Get The App

પહાડ, નદી અને કંપન વિશ્વ .

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
પહાડ, નદી અને કંપન વિશ્વ                                   . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- પહાડ પર વહેતું કે વહેતાં ઝરણાં શું પહાડની જ સંવેદનાની કવિતા નથી?

બા ળપણના મારા રહસ્યાલોકમાં બે વસ્તુ લગભગ વણાતી આવી છે. એક છે મારા ગામની મેશરી નદી, અને બીજી વસ્તુ છે એ નદી કિનારે બેઠાં બેઠાં નિત્ય જોયા કરેલો પાવાગઢનો ડુંગર, પહાડ. હજી આજેય એ રહસ્યો એમ જ અકબંધ રહ્યાં છે. તે ખજાનાને ખોલવા બેસું છું અને પછી એમાં ગરક થઈ જાઉં છું. થોડુંક ઉકેલાય છે અને વધુ તો કશુંક ગૂંથાતું જાય છે. આ ગૂંથણી હજી ય ચાલુ છે, પેલું ઉકેલવાનું પણ ! બાળપણમાં માણેલી કોઈ વસ્તુને એકસપાઈરી ડેટ હોતી નથી. ઘેલું લાગ્યું તે લાગ્યું. ઘેલાઈની પ્રકૃતિ જ એ છે. એનો પાશ વધુ જકડતો રહે છે.

આ નદીની જેમ જ પેલા પહાડે પણ મને અનેક પહાડો, ટેકરીઓ, પર્વતો પાસે પહોંચાડયો છે. મારી નદી મને અનેક નદ-મહાનદ સુધી દોરી ગઈ ને જલપ્રીતિને-નદીપ્રીતિને દઢાવતી રહી એવું જ પાવાગઢના દર્શનનું છે. તે પણ મને દેશ-પરદેશના પહાડોભણી લઈ ગયો, પહાડ વચ્ચે મને મૂકી આપ્યો, મારા હાડને પણ એ પહાડોની ચેતનાથી ભરી દીધું. આજે આંખ મીંચું છું ને એકાધિક સરિતાઓને છળતી, વહેતી, નાચતી, ગાતી, તેની અંગભંગિઓ સંમેતના લવચીક રૂપને નિહાળી રહું છું. કાંઠે આવતાં શહેર, ગામ, માનવ, કિલ્લાઓ, આવાસો, ઉપર ઝબૂળેલું આકાશ, દૂર દૂરથી આવતા અવાજો, જળવળાંકો, તેનું અવર્ણનીય સૌંદર્ય, એ જળની પારદર્શિતા અને તેમાં ભળેલી અપાર કથાઓ બધું ભીતરને પ્રાણભરપૂર કરી રહે છે. માત્ર ગતિ નથી, ગાન પણ, માત્ર ઉછાળ નહીં, ઉમંગ પણ, માત્ર એકોકિતઓ નહિ, સર્વોકિતઓ પણ. નદી કાંઠે માણસ કેવો ખૂલ્યો ને ખીલ્યો છે ! અનેક ચરણોની રકિતમાભરી છાપ અનેક આત્માઓની અશ્રુત શબ્દલીલા, અનેક યુગનાં લટકાં - બધું તેમાં છે. કઈ નદીનું નામ લખું મેશરી ? તારો, એવા તારા જળનો જ, એ સર્વ વિસ્તાર લેખું છું. જળલીલાને ભેદ-પ્રભેદ કેવા ! જળ એટલે જળ. પળનાય વિલંબ વિના તેની અવિરત ગતિ... ગતિ સાથે વણલખ્યા જીવનપાઠનાં પૃષ્ઠો...

આ પહાડદર્શનની પૂંઠે પણ ધબકતો રહ્યો છે પેલો પાવાગઢનો ડુંગર. એ ડુંગરે પછી મને અત્ર-તત્ર ફેરવ્યો. પહાડોની નીચે, પહાડોની આસપાસ, ક્યારેક પહાડની ટોચે. સૂકાખંગ પહાડો, લીલાશ ઓઢીને ઢબૂરાયેલા પહાડો, પગદંડીવાળા કે પગદંડી વિનાના પહાડો, વાંકાચૂકા કે સીધા ચઢાણવાળા પહાડો-ડુંગરો-પર્વતો. પેલી નદીની જેમ જ પહાડો ફરતે પણ મારા શૈશવનો-કિશોરાવસ્થાના સંબંધનો-એક મજબૂત દોર ગૂંથાયેલો છે. પહાડોને પોતાનો ઈતિહાસ છે, પોતાની સંસ્કૃતિ છે, નિજત્યથી ભરેલી કરૂણ-મધુર કથાઓ છે, લોકનાં અનેક રહસ્યો એ જાદુગર છૂપાવીને બેઠો છે. પણ પહાડ એટલે પહાડ. પહાડ નદીની જેમ વાચાળ નથી. પહાડ મૌનાધિપતિ છે. તમે ઈચ્છો તો, તમે સમજ કેળવી હોય તો, તેના મુખની કોઈક કોઈક રેખા ઉકેલી શકો. તેના મૌૈન પાછળનાં ઘેરાં રહસ્યોમાંથી એકાદું રહસ્યપિચ તમને હાથ લાગી રહેતો લાગી રહે. પહાડને ગતિ જરૂર છે, પણ નદી જેવું તેનું પ્રવહણ નથી. તે સ્થિરતાનો મંત્ર આપી રહે છે. ઝીણું જોનાર સ્થિરતામાંય ગતિ શોધી શકે. પહાડને પણ પોતાનું સૌંદર્ય છે, નિખાર છે. તેને પણ વાણી છે, તેની પણ પ્રજ્ઞા છે. તેને પણ તેનો ભર્યો ભર્યો અતીત છે, વર્તમાન છે. તે ઈચ્છે તો મનોવિજ્ઞાનીની જેમ ઘણાનાં મનની વહીને આપી શકે. તેની અધિત્યકા અને ઉપત્યકા વચ્ચે એક વણજોયેલું વિશ્વ ધબકતું હોય છે. જેમાં 'આહ!' છે તો 'ઓહ!' પણ છે. ઈલમી દુનિયાનો તો એ બાદશાહ છે. તમે જ્યાં જ્યાં ચરણ મૂકો ત્યાં ત્યાં તે તેના રહસ્યો સંભરીને બેઠેલા જણાશે. નદીની જેમ જ તેથી આ પહાડને પણ હું મનુષ્ય માટે કલાધારકો માટે એક મોટું પ્રતીક લેખું છું. એ પ્રતીકને ઉઘાડવું દુષ્કર છે, પણ ઊઘડે છે ત્યારે તેમાં પાર વિનાનાં જયાજયો-જલ્પનો પ્રાપ્ત થઈ રહે છે. તેની પ્રકૃતિ માત્ર સ્થિરતા કે મૌનની છે એમ નહિ, તેનાં રૂપ-પ્રરૂપ તિલસ્મી દુનિયા જેવાં છે. પહાડ પાછળ શું ? તેની પાછળેય શું ? ક્યાં જગત ? કેવું જગત ? કોણ રચનાકાર ? કેવાં-ક્યાં કારણો વચ્ચ તેનું જન્મી આવવું ? - આ કે એવા અનેક પ્રશ્નો તે જગવી રહે છે. સૂર્ય તેનાં કિરણોથી તેને લીંપી રહે છે ત્યારે, અથવા વર્ષમાં તે વૃક્ષ ઘેઘૂર બની રહે છે ત્યારે, કે ભર ઉનાળે તે વિવસ્ત્ર બની પોતાની રીતની અનાસક્તિ પ્રકટ કરી રહે છે ત્યારે તે ઓર દર્શનીય બની રહે છે. ઓલી પરથી નીલકંઠનાં દર્શન કર્યા હતા. ત્યારે મારી ભીતર એ પહાડોએ શાંતિનો પ્રવાહ વહેતો કર્યા હતા. તેનો સ્પંદ હજી એવો જ અનુભવું છું. હિમાલયની ગિરિમાળાઓનાં દ્રશ્યો હજી નિત્ય નવે નવે રૂપે મને વહાલ કરતાં રહ્યાં છે. સ્વિઝર્લેન્ડની બર્ફિલી પર્વતાવલિઓ, યુંગફ્રાઉ અને તેને ઘેરીને બેઠેલા ઘુમ્મસ વચ્ચે અમે 'આ કોણ ?' 'આ કોણ ?' એવું આશ્ચર્યચકિત થઈને ઉદ્દગારી ઊઠેલાં એ પ્રતિઘોષ હજી શમ્યા નથી. પહાડનું નિમંત્રણ રૂઆબભર્યું હોય છે, ત્યાં જવું જ પડે તેવું કશુંક, જહાનમૂર કહે છે તેવું, સ્ેજા હોય છે, નદીનું નિમંત્રણ વહાલભર્યું હોય છે. તે પ્રેમભર્યો સંકેત કરે છે. નદી અને પહાડ બંનેને આત્માને સ્પર્શવું ગમ્યું છે. પહાડ પર ચઢો, ઉદયગિરિ કે એવો કેદાર-બદ્ધી જેવો પહાડ ત્યારે પાતળી થતી જતી હવા આત્માને ઢંઢોળતી હોય છે. માનવીય સંબંધો અને વિશ્વને જોવાની રીતભાતમાં એ મોટો બદલાવ લાવી રહે છે. પોલકોહેલો જેવા નવલકથાકારમાં પહાડોના વર્ણનો પહાડોને તદ્દ દૂરે, તદ્દ અન્તિકે મૂકી આપીને કેવું ગર્ભિલું વિશ્વ રજૂ કરે છે !

હા, હુ તો માનું છું કે આ પહાડ-પર્વત-સાથે નદી-બંને પ્રકૃતિના બે અલગ છેડા સાચવીને બેઠાં છે, છતાં તે ક્યાંક પોતાની રીતે એકમેકમાં ગૂંથાઈ જતાં હોય છે. પહાડ પર વહેતું કે વહેતાં ઝરણાં શું પહાડની જ સંવેદનાની કવિતા નથી ? અને આ નદી જે રીતે વહેતી રહે છે તે પણ અનેક પર્વતો-શૃંગોનાં પગ પખાળતી આગળ નથી વહેતી ? એક ઊછલે છે, કૂદે છે, નર્તે છે, બીજું-એટલે પહાડ-પડકારની, જિંદગીના આરોહ-અવરોહની કંપનલીલાઓ પ્રસારી રહે છે. નદી-નદીનો કિનારો અને પહાડ-પહાડની કરાડ-બંને અનંતતાનો સ્ત્રોત રહ્યાં છે. મારા બાળપણના રહસ્યો લોકે આજે કંઈક આમ મને આકુલ-અનાકુલની સરહદો પર લાવીને ખડો કરી દીધો છે...


Google NewsGoogle News