રડે તેને જગ જડે ! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- રડવું એ માત્ર રડવું છે ? શું જીવનમાં એની કોઈ મહત્તા નથી ? શું એનાથી માણસ નિર્ભાર થઈને એક નવા રૂપે આપણી સામે આવી રહેતો નથી ?
મ ને ક્યારેક ક્યારેક એમ થાય છે કે 'હસે તેનું ઘર વસે' એવું હાસ્ય માટે કહેવાય છે તો પછી રુદન માટે કેમ એવું કોઈ સૂત્ર પ્રચલિત થયું નથી ? શું રડવું એ માત્ર રડવું છે ? શું જીવનમાં એની કોઈ મહત્તા નથી ? શું એનાથી માણસ નિર્ભાર થઈને એક નવા રૂપે આપણી સામે આવી રહેતો નથી ? હું આ કે આવા પ્રશ્નો વિચારું છું ત્યારે મને ગ્રીક વિચારક એરિસ્ટોટલનું સ્મરણ થઈ આવે છે. તેણે કરુણિકાની વ્યાખ્યામાં 'કેથાર્સિસ' નામનો શબ્દ વાપર્યો હતો. આ 'કેથાર્સિસ'નું ગુજરાતી કરીએ તો ભાવવિરેચન થાય. અર્થાત્ કરુણ ભાવ પેલી કરુણિકા જોતાં જોતાં જાગે અને પ્રેક્ષકના મનના ખૂણામાં ધરબાયેલો કરુણ ભાવ જાગી પછી તેનું ભાવવિરેચન અર્થાત્ ધોવાણ થઈ જાય. કહો કે કરુણ નાટક જોતાં જોતાં તે પછી 'નાટકના અંતે હળવો થઈ જાય. વૃત્તિઓનું શમન થાય, તે કંઈક જુદે રૂપે આપણી સમક્ષ આવી રહે.'
આવું રુદન એક અર્થમાં આત્મા- મનની શુદ્ધિ કરે છે. એક પ્રકારનું એ Purgation છે, મનને શુદ્ધિની સાથે મુક્તિનો પણ અનુભવ કરાવે છે. કહો એવો કયો માણસ હશે જે રડયો જ નહીં હોય ? જેણે પશ્ચાત્તાપ નહીં કર્યો હોય ? અથવા જીવતરની કોઈક પળે જીવનમાં બની ગયેલા કરુણ પ્રસંગોને ફરી એકવાર યાદ કરીને પોતાની આંખ ભીની નહીં કરી હોય ? એમ, થતાં તેનું ચિત્ત નવી હવાનો અનુભવ ન કરી શક્યું હોય ? હા, ક્યારેક યોગ- વિયોગની ઘટના પણ તેમાં ભળે, ક્યારેક કશીક આર્થિક ખુવારીનું દુઃખ પણ ઉમેરાયું હોય, ક્યારેક અકાળે અથવા વિના કારણે કશું ગુમાવવું પડયું હોય તેનો રંજ પણ હોય, ક્યારેક સુખદ સ્મૃતિઓ સાથે સાથે થોડા આંસુ વળગેલા હોય તેવી ઘટના પણ તેમાં ભળી હોય. તો એવું ય બને કે સતત મથામણ પછી નિષ્ફળતા મળતી હોય અને એમાંથી જ સફળતાની કેડી મળી આવી હોય- એ આખી ઘટનાના સિલસિલામાં રુદન ભળ્યું હોય તેવું પણ સ્મૃતિમાં ઉમટી આવે. અને આ જ તો જીવનનો ખરો વેશ- પરિવેશ છે. હસો, હસતા રહો, પણ રડો ય ખરા, રડયા વિના જીવનનો ઘાટ ઇશ્વર જેવો સુવર્ણકાર ઘડે પણ ખરો કે ? પેલા કવિને કદાચ તેથી જ જીવન ઘટમાળને 'સુખ અલ્પ, દુઃખપ્રધાન' શબ્દોથી ઓળખાવવાનું ગમ્યું હશે. આ કે આવું તેવું રુદન વિશે વિચારીએ છીએ ત્યારે કંઈ દૂર જવું પડે તેથી આપણે જ પ્રથમ તો જાતને ઢંઢોળીએ, પૂછીએ- અરે, ક્યારેય નીરવ પળોમાં તું મારી સાથે જોડાયો છે ? તારી હૃદયતંત્રી ત્યારે પણ ઝણઝણી ઊઠી છે ? ત્યારે તારી આંખના ખૂણા ભીના થઈ ગયા છે ? ત્યારે તેવી પળોમાં ઊંડેથી શ્વાસ લેવાનું બન્યું છે ? અરે, એકલો એકલો બોલવા જાય ત્યારે શબ્દો ન મળે, જીભ થોથવાય અને મૌન પછી તારી વાંસે હાથ ફેરવ્યા કરતું હોય તેવું અનુભવ્યું છે ? અરે, તેં તારા કરી ગળે વળગાડયા હોય, તેમની સાથે જીવનની નિઃશબ્દ ક્ષણોને સજાવી હોય કે તું તેવી ક્ષણોને પછી સદાના ઉત્સવરૂપે સાચવવા મથ્યો હોય અને તે સર્વ એકાએક તડાક્ તૂટી તને વેરવિખેર કરી ગયું હોય તેવું ઘટયું છે ? તેં તારા સાવ, તારાં જ કહી શકાય તેવાં સ્વજનોને સદા સદાને માટે વિદાય કર્યા હોય, તું જેમની વચ્ચે અને તેવા તારી વચ્ચે ફર્યા હોય, ખાધું- પીધું હોય સાથે રડયા- હસ્યા હોય અને એ જ પછી કાળની નિર્મળ ગર્તામાં બધું ધકેલાઈ ગયું હોય તેવું બન્યું છે ? અરે, જે જીવિત હોય, જેઓને તું તારો એક અવિયોજ્ય અંશ સમજતો હોય, જેઓને માટે તે ભીતરથી ચૂપકીદીથી કશું સપાટી પર ન આવવા દીધું હોય અને બધું અંદર જ લાવા બનીને તને દઝાડતું હોય, તને રાતોની રાતો સુધી વિકળ કરી મૂકતું હોય તેવું તારી સાથે ઘટયું છે ? અને જો ઘટયું હોય તો દસ- પંદર વર્ષ પૂર્વે, વીસ- ત્રીસ વર્ષ પૂર્વે કે પચાસ- સાઠ વર્ષ પૂર્વે બનેલા એવા કરુણ પ્રસંગ કે એવી નાજુક ક્ષણોએ ફરીથી સપાટી ઉપર આવી તારા શ્વાસની સરગમને તોડી નાખી છે ? તારા અંદરના લયને છિન્ન કરી નાખ્યો છે ? તું ધૂ્રસ્કે કે એકલો- અટુલો રડયો છે ? ડૂસકાં ભરી હીબકે ચઢ્યો છે ? હું જાણું છું કે, આનાથી લાંબી પ્રશ્નમાળા કરીશ તો પણ તું કે હું ખુદ એનો ઉત્તર 'હા'માં જ આપવાના છીએ કારણ કે આ રુદન જ જીવન છે, આ જ જીવન સંગીત છે, આ જ ગીત છે, આજ જીવનની રીત અને પ્રીત પણ છે !
અરે, રખે તું સમજતો કે હું તારા દુઃખને કે તારી એવી ક્ષણોને જાગ્રત કરી તને પરેશાન કરી રહ્યો છું. એમ કરીને પરેશાન તો હું વધુ થાઉ છું, હું વધુ વિહ્વળ બનું છું. પણ મને આ રુદન મારો જ એક અનિવાર્ય હિસ્સો લાગ્યો છે. હું કદાચ તારી જેમ જ બાર શાખે, ચિતા સમક્ષ કે નર્યા એકાન્તમાં આક્રંદી ઉઠયો છું, મારી ઉંઘને જાકારો આપીને સ્મૃતિઓના વનમાં અટવાતો રહ્યો છું, મારી આંખમાં મેં અશ્રુઓને ઢબૂરી રાખ્યાં છે, તેને ક્યારેક વહેવા પણ દીધાં છે. પણ એવા કરુણો, એવાં સ્મરણોએ મારા એકાન્તને સજાવ્યું છે, તેને બળ આપ્યું છે. આ પણ એક સુખપ્રદેશ છે ! એક શાંતિ દેશ છે, એક બીજા પ્રકારનો હુલાસ છે. દુઃખ, કરુણ વિયોગ કે ભગ્ન ઘટનાઓ પણ જીવન સમુદ્રનાં જ સમૃદ્ધ મોજા છે. જેઓ એ મોજા વિનાના છે તેઓને કરુણ કે રુદન શું છે તે ક્યારેય સમજાશે નહીં. હું તો તેવાઓને દુર્ભાગી લેખું છું !
જે લોકો ચાર્લી ચેપ્લીનની આત્મકથા વાંચી ચૂક્યા છે, જેઓએ કાફકાનો દીર્ઘ પત્ર વાંચ્યો છે, જેઓએ દોસ્તો-એ-વસ્કીની કથા વારંવાર વાંચી છે, જેઓઓએ વોલ સોયિન્કાની ડાયરી વાંચી છે, જેઓએ મનસૂરને વાંચ્યો છે, જેઓએ લોર્કાની હત્યા વિશે વાંચ્યું છે, જેઓએ કવિ કોફી એવુનોરની હત્યા પૂર્વેની મોતની કલ્પના વિશેની તેમની કવિતા વાંચી છે કે જેઓ કાન્ત- કલાપી કે હરિશ્ચંદ્ર ભટ્ટ જેવાને માણી ચૂક્યા છે અથવા તો બીજું ઘણુંક- તેઓ જાણે છે કે તેમના કરુણે જગતને કેવું અને કેટલું સભર કર્યું છે. હું તો એમ કહીશ કરૂણની વેદનાએ જ તેઓને એક જુદા પ્રકારના સૌભાગ્યનો અનુભવ કરાવ્યો છે. એ સૌભાગ્ય પણ તેમના શબ્દો વડે જગતને પણ સપડાવી આપ્યું છે. અહો રુદન ! અહો કરુણ ક્ષણભર આપણે આપણા ચિત્તને જાગ્રત કરીએ તો ! સ્મૃતિઓ- વિયોગ- વિચ્છેદ- નિષ્ફળતાઓ આપઘાતો- કરુણગર્ભ અને ક્ષણોનાં ઝુમ્મરો જ ઝુમ્મરો જોવા મળશે- હા, એ ક્યારેક આંખ હૃદયને ભીંજવી રહે છે, આનંદ અને બળ બંનેનું સિંચન પણ કરી રહે છે. આપણા સૌમાં આવું એક વેદનાઘર પડયું છે, આંખ તેનું સરનામું છે. કહો કરુણ રુદન માટે કહીશું ને ! રડે તેને જગ જડે !