માળો આ, તે અને... .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ક્યાંથી આ બધી રોમહર્ષણ કળા તમે હસ્તગત કરી આવ્યાં છો? અરે, સમયની કઈ નવરંગી પટ્ટી પર તમે અત્યારે ઝૂલી રહ્યાં છો?
- ત્યારે એ માળો નિહાળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. દિવસો સુધી એનો રોમાંચ રહ્યો હતો. સુગરીના માળાનું એક મારું પ્રથમ દર્શન હતું. અને તે પણ મારા ખુદના વાડાના જ એક વૃક્ષ પર. એનું પ્રવેશદ્વાર, ભોટવા જેવો એનો આકાર, એની બારીક ગૂંથણી, થોડી થોડી વારે તેમાં સુગરીની આવનજાવન... એનો વિશ્વાસભર્યો ચહેરો, ઉડ્ડયન વેળા તેનો એક ખાસ પ્રકારનો ઉત્સાહ - એ બધું આજે પણ તીવ્ર રીતે સ્મરણમાં છે. એકવાર ઘર વિશેની સંવેદનામાં ખૂંપેલો હતો ત્યારે ફરી બધું યાદ આવ્યું. સુગરી-સુઘરી વિશે પણ થોડુંક ત્યારે તેમાં ઉમેરાયું. થોડુંક પછી કાગળ પર વિસ્તાર્યું. પેલું આશ્ચર્ય, પેલો રોમાંચ - બધું પણ એ કાગળમાં અવતરતું રહ્યું. પોતે જ સ્થપતિ પોતે જ માળાનું નિવાસી, પોતે જ કંડારેલું સ્થાપત્ય અને પોતાનાં જ અપત્ય સાથે તેમાં કલ્લોલ કરી રહેવાનું! ઓલ ઈન વન! શો ઠાઠ-માઠ છે આ સુગરી-સુઘરીનો! સમયનું કેવું-કયું રૂપ જીવી રહી હશે આ સુગરી, એનો પરિવાર - એવું મનોમન પ્રસન્નતાથી ત્યારે વિચારી રહ્યો હતો. સાચું કહું ત્યારે પેટ્રિક તો વાંચ્યો નહોતો પણ એના જેવું જ કંઈક વિચારીને હું તોષપૂર્વક ગણગણ્યો હતો - ઓહ! સુગરીજી! તમે કહો તો ખરાં કે કયા ઉદ્દેશથી આ આનંદભર્યા થેકડા લીધા કરો છો? અરે, ક્યાંથી આ બધી રોમહર્ષણ કળા તમે હસ્તગત કરી આવ્યાં છો? અરે, સમયની કઈ નવરંગી પટ્ટી પર તમે અત્યારે ઝૂલી રહ્યાં છો? તમે સામાન્ય જીવીને પણ કેવું અસામાન્ય જીવી રહ્યાં છો સુગરીજી? તમે તમારા હોવાપણાનો ઉદ્દેશવિહી જીવીને પણ ઉદ્દેશનો પરિચય કેવો અનોખી રીતે આપી રહ્યાં છો? તમે લાગે છે કે તમારું લક્ષ્ય શોધી લીધું છે. નિરુદ્દેશનો ઉદ્દેશ, તેનો જ ભર્યો ભર્યો આનંદ, એ જ જીવનરસ...
વર્ષો પછી આજે એક વિજન રસ્તા પર ઊભો છું. ત્યાં વૃક્ષ તો છે પણ હર્યુંભર્યું નથી. સૂકા પર્ણોનું આધિપત્ય ત્યાં વધુ છે. અપવાદરૂપે થોડાંક લીલાં પર્ણ છે. એક જ વૃક્ષ પર સમયનાં બે રૂપો એક સાથે જીવી રહ્યાં હતાં. વૃક્ષનું મૂળ પણ કંઈક ઓછું લીલું અને વધુ શુષ્ક હતું. તેના મૂળનો કેટલોક ભાગ બહાર જમીન પર નીકળી આવ્યો હતો. અહીં પંખીઓ નહોતાં, તેનું કૂંજન પણ નહોતું. તેની ડાળે ડાળે મારી નજર ગોકળગાયની ગતિએ ફરતી જાય છે. ત્યાં મારું ધ્યાન બે-ત્રણ ડાળ પર સ્થિર થાય છે. વધારે એકાગ્ર થઈને જોઉં છું ત્યાં તો સુગરીના માળા ધ્યાનમાં આવે છે. એકાદ-બે માળા નહીં ખાસ્સા આઠ-દસ માળા! પણ માળાઓ માત્ર માળાઓ હતા કશી ચહલપહલ વિનાના. સુગરીનું ઉડ્ડયન નહોતું, તેમાં કોઈની આવન-જાવન નહોતી. કલ્લોલ નહોતો. રોમાંચ જગવે તેવું કશું નજરે પડતું નહોતું. માત્ર ને માત્ર સુગરીઓ વિનાનાં તે સૂના માળા હતા, ઘર હતાં, બધું પેલી વિજનતાનો અસબાબ લાગે. નિર્જન રસ્તાઓને વધુ નિર્જન બનાવી રહે. કહો કે કોલોની ખરી, પણ આખી કોલોની ખાલીખમ! માણસ વિનાનાં ઘર જેવું નિસ્તેજ, જર્જરિત, શાપિત લાગી રહે. અહીં કોઈકના હોવાનો પડછાયો નહોતો, કોઈનાય નહીં હોવાનો ભેંકાર હતો. નિર્જન રસ્તો, પંખી હીન વૃક્ષ અને તેની પર ખાલીખમ સુગરીના લટકી રહેલા માળા... શ્વાસહીન, પ્રાણહીન, શુષ્કતાનો જ પરિવેશ
મારી આંખો ડાળીએ ડાળીએ ફરીને, પાછી વળી, મને જ કંઈક અંદરથી કહી રહી... અતીત એ હવે રદ્દી કાગળ બની ગયો છે. તેની પર કશું લખી-ઘૂંટી શકાય નહીં. સ્થપતિ અને સ્થાપત્ય-ગૂંથણી અને ગુંજન, આનંદ-રોમાંચ બધું એક એનો 'સમય' રચી રહે છે. જે 'સમય'ને સાતત્યધારા કરતાં વધુ તો એ 'સમય' પૂરતું જ એનું સત્ય હોય છે. સમય આગળ વધે, વહેવાની તેની પ્રક્રિયા વણથંભી ચાલ્યા કરે એ એની પ્રકૃતિ છે. એવી પ્રકૃતિ મધ્યે કોઈક 'કૃતિ' રચી જાય, પોતાનો ઉદ્દેશ પૂરો કરી રહે એટલે ત્યાં તે એક ચોક્કસ 'સમય' પોતાની રીતે આટોપાઈ જાય છે. એને તું કે હું - બીજું કોઈ ભલે 'સ્મૃતિ'નું નામ આપીએ, 'સ્મરણ' લેખીએ. પણ તે અતીત જ છે. જીવનના સ્વીકારમાં અતીતનો પણ સ્વીકાર સમાયેલો છે.
હા, આજે પહેલીવાર જોઈને તાજુબ થઈ ગયેલો એ સુગરી કે એનો માળો નથી, એ સુગરી કે કલ્લોલ કરતો એનો પરિવાર નથી. બધું સ્થાપત્ય, બધી રોનક, પેલું સ્થપતિ જેવું પંખી કે પછી કોઈ પણ સ્થપતિ - સ્થાપત્ય એક દિવસે આમ જ અતીત થઈ જાય છે, કદાચ નામશેષ બની રહે છે. 'સમય હતો, સમય છે, સમય આવશે' એ ત્રણ વાત ત્યાં પૂરી થઈ ગઈ છે. વોલ્ટ વ્હીટમેન જેવા કવિ કદાચ એવી સ્થિતિનું સરવૈયું કાઢવા બેસે - ચૂસાઈ જવાનું, વેચાઈ જવાનું, શોક-સૂતકમાં ગરક થઈ જવાનું, પછી બધું લીરા લીરા થઈ રહેવાનું, અશ્રુપાત થઈ રહેવાનો - એવું કંઈક - હું પણ પેલી પ્રથમ સમયે નિહાળેલી સુગરી, એના માળાને યાદ કરતાં કરતાં, પેલો જાદુભર્યો વાડો, એ માટીની દીવાલોવાળું ભીતર બહાર વીંટળાયેલું ઘર,
જેમની હથેળીઓની રેખાઓમાં એ ઘર, એમનો સંસાર ચિર રેખાઓ બનીને અંકિત થઈ ગયેલ એ, તેનાં ધારકો, એ ઘરને જ સદાનું સ્વર્ગ સમજીને આનંદનું મેઘધનુષ્ય જ્યાં સદૈવ ખેંચાયેલું રહેતું અને જે એનો જ એક ચોક્કસ સમયનો હિસ્સો બની ગયેલ એવાં સંતાનો, પરિવારજનો, બધું આજે કાલશેષ થઈ ગયું છે. હું આ ક્ષણે એ બધું ધારી ધારીને સમયના દર્પણમાં જોયા કરું છું. અરે, દર્પણ પછવાડેનું ગેરુ જ ક્યાં રહ્યું છે! દર્પણના કાચ કરચો બની ગયા છે.... ઝાંખા, સાવ નિસ્તેજ.
કદાચ, અત્યારે હું શ્વાસ ભરું છું એ ઘર પણ પેલા ઘર-પરિવારની જેમ જ એકાકી બનતું જાય છે. અહીં પણ આનંદનું પારિજાત સૂંડલે સૂંડલે પુષ્પો વેરતું હતું - ખેરવી રહેતું હતું. મીઠી ભાષા, ખિલખિલાટ અને કિકિયારીની નિરંતરની ગુંજ હતી. કદાચ કાલે આ ઘર, તેમાં નિવસનાર પણ પાછળથી જોયેલા પેલા શુષ્ક વૃક્ષની ડાળ પર લટકી રહેલા ખાલી માળાઓ જેવો જ એક માળો બની રહે. સમય ક્યાં કશે વસ્તુલક્ષી રહ્યો છે? સમયની અવધારણાને તેથી જ બાજુ પર રાખવી ગમે છે. બાલ્ઝાક કહેશે - ભૂલ્યા વિના જીવી જ ન શકાય. સમય સામે તેથી શાંતિ ધારણ કરીને બેઠો છું. પેલો અજ્ઞાત કવિ કહેશે - બધું આપમેળે થવા દો.... તમે, હું, ઘર માળો નહીં હોય ત્યારે ય ડિઝનીલેન્ડ તો વિસ્તરશે પેલા સમયના ટેકે!