કૃષ્ણ-વિશુદ્ધ ચેતના .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- તે જે તે પાત્રોના ચિત્તમાં ઊંડે ચાલી રહેલા ચેતન-અચેતન વચ્ચેના સંઘર્ષને તે પરખી લે છે. તેમને તેમના મૂળ ગૌરવને એ વડે જાગ્રત કરી આપ્યું હતું
ટ ચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકનાર કૃષ્ણ હવે પોતાની જ ભીતરની શક્તિઓને કસોટીએ ચઢાવે છે. તે જાણે છે કે પ્રજાનું આંતરમન તેના શ્રધ્ધા પુરૂષ સાથે જોડાયેલું હોય છે. તેથી ગોવર્ધન પર્વત ઊંચકતી વેળા સકારણ તેણે સૌના હાથની મદદ માગી હતી. એ વાત હવે મથુરામાં વધુ મૂર્ત રૂપ ધારણ કરે છે. જરાસંઘનો વધ કૃષ્ણ માટે અનેક રીતે પરિમાણાત્મક બન્યો છે. ત્યાં દુરિતનો ગેરીલા પદ્ધતિએ નાશ કર્યો, પ્રજાને એક નવી, સુખદાયક આબોહવા વચ્ચે મૂકી, નારી જગત માટે શ્રદ્ધા અને સન્માનની એક નવી તક સર્જાઈ. કૃષ્ણનું ત્યાં પણ સામાજિક - સાંસ્કૃતિક સાથે રાજકીય દાયિત્વ તો સફળ થતું જણાય છે જ પણ પ્રજાચેતના - નારી ચેતનામાં કૃષ્ણ વિશેનો જે ભાવઓઘ ઊમટે છે તે એવી પ્રજાની Total reliefનું નિદર્શન છે. નરસિંહના શબ્દોમાં 'કળ, અકળ' બંને અહીં, પેલા મનોજગત સાથે, ખૂલી રહે છે.
કૃષ્ણનું ખુદનું અને પ્રજા વિશેનું મનોવિશ્લેષણ આશ્ચર્ય પામીએ એટલું અને એવું રહ્યું છે. તે ખુદના અવચેતનને પરિણામલક્ષી બનાવે છે જ, પણ પ્રજાની વિવિધ સ્તરે ગતિવિધિ કેવી હોય છે, તેમના ચિત્તમાં શું શું ભંડારાયેલું છે, તેનો યથા સમયે બહાર લાવી, અપેક્ષા પ્રમાણેની સ્થિતિનું નિર્માણ કરવા, ક્યો રસ્તો-દિશા પકડી શકાય-એ સર્વ તેમની ચાલનામાં વાંચી શકાય. એ બધાંનું વર્ણન કરનારને કદાચ એકથી વધુ ગ્રંથો લખવા પડે ! એમની પૂર્ણતા અને અપૂર્ણતા - બંનેની સાભિપ્રાયતા પણ તપાસવા જેવી છે. રણ-છોડ, રણ-છોડતા હોય ત્યાં પણ મનોગત કારણ અને અર્જુનના રથના સારથી બનતા હોય ત્યાં પણ તેમની લડયા વિનાની સૂક્ષ્મ લડાઈથી પ્રભાવ ઊભો કરવાની ચોખ્ખી ગણતરી ! મહાભારતમાં એમની એવી મનોચિકિત્સકની દ્રષ્ટિ વારંવાર કામે લાગી છે.
કુરુક્ષેત્રના મેદાન પર ભીષ્મ-દ્રોણનું વીરત્વ તે જાણતા હતા. પાંડવોની જીત માટે તે પડકાર હતા, કર્ણ પણ. છતાં કૃષ્ણ એ ત્રણેના અવચેતનને મેદાન પર જ એવી કક્ષાએ લાવીને મૂકે છે કે તેમના મૂળ રૂપનો અસરકારક રીતે તેઓને પરિચય થઈ રહે છે. ત્રણે પછી કૃષ્ણના શબ્દને જ અનુસરે છે અને યુદ્ધની બાજી પલટાઈ જાય છે. અહીં કૃષ્ણની માત્ર યુક્તિ કે બૌદ્ધિક ચાતુરીનું જ પરિણામ છે એવું માત્ર નથી, પણ તે જે તે પાત્રોના ચિત્તમાં ઊંડે ચાલી રહેલા ચેતન-અચેતન વચ્ચેના સંઘર્ષને તે પરખી લે છે. તેમને તેમના મૂળ ગૌરવને એ વડે જાગ્રત કરી આપ્યું હતું. તેમની વિચારબધ્ધતામાંથી એ પાત્રોને મુક્ત કર્યા હતા. યુધિષ્ઠિર જેવા ધર્મરાજને 'નરો વા કુંજરો વા' જેવી ભાષા વાપરવા પ્રેરતા કૃષ્ણ યુદ્ધનો નકશો જાણી ચૂક્યા હતા અને યુધિષ્ઠિર જ એ વાક્ય ઉચ્ચારે તો જ દ્રોણ પર તેની ધારી અસર ઊભી કરી શકાય, બાજીને અનુકૂળ બનાવી શકાય. આ કે એવાં બીજા Invest gations માટે કૃષ્ણના પેલા મને જ તેઓને પ્રેર્યાં છે, અવરોધોને અતિક્રમવા માટે સૂઝાડયું છે. આમ જોઈએ તો કૃષ્ણના જન્મ-ઉછેર સંદર્ભે resourceful backround તો લગભગ નહીંવત્ હતું પણ તે જે કંઈ થયા-બન્યા તે પેલા ચિત્તમાં સતત ચાલુ રહેલી પ્રક્રિયા હતી, તે જ સર્જનાત્મક આવેગો પ્રતિ, મહત્ત્વાકાંક્ષાઓ પ્રતિ, ઉદાત્ત જીવનભણી તેઓને દોરી જાય છે અને એ જ વસ્તુ રૂપાન્તરે ગોકુલ, મથુરા, દ્વારકા, ઈન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુરને બદલનારું, રચનારું મોટું પરિબળ પુરવાર થઈ રહે છે. એવી જાગૃતિ તેમના ચરિત્રને ઉત્તમ વિચારો, નીડરતા, પરિશ્રમ, ધૈર્ય, દ્રઢતા વ. ગુણોથી ખંડિત કરી આપે છે. તેમના અનેક પ્રસંગોમાંથી એક ટાંકવા જેવો પ્રસંગ આ મનોગતે તેમની શક્તિઓને કેવી સમયસર ખીલવ્યું, કેવા વિધાયક માર્ગે દોર્યું તે તેમની જીવનશૈલીમાંથી મળે છે. તે બધા જ વર્ણો જીવ્યા છે. લોકસેવા - પશુ સેવામાં પેલો શૂદ્રગુણ ઝળક્યો, ગીતામાં બ્રાહ્મણત્વ ચરિતાર્થ થયું, દ્વારકાના નિર્માણ-આયોજનમાં વૈશ્યધર્મ પ્રસ્ફુરિત થતો જણાયો તો આતતાયીઓને હણવામાં ક્ષાત્રત્વ દીપી આવ્યું. આ ચેતના જ તેઓને સર્વપ્રિય બનાવે છે. પછી એ ગોપબાળ - ગોપકન્યા હોય, સુદામા હોય, કુબ્જા હોય કે કોઈપણ દેશનો રાજવી હોય.
તેમનું અંગત પણ આવી ચેતનાથી અસ્પૃષ્ટ રહ્યું નથી. અગાઉ નિર્દેશ્યું છે તેમ, રાધાનું પાત્ર સર્વોચ્ચ પ્રેમની વિશુદ્ધિ સાથે સમર્પિતતાનું નિદર્શન પૂરું પાડે છે તો રુકિમણી, સત્યભામા અને જામ્બુવતી સાથેના તેમના લગ્ન કારણમાં અનુક્રમે લડવૈયા કોમ સાથે, વેપારધંધાના વ્યક્તિઓ સાથે અને આદિવાસી કોમ સાથે પોતાની ઊંડી નિસબત રહી છે તે ફલિત થતું આવે છે. કોઈકને તેમાં કૃષ્ણની ગણતરી લાગે તો તે સ્વીકારીને પણ તેમનું Conscious એકતા સિદ્ધ કરવા તરફ કેવું પ્રવૃત્ત હતું સાથે સાથે તેમની લાગતી બળવાખોરીમાં પણ સામાજિક ઉન્નયન કેવું રહેલું હતું તે જણાય છે. કહો કે તેઓ માણસોને સમજાવે છે, તેમને પ્રતીતિકર તેવી વાત કરે છે, તેમનામાં સમજ ઊભી કરે છે અને પછી તેઓ સામેનાને પોતાના વિચારો સ્વીકારવા રાજી કરે છે, આ કાઉન્સેલિંગ જ છે. અઢારમાં અધ્યાયમાં અર્જુન ગીતામાં કૃષ્ણનો જે રીતે પૂર્ણ સ્વીકાર કરે છે તે આપણે આગળ જોયું જ છે.
દ્રૌપદીનું સખ્ય પણ આ સંદર્ભે યાદ કરવા જેવું છે. અગ્નિ પુત્રીના લગ્ન વખતે તે લગ્ન પછી પાંચ પતિઓની પત્ની થઈને રહેવા માટેનું કૃષ્ણનું સૂચન, કુરુક્ષેત્રના યુદ્ધનું પરોક્ષ રીતે નિમિત્ત બનતી દ્રૌપદી, તેનો ક્રોધ, અશ્વત્થામા તેના પાંચેય પુત્રોનો વધ કરે છે ને તે નરી દર્દભરી સ્થિતિમાં મૂકાય છે એ, ભરી સભામાં ચીરહરણના પ્રસંગે દ્રૌપદીની પાંચ પતિઓ વચ્ચે થતી અવમાનના - આ કે એવા બીજા પ્રસંગોમાં દ્રૌપદીના પાત્ર સાથે કૃષ્ણનું જે મૈત્રી ટયૂનિંગ રહ્યું છે તે પણ મનોવિશ્લેષકોને સ્ત્રી-પુરૂષના સંબંધોના એક ઉજ્જવલ પાસા વિશે ખાંખાખોળાં કરવા પ્રેરે તેમ છે. કૃષ્ણ, ભીષ્મ, વિદૂર, યુધિષ્ઠિર વગેરે પાસેથી પણ પરોક્ષ રીતે વીરત્વ, જ્ઞાાન, સત્યનિષ્ઠા એવું
તેવું ઘણું પામે છે. તેમાં પણ પેલું 'મન' મોટી ભૂમિકા ભજવે છે. તેને કોઈ તેમના નેતૃત્વ સાથે પણ સાંકળી શકે, નેતૃત્વના ગુણ રૂપે પણ જોઈ શકે. સાથે યશોદા, રાધા, રુકિમણિ, દ્રૌપદી-કુન્તી જેવાં નારી રત્નો સાથેની તેમની જે વૈચારિક સહભાગીતા રહી છે તે પણ તેમના મનમાં પડેલી નારીચેતના પ્રત્યેની સન્માનવૃત્તિનું જ પરિણામ છે. પરિવારજનોમાં પણ તે પોતાનો વિચાર આગવી રીતે રમતો મૂકે છે. સ્વીકાર-અસ્વીકાર પછી સામેની વ્યક્તિ પર છોડે છે. અલબત્ત, તેમનો વિચાર તર્ક અને ભાવથી પુષ્ટ હોવાથી તે સામેની વ્યક્તિ માટે સ્વીકાર્ય બને જ છે. બલરામને સમયે સમયે તે તેથી મનાવી શક્યા છે, સુભદ્રાનું લગ્ન દુર્યોધનના બદલે અર્જુન સાથે તે કરાવી શક્યા છે. પાંડવો અને દ્રૌપદીની સાંત્વના માટે, સાથે કરવા યોગ્ય જ છે તેવી પ્રતીતિને કારણે, તે અશ્વત્થામાને કઠોર દંડ દઈને જ રહે છે. કુન્તીને મુખે જ તે 'કર્ણ પોતાનો પુત્ર છે' તેવું યથોચિત સમયે કહેવડાવી શકે છે. ગાંધારીના ને ટીટોડીના શાપનો હસતે મુખે સ્વીકાર તે કરી શક્યા છે. આ અને આવું બીજું ઘણું કૃષ્ણના મનોવિજ્ઞાાની તરીકેના વ્યક્તિત્વને છતું કરવામાં ઉપયોગી બની શકે. કૃષ્ણની આંતર ચેતનાની તપાસ કરનારે માનવીય સંબંધો ઉપરાંત ગોપ સાથેના સંબંધોમાં અને અન્યત્ર પણ પશુઓ માટે, પક્ષીઓ માટે, કૃષિ માટે, અરણ્ય અને જળ માટે, સરિતા-સાગર માટે, પર્વત કે ખીણો માટે, વૃક્ષો કે ધાન્ય માટે તેમની જે ઊંડી લગન રહી છે તેનો પણ કોઈકે મનોવિજ્ઞાાનના સંદર્ભે જ અભ્યાસ કરવો રહે. આ સર્વ પૂજ્ય છે, જીવનનો જ અવિનાભાવી અંશ છે તે તેમણે એ વડે દર્શાવ્યું છે. આ તેમના Clear Consions માંથી બધું જન્મેલું અનુભવાય છે.
કૃષ્ણ મનોજ્ઞા છે, સાથે પરમનપ્રવેશ કરનાર મનોવિજ્ઞાાની છે એ આ અને આવાં સુમાર વિનાના બીજા પ્રસંગોથી દર્શાવી શકાય તેમ છે. તે અન્યની ખૂબી અને ખામીનો પણ તેથી અંદાજ કાઢી લે છે. સમય આવે તે તેવા પાત્રોને ટકોર કરી જગાડે, પૂર્તિ પણ કરી આપે. અર્જુનને શિવભક્તિ-શિવકૃપા માટે તે ભીમને હનુમાનજી પાસે તૈયાર થવા તે જ જણાવે છે. દ્રૌપદીને તેની મર્યાદાઓ વિશે પણ કહે છે. એટલે બીજાના અસંપ્રજ્ઞાાતને જાગ્રત કરી તેને વ્યાપક હિત કે વ્યાપક સંવાદમાં પછી પ્રયોજે છે. સાદી ભાષામાં કહીએ કે કૃષ્ણ બધું 'જાણે' છે. આ જાણવું એટલે અંતરના મનપાતાળને ઢંઢોળી-ફંસોસી તેને પોતાના માટે અને અન્ય માટે પણ કલ્યાણકારી બનાવવું. કૃષ્ણ મહાભારત અને બીજે પણ તેમની આવી મનોવિજ્ઞાાની તરીકેની મુદ્રા ઉપસાવી રહે છે. તો અન્યના મનપ્રવેશમાંથી તે તેઓની વિધિ-નિષેધવાળી શક્તિઓનો પણ ખ્યાલ મેળવી લે છે, તેનું મનોવિશ્લેષણ કરે છે અને પછી પાત્ર પાસે કે પોતે તેનો માર્ગ શોધે-શોધાવે છે. આ Release થવાની ક્રિયાનું મહત્વ જીવનમાં વધુ ને વધુ સ્વીકૃત થતું જાય છે. કૃષ્ણની પહેલ એ રીતે સીમાચિહનરૂપ છે.
(સંપૂર્ણ)