બધું આજ સોનેરી, સોનેરી! .

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
બધું આજ સોનેરી, સોનેરી!                                                      . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- જંગલની એ હવા, એ પરિવેશ, સ્વયં પરીનો દેશ છે. વેદના ઋષિએ કદાચ તેથી જ સદા-સર્વદા આવા પરીલોક જેવા વૃક્ષલોકની શાંતિ ઈચ્છી હશે. 

દિ વસ તો ક્યારેક સોનાનો ઊગે, પણ આખોય દિવસ સોનેરી બની રહે તેવું લગભગ ઓછું બને. પણ આજે દિવસ સાચ્ચે જ સોનેરી સોનેરી બની રહ્યો. વહેલી પરોઢે ઊઠીને આકાશ તરફ મીટ માંડીને ઊભો હતો, ત્યાં જ પશ્ચિમમાં ઝગમગી રહેલા ચંદ્રએ સાદ કર્યો. ઓહ ! ચંદ્રજી ! તમે ? આખી રાતના ભ્રમણનો કશે થાક જણાતો જ નહોતો, બલ્કે, ઘૂંટાયેલો ચંદ્ર વધુ ચપળ, વધુ સ્ફૂર્તિસભર લાગ્યો. રાજી રાજી થવાનું કારણ મને મળી ગયું. વરંડામાં થોડીક લટાર મારી ખંડમાં બેઠો ત્યાં જ મોબાઈલ મોશાયે બિસમિલ્લાખાનની શહનાઈમાં 'કજરી' સંભળાવી. અમે તો 'કજરી' સાંભળી બાગબાગ થઈ ગયા. એક નહીં, બબ્બેવાર સાંભળી અને તેય બિસમિલ્લાખાનની ખાસ 'કજરી' ! મોહમ્મદ ઈદ્રીશની કજરી સાંભળી છે પણ એ કંઈક જુદા લિહાજમાં. લોકગીત સાથે નૃત્યરૂપે અહીં તો શહનાઈની સૂરાવલિ હતી. દેહાતી ધબકાર અને કોઈ કન્યકાનો ઝંખા પ્રદેશ હતો, વરસાદી માહોલ પણ એટલો જ ભળેલો. હું તો કહો, ભરઉનાળે આ બધું માણી રહ્યો હતો ! શબ્દો વિના, સૂરસંગતે ! બિસમિલ્લાખાનની દરેક ફૂકમાં, આ કે આવું ઘણું એક રાગ થઈને રેલાઈ આવતું હતું. હૃદયના આંગણમાં એ સઘળું એક મજેદાર સ્વસ્તિક રચી રહ્યું. થયું કે સવાર જ આટલી સુંદર આવી મળી તો દિવસ તો વળી ઑર સુંદરતમ હોવાનો.

અને બન્યું પણ એવું જ. ઈશ્વર આજે મહેરબાન હતો. અમે પણ એની એવી દસધારને ઝીલવા એટલા જ ઉત્સુક હતા. આજે દિવસભર ત્રણસોથી વધુ કિલોમીટર સુધીનો પ્રવાસ કરવાનો હતો. લોંગ ડ્રાઈવ જેવું. મારે તો માત્ર નિહાળવાનું હતું, પણ શું 'માત્ર નિહાળવાનું' હતું ? કદાચ ના. મારે આજની મને મળેલી રૂપિણી સવારને તે પછીના એવા જ રૂપાળા દિવસ સાથે અનુસંધિત થયેલી હોય એ રીતે માણવી હતી. બધું જ જોયેલું હોય તો પણ દરેક વખતનું 'જોવું' જુદું હોય છે. કારણ કે દરેક વખતે મનોરમણાઓ, ચિત્તલીલાઓ પણ ભિન્ન હોય છે. હું ફોડ પાડીને કહું તો આજે દિનભર મારી રીતે વૃક્ષો સાથે વાતો કરવા માગતો હતો. વિસ્મૃત વૃક્ષ વિશ્વને પુન: મારી ભીતર ધબકતું કરવાનો અભિલાષ હતો. કારણ કે ત્યાં વૃક્ષની ભાષા ન્યારી છે, વૃક્ષની વાત પણ અલગ હોય છે અને વૃક્ષ સાથેની કથાઓ પણ એટલી જ સભર હોય હોય છે. પંચેન્દ્રિયો ઈચ્છે એ બધું ત્યાં વૃક્ષ સૃષ્ટિ વડે આપણી તહેનાતમાં આવી રહે છે. આવું-તેવું વિચારતો હતો ત્યાં મને એવી પળોમાં 'બેલજાર' નવલકથા અને સિલ્વિયા પ્લાથ મારી અડોઅડ આવીને બેસી જતાં લાગ્યાં. હા, માણસના વિશ્વથી એક અલગ આ વિશ્વ છે. ત્યાં વૃક્ષો જ વૃક્ષો-રેખિત ન કરી શકીએ તેવાં અલગારી મિજાજનાં નજરે પડવાનાં. તમે તેને સ્પર્શો, એ તમને સ્પર્શે એટલે સંવેદનાની હેલીની અનુભૂતિ થઈ રહે. થાય કે આ હવા, આ પહાડ, આ વૃક્ષો, તેમનું અશ્રુત વિશ્વ બધું ફેફસામાં ભરી લઈએ, તર-બ-તર થઈ રહીએ, વૃક્ષસ્નાન કરી રહીએ ! હા, વૃક્ષો પણ ઈચ્છનારને સ્નાન કરાવી રહે છે. જંગલની એ હવા, એ પરિવેશ, સ્વયં પરીનો દેશ છે. વેદના ઋષિએ કદાચ તેથી જ સદા-સર્વદા આવા પરીલોક જેવા વૃક્ષલોકની શાંતિ ઈચ્છી હશે. શાતાનું એ શાશ્વત નિર્ઝરણ છે.

જુઓ, વર્ષાની તો પ્રતીક્ષા કરવાની જ છે પણ હજી વૈશાખ ચાલે છે. કોઈ મધ્યયુગીન માન્યતા ધરાવનાર તો રાગ દીપ પણ ગાવાનું સૂચવી રહે. પણ અહીં તો દરેક વૃક્ષ કોઈકને કોઈક નોખો-અનોખો રાગ ગાઈ રહ્યું છે. લાલ અને પીળચટ્ટા ગુલમ્હોરે પૂરો શણગાર સજી દીધો છે. કોઈક કોઈકે એવો શણગાર ન સર્જ્યો હોય તો કદાચ એનાંય કારણો હશે. બાકી, ગુલમ્હોર મને હંમેશાં હરખીલો લાગ્યો છે. એ તો નાચે જ પણ આંખને ય તે નાચતી કરી રહે છે. નિર્દોષ શિશુ જેવો તેથી મને એ અનુભવ કરાવી રહે છે. ગરમાળો મારે મન ઊહાપોહ વિનાનો ઊહાપોહ છે. સૂર્યની આકરી મુદ્રા સામે તે પૂરી ધીરતાથી પ્રતીકાર કરી રહે છે. શુષ્કતા સામેનો એનો અબોલ જંગ રહ્યો છે. એથી તો તે તપ્તતાને આકંઠ પી રહે છે, અને એનું સારું હૃદયને મનહર એવા પીળા-તાજગીભર્યા રંગથી ભરી રહે છે. વૃક્ષોમાં એ ક્રાન્તિવીર છે. સપ્તપર્ણી પણ આ ઉનાળામાં જ વધુ મોકળાશ અનુભવે છે. ગ્રીષ્મમાં પણ અંગાંગને ખીલું ખીલું કરી રહેવાય છે તેના પાઠ એની પાસેથી પામવા જેવા છે. ટાગોરે શાંતિનિકેતનના પરિસરમાં કદાચ તેથી જ તેને સ્થાન આપ્યું હશે અને આ નિદાધમાં, બીજો જુધ્ધ ચઢેલો રાજા જેવો કોઈ હોય તો તે લીમડો છે. પણ લીમડો તેની કશી ધજા બાંધતો નથી, તેનો પ્રતાપ જ વિસ્તારી રહે છે. તેની નીચે બેસવું તો ગમે જ, પણ તેની ડાળે ડાળેય તે આપણી આંખને દોરી જાય છે. તે એટલું જ ઈચ્છે છે કે મારું વર્ણન ન કરો, મને ફીલ કરો. હું એને ગ્રીષ્મનું ઈશ્વરે રચેલું મુક્તક કહું છું. અને આ આસોપાલવ પણ આ દિવસોમાં કોઈ પ્રશાંત બ્રાહ્મણની 

જેમ નર્યો શાંતિપાઠમાં વ્યસ્ત હોય તે રીતે શોભી રહ્યો છે. એનાં પર્ણોમાં કશોક જાદુ વરતાય છે. તે શુભનો જ ચાહક છે તેવું આપણે રોકટોક વિના કહી શકીએ. તેનું ઘેઘૂર જાજરમાન રૂપ નિરાંતે માણવા જેવું છે. શોર-બકોર તેની પ્રકૃતિમાં નથી અને પેન્ડુલા પણ તેનું પિતરાઈ જ થાય. પણ તેની વાત જુદી. તે ઊર્ધ્વમુખી છે. આકાશ સાથે તે વધુ તલ્લીન રહેતો લાગે. ખાખરો એની રીતનો વરણાગિયો છે. તેની કુંડળીમાં શુક્ર જોરદાર હોવો જોઈએ. તો જ તે કેસૂડાંને ઝૂલાવતો આટલો કામણગારો હોઈ શકે ને ? સાગ આ દિવસોમાં કંઈક વિરાગી થઈ જાય છે. ચક્રના આરાની જેમ સ્થિતિ તો બદલાશે, નવી મંજરીથી તે મહેકશે જ, પણ અત્યારે તે જે સત્ય પ્રસ્તુત કરી રહ્યો છે તેને કોઈ સમજુ નજરઅંદાજ ન કરી શકે. ગતિ અને સ્થિતિ બંને ત્યાં પમાય. પીપળો-વડ એ સાવ જુદી જમાતના છે. બંને દેવદૂત છે. સ્થિપ્રજ્ઞા પણ ખરા. બંને લૂમેઝૂમે છે, પણ પ્રશિષ્ટ રહીને સુચિતાનો તે નિરંતર રાગ છેડે છે. આમ્રવૃક્ષ અત્યારે એના વૈભવની ટોચે છે. તે મહાજન જેવું ભાસે છે અને હવે તો જામ્બુ વૃક્ષ પણ એનો વરઘોડો કાઢી ચૂક્યું છે. એમ રૂઆબદાર બની ચૂક્યું છે. એમ તો બાવળ-બોરડી-કણજી ઘણુંબધું આ માર્ગમાં આવતું રહ્યું. વૃક્ષ રૂપે રહીને પણ તે વધુ વ્યવહારુ બનીને જીવતાં જણાય. લોભ-પ્રલોભથી દૂર તેઓ એકલપંથી લાગે. પણ તેથી કંઈ તેમનું માહાત્મ્ય ઓછું નથી. વૃક્ષ એટલે વૃક્ષ - વૃક્ષત્વમાં જાતિ-પાતિની વાત જ ક્યાંથી આવે ?

મારી સોનેરી સવારથી આરંભાયેલી આજની યાત્રામાં આ સાંજ પણ સોનેરી રહી. વળતી મુસાફરીમાં ચંપાએ મારું મન તેના પુષ્પોખચિત વ્યક્તિત્વથી હરી લીધું હતું. અંધારું ધીમે ડગે ઊતરું હતું પણ પુષ્પો-વક્ષોનું સ્મિત અકબંધ હતું. મને થયા કર્યું કે આ વૃક્ષોમાં પણ કેવું અનેરું કાવ્યત્વ ભર્યું છે ! કેવું સંગીત તેમાં ગૂંજી રહ્યું છે ! બુધ્ધ વારંવાર વૃક્ષ થઈ રહેવાની વાત કદાચ એટલે જ કરતા હશે, એટલે જ નરસિંહ મહેતાએ આખાય વેદના સત્યને પ્રત્યક્ષ કરવા બીજ-વૃક્ષનો સંબંધ દર્શાવ્યો હશે.

વાત તો વૃક્ષની મારી વંશાવળીથી ય કંઈક સુદીર્ઘ છે, પણ મારી આજની આ વંશ-અંશ કથા કદમ્બ અને રાધાના સ્મરણ પર અટકાવું છું. એય તે કથાઓની કથા છે ! વૃક્ષો જ તેનાં કેવળ સાક્ષી છે ! પ્રણામ ઓ સોનેરી દિવસ !


Google NewsGoogle News