ઝાકમઝોળ વિનાના સાદગીભર્યા વાતાવરણમાં તે ઉછર્યા છે. માતાપિતાની કરિયાણાની સાદી દુકાન-કાફે એ જ એમની આમદાનીનું સાધન. માતા-પિતાએ તેમને ખાનગી શાળામાં અભ્યાસ માટે મૂક્યાં, પણ એની શાળાની છોકરીઓ સાથે ભળી શક્યાં નહીં. બાળપણથી જ તે કંઈક જુદાં, અતડાં, પોતાનું ધારેલું કરનાર, કંઈક અંશે છોકરી કરતાં છોકરા જેવો મિજાજ દાખવનાર રહ્યાં છે. યવેટોટનું આ વાતાવરણ આ પરિવાર, માતા-પિતા, ઉભયના સંબંધો અને એ ઉભયની સાથેનો એની એર્નોક્સનો વ્યવહાર વગેરે તેમનાં 'મૂળ' હતાં. ઇચ્છા તો એવી કે એ નાના ગ્રામવિસ્તારમાંથી તે બંડ પોકારી ભાગી જાય પણ એમ બન્યું નહીં. કદાચ એજ પાછળથી તેમના સર્જનનું બળવાન કેન્દ્ર બની રહે છે. આ મૂળમાં પછી એર્નોક્સની ખુદની યુવાનીનો એક વળાંકરૂપ દર્દનાક પ્રસંગ બને છે. જે પ્રસંગ ક્ષણિક આવેગનોને પછી જીવનભરની પીડાનો, સાથે સમાજ સામેના મુકાબલાનો, નીતિરીતિ સામેની તેમની પ્રતિક્રિયાનો બને છે. અપરિણીત યુવતી ગર્ભવતી બને, સમાજની એ ઘટનાને માન્યતા ન મળે, કશે પણ પોતાના એવા કૃત્યને સ્વીકૃતિ ન મળે અને એક સ્ત્રીને-યુવતીને તે માટે ક્ષણેક્ષણ જાત સામે લડવું પડે, એષણાઓને દફનાવી દેવી પડે- ત્યારે જે મનઃસ્થિતિ થાય તે કેટલી દુઃસહ હોય તેનો અનુભવ ખુદ એર્નોક્સને થયો. મૂળ બંડખોર પ્રકૃતિ એથી વધુ કસોટીની એરણ પર તે મૂકાય છે. સ્વબોધ, સમાજબોધ અને સમષ્ટિબોધ સુધી પછી વિસ્તરી રહે છે. પરિણામે પેલાં મૂળ વધુ પરિપુષ્ટ થઈ એક પછી એક એમ અનેક સશક્ત કૃતિઓનું તેમની પાસે સર્જન કરાવે છે, માત્ર સર્જન નહીં મંત્રમુગ્ધ કરી રહે એવું સર્જન.

એની એર્નોક્સનું સર્જન એક રીતે તો તેમના અંગત અનુભવોનું સર્જન છે, તેમની પીડાઓનું સર્જન છે, તેમની નિર્ભીક મનોવૃત્તિનું સર્જન છે, સમાજ સાથેના અનુભવોનું સર્જન છે, તેમની સ્વીકૃતિનું સર્જન છે. તેમનાં શબ્દનાં મૂળ આમ નરી વાસ્તવિકતા સાથે જોડાયેલાં છે, આત્મકથાત્મક અંશો સાથે તેનો વિશેષ રૂપે સંબંધ છે. પણ તેમના શબ્દની ખરી તાકાત તો તે બધું હોવા છતાં તેને ઓળંગીને તેમની વેદનાને આપણી વેદના બનાવી રહેવામાં છે. પેલાં 'મૂળ'મૂળ રહીને શાખા-પ્રશાખા-પર્ણો સુધી વિસ્તરી ઘેઘૂર બને છે. કહો કે વૈશ્વિક અનુભવ બની રહે છે.

એક તરફ માતા-પિતા વચ્ચેની કટુતાનો અનુભવ, બીજી તરફ ગેરકાયદેસરના ગર્ભપાતનું વિષાદી જગત, છૂટાછેડા અને અન્ય પુરુષો સાથેના પ્રણયાનુભવો- આ બધું સ્વ-સર્મષ્ટના સંઘર્ષ સુધી, સાંસ્કૃતિક વિરોધો સુધી, રાજકારણ અને દમનકારી સમાજ સુધી તેઓને દોરી જાય છે. આથી જ તેમની કૃતિઓ સર્જન ઉપરાંત ઇતિહાસ સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ફ્રાન્સ જેવા કહેવાતા પ્રગતિવાદી દેશની સંસ્કૃતિની વિસંગતિઓ અને તેના ખોખલાપણ સુધી આપણને લઈ જાય છે. તેમના લેખનમાં તેથી ક્યારેક અભ્યાસીઓ માર્સલ પ્રસ્તની પગલીઓ શોધે છે તો કોઈક કોઈક પિયર બોડિયુ જેવા સમાજશાસ્ત્રીના પ્રભાવને જુએ છે. પણ તેમના શબ્દને ઉપર-તળ, આજુબાજુ જોઈ, પામી માણીને વાત કરનારને લાગવાનું કે તે પોતાની ચાલનાએ ચાલનારાં લેખિકા છે. સ્ત્રીત્વ વિશેની તેમની સમજ પોતીકી છે. સિમોન બ્યુવોરની પણ તે 'ગર્ભાશય આપણા મહાન દુઃખનું કેન્દ્ર છે.' એમ કહીને મજાક કરી લે છે ! કહો કે ફ્રાન્સનાં રહીને તેઓ ફ્રાન્સથી ઉપર ઉઠીને લખી શક્યાં છે. એ જ તેમના સર્જનની ખરી મહત્તા છે. પોતાની વાત છેવટે તેમના સર્જનમાં ઓગળી જાય છે અને રોલબાર્થ એકબીજા સંદર્ભે કહે છે તેમ તેવા એક બિન્દુ પર એમની કૃતિઓ સંસિધ્ધ થતી જણાય છે.

એર્નોક્સનું આકર્ષી રહે તેવું તેનું શબ્દવિધ શોધનારે તેની  Levenement (૨૦૦૦) જરૂર વાંચવી જોઈએ. એવી જ ૨૦૦૧માં લખાયેલી તેની Happening છે. પહેલામાં ગર્ભપાતનાં ઇંગિનો છે, જેનો રંજ-આક્રોશ છે, તો બીજામાં સમાજમાં બંધનો સામેનું તેનું યુદ્ધ રહ્યું છે. પછીના તરતના વર્ષમાં લખાયેલી 'લ' ઓક્યુપેશન (૨૦૦૨), ધ પઝેશન (૨૦૦૮) પણ પ્રેમ-સમાજ-પૌરાણિક સંદર્ભો- ત્યાગ વ.ને લઈને આવે છે.

'લેસ એનિસ'(૨૦૦૮) અને ધ યર્સ(૨૦૧૭) તેની વધુ મહત્ત્વાકાંક્ષી સર્જનકૃતિઓ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેને મૂકી આપતી કૃતિઓમાં તેના આત્મકથાત્મક અનુભવ-સંબોધન ધારદાર રીતે વ્યક્ત થયાં છે. તેમની 'લા પ્લેસ' માતા-પિતા વચ્ચેના સંબંધોને લક્ષતી કૃતિ છે. કશું છૂપાવ્યા વિના લખનાર લેખિકા તરીકે જાણીતાં એર્નોકસને આ કૃતિ જ પાછળથી વધુ યશ અપાવી તેમને વિવેચકો 'ટોમબોય' કહેવા સુધી પહોંચ્યા છે ! ખરું તો એ છે કે સર્જક પોતે જ પોતાના વિશે આવું સત્ય જો ન કહી શકે તો પછી તેના વિશે બીજું કોઈ કઈ રીતે એવી સાચી વાત કહી કરી શકે ? એર્નોક્સમાં રોરાવથી જ સત્યને પ્રકટ કરવાનું આવું સહજ વલણ રહ્યું છે. આવી સત્યનિષ્ઠા તેમણે તેમની ૨૦૧૬માં 'મેમોયર ડી ફીલે' અને 'એ ગર્લ' (૨૦૧૯)માં પણ એટલી જ તીવ્રતાથી પ્રકટ કરી છે. સમાજ-સ્ત્રી વચ્ચેના સંઘર્ષોની સાચી અને નિર્ભીક કથા રૂપાન્તરે તેમાં અવતરી છે. તેમની સિમ્પલ પેસન, 'થીંગ્સસીન વગેરે પણ જાણીતી કૃતિઓ છે.'

નવમા દાયકામાં શ્વાસ ભરી રહેલા એર્નોકસમાં આજે પણ પેલી શાળામાં જતી બાળકી જેમ અન્ય બાળકીઓથી જુદાપણું દાખવતી હતી. તેમ અલગપણું દાખવે છે. સ્વ-શરીરને સ્વીકૃતિ આપીને તેમણે વ્યાપક સત્યોનો વિશ્વને પરિચય આપ્યો છે. આત્મકથાત્મક અંશોની રેખાઓમાં તેમણે માનવીય સંવેદનાઓની છાયાઓ ઉમેરી છે. તેમણે આઘાત ખાતર આઘાત નથી આપ્યાં. એ આઘાતમાં માનવીય દર્દ છે, સત્યનો ઉજાશ છે. તેમની ભાષા તેવા નિરૂપણ વેળા કરવતની ધાર જેવી તીણી લાગે, પણ તે પાછળ તેમની સહજ-સરળ હૃદય સંવેદનાની આર્દ્રતા છે. તેથી જ કદાચ એર્નોક્સનો શબ્દ મને-તમને સ્પર્શી રહે છે, વિકલ કરી રહે છે, આપણી સમજને સાચી દિશામાં વિસ્તારે છે.


Google NewsGoogle News