શબ્દો બે અને સૃષ્ટિ આખી! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- મારી પાસે જે જે તે મારા હિસ્સાનું છે, મારા માટે પૂરતું છે અને તેના પર જ મારો અધિકાર છે - આ વિચાર એકવાર દ્રઢમૂલ થાય પછી ઈચ્છાઓ આપોઆપ પ્રેરણાનું રૂપ લેશે
'ઈ ચ્છા' અને 'સંતોષ' આ બે શબ્દોનું આપણા જીવનમાં મોટું માહાત્મ્ય રહ્યું છે. બંને વિશે માણસ જાણવાયોગ્ય જાણે છે છતાં ઈચ્છાઓ તેને વિવશ કરી મૂકે છે અને સંતોષ તેથી દૂર ભાગતો જાય છે. સુખ-સંતોષની માણસની શોધ એ વળી બીજો વિષય છે છતાં તે બંને અવલંબે છે તો 'ઈચ્છા' પર જ. ઈચ્છાનું પ્રસવસ્થાન મન છે, મનમાંથી જન્મેલી મહત્વાકાંક્ષાઓ છે. મહત્વાકાંક્ષાના અમર્યાદ રૂપમાંથી જન્મે છે, પછી ઈચ્છાઓનો દોર શરૂ થાય છે. ઈચ્છાઓ સીમા ઓળંગે છે ત્યારે તેને સિદ્ધ કરવામાં માણસની શક્તિઓ બિનજરૂરી વેડફાઈ જાય છે, સાથે અસંતોષનું,, અસુખનું સદા માટે વાતાવરણ સર્જી રહે છે. ચાલતાં-બોલતાં, સાંભળતાં, કામ કરતાં આપણી શક્તિ તો ખર્ચાતી જ હોય છે. તેમાં પણ માણસે ક્યાંક તો અટકવું પડે છે, તેમાં પણ એક સીમા તો બાંધવી પડે છે. જો તેમ નથી થતું તો બોલેલા શબ્દો તેનું વજન ગૂમાવે છે, અતિ શ્રવણમાં પણ સાંભળેલું એક કાનથી બીજા કાને નીકળી જઈ હૃદય સુધી પહોંચતું નથી. વધુ પડતા શ્રમથી થાક તો લાગે છે, પણ કામની ગુણવત્તા પર તેની અસર વરતાય છે. કહો કે આપણી તન-મનની પ્રવૃતિઓ કશેક તો નિયમન કે નિયંત્રણ ઈચ્છતી હોય છે. પણ પેલી ઈચ્છાઓ, ઈચ્છાઓમાં અમર્યાદ રથ દોડતો રહે છે, અને ઘણુંબધું એ રથ નીચે ચગદાતું જાય છે.
ઈચ્છાને ક્યારેક આશા રૂપે પણ જોતા આવ્યા છીએ. આશાની સાંકળે બંધાયેલા દોડતા રહે છે તેવું સંસ્કૃત કવિ કહે છે તે ઈચ્છા માટે એટલું જ સાચું છે. 'ઈચ્છા' હોવી, 'આશા' હોવી એ એક અર્થમાં તો આપણા બીઈંગનો જ ભાગ છે. માણસ ઈચ્છા કે આશા વિહોણો હોય તો પછી જીવનની ગતિનો જ સંભવ ક્યાં રહે ? ઈચ્છાઓ માણસને ક્યારેક ઉદ્યમ કરવા પ્રેરે છે, ક્યારેક તેને સમાજસેવા તરફ વાળે છે. ક્યારેક તેને સંતત્વ તરફ પણ વાળે છે. ક્યારેક કહેવાયું છે તેમ, અપંગને તેને પર્વત ઓળંગતો પણ કરે, મૂંગાને બોલતો પણ કરી રહે. સારસ કે પ્રયત્નથી અનેક સામાન્ય વ્યક્તિઓ અસામાન બની રહ્યાનાં પણ સેંકડો દ્રષ્ટાંતો મળે છે. એટલે પ્રશ્ન 'ઈચ્છા' કે 'આશા'ના નિર્મુલનનો નથી. પ્રશ્ન 'ઈચ્છા'ના રૂપને બધી બાજુથી ઓળખી લેવાનો છે. પડોશના એક વ્યક્તિને લોટરીની ટિકિટ ફળી, લાખો કમાયો, તેનો અર્થ મારે પણ એવું કરવું તે બરાબર નથી. સગાનો છોકરો પરદેશમાં મોકલી પરિવારને ડોલરથી સ્નાન કરાવી રહીશ - તે વાત ઉચિત નથી. દરેક ઈચ્છાના પરિણામનો, તેના પોતાના સંદર્ભે ખરા-ખોટાનો વિચાર કરવાનો રહે છે. કહો કે ઈચ્છા સાથે નફા-તોટાની, સારાસારની વિચારણા કરવી રહી. નહિતર સમય-શક્તિનો વેડફાટ થાય અને અવિચારી પગલા માટે જીવનભર પ્રશ્ચાત્તાપ કરવાનો વારો આવે. સૌથી મોટું કાર્ય તો માણસે પોતાના ધ્યેયને નક્કી કરવાનું છે. પોતાની શક્તિ-મર્યાદાઓનો વિચાર કરવાનો છે, સાથે તેનાથી પ્રાપ્ત થનાર વસ્તુ જીવનને વધુ સુખકર કે સકારાત્મ બનાવી રહેશે કે કેમ ? - તેનો પણ પૂરતો ખ્યાલ રાખવાનો છે.
ઈચ્છા-આશા માણસની જીવંતતાની સાહેદી જરૂર આપે છે પણ સાથે ઈચ્છાને-આશાને અંત નથી એ સત્યને સમજી લેવા માટે પણ તેમાંથી જ સૂચન મળી રહે છે. મને જો બિનજરૂરી ઈચ્છા-સ્વપ્નોની લત પડી જાય તો છેવટે મુંગેરીલાલના હસીન સ્વપ્નથી વધુ તેનું મુલ્ય રહેતું નથી. શેખચલ્લીના ઘીના ગાડવાની વાત તો જાણીતી છે. ઘી વેચતાં વેચતાં ઘીનો મોટો વહેપારી થઈ જઈશ, ધનના ઢગલા વચ્ચે એશઆરામી જીવન જીવીશ, રાજા ખુદ તેની પુત્રીનું સામેથી માગુ લઈને આવશે, રાજકુમારને પરણશે અથવા તો જાકારો આપશે - અને એજ ગડમથલમાં તે પોતાનાં પગમાં રહેલા ઘીના ગાડવાને લાત મારે ત્યારે માંડ એકઠું કરેલું ઘી ઢોળાઈ જાય છે. નક્કર વાસ્તવિક્તાનું ભાન થાય અને રાતનો રોટલો પણ નસીબમાં ન રહે એવી સ્થિતિ થાય. એટલે વ્યક્તિ માત્રએ ઈચ્છાના સ્વરૂપને તો બરાબરનું ઓળખી જ લેવાનું છે, સાથે - ગીતાકથિત - મન જ માણસના બંધન- મોક્ષનું કારણ છે - એમ જે કહેવાયું છે એ મનને પણ સતત ટપારતા રહેવાનું છે. મનનો નિગ્રહ કે તેનું નિયંત્રણ ધારીએ છીએ તેટલું સહજ-સરળ નથી. 'મનમાંકડું' એ રૂપકને સમજવા જેવું છે. માંકડાને ગમે તેટલું શિક્ષિત કરો પણ કોઈ એક પળે એ કૂદકો મારી જ લે છે. તે તેની અસલિયત છે, મૂળ પ્રકૃતિ છે. એટલે મન પર કશાં પ્રકારનાં જાળાં ન બંધાય તેની સતત સાવધાની રાખવાની છે. બિનજરૂરી 'ઈચ્છા' જ કે 'આશા' જ ત્યાં ન ઉદ્ભવે તેવું વાતાવરણ ભીતરમાં ઊભું કરવાનું રહે છે. શુદ્ધ જીવન પદ્ધતિ, માફ કરવાની વૃત્તિ, સમત્વ, સૌને પ્રેમ, સૌનો સાથ, અહિંસક જીવન પદ્ધતિ, અન્યો પ્રત્યે આભારની લાગણી, પરિસ્થિતિનો સ્વીકાર, અક્રોધ, પરમ સંતોષ, મૃદુ-મધુર ભાષા - જતું કે તજવાની વૃત્તિ, સદ્-અસદ્ વચ્ચેના ભેદને પામી લેવાની આવડત કે આવું બીજું ઘણું મનની વિહ્વળતાને પરિહરે છે, જીવન પ્રત્યે સંતુષ્ટ રાખે છે. જે મળ્યું છે તે ઘણું છે, નથી મળ્યું તે મળવાયોગ્ય હશે તો મળશે જ, અને નથી મળ્યું તો તે ઈશ્વરની જ કોઈ યોજનાનો ભાગ હશે - એવી વિચારણા બિનજરૂરી નીકળી રહેતા ઈચ્છાના સરઘસને અટકાવે છે, ઈચ્છા પર અને મન પર આપોઆપ એક નિયમન લાવશે. મારી પાસે જે જે તે મારા હિસ્સાનું છે, મારા માટે પૂરતું છે અને તેના પર જ મારો અધિકાર છે - આ વિચાર એકવાર દ્રઢમૂલ થાય પછી ઈચ્છાઓ આપોઆપ પ્રેરણાનું રૂપ લેશે, જીવનમાં જરૂરી ઉત્સાહ ભરી રહેશે, તેની પાછળ નિરર્થક રીતે દોડવાનું નહીં શીખવે. સિદ્ધ થઈ શકે, જરૂરી હોઈ શકે તેવી ઈચ્છા માટે તેથી વધુ ઊર્જાવંત થઈ રહેવાશે.
'ઈચ્છા' / 'આશા' આપણા આજના સમયમાં તેની સીમા ઓળંગી ગઈ છે. માનવી જે છે તેનાથી સંતુષ્ટ નથી અને જે નથી કે નથી પ્રાપ્ત થવાનું તેની પાછળ આંધળી દોડ મૂકી રહ્યો છે. ભૌતિક સુખોની લાંબી મેરેથોન દોડ ચાલી રહી છે - આખા વિશ્વમાં ! એક રૂપિયા કમાનારને બીજા રૂપિયાનો ધક્કો છે ને એ ધક્કો એમ અંતર વગર વિસ્તરી રહ્યો છે. આવી સ્પર્ધામાં મૂલ્યોનું સરેઆમ ધોવાણ થઈ રહ્યું છે.