સિધ્ધાર્થનો જીવનાર્થ .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- લોકો જે જીવન જીવી રહ્યાં છે તે ખરેખર સાચું જીવન છે કે પછી દરેક માણસ જીવન જીવવાને નિમિત્તે દેખાડો કરે છે કે તેનું નાટક ભજવ્યા કરે છે ?
બે એક દાયકા પૂર્વે જર્મનીના વિખ્યાત સર્જક હરમાન હેસને રસપૂર્વક વાંચવાનું બનેલું. તેમના કાવ્યો વિશે પછી લખવાનું પણ બન્યું હતું. તેમની 'સિધ્ધાર્થ' નવલકથાએ મને વાંચવા માટે અંદરથી તકાજો કર્યો છે.
અહીં 'સિદ્ધાર્થ' વિશે તમારી સાથે, તેના વિચાર-જગતની કેટલીક વાતો જ કરવી છે. નવલકથાના મૂલ્યાંકનનો કોઈ ઉપક્રમ રહ્યો નથી. કોણ છે આ સિધ્ધાર્થ ? સિદ્ધ-અર્થ કરનારો તે વ્યક્તિ છે ? કે પછી જીવનાર્થ શોધવા માટેની તેની નિરંતરની ઝંખના છે ? સિધ્ધાર્થની પડખે ગૌતમ બુદ્ધ અહીં જરૂર છે પણ તે બંનેની પડછે હરમાન જેવો પ્રબુદ્ધ વ્યક્તિ પણ રહ્યો છે. આગળ વધીને કહું તો હરમાન જેવા અનેક ખોજી વ્યક્તિઓ પણ તે પાછળ ઊભા છે. પણ પ્રશ્ન તો છેવટે એ છે કે ખોજીની ખોજ પૂરી થાય છે ખરી ? કે પરિતૃપ્તિ પણ છેવટે ભ્રમણા જ બની રહે છે ? આત્મ-સાક્ષાત્કાર, સત્યનો સાક્ષાત્કાર દરેકનો એક સરખા માર્ગે થતો હોય છે ? દરેક ક્યાંક ને ક્યાંક પોતાના માટેનું આશ્વાસન જરૂર શોધી લે છે પણ માની લીધેલું એ ચરમ બિન્દુ ભાગ્યે જ ચરમ બિન્દુ હોય છે. હોડકું તો હાથવગું બની રહે છે પણ તેને કઈ રીતે તે હંકારે છે, ક્યાં પહોંચે છે એ અગત્યનું છે.
હરમાન પોતે જ પોતાના માતાપિતાના ચુસ્ત ધાર્મિક સંસ્કારોથી વ્યથિત હતા. તેમાં વિધિવિધાનો - ક્રિયાકાંડો સિવાય, સંકુચિતતા સિવાય તેઓને બીજું કશું જણાયું નહોતું. તેમના નાયક સિધ્ધાર્થની જેમ તેમનો પણ પોતાની સાથેનો એવો સંઘર્ષ ખૂબ નાની વયથી રહ્યો હતો. તેમના ભારત દર્શનથી, ભારતીય તત્ત્વચિંતનથી, ભારતીય શાસ્ત્રોના અભ્યાસથી તેમની વિચારણામાં નવાં પરિમાણો જરૂર ઉમેરાય છે પણ ત્યાં તેમને અટકવું ગમ્યું નથી. સત્યશોધને તે તેનાથી આગળ જરૂર લઈ જાય છે પણ ભારતીય દર્શન જ વિકલ્પ બનતું નથી. છેવટે એ શોધયાત્રાના પડાવ તરીકે મહત્તા ધરાવે છે. સિધ્ધાર્થનું બ્રાહ્મત્વ તેને પીંજરામાં પૂરી શક્યું નથી. ગૃહત્યાગનો નિર્ણય ખુદનો છે, પિતાની માતાની અનુમતિ જરૂર લે છે પણ પિતાના માર્ગથી પોતાનો માર્ગ ફંટાયેલો છે - જુદો છે તેટલું તો તે પામી ચૂક્યો હતો. કોઈપણ ખોજીમાં હોવું જોઈએ એવું સાહસ તેનામાં હતું જ. સાચા ખોજીનું એ લક્ષણ છે. તેથી તે ઘર તજે છે, ગોવિંદ જેવા મિત્રની સંગાથે યોગાભ્યાસ કરે છે, જ્ઞાાનની, તત્વની ચર્ચાઓ છેડે છે પણ આ બધું સિધ્ધાર્થને તૃપ્તિકર લાગતું નથી. તેનું વિચારચંક્રમણ તેથી સતત ચાલતું રહે છે. દમી-દળી નાખે તેવા પ્રશ્નો તેથી ભીતરમાં જાગે છે. લોકો જે જીવન જીવી રહ્યાં છે તે ખરેખર સાચું જીવન છે કે પછી દરેક માણસ જીવન જીવવાને નિમિત્તે દેખાડો કરે છે કે તેનું નાટક ભજવ્યા કરે છે ? તેવો તે જાતને પ્રશ્ન પણ કરે છે. ઘર છોડીને સાધુ-સંતો સાથે તે ચાલી નીકળ્યો છે ખરો, ઊંડે ઊંડે થાય છે પણ ખરું કે સાધુસંગતમાંથી જ કશુંક પ્રાપ્ત થઈ રહેશે પણ છેવટે એવું કશું તેને શાંત કરી શકતું નથી. મિત્ર ગોવિંદ સાથે તે પોતાની આ કે એવી બીજી મૂંઝવણો વારંવાર પ્રકટ કરે છે. પણ ગોવિંદને છેવટે પોતાનું હોડકું બુદ્ધના કરુણામય વ્યક્તિત્વ પાસે ખેંચી જાય છે, ત્યાં સ્થિર કરી દે છે. સિદ્ધાર્થ બુદ્ધથી, તેમના પ્રવચનથી પ્રભાવિત જરૂર થાય છે પણ તેનો ખોજી આત્મા હજી કંઈક તેનાથી આગળનું શોધી રહ્યો હતો. ગોવિંદ બુદ્ધનું શરણ ગ્રહી લે છે. સિદ્ધાર્થ-ગોવિંદથી છૂટો પડી, ત્યાંથી વળી ફંટાય છે.
જુઓ તો ખરા ? 'ખોજી'ના પંથો પણ કેવા હોય છે ? ખોજીનો રસ્તો ક્યારેય સીધી લીટી જેવો ન હોઈ શકે. રશિયન લેખક દોસ્તો-એ-વસ્કીએ 'બધર્સ કેરેમેઝોવ'માં ઝોસિમાના પાય વડે એ ઉત્તમ રીતે ફલિત કરી આપ્યું છે. અહીં પણ સિધ્ધાર્થ કમલા નામની ગણિકા - સ્વરૂપવંતી કન્યકા પાસે આવી પહોંચે છે. તપસ્વીઓથી છૂટીને રમણી પાસે ! તપભરી યાત્રા હવે સૌંદર્યની છાલકોથી ભીંજાતી રહે છે ! મનનું - તનનું - ઉભયનું સૌંદર્ય ત્યાં તે અનુભવી રહે છે. કમલા જેવી સંપત્તિમાં આળોટતી કન્યાની સામે સાવ લિપી જેવા સિધ્ધાર્થની પાસે વિચારવાની, પ્રતીક્ષા કરવાની અને ઉપવાસ કરવાની શક્તિ સિવાય બીજું કશું નહોતું. આ ત્રણે શબ્દો-શક્તિઓ વિશે પણ ઘણી વાત થઈ શકે. પણ સિધ્ધાર્થ પાસે યૌવન હતું, તસતસતું યૌવન. કમલાને પેલી ત્રણ શક્તિઓ ઉપરાંત 'યૌવન' પણ સંભવ છે કે આકર્ષી રહ્યું હોય. કમલા ઈચ્છતી હતી કે સિધ્ધાર્થ ધનિક બને, કામાસ્વામીના સંપર્કમાં આવે. અને જુઓ, સૌંદર્ય જગત હવે સિધ્ધાર્થને અર્થજગત પાસે દોરી જાય છે ! ખોજીની યાત્રાનો આ પણ પડાવ છે. સૌંદર્ય માણ્યું, અનુભવ્યું, હવે લક્ષ્મીની - વહેપારની, પ્રતિષ્ઠાની એક નવી દુનિયા. ત્યાં પણ સિદ્ધાર્થની શક્તિઓ ઉત્તમ રીતે નિખરી રહે છે. વૈદિક, શ્રમણ, બૌદ્ધ વગેરેને અતિક્રમીને અહીં ઈન્દ્રિય જગત પર, અર્થજગત પર તે અટકે છે. પણ સિધ્ધાર્થ 'ખોજી' છે, તે તેમાં ખૂંપી જાય કે ખૂંપી રહે તેમ નથી. કમલા અને કામાસ્વામી પાસેથી તે ઘણું પામે છે, કેટલુંક શિષ્ય ભાવે, કેટલુંક મિત્રભાવે, અનુભવ રૂપે. હવે સિધ્ધાર્થ કમલા થકી પુત્રનો પિતા પણ બને છે !
પણ સિધ્ધાર્થ તે સૌને પાછળ મૂકી દે છે. નગર અને વન વચ્ચે તેની ચેતનાની હરફર થતી રહે છે. છેવટે વાસુદેવ પાસે, એક સાધારણ નાવિક પાસે, નદી કાંઠે, એક ઝૂંપડીમાં તે એક નવા પડાવ થોભે છે ત્યાં કમલા મળે છે, ગોવિંદ મળે છે, ઉદ્ધત પુત્ર પણ મળે છે. છતાં યથા સમય, જુદાં જુદાં નિમિત્તોએ તે છેવટે એકાકી બની રહે છે. હા, અહીં સાધારણ છતાં અસાધારણ વાસુદેવ છે. તે નદીને નિહાળી રહે છે, ખૂબ ઓછું બોલે છે, વધુ તો તે સાંભળે છે. વાસુદેવ માટે નદી નદી નથી, આખી જીવનપ્રક્રિયા છે, ખોજની અને પ્રાપ્તવ્યની એક સુદીર્ઘ યાત્રા તેમાં છે. તે કોઈને કશું શીખવતો નથી, કશામાં તે બંધાયો નથી. સિધ્ધાર્થ પાસેથી તે પણ વિદાય લઈ અરણ્યમાં ચાલી જવા નીકળે છે. પેલા 'ઓમ'માં પરમ તત્ત્વ છે તો જગત આખાનાં ધ્વનિકંપનો, અનુભવકંપનો છે. સિદ્ધાર્થની ખોજ વાસ્તવમાં વાસુદેવના અનુભવો સાથે એકરૂપતા સાધે છે. જેમાં સમગ્ર જીવનના સ્વીકાર સાથે નદી છે, નાવ છે, બે કિનારા છે, વૃક્ષ છે, ઝૂંપડી છે અને નદીજળની અપાર ગતિની લીલા છે. આવી તૃપ્તિકર લીલા પાસે શબ્દો, તપ-જપ, ધર્મ, વિધિવિધાનો, સાધુ-સંપ્રદાયો-ધર્મ બધું ફિક્કું પડી જાય છે. સો વર્ષ પૂર્વે લખાયેલી આ કૃતિ ધર્મના આજના વિતંડાવાદ વચ્ચે વાંચવા જેવી છે. આત્મ સાક્ષાત્કાર જુદી જણસ છે. નિઃસંગીની એ મહેફિલ છે.