મનુષ્ય! પ્રેમ જ ઈશ્વર છે .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- જ્યાં પ્રેમ છે ત્યાં સંવાદ છે, જ્યાં પ્રેમ છે ત્યાં અદ્વૈત છે, જ્યાં પ્રેમ છે ત્યાં બળ છે, જ્યાં પ્રેમ છે ત્યાં કરૂણા છે, જ્યાં પ્રેમ છે ત્યાં 'હું'ની ગેરહાજરી છે, જ્યાં પ્રેમ છે ત્યાં સઘળું નિજત્વથી ભરેલું અનુભવાય છે
હે મનુષ્યજાત ! અને એમાંનો જ એવો એક આ લખનાર - સૌ વિચારીએ કે અહીં આપણું હોવું એ શું છે ? શાના માટે આપણે જીવી રહ્યા છીએ? કયું લક્ષ્ય છે આપણા સૌનું ? કેવું જીવવાનું છે કે શું જીવી રહ્યા છીએ અહીં આપણે આ 'જીવન'ને નામે ? એક અતિ દીર્ઘ સમય, એક અજબગજબનો ઈતિહાસ આપણે પાછળ છોડતા આવ્યા છીએ, એવા ઈતિહાસમાંથી આપણે કશો બોધપાઠ લીધો છે ખરો ? ક્યારેક નિરાંતે આપણે આપણું સરવૈયું કાઢ્યું છે ? નફા-તોટાનો અરે, લગીરે વિચાર કર્યો છે ખરો ? શિયાળ સીમ તરફ ખેંચે છે, કૂતરું ગામ ભણી લઈ જાય છે. આપણે ખોડાઈ રહ્યા છીએ હજી એમ જ ! ધર્મો, તત્વચિંતન, કથાકારો, સાહિત્ય, ધર્મગુરૂઓ, ઉપદેશકો કે માર્ગદર્શકો અથવા એવું કશુંક બીજું-ત્રીજું કશું ઝાઝું ઉપયોગી પુરવાર થયું નથી. શાસ્ત્રો પણ કશું પરિવર્તન લાવી શક્યાં છે કે કેમ તે પ્રશ્ન છે જ. તેનાં કારણો પણ છે. વિરોધો, વિરોધો, વિરોધો વચ્ચે જ માનવજાત જન્મતી રહી છે, લોપાતી રહી છે, જન્મતી રહી છે... પણ અહીં ગ્રહણ કરવા યોગ્ય સબક તો દુરને દૂર જ રહ્યો છે - પેલા માણેકડાના ગાજરની જેમ !
તેથી તો કદાચ આપણો ઈતિહાસ પીડાનો વધુ છે, શોષણનો વધુ છે, સત્તાનો વધુ છે. આનંદ કરતાં વેદનાનો વધુ છે, શાંતિ કરતાં યુદ્ધનો વધુ છે, દયા કરતાં ધૃણાનો વધુ છે, પ્રેમ કરતાં તિરસ્કારનો વધુ છે. એકેય કરતાં, જુદાપણાનો અધિક છે, જોડવા કરતાં તોડવાનો વધુ છે. આપણે સહજ રૂપે જન્મીને અસહજ થતા ગયા છીએ, પ્રકૃતિગત જીવન છોડીને પ્રાકૃત બનતા ગયા છીએ. ભાષાની જેમ જેમ જાણકારી વધતી ગઈ છે તેમ તેમ એ ભાષા વડે જ આપણે વધુને વધુ ભ્રષ્ટતા આચરતા જઈએ છીએ. કર્મ અને ધર્મને વિખૂટા પાડી દીધાં છે. ઉત્સાહને ઉન્માદમાં પરિવર્તિત કરી દીધો છે. આનંદને પણ બજારૂ બનાવી દીધો છે. કહો કે આપણે આપણને એક 'ચીજ' એક 'વસ્તુ' રૂપે પ્રસ્તુત કરવાનું કૌશલ હસ્તગત કરી દીધું છે. તાસકમાં જીવન આખાને મૂકીને હવે તે આપણે રોબોટને ચરણે ધરી રહ્યા છીએ. જીવનની મૂળ બારાખડી વિસારે પડતી જાય છે. હવે એક નવી બારાખડી ઊભી કરી, નવા આંકડા ઊભા કરી, આપણે કરોળિયાની જેમ આપણું જાળું ઊભું કરવાનો કસબ બરાબર જાણી લીધો છે. જાગ્રત જીવનને બદલે મૂર્ચ્છિત જીવન જીવવાની મજા હમણાં લૂંટી રહ્યા છીએ !
આ સર્વનું વિશ્વ એ સાચું વિશ્વ- એવું હવે માનતા-મનાવતા થઈ ગયા છીએ. ધબકથી જીવનારો માણસ તેથી હવે હબક લઈને જીવે છે. જીવન વરદાન છે તે વાતનું વિસ્મરણ કરી તેને અભિશપ્ત લેખતા થઈ ગયા છીએ. અખંડનો જાદુ ભૂલીને ખંડનું મહિમાગાન ગાતા થઈ ગયા છીએ. તેમાંથી જ કાળા અને ગોરા રંગનું ગણિત રચતા થઈ ગયા. તેમાંથી જ ધર્મનાં તડાં ઊભાં કરવામાં મશગૂલ બની ગયા, તેમાંથી જ જાતિઓનું અવનવું વ્યાકરણ લખાતું જાય છે, તેમાંથી જ વર્ગભેદમાંથી રાચવાનું શીખી લીધું. માણસ છે ખરો અને માણસ નથી - એવી વક્રવાણી ઉચ્ચારવી પડે એવી સ્થિતિએ સૌ કોઈ આજે પહોંચી ગયું છે. જોગાનુજોગ આજે વેલેન્ટાઈન દિને આ બધું વિચારી રહ્યો છું ત્યારે થાય છે કે ઈશ્વરે આ પ્રેમનું- પારાવાર પ્રેમનું - કેવું વિશ્વ આપણને સંપડાવી આપ્યું છે પણ આપણે તો તેનાથી દૂર ને દૂર જ ભાગીએ છીએ ! જાણે લાખ દુઃખો કી એક દવા - એવું આ ઔષધ તેણે આપણી સન્મુખ ધરી દીધું હોવા છતાં સૌને અપ્રેમ તરફ જ વિસ્તરી રહેવાનું કોઠે પડી ગયું છે. આપણી અંદર-બહારની ઉત્ક્રાંતિમાં પ્રેમ જ સર્વેસર્વા રહ્યો છે, તે જ ખરો ઉજેર કે પ્રકાશ છે, તે જ ગતિ અને ગંતવ્ય છે તે આપણી ધ્યાન બહારની હકીકત બની ગઈ છે. પ્રેમ કરો, પ્રેમ મેળવો, પ્રેમથી જીવો, પ્રેમથી જીવવા દો, પ્રેમની ઉજવણી કરો, પ્રેમભરી ભાષા બોલો, પ્રેમભર્યો વ્યવહાર કરો, પ્રેમની સલ્તનત ઊભી કરો, પ્રેમનું વિશ્વ ખડું કરો, હરો-ફરો- બધી વખતે પ્રેમ જ કેન્દ્રભૂત હોય તો સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય, અથવા નહિવત્ થઈ જાય. હા, આપણે વેલેન્ટાઈન ઊજવીએ, વસંત ઊજવીએ, ફાગ ગાઈએ, રસિયા બનીએ, કૃષ્ણ-રાધાને નિમિત્તે ગુલાબનાં પુષ્પોનો શણગાર કરીએ, રાસ રમીએ-રમાડીએ આ તે આવું બધું પેલા 'પ્રેમ' ભણી જ દોરી જાય છે, પ્રેમની જ એ વિવિધ અભિવ્યક્તિઓ છે. એવા પ્રેમને હે મનુષ્ય ! તું કોઈ ધર્મ સાથે ન જોડ, કોઈ દેશ કે કોઈ જાતિ સાથે તેનો સંબંધ ન સ્થાપ, કોઈ સંસ્કૃતિવિશેષ સાથે પણ તેનું સગપણ ન શોધ, કારણ કે એ બધી ગલી-રસ્તા પ્રેમ ભણી દોરે છે, ત્યાંથી તે સાચા જીવનમાર્ગ ભણી લઈ જાય છે. પ્રેમનું કામ ધર્મને, જાતિને, ભૂ-ભાગને, સીમાઓને, જીર્ણ કોષ્ટકો કે તથ્યહીન કારિકાઓને અતિક્રમી જવાનું છે.
જ્યાં પ્રેમ છે ત્યાં સંવાદ છે, જ્યાં પ્રેમ છે ત્યાં અદ્વૈત છે, જ્યાં પ્રેમ છે ત્યાં બળ છે, જ્યાં પ્રેમ છે ત્યાં કરૂણા છે, જ્યાં પ્રેમ છે ત્યાં 'હું'ની ગેરહાજરી છે, જ્યાં પ્રેમ છે ત્યાં સઘળું નિજત્વથી ભરેલું અનુભવાય છે. પ્રેમ સંકુચનમાં નથી માનતો, તેની પ્રકૃતિ વિસ્તરણની સાથે વ્યાપકતાની રહી છે. 'પ્રેમ' શબ્દથી નાકનું ટેરવું ચઢાવી દેનારા ચોખલિયાઓ છે. પ્રેમને આ કે તે ધર્મ સાથે જોડીને વાતને અવળે પાટે ચઢાવી દેનારા પણ છે. 'પ્રેમ'ને નીતિ કે ચારિત્ર્યથી ઊફરો જતો જોનાર વિકૃત માનસિક્તા ધરાવનારા પણ છે. પણ પ્રેમ ધરાતલનો હોય કે પછી અફલાતૂની હોય તે 'પ્રેમ' જ છે. કોઈપણ ભાષાના શબ્દકોષમાં સૌથી ઊંચેરો શબ્દ 'પ્રેમ' જ છે. પ્રેમમાં માત્ર સત્ય નથી, શિવ-સુંદર પણ છે. પ્રેમમાં વિરોધ નથી એકરાગતાનું સંગીત છે. પ્રેમ સર્વાશ્લેષી લય છે. ઈતિહાસે મનુષ્ય જાતે - પ્રેમનું સાચું પ્રકરણ લખવાની શરૂઆત કરવાના દિવસો આવી પહોંચ્યા છે. એ જો તે ચૂકશે, તો તે જ ખુદનું ખપ્પર બની રહે છે. પ્રેમ જ ઈશ્વરનો પર્યાયવાચી શબ્દ છે.