સુખી જીવનની વર્ણમાલા... .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- સાફ દ્રષ્ટિ અને સાફ દિલ હોય છે ત્યાં માર્ગ આપોઆપ નીકળે છે. નદીએ પોતાનું વહેણ કઈ દિશામાં જશે તેની ચિંતા ક્યારેય કરી નથી.
જિં દગી એક પહેલિકા છે અર્થાત્ એક ઉખાણું છે, એક કોયડો છે. ક્યારેક એવું બને કે આપણે જ કરોળિયાની જેમ જાળું બાંધતા જઈએ અને પછી જાતે જ ફસાઈએ. ક્યારેક વાત જ સરળ હોય અને અઘરી બનાવી દઈએ. ક્યારેક રાઈનો પર્વત કરી દઈએ કે પર્વતને રાઈ કરી દઈએ. પછી સિલસિલો શરૂ થાય સંઘર્ષનો, એ સંઘર્ષમાં આપણે મુકાબલો કરતાં કરતાં ખર્ચાતા જઈએ, પળોજણો વધતી જાય. આપણે સંભવતઃ એક એવો કિલ્લો ઊભો કરી દઈએ જેમાંથી પછી બહાર નીકળવાનું દ્વાર શોધ્યું ન જડે ! અન્યથા જીવન તો પુષ્પ જેવું જ, વહેતી નદી જેવું છે, પતંગિયા જેવું છે, વૃક્ષ જેવું છે. સુગંધ પમરાવતા રહો, વહેતા રહો, રંગબેરંગી બની રહો, વૃક્ષ જેવું લહેરી રહો. દ્વૈતને, પોતાપણાને જાળવીને, પોતાને ભૂલી જાવ. દ્વૈતથી ઊંચે ઊડવાનું છે, સંઘર્ષ તો હોય, અનાયાસે પણ આવી પડેલો હોય, પણ સંઘર્ષને કેવી રીતે જુઓ છો, તેની સામે મુકાબલો કરવાની આપણી રીત કેવી છે - એ બધું પણ મહત્વનું છે. સાદી ભાષામાં કહું તો સાફ દ્રષ્ટિ અને સાફ દિલ હોય છે ત્યાં માર્ગ આપોઆપ નીકળે છે. નદીએ પોતાનું વહેણ કઈ દિશામાં જશે તેની ચિંતા ક્યારેય કરી નથી. પુષ્પના છોડે ક્યારેય ઊગવા માટે પોતાની રીતની જગા પસંદ કરી નથી. જે સ્થળે, જગાએ, તે ઊગી રહે છે ત્યાં તે ખીલી રહે છે, સુગંધ પ્રસરાવી રહે છે. જીવનધર્મ તો ત્યાંથી શીખવા જેવો છે. પક્ષી કે પક્ષીઓના કોઈ જૂથે ક્યારેય આકાશના અમુકતમુક ટુકડા માટેનો દુરાગ્રહ સેવ્યો નથી. જ્યાં ઉડ્ડયન સહજ બન્યું ત્યાં તે પાંખ પ્રસારી રહે છે, ગીત ગાઈ ઊઠે છે. કેમ ? ક્યારે ? ક્યાં ? જેવા શબ્દો તેના શબ્દકોશમાં છે જ નહીં. જીવન આવું સહજનું વ્યાકરણ છે. પણ આપણે મારીમચેડીને તેને અસહજનો જટિલ દાખલો બનાવી દઈએ છીએ. જેનો ઉત્તર ભાગ્યે જ પ્રાપ્ત થાય. ક્યાંક એકાદ અંક તેમાં એવો આઘાપોછો થઈ ગયો હોય છે કે પછી તે દાખલાના ઉકેલ માટે આજીવન મથ્યા જ કરો. દાખલો ગણી ન શકાય અને ગણી ન શક્યા તેનો અફસોસ ઉત્તરોત્તર દ્વિગુણિત થતો જાય છે. મને આવા પ્રસંગે જરા ભિન્ન રીતે ગુરૂ દયાલ મલિક અને તેમના ગુરૂ કવિવર ટાગોરના એક દ્રષ્ટાંતનું સ્મરણ થાય છે. કદાચ જીવનની આવી જ કોઈ ગડમથલ અનુભવતો એક લબરમૂંછિયો જુવાન ગુરૂ દયાલ મલિકના હસ્તાક્ષર લેવા આવે છે. માણસ જુવાન છે, તેજસ્વી છે, જિજ્ઞાસુ છે. ગુરૂ દયાલ મલિકે ઘડીભર તેના ચહેરાની ભાષા વાંચી લઈને તેને હસ્તાક્ષરની સાથે લખી આપ્યું - Fulfil your self - અર્થાત્ તું તારું કર્તવ્ય અદા કરી રહે. એમ પણ કહી શકાય કે તારાં 'સુંદર કર્મોથી તું તારા જીવનને શણગારી રહે. વાત તો મહત્વની છે. પહેલાં સ્વયં પુરવાર થવું પડે, પોતે સજ્જ થવું પડે. તે માટે જહેમત કરવી પડે, અવરોધો પાર કરવા પડે. કહો કે દ્વૈતને પૂરું દ્વૈતત્વથી સભર કરવું પડે. પણ અહીં તરત બીજો પ્રશ્ન સતર્ક હોય તેને જરૂર થવાનો. શું દ્વૈતત્વને સજી-ધજી દેવામાં જ, ખુદને જ સમૃદ્ધ કરી રહેવામાં, બધી ઈતિશ્રી સમાઈ જાય છે ? બસ, આનો ઉત્તર એક અન્ય કિસ્સામાં કવિવર ટાગોર તેમના શિષ્ય ગુરૂ મલિકને કંઈક ભિન્ન રીતે આપી રહે છે. અહીં ગુરૂ દયાલ મલિક ટાગોર પાસે હસ્તાક્ષર માગે છે. હસ્તાક્ષર લેનાર ગુરૂ દયાલ મલિક હોય અને આપનાર કવિવર ટાગોર હોય એટલે આપણું કુતૂહલ તે વિશે જરૂર વધી જવાનું. જુઓ, ટાગોર હસ્તાક્ષર આપીને લખે છે: Forget your self - અર્થાત્ જાતનું, સ્વયંનું, વિસ્મરણ કરી રહો. સ્વયંને સિદ્ધ કરો પણ પછી સ્વયંનો લય પણ થવો જોઈએ. શણગારેલું દ્વૈત જરૂર અગત્યનું છે પણ તમે તમને ભુલીને જે પળે અદ્વૈતના વર્તુળમાં પ્રવેશ કરો છો તે ક્ષણે અનેક બંધ બારણાં તમારા માટે ખૂલી જાય છે, અનેક ગાંઠો આપોઆપ છૂટી જાય છે અથવા તો ઢીલી પડી જાય છે. જે કંઈક અસહજ રહ્યું હોય છે તે સહજ થઈ જાય છે, અસરલ સરલ થઈ જાય છે. અહીં વ્યક્તિએ પોતાના વર્તુળનું નૃત્ય પૂરું કરી, પાવરધા કે સજ્જ થઈ બીજા વર્તુળમાં પ્રવેશવાનું હોય છે. ત્યાં બીજું નૃત્ય કરવાનું હોય છે, એ નૃત્ય પણ જુદી સજ્જતા માગી રહે છે. જાતને ભૂલી જાવ એટલે બધું જ ખર્ ખર્ ખરે ખરી પડે. અન્યને પામીએ, અન્યને સમજીએ, અન્યનો વિચાર કરીએ એટલે અ-દ્વૈતનો બિચ બિચ બારીવાળો ઊંચો કિલ્લો બંધાઈ રહે. જ્યાં બારણાં જ બારણાં, બારીઓ જ બારીઓ. નરી મુક્તતા નથી કોઈ ત્યાં સીમાબંધન કે નથી કોઈ પીડી રહે તેવો સંઘર્ષ. સંઘર્ષ કે વેદના હોય તો પણ તેની માધુરી જુદી જ હોય છે. આ બંને જણના હસ્તાક્ષરો અને બંને જણનું વિચારદ્રવ્ય એકમેકમાં ભળીને ક્રિસ્ટોફરને અહીં યાદ કરીને કહું તો સુખી જીવનની વર્ણમાલા રચી રહે છે. પૂર્ણ જીવન વર્ચ્યુઅલ છે, સુખી જીવન વાસ્તવ છે.
ૃઆપણા સમયમાં આપણે જે કંઈ જીવીએ છીએ તે કંઈક ઉપરછલ્લું છે. સાદી શૈલીમાં તેને મોં માથા વિનાનું કહું તો ચાલે. અન્ય દોડે છે, તો હું ય દોડું, અન્ય ચાલે છે, તો હું ય ચાલું, અન્ય આ કે તે કાર્ય કરે છે તો હું ય પણ આ કે તે કામ જ કરીશ. આનું સીધું પરિણામ આપણે આપણી ચાલે કદી ચાલતા નથી કે ચાલવાના નથી એવું પરખાઈ આવે છે. વોટસએપ, ફેસબુક અને ટી.વી.ની સિરિયલોએ આપણા ભીતરનો કબજો લઈ લીધો છે. તેથી ત્યાં જે સમીકરણો, સોદાબાજીઓ, સંવાદબાજીઓ, સંબંધબાજીઓ, સંપર્કબાજીઓ ગોઠવાતી હોય છે તે બધું અજાણતાં કે જાણતાં હાવી થઈ જાય છે.
સૌ દોડી રહ્યા છે, આજુબાજુ જોવાની ફુરસદ નથી અને ભીતર આપણે મીડિયાની, રાજકારણીઓની, કથાકારો કે કહેવાતા સંતોની સાથે કનેક્ટ થવામાં લગભગ ખર્ચી નાખ્યું છે. કહો, પછી closenessનો, સહવાસ કે આત્મીયતાનો, આગળ વધીને કહું તો પ્રેમનો, મુદ્દો જ ક્યાં રહે છે ? નથી આપણે આપણને સમૃદ્ધ કરી શકતા કે નથી એવી સભરતાના માર્ગો પસંદ કરવાની આપણામાં વૃત્તિ જાગતી. પછી જાતને ઑગાળી નાખવાની ટાગોરકથિત વાત જ રહેતી નથી. ગાંધીજીએ ક્યાંક કહ્યું છે કે ખાલી ઘડા કે પોલા ઢોલની જેમ કિંમત હોતી નથી તેવું જ છેવટે એવા પ્રકારના જીવનનું પણ બની રહેતું હોય છે.
ખુલ્લું આકાશ અને નિઃસીમ ધરા બંનેનું સદા કાળનું માનવમાત્રને નિમંત્રણ રહ્યું છે: આકાશ બનો, ધરા બનો, રંગ ભરો, છટાઓ ઉમેરો ને વરસી રહો. પાંગરો, ખીલી રહો, સુગંધ પ્રસરાવો ને પરિતૃપ્ત થઈ રહો... કરી રહો !