શૂન થઈ ગયો છે! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- 'જે પોતાનામાં જ નથી રહ્યા' (આ શબ્દો વિવેકાનંદના છે) તે પેલા વિદ્યાર્થીને શું આપી શકશે ? કેવા નૂતન સમાજનું તે સર્જન કરશે ?
એ ક અદના શિક્ષક તરીકે 'શિક્ષણ' મારી સ્પૃહાનો વિષય રહ્યો છે. વખતોવખત હું તે વિશેની મારી સમજમાં જરૂર પડતા નવું ઉમેરતો જાઉં છું, અથવા કોઈ પરિવર્તનની તેમાં વાત આવે છે તો તેનો સહજ સ્વીકાર પણ કરુ છું. તે વિશેના નવા નવા આયામોના સંપર્કમાં રહુ છું અને જરૂર પડતા સંમત- અસંમત વિશેની પ્રતિક્રિયા પણ આપું છું. પણ દરેક વખતે એક વસ્તુને અચળ બનીને વળગી રહું છું. શિક્ષણ બહેતર થવા માટે છે, શિક્ષણ માનવને સાચો માનવ બનાવવા માટે છે. માણસને પોતાનાથી જ દૂર લઈ જાય, મૂળભૂત મૂલ્યોને વિસારે પાડવાની પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પ્રવૃત્ત થાય, માનવીય સ્વાતંત્ર્યને અને માનવીય સત્યને ઝંખવી રહે, તેવી કોઈ વાતનો સ્વીકાર કરવા મારું મન કદી તૈયાર થયું નથી. મારા એવા વલણને ભારતના ઋષિ- મુનિઓની એવી વિચારણા પુષ્ટ કરતી રહી છે. શિક્ષણ મારે મન નિત્યનું જાગરણ છે, એવું જાગરણ જેટલું બહિર્ છે તેટલું જ ભીતરનું પણ છે.
એ તો બહુ સ્પષ્ટ દીવા જેવી વાત છે કે દેશ- કાળ પ્રમાણે અન્ય બાબતમાં બને છે તેમ, શિક્ષણમાં પણ પરિવર્તન આવવાનું નવા વિશ્વનું, નવા સ્પંદો, શોધો- સંશોધનો કે સંવેદનાનું, નવી આર્થિક- રાજકીય કે સાંસ્કૃતિક ધાર્મિક વગેરે બાબતોનું તેમાં પ્રતિબિંબ ઝિલાવાનું, શિક્ષણના અર્થમાં પરિવર્તન આવવાનું કે તેનું વિસ્તરણ પણ થવાનું. પણ એ સઘળું વળતો લે છે છેવટે જે તે સમયના માનવ માટે, તેની મુક્તિ અને ભુક્તિ માટે. 'મુક્તિ' અને 'ભુક્તિ' શબ્દ સાભિપ્રાય યોજું છું. મુક્તિ એટલે સર્વ પ્રકારની નકારાત્મકતામાંથી મુક્તિ, અજ્ઞાાનતામાંથી, અંધશ્રદ્ધામાંથી, અંધ ભક્તિભાવમાંથી, ઘાતક આવેગો કે ઉન્માદમાંથી, અહમ્માંથી, છિન્નતાને છદ્મમાંથી મુક્તિ જ્ઞાાન વિશેષ ઇચ્છે છે, પણ તે તેની ભીતરના તત્ત્વોની સાચી જાણકારી માટે, એનું અંતિમ પરિણામ તો સંશ્લેષ જ રહ્યું છે. ભારતીય શિક્ષણ પદ્ધતિ, એના પ્રાચીનમાં પ્રાચીન રૂપમાં પણ આ મૂળ સત્ત્વને લઈને જ આગળ વધી છે. 'ભુક્તિ' એટલે ભૌતિક સુવિધાઓ - તે માટેની કૌશલ પ્રાપ્તિ આવા મૂળ સત્યને ઉજાગર કરી આપનારા એ ઋષિઓની સામે તપોવન હતું, તપોવનની શાંતિ હતી. અક્લેશના અનુભવ કરાવતી પહાડો- શિખરો- વૃક્ષો- ઝરણાં- નદ- પંખીઓ વ.ની કલ્લોલ કરતી મુક્તિસભર સૃષ્ટિ હતી. આપણી ઋચાઓ- મંત્રો આપણે શિક્ષણ વિભાવ એવા ખુલ્લા આકાશ નીચે, નિઃસીમ, અકલિત પૃથ્વી પર આવિર્ભાવ પામ્યો હતો. આપણું શિક્ષણ શાંતિપાઠનું, સબળ મનુષ્યત્વનું, ઊર્જાથી ભર્યાભર્યા માનવ માટેનું છે. આ જ ભારતના શિક્ષણની મૂળભૂત બુનિયાદ છે.
પ્રાચીન સમયે, આજના સમયે અને આવતીકાલ માટે પણ આ નક્કર બુનિયાદને લઈને જ આપણી શિક્ષણ નીતિઓ ઘડવી પડશે. હા, પછી દેશ- કાળાનુરૂપ તમે તેમાં શુદ્ધિ- વૃદ્ધિ કરતા જાવ. વિશ્વના સંદર્ભે નવા વિચારોને તેમાં આમેજ કરતા જાવ. શિક્ષણ સ્વતંત્રમાં શ્વાસ ભરતું હોવું જોઈએ, તે નગર, શહેર કે તેની આગળ જેટલું વિસ્તરવું હોય તેટલું તે વિસ્તરી રહો પણ તે માનવને માનવ સાથે જોડાયેલો રાખે, માનવને પોતાની રીત પ્રકટ થવા 'સ્પેસ' આપી શકે. કોઈ એક વિચારધારાનું દાસત્વ ન સ્વીકારે, જે કંઈ તે જુએ, તારવે કે નિર્ણય લે તેમાં વ્યાપક દ્રષ્ટિનું તેજ ભળેલું હોય. શિક્ષણ સત્તા જ તેમાં સર્વોપરિ હોય, શિક્ષક કે કુલગુરુ જ તેમાં શીર્ષસ્થ હોય, વિદ્યાર્થી જ તેનું ધબકતુ કેન્દ્ર હોય એના એવા વિશુદ્ધ તપોવની લેબાસમાં શિક્ષણથી ઇતર બળોની કોઈ નાની સરખી લકીર પણ પ્રવેશવી કે ઉપસવી ન જોઈએ. વિવેકાનંદનું સ્મરણ કરું તો 'તોફાન મચાવતી' કોઈપણ બાબત કે માહિતી ત્યાં વર્જ્ય છે.
આપણા આજના સમયમાં અનેક પ્રકારના બલાબલો વચ્ચે, અનેક પ્રકારની લાલસાઓ વચ્ચે આવા 'તપોવની' શિક્ષણ આવિર્ભાવ કોઈકને અશક્ય લાગે, કોઈકને તેમા ંનર્યો આદર્શ પણ જણાય. પણ આનંદ એ વાતનો છે કે આપણે હજી પ્રાચીન ભારતીય શિક્ષણથી સાવ છેડો ફાડયો નથી,
હજી ઋષિ- મુનિની ઋચાઓ અને સૂક્તો- મંત્રો વડે વિશ્વ અને માનવ વિશેના મૂળ વિભાવનું આપણે ગૌરવ કરીએ છીએ. હજી આપણા ચિત્તમાંથી નાલંદા અને તક્ષશિલા જેવા પ્રાચીન વિશ્વ વિદ્યાલયો મૉડલરૂપ રહ્યા છે. તત્કાલીન શિક્ષણપ્રથા વિશે ખણખોદ કરતા રહ્યા છીએ.
હું શિક્ષણની આ કે આવી બીજી પાર વિનાની વાતો કરું છું ત્યારે મારી સામે આજના ભારતના શિક્ષણનું કંઈક ઓછું આશાસ્પદ એવું ચિત્ર પણ છે. શિક્ષણ નર્યો ધંધો બની ગયું છે. શિક્ષકો સેલ્ફ ફાઇનાન્સ શાળા- કોલેજોમાં અપૂરતા પગારથી નોકરીઓ કરી રહ્યા છે. સંચાલકોમાંથી બહુ જ ઓછા માણસો પાસે શૈક્ષણિક દ્રષ્ટિકોણ રહ્યો છે. શિક્ષણમાં વિદ્યાર્થી જ અપ્રસ્તુત બની રહ્યો છે. તેના વ્યક્તિત્વ ઘડતરની વાત દીવાસ્વપ્ન જેવી બની રહી છે. સરકારી સંસ્થાઓમાં પણ અપૂરતી સુવિધાઓ, અપૂરતા શિક્ષકો- અધ્યાપકો, બાહ્ય અને આંતર માળખા પણ અસંતોષથી ભરેલાં, યુનિવર્સિટી કે તેના બોર્ડઝ તરફથી પણ સાચી દિશામાં મળવો જોઈએ તેવા સહયોગની ઉણપ, આવી સંસ્થાના વડાઓની શૈક્ષણિક સમજમાં જોવા મળતી નરી ન્યૂનતાઓ, શિક્ષકત્વને, તેના હીરને ચૂસી લેતી કેટલીક બાહ્ય દખલગીરીઓ, શાસકોનું સમયે સમયે શિક્ષણ ક્ષેત્ર પર વર્ચસ્વ વધારવાનું વલણ, વાલીઓની ઉદાસીનતા અને બેબાકને બદલે બેબાકળો બનેલો વિદ્યાર્થી- આ બધું તીવ્ર રીતે ચિંતા ઉપજાવનારું છે. શૈક્ષણિક સંસ્થાઓના પાટિયાં લગાવીને ખૂલેલી આ હાટડીઓ કહો નવનિર્માણ ઇચ્છતા ભારતને ક્યાં લઈ જશે ? શિક્ષણ જગતમાં પણ કહેવાતા શિક્ષકો, કહેવાતા કેળવણીકારો, કહેવાતા કુલપતિઓ અને કહેવાતી શૈક્ષણિક સમિતિઓના કહેવાતા તજજ્ઞાો પણ લગભગ રાજકીય સત્તાધીશો તરફ લાલસાભર્યું મોં રાખીને ઉભા છે. 'જે પોતાનામાં જ નથી રહ્યા' (આ શબ્દો વિવેકાનંદના છે) તે પેલા વિદ્યાર્થીને શું આપી શકશે ? કેવા નૂતન સમાજનું તે સર્જન કરશે ? કહો કે વ્યાપક હતાશામાં આપણુ આખું ય શિક્ષણતંત્ર ગરક થયેલું છે. સરકારી આંકડાઓ મારી વાતમાં સૂર પુરાવતા તેથી કહે છે જ - ૨૦૧૪થી ૨૦૨૧ વચ્ચે ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૨૨ વિદ્યાર્થીઓની આત્મહત્યા ! ચોરી કે બળાત્કાર અથવા ડ્રગ્સનો ભોગ બનેલાઓની સંખ્યા જુદી ! વિશ્વની ટોપ ૨૦૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ નહીં...! અથવા તો શિક્ષણના નામે કાર્યક્રમબાજી, ઉત્સવોનો ઘોંઘાટ અથવા તો ક્યાંક શાળાનાં જર્જરિત મકાનો કે ક્યાંક મકાન જ ન હોય અને કોલેજની કે યુનિવર્સિટીની પણ પરમિશન મળી ગઈ હોય - અથવા આવું તેવું પાર વિનાનું - !
મારામાંનો શિક્ષક આ બધું વાંચીને- વિચારીને શૂન થઈ ગયો છે !