Get The App

બે સર્વોચ્ચ તીર્થ... .

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
બે સર્વોચ્ચ તીર્થ...                                               . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- સેવા તેના પરમ, શ્રેષ્ઠ રૂપે સાધના જ છે પણ'સાધના' કે 'ઉપાસના' ઘણુંખરું નિજના કલ્યાણ માટે, નિજના આત્માની ઉન્નતિ સાથે જોડાયેલ છે

ભા રતીય તત્વવિચાર હંમેશા મારા રસનો વિષય રહ્યો છે. ત્યાં કોરા વિચારો નથી, તર્કની પટાબાજી પણ નથી. ત્યાં આખે આખું જીવન ઝીલાયું છે. કેન્દ્રમાં મનુષ્ય અને તેનું કલ્યાણ રહ્યું છે, તેના આત્માનો તેમાં ધબકાર પ્રકટ થતો આવ્યો છે. મોક્ષ-મુક્તિ અન્યત્ર રહ્યાં નથી, તે અહીં જ આ ધરા પર છે, જીવનની સામે જ છે એ વાત અહીં વિશેષ રૂપે કહેવાઈ છે. કહોકે આખો તત્વવિચાર નર્યો વાસ્તદર્શી રહ્યો છે. બસ માણસે પોતાને મળેલાં વર્ષોમાં અંદર અને બહારથી એ દર્શાવેલા માર્ગે  આગળ વધવાનું રહે છે. એવા માર્ગમાં પ્રલોભનો અવરોધો જરૂર આવવાના પણ ત્યાંજ વિવેક-સમજને કામે લગાડવાનાં છે. એમ જો થાય તો પૃથ્વી પરનો ફેરો જરૂર સફળ થયો લેખાય. જન્મ અને મૃત્યુ વચ્ચે રહેલી જીવન રેખા પર માત્ર ને માત્ર મનુષ્ય નો જ અધિકાર રહ્યો છે. એ રેખાને કઈ રીતે આકાર આપવો, કઈ રીતે આગળ વધારવી એ બધું ખુદ મનુષ્યના પોતાના પર નિર્ભર છે. ઈસુ અને જુડાસ એક સાથે જ નિવસે છે, માત્ર નક્કી કરવાનું છે કે ઈસુ બનવું છે કે જુડાસ..

સેવા અને સાધના-ઉપાસનાની વારંવાર વાતો થાય છે. ધર્મ, કરુણા, અહિંસાની પણ કથા-વાર્તાઓ કહેવાતી રહી છે. પણ એ બધા શબ્દો આજે લગભગ કોશ વચ્ચે કેદ થઈ શીર્ષાસન કરી રહ્યા છે. ભારતીય તત્વવિચારે તેનો બુનિયાદી ખ્યાલ ઉત્તમ રીતે યુગોથી આપ્યો છે, તેનાં શ્રેષ્ઠ દ્રષ્ટાંતો પણ આપણને મળતાં રહ્યાં છે પણ આજની સ્થિતિ કંઈક વિપરીત છે. જે સેવાધર્મ આપણે ત્યાં વેદોપનિષદમાં વારંવાર દર્શાવાતો આવ્યો છે, જે ગહન છે અને યોગીઓને પણ અગમ્ય છે એવું કહેવાયું છે, એજ સેવાધર્મ આજે 'મેવાધર્મ' બની ગયો છે. પોતાને 'સેવક' તરીકે ઓળખાવનારાઓના હાથે જ એ સેવાધર્મનું હનન થઈ રહ્યું છે ! 'સેવા' શબ્દ આપણે ત્યાં વ્યાપક અર્થમાં વપરાય છે. ઈશ્વરસેવા, ગુરૂસેવા, માનવસેવા, દેશસેવા, ધર્મસેવા વગેરે વગેરે. આ બધી વખતે 'સેવા' એટલે બીજાને સહાયરૂપ થવું, વિનીતભાવે તેને મદદરૂપ થવું, ભક્તિભાવથી જેતે સાથે જોડાતા રહેવું વગેરે અર્થ ફલિત થતા આવ્યા છે. કહો કે પરાર્થે વિચારતા થવું, પોતાના સુખથી બીજાને પણ સુખી કરવો, તે સુખી બને તે માટે પ્રયત્નશીલ રહેવું એવી ત્યાં નિસ્પૃહવૃત્તિ રહેલી છે. કહો કે એ આખી ક્રિયા એવી બની  રહેવી જોઈએ કે બીજાને સુખી કરવામાં કે મદદ કરવામાં આપણે પણ સુખનો અનુભવ કરી રહીએ. તેમાં નિર્મળ સેવક-સેવ્ય વૃત્તિ જ કેન્દ્રમાં હોય. તેની સાથે દેખાડો ન હોય, મેં કર્યું કે મારા થકી થયું તેવો કર્તાભાવ પણ ન હોય. હોય માત્ર પારકી પીડાને પોતાની ગણી તેમાં તન-મન-ધનથી સહયોગી બની એવી પીડાને સુખમાં ફેરવી નાખવાની છે. એવી સેવા તેના ઉત્કૃષ્ટ રૂપે પહોંચે ત્યારે તે સ્વયં ઉપાસના કે સાધના બની રહે છે. ગાંધીજી કે મધર ટેરેસાનાં તેવાં દ્રષ્ટાંતો સાવ હાથવગાં છે. સેવા ત્યાં ધંધો નથી, ભાવના છે, આત્માની જ વિકસિત દશાની તેમાં સુગંધ છે. એક જાતનું ભક્તિગાન છે. ત્યાં સેવા-ઉપાસના કે સાધના વચ્ચેની પાતળી ભેદરેખા લુપ્ત થઈ જતી હોય છે. આવી 'સેવા' અઘરી છે, ક્યારેક લોકાપવાદનો ભોગ બનવું પડે છે, સેવક પોતે ક્યારેક કર્તૃત્વભાવ હાવી થઈ જતાં અહંકારી પણ બની જતો હોય છે. સેવા પછી ત્યાં વિશુધ્ધ ભાવરૂપે નથી રહેતી, પણ એક વિધિવિધાન બની જાય છે. કદાચ એટલે જ 'સેવા' ને ગહન કરી હશે. ત્યાં પારકાની પીડા પોતાની થવી જોઈએ. એકનું દુઃખ બીજાની ચિંતાનો, સાથે સહાય કરવાનો વિષય બનવો જોઈએ. વિશુધ્ધ સેવા છેવટે તો ઈશ્વર પ્રત્યેની અને ઈશ્વરને ખાસ ગમતી પ્રાર્થના જ છે. આજે થતી 'સેવા' કશાંક કારણોથી, કશાક સ્વાર્થથી લગભગ પ્રેરિત હોય છે પરિણામે 'સેવા' સાથે લોકોએ 'મેવા' શબ્દ જોડી દીધો છે ! બાકી, હકીકત તો એ છે કે સાચી સેવા બહારના વિશ્વ સાથે જોડાઈ માનવજાતની વેદનાને નાબૂદ કરવાની કે તેને સહ્ય બનાવી રહેવાની એક નિઃ સ્વાર્થ આત્મ-લગની આવી સેવા પોતાની આગવી રીતની સાધના કે તપ છે. વિવેકાનંદે કદાચ તેથી જ સેવાવૃત્તિમાં શિવભાવનાનું ઉમેરણ કર્યું હશે.. ત્યાં આપવાનું છે, લેવાનું નથી. આપણા પ્રાચીન કવિઓ તેથી જ વૃક્ષનું, નદીનું, સૂર્યનું દ્રષ્ટાંત આપીને કહે છે કે તે સઘળાં પોતાનાં માટે નહીં, અન્યને માટે જીવી રહ્યાં છે. ભારતીય તત્વવિચાર વળી વળીને બધા જ માણસોના સુખની, બધાંના નિરામય સ્વાસ્થ્યની, બધાના કલ્યાણની અને કોઈને પણ  દુઃખ ન પડે તેવી શાંતિપૂર્ણ જીવનયાત્રાની કામના કરતો આવ્યો છે.

'સેવા' શબ્દ સાથે 'ઉપાસના' કે 'સાધના'નો વિચાર પણ જુદી રીતે જોડાયેલો છે. સેવા તેના પરમ, શ્રેષ્ઠ રૂપે સાધના જ છે પણ 'સાધના' કે 'ઉપાસના' ઘણુંખરું નિજના કલ્યાણ માટે, નિજના આત્માની ઉન્નતિ સાથે જોડાયેલ છે. ઉપાસના કે સાધનાનો અર્થ અહીં વિધિવિધાનો કે હઠાગ્રહોથી કંઈક ઉપર રહ્યો છે. જે જન્મ્યો છે તે નિશ્ચિત રૂપે મરનાર છે જ, પણ પોતાનામાં રહેલો કે છુપાયેલો જુડાસ નષ્ટ થાય અને ઈસુત્વ બહાર નીખરી રહે તે માટે જે આંતરિક મથામણ કરવાની છે, આત્માને તે માટે જાગ્રત કરવાનો છે - એ પ્રક્રિયા સાધના છે. 

એવી સાધનાથી વ્યક્તિ અંગત રીતે પોતાની ઊર્જાને ઓળખતો થાય, પોતાને ગીતામાં અર્જુન કહે છે તેમ, પોતાની જ સાચી સ્મૃતિ થઈ રહે એ વાત મહત્વની છે. જાણવું અને છતાં ન કરી શકવું ત્યાં માણસ દુર્યોધન થઈ અટકી જાય છે  અને જાણવાની સાથે જે સદ્વૃત્તિમાં પ્રવૃત્ત થઈ રહે તે અર્જુન બની રહે. સાધના માણસને, તેના આત્માને સુખી બનાવે છે. સેવા સંતુષ્ટિ છે, તો સાધના પરિતૃપ્તિ છે. સેવા સર્વભૂતહિતમાં રત રાખે છે, અને પછી મૂળ સાથે જોડી રહે છે 

તો ઉપાસના - સાધના આત્માના ઉન્નયન અને ઉન્મીલનમાં રત રહી પરાર્થ સુધી ચેતનાને વિસ્તારી રહે છે. બંને કોઈ એક બિન્દુએ જોડાઈને 'માનવ' ને સાચો માનવ બનાવી રહે છે. આવી સાધના-ઉપાસના સાચા માર્ગો શોધી કાઢે છે, માણસને કરૂણા પાસે, અહિંસા પાસે, સહિષ્ણુતા પાસે, નિઃસ્વાર્થ પાસે દોરીને લઈ જાય છે. આત્માનો કે હોવાપણાનો મર્મ સમજાવે છે, માણસના વિનયી, વિનીત રૂપનો તે પરિચય કરાવી રહે છે. સાધના-ઉપાસના એ રીતે કોઈ નિર્જીવ પ્રક્રિયા કે વિધિવિધાન નહીં, પણ ભીરતની જ યાત્રા છે. મિત્રનો ઘોડો જરૂર છે પણ એ ઘોડાને ગતિ નથી, એ વાત ઉપાસના-સાધનાથી સમજાય છે. આત્માને - જીવનને ગતિ આપવાનું કાર્ય તે કરે છે. સેવા અને ઉપાસના - બંનેનું જીવનમાં અનન્ય સ્થાન છે. બંને એવા પૂર્ણરૂપે પ્રકાશિત થાય છે ત્યારે એકમેકમાં ભળી જતાં જોવાય છે. સેવા સહૃદયતાને જગવી રહે છે, સાધના આત્માને સતર્ક રાખે છે. બહિર્ અને અંદરની યાત્રાનાં બંને સર્વોચ્ચ તીર્થ છે.


Google NewsGoogle News