આજની ભગવદગીતા .
- ક્ષણ-ક્ષણાર્ધ- પ્રવીણ દરજી
- દરેક બાબતમાં વિજયી થવાય તેવું ન માનો, ક્યારેક ન ગમતી દલીલનો પણ સ્વીકાર કરવો પડે તો કરો
ઈ ચ્છીએ કે ન ઈચ્છીએ આપણા સમયની આ ખતરનાક મહામારીએ આપણી ચેતનાનો નકશો સમૂળગો બદલી નાખ્યો છે. વિતંડાવાદો ચાલે તેવા નથી. સાંપ્રદાયિક બિનસાંપ્રદાયિકની ચર્ચાઓ લૂલી થઇ ગઈ ચે. ધર્મ પણ અપ્રસ્તુત બનતો જાય છે. તાજી, કુંવારી નવું વિચારી શકે, તેવી ભાષા અને તેનુંજીવન અનિવાર્ય બન્યું છે.
આપણે અત્યાર સુધી આપણને જે રીતે બદલવા જોઇએ, તે રીતે બદલી શક્યા નથી. વધારે સાચું કહીએ તો તે દિશામાં આપણી લગભગ પ્રતિબધ્ધતા જ ઓછી રહી છે. માણસ વધુ નીચે ઊતરતો હોય તેવું પણ અનેક કિસ્સાઓમાં જણાયું છે. તો આ બધામાં, ક્ષણે ક્ષણ બદલાતા જગતમાં, કોઈ નવાં મૂલ્યો કે નિયમો, સંકેતો કામ આપે ખરા ? એવાં મૂલ્યો માટે આપણે તૈયાર છીએ ખરા ? માઈક્રોફિકશનના જમાનામાં કશું લાંબુલચ વાંચવા કોઇની તૈયારી નથી. થોડા શબ્દોમાં, થોડીએક ટિપમાં, જીવતરને થોડું વધુ જીવવા જેવું કરવાની હવે સૌની મથામણ વધતી જાય છે. આપણે ત્યાં તો વેદ-ઉપનિષદે ઘણું સંપડાવી આપ્યું છે.
પણ હવે ત્યાં સુધી પહોંચનાર કેટલા ? આ સ્થિતિ પશ્ચિમમા પણ છે. પરિણામે જુઓ, પશ્ચિમ આજે શું વિચારે છે, ત્યાંનો માનવ કેવું ત્યાનું ઉપનિષદ લઇ આવ્યો છે તે જાણવું આપણા માટે, આપણા યુવાન માટે પણ રસપ્રદ થઇ પડે તેમ છે. કેટલું ? ક્યાં ? શું ? કેમ ? શાને ? જેવા પ્રશ્નોને ઊભા રાખીને પણ તેમણે જે નવી આચારસંહિતા માટે ટહેલ નાખી છે તેમાં આપણાં ઉપનિષદોનો પણ ધ્વનિ સાંભળવા મળવાનો. મારા પ્રિય વાચક, તેમની એવી થોડીક વાતોને સાંભળીએ, અંકે કરીએ, શક્ય હોય તેટલું વ્યવહારમાં મૂકીએ. સંભવ છે કે બહેતર જીવવાની ખેવનાવાળાને તેમાંથી કોઇક નવો જીવનમંત્ર લાધી પણ રહે.
અતીતને ભૂલો, શાંતિ રાખો, વર્તમાનને ન બગાડો તમારી જાતને બીજાઓ સાથે ક્યારેય ન સરખાવો, કારણ કે તેવા લોકોની દિશા કે જીવનયાત્રા વિશે આપણે કશું જાણતા નથી. આપણા સુખની ખરી ચાવી આપણી પાસે જ છે, અન્યત્ર નથી. દરેક બાબતમાં વિજયી થવાય તેવું ન માનો, ક્યારેક ન ગમતી દલીલનો પણ સ્વીકાર કરવો પડે તો કરો એ જ રીતે જરૂર કરતાં વધુ ગંભીર બનીને જીવવાનું પણ ઠીક નથી. એ પણ સ્મરણમાં રાખો કે જિંદગી ટૂંકી છે, કોઇનોય તિરસ્કાર ન કરો, બિનજરૂરી બાબતોથી અળગા રહો.
દરરોજ સ્મિત કરવાનું, હસવાનું રાખો. એ જ રીતે જે બની ગયું છે એને ભૂલી જાવ, સાથે ભૂલ કરનારને તેની ભૂલ પણ વારંવાર યાદ ન કરાવો. કાન ભંભેરવાની ટેવથી પણ દૂર રહો. તે સમયની સાથે ખુદની બરબાદી કરે છે. સ્વપ્નોને આવકારો, સ્વપ્નોજોવાનું સદા ચાલુ રાખો. બને તો દરરોજ તમારા થકી બે-ત્રણ માણસોને હસતા કરો. બની શકે તો થોડો સમય વૃધ્ધો સાથે ગાળો, થોડો સમય નાનાં બાળકો સાથે પણ વીતાવો.
નકારાત્મક ક્ષણોથી દૂર રહો, સકારાત્મક ક્ષણોનું સ્વાગત કરો. કોઈ પણ ઉંમરે શીખવા માટે તૈયારી રાખો. જિંદગી પોતે જ એક શાળા છે, આપણે તેના શિખાઉ વિદ્યાર્થી બનવાનું છે. ઊભા થતા પ્રશ્નોથી ડરો નહિ, જીવનનો એ ભાગ છે, પ્રશ્ન છે તો તેનો હલ પણ હોય જ. સામાની ભૂલને માફ કરવાનું, તેને ભૂલી જવાનું શીખો. આપણા વિશે બીજાઓ શું કહે છે કે કહેશે તેની કદી ચિંતા ન કરો. સમય જ સઘળી બાબતોનો ઉકેલ છે. સારી કે નબળી - કોઈ સ્થિતિ ટકનાર નથી તે બદલાનાર છે જ એવી સમજથી જીવનમાં આગળ વધો.
જે ઉપયોગી નથી, સુંદર કે આનંદપ્રદ નથી તેનાથી તમારી જાતને અળગી કરો. તમે મેળવવા યોગ્ય મેળવ્યું છે અને બાકીનું મેળવનાર છો તેથી ક્યારેય કોઇની ઇર્ષ્યા ન કરશો તમે માત્ર અનુભવી જ ન રહો, તે માટે ઊઠો, તૈયાર થાવ, કૌશલ દર્શાવો. દરેક ક્ષણને આનંદી લો, નવા માટેનાં દ્વાર શોધો. હૃદયમાં હંમેશાં મીઠાશ જ ભરી છે, એમ સમજો ને રાજી રહો, દરરોજ તેથી બીજાન કંઇક સારું આપી રહો. કશાનો અતિરેક ન કરો, બધું એક મર્યાદામાં રહીને કરો જાતને ચાહતા થાવ, તમે અનન્ય છો, એ સમજો. તમારાથી ચમત્કાર થઇ શકે છે એ પણ જાણો. સારા મિત્રો હંમેશાં ઉપયોગી બનતા હોય છે. તમે હજી ઉત્તમ સર્જવાના છો એમ ધારીને તમારા પ્રયત્નો ચાલુ રાખો.
છેલ્લે અહીં શરીર સ્વાસ્થ્યની ટિપ પણ અપાઈ છે. જેમા દસેક મિનિટ ચાલો, દસ મિનિટ શાંતિપૂર્વક એકાગ્ર રહો, બે લીટર જેટલું દિવસે પાણી પીઓ, આઠ કલાકની ઊંઘ લો, કુદરતી શાકભાજી-ફળોનો વપરાશ વધુ કરો, જંકફૂડ ફાસ્ટફૂડ, અનાજનો ઉપયોગ ઓછો કરો એમ પણ કહેવાયું છે. સાથે નાસ્તો રાજાની જેમ કરો, બપોરનું ખાણું રાજકુમારની જેમ કરો, રાત્રિનું વાળુ ગરીબની જેમ કરો એવું જણાવાયું છે.
વાચક મિત્ર, આ સઘળું તમે અને હું જાણીએ છીએ છતાં આપણા આ મહામારીના સમયની આ એક નવી દિનચર્યા માટેની ગીતા છે. આપણે ત્યાં આ બધું કહેવાઈ ચૂક્યું છે, પશ્ચિમની આ દિશામાં સમજ આ સમયમાં દ્રઢ બની છે આપણે પણ અન્યના માટે નહીં, આપણા માટે જ તેને અપનાવીએ. જિંદગીને વધુ રળિયામણી બનાવીએ. જય જીવન !