યૂન ફોસે કહે છે : 'એણે તો મને કલાકાર બનાવ્યો'
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- જે ભાષામાં એ શ્વાસ ભરી રહ્યા છે, જે ભાષા થકી તેમણે જે આસપાસનું વિધ માણ્યું છે. પ્રજાના હ્ય્દયનો ધબકાર સાંભળ્યો છે, એ ભાષામાં તે પોતાને અભિવ્યક્ત કરે છે
સા હિત્યજગતમાં આજકાલ યૂન ફોસેનું નામ ચર્ચામાં છે. એમ થવું બે રીતે સ્વાભાવિક છે. એક કારણ તેમને ૨૦૨૩નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળી રહ્યું છે એ છે, તો બીજું કારણ એમનું સર્જન કંઈક ઊફરું છે એ છે. હું 'ઉફરું' એવો શબ્દ પ્રયોગ કરું છું ત્યારે તેમાં ઘણી અર્થચ્છાયાઓ રહી છે. જે ફોસેની સર્જનપ્રક્રિયા અને સર્જન બંનેને કેટલેક અંશે ધ્વનિત કરે છે. ૨૯ સપ્ટેમ્બર, ૧૯૫૯માં નોર્વેના, હોજેસન્ડ, રોગાલેન્ડમાં તેમનો જન્મ થયો હતો. કહો કે એક નાનકડા દેશના નાના નગરમાં યુનિવર્સિટી ઓફ બર્ગનમાં તેઓ બી.એ. થાય છે. તુલનાત્મક સાહિત્યમાં અભ્યાસ કરે છે વગેરે બાબતો તો તેમને જાણવા અગત્યની છે જ પણ તેથી વિશેષ તો તેઓ 'સ્થિર' રહી વિકસવાવાળા વ્યક્તિ નહોતા એ છે. એ વાત જ અલબત્ત, છેવટે તેમને યુરોપના સાહિત્ય-જગતનો એક પ્રમુખ અવાજ બનાવી રહી છે. આજે ચોસઠ વર્ષની ઉમરે પહોંચેલા ફોસે હજી પણ નિજમાં નિમગ્ન રહી પોતાને સતત 'અસ્થિર' કરી રહ્યા છે. સિત્તેરથી પણ વધુ ગ્રંથોનો આ સર્જક હજી પણ નવા નવા સાહિત્યિક આયામોમાં રત છે. પરંપરાને આત્મસાત કરી છે તો, નવી નવી દિશાઓ અને યત્નોમાં પણ તે એટલે જ પરોવાએલા રહ્યા છે. તેમના ગ્રંથોના પચાસથી પણ વધુ ભાષાઓમાં તેથી અનુવાદ થયા છે. નાટક, નવલકથા, કવિતા, બાળસાહિત્ય, નિબંધ, ટૂંકી વાર્તા, બાળ સાહિત્ય-વગેરે વિધાઓમાં તેમનું અર્પણ રહ્યું છે. અને આ બધું લેખન પાછું તેમણે નોર્વેની જગતને ઓછી જાણીતી એવી ભાષા, નાયનો ર્સ્કમાં - Nynorsk માં કર્યું છે. જે ભાષામાં એ શ્વાસ ભરી રહ્યા છે, જે ભાષા થકી તેમણે જે આસપાસનું વિધ માણ્યું છે. પ્રજાના હ્ય્દયનો ધબકાર સાંભળ્યો છે, એ ભાષામાં તે પોતાને અભિવ્યક્ત કરે છે. તેમાં તે પોતાને પ્રતિબિબિત થતા જૂએ છે. ફોસે કંઈક મૂડી છે. તે કશુંક ઝડપથી પકડી લે છે તો તેને એટલી જ ઝડપથી છોડી પણ દે છે. સમાજશાસ્ત્રનો અભ્યાસ તો શરૂ કર્યો. પણ તેમાં તેમણે મૂર્ખતા સિવાય બીજું જણાયું નહીં ! અને તરત તે ફિલસૂફી તરફ વળે છે. ત્યાં તેઓને માકર્સ આકર્ષે છે. પોસ્ટ સ્ટ્રકચરાલિઝમ પણ કામણ કરે છે. અરે દેરિદાને પણ વાંચે છે - નોર્વેના એક ગ્રામ વિસ્તારના, ખુણાના ગામમાં ! હાઈડેગરને પણ તે એકાગ્ર બની વાંચે છે. ભાષા-વ્યાકરણ વિશે પણ રસ કેળવે છે. દેરિદા અને હાઈડેગરની વિચારણાના બે છેડા વિશે તેઓ પોતાની રીતનું વિમર્શન કરે છે. હાઈડેગરની વિચારણા-અસ્તિત્વમાં રહેલી પ્રત્યેક વસ્તુમાં શું સામાન્ય છે તે અંગેની છે તો દોરિદાનો પ્રશ્ન-અસ્તિત્વમાં જે કંઈ છે તે માણસને અલગ કેવી રીતે બનાવે છે ? - ફોર્સ આ વિરોધો વચ્ચે કશુંક જોડાણ કરવા ઈચ્છતા હતા. સાથે લખવું એ કેટલું અઘરું છે તે પણ સમજમાં આવ્યું. પેલા FuSion ની સાથે તુલનાત્મક સાહિત્યમાં પણ ગતિ સાધી, નવલકથાના સિદ્ધાંતોનો પણ અભ્યાસ કર્યો, સાથે સાથે દ્રષ્ટિકોણ, લેખક, પાત્ર એ સર્વ વચ્ચેનો સંબંધ, તેની મહત્તા, કથનરીતિ-કલ્પના વ. વિશે પણ સતર્ક બન્યા. ત્યાં સંગીત અને તેનું જ્ઞાન પણ મદદે આવ્યું. તેમની ચેતના એ રીતે વિવિધ પરિબળોથી સબળ થતી રહી છે. ફોસેને વાંચનારે આ બધું લક્ષમાં લેવા જેવું છે. તેમની કેટલીક જીવન-સાહિત્ય વિશેની ઉફરી માન્યતાઓનું પણ સ્મરણ કરવા જેવું છે. તેઓ કહેતા કે હું જ્યારે જ્યારે લખું છું કે લખવા બેસું છું ત્યારે સ્પષ્ટપણે મને લાગે છે કે પોતે જે કંઈ લખી રહ્યા છે તે બધું તો પહેલેથી લખાયેલું જ છે. જે ક્યાંક બહાર છે. અને એ બધું અદ્રશ્ય થઈ જાય તે પૂર્વે મારે તેને કાગળ પર ઉતારવું છે - તેમની આવી સંવેદના પાછળ નોર્વેનું તેમનું રહેઠાણ, વતન, વતનનો આવાસ, પ્રકૃતિનો પરિવેશ, સંગીતની લગન વ. ઘણું પડેલું છે. સર્જકનો શબ્દ કેવા કેવાં બળોથી, દ્રશ્યોથી, ક્ષણોથી પરિપુષ્ટ થતો આવે છે કે સર્જકની ચેતનામાં ચોમેરથી પ્રવેશતું, કલવાતું, એ ચેતનાને શ્રીમત્તાસભર કરી રહે છે તેવું. લેખનમાં શી રીતે અવતરતું હશે એ સઘળું અહીં તેમના વાચક-અભ્યાસીને એક ભૂમિકા પૂરી પાડે છે. જિંદગીના શરૂઆતનાં વર્ષમાં જ એવું ઉફરાપણું તેમને ધારી રહે છે તો ખીલવે પણ છે. એ પોતે જ એ વાત કેવી સહજતાથી કરે છે : વર્ણન કરવા માટે જે શબ્દ સ્ફુરી આવે છે - તે તો પ્રકાશ - સંગીત - પવિત્ર જલ, પવિત્ર વસ્ત્રપરિધાન - બધું ગ્રહીને આવે છે. મારા માટે એ સમુરચય એક તીર્થયાત્રા બની રહે છે. પોતાને આ સર્જક ગ્રામપરિસરનો એક અજનબી વ્યક્તિ લેખે છે. એટલું જ નહીં એક તબક્કે હિપ્પીનું હું મિશ્રણ છું ને એ રીતે ઉછર્યો છું એમ પણ જણાવે છે ! હા ત્યારે યુવાનીનાં એ વર્ષમાં આ અલ્લડ (સર્જક) એવા ગ્રામીણ પ્રદેશમાં વાંસળી વગાડયા કરતો, વાંચ્યા કરતો, અખાતનાં ભૂરાં જળને નિહાળ્યા કરતો, નોર્વેના પશ્રિમભાગના ભૂભાગ અને જલરાશિ ઉભયને ગટગટાવ્યા કરતો હતો.
આ સર્જકના ઉફસપણામાં એનું એવું જ રંગીન શૈશબ પણ ઉમેરાયેલું છે. સાત-આઠ વર્ષની ઉંમરે તો તે એકલો બોટમાં અખાતના પાણીની મજા લૂંટી શકે તેવું પિતા તરફથી સ્વાતંત્ર્ય પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. ક્યારેક પિતા સાથે જ એ અખાતમાં માછલીઓ પકડવા પણ બપોરે કે રાત્રે જતો. ત્યાં રંગોનાં જે દ્રશ્યો સર્જાતાં અવાજની એક નવી દુનિયા જન્મી આવતી હતી એ બધું બાળ ફોસેને વિસ્મિત કરી મૂકતું, એની મનોભૂમિમાં એ બધું કંઈક ન વર્ણવી શકાય તેવી ઊર્જાનો સચાર કરી રહેતું. આખો ય એ દરિયાઈ પરિસર સર્જકને સાંભળવું, સાંભળ્યા કરવું,
જોયા કરવું - શાંતિથી, માણ્યા કરવું એ સઘળું - એવો એક સર્જનમંત્ર આપી રહે છે. આ બધું ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, તેની લેખકને જાણ નથી પણ તે એટલું તો પામી રહે છે જ કે આ 'મારું છે', 'મારી ભાષામાં પ્રકટ કરવા જોગ છે, મારે તે સઘળું ખપમાં લેવાનું છે. ફોસેના ઉફસપણા'માં બાળપણનો આવો એક ઉજ્જવ ખેડ પુત્ર ભળેલો છે.
ફોસેનું આવું 'અસ્થિર પણું' કંઈક જુદી રીતે પણ એમના સર્જનને મહેકતું કરી રહ્યું છે. પેલો નોર્વેનો પશ્રિમનો પ્રદેશ, દરિયો, નાનકડું ગામ જ્યાં તે ઉછર્યા એ સ્ટ્રેન્ડબર્ગ ઓસ્લોનું માનદ્ નિવાસસ્થાન, હેનબર્ગ અને ઓસ્ટ્રિયા અને ફ્રીકાઉયા, નોર્વે-માં તેમની હરફર રહી છે. સાત વર્ષની ઉંમરે જીવલેણ અકસ્માતમાંથી ઉગરી ગયેલો, મૃત્યુ સામે વિજયી થયેલો ફોસે હજી એ જ પ્રકાશ એ જ વાદળ, વીજળી, ઝાકળ, ભૂરાં દરિયાઈ જલ, શાંતિ ગાતાં પંખીઓ વગેરે બાળપણના અદ્દભુત સ્મરણો વાગોળે છે. ગર્વથી ને કબૂલે પણ છે : 'આ બધાંએ તો મને કલાકાર બનાવ્યો છે !'