Get The App

આપણે આઇડેન્ટિટિ ગુમાવી રહ્યા છીએ?

Updated: May 2nd, 2023


Google NewsGoogle News
આપણે આઇડેન્ટિટિ ગુમાવી રહ્યા છીએ? 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- અક્ષરજ્ઞાન વધતાં જ્ઞાનને બદલે અક્ષર વડે ચાલાકી વધતી ગઈ છે. અક્ષર વડે એકબીજાના મન કે હૃદય સુધી પહોંચવાને બદલે એકબીજાને કેવી રીતે છેતરવા તે સંદર્ભે તેનો ઉપયોગ વધી રહ્યો છે.

આ પણો સમય કંઈક કોયડો બનતો જાય છે. એ કોયડાને ઉકેલવા મથનાર ગૂંચાતો જાય એવી વિપરીત સ્થિતિ છે. અનેક વિરોધો સામસામે આવે છે. એવા વિરોધો સત્યને ઉકેલવાને બદલે સત્યને ટાળે છે, અથવા તેને પાછળ રાખી દે છે. આપણે આગળ વધી રહ્યા છીએ કે પાછળ જઈ રહ્યા છીએ એ સ્થિતિને માપવા માટેની ફૂટપટ્ટી જ ખોવાઈ ગઈ લાગે છે. સો વારનું જૂઠ સત્ય બની જાય છે ને સત્યને ધારીને બેઠેલાનું મૌન જૂઠમાં પરિણમતું જણાય છે. સત્વને બદલે તર્કની બોલબોલા વધી છે. હૃદયની સરળતાને-સહજતાને બદલે બુદ્ધિની ચમત્કૃતિનો પ્રભાવ વિસ્તરતો જાય છે. અજ્ઞાને જ્ઞાનની સીમાઓનું અતિક્રમણ કર્યું છે. જ્ઞાનને એક ખૂણામાં બેસાડી દેવામાં આવ્યું છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સાચું નહીં જોવા માટે આંખે પટ્ટી બાંધવી પડી હતી. હવે આંખ જ કંઈક એવી થતી જાય છે અથવા તો તેને એવી કેળવવામાં આવી છે કે એ નરી આંખે પણ સાચું જોઈ શકતી નથી. માત્ર આંખ જ નહીં, આપણી અન્ય ઈન્દ્રિયો પણ એની મૂળની પ્રકૃતિ વિસરી રહી છે. એ રીતે માણસ હોવાની અગાઉની ઓળખાણ આપણે ખુદ ભૂંસતા જઈએ છીએ. અક્ષરજ્ઞાન વધ્યું, એમ જ્ઞાન ઘટયું - એવું સરેરાશ વિધાન ન કરું તો પણ અક્ષરજ્ઞાન વધતાં જ્ઞાનને બદલે અક્ષર વડે ચાલાકી વધતી ગઈ છે. અક્ષર વડે એકબીજાના મન કે હૃદય સુધી પહોંચવાને બદલે એકબીજાને કેવી રીતે છેતરવા તે સંદર્ભે તેનો ઉપયોગ વધી રહ્યો છે. ભાષાની, સરસ્વતીની, શબ્દબ્રહ્મની વાતો તો થાય છે પણ તેનાથી જુદી જ દિશામાં એ ભાષાનો પ્રયોગ થવા માંડયો છે. વિચારધારાઓ વિનાની ધારાઓ પ્રચલિત બનતી જાય છે. ગોબેલ્સ પદ્ધતિએ એવી ધારાઓ આજના માણસને પ્રભાવિત કરતી જાય છે. એવી ધારાઓ વિચારધારાઓમાં ખપી જાય છે. માણસને તેની ચેતનાથી, તેના મૂળ સત્વથી, એવી ધારાઓ છૂટો પાડી દે છે. એક માણસ 'માણસ'ના લિબાસમાં ફ્રાન્ઝ કાફકાના શબ્દોનો સહેજ જુદી રીતે ઉપયોગ કરીને કહું તો તેને મૂર્ખ (ઈડિયટ) બનાવી રહે છે. ટોળાં વધે તેથી તેને સંગઠન ન કહેવાય, ટોળાં વધે તેથી તેને પ્રજાઈચ્છાનું પ્રતિબંબ ન લેખી શકાય, ટોળાં વધે એટલે સત્ય તેમાં પ્રકટી રહ્યું છે તેવું સમીકરણ ન માંડી શકાય. પણ દુર્ભાગ્યે હવે એમ જ બનતું આવ્યું છે.

માણસ બધું ગૂમાવે તો ચાલે પણ એની આઈટેન્ટિટી જ ગૂમાવી દે તે કેમ ચાલે ? મને પેલા જંગલના કૂતરાની કથાનું સ્મરણ થઈ આવ્યું. બંગલાના માલિકના કૂતરો જાડો-તગડો થઈ, ગળે તેના માલિકની નિશાની રૂપ પટ્ટો બાંધી જંગલના કૂતરા પાસે તેના વૈભવી રહેઠાણની, રોજ રોજના મિષ્ટાનની વાતો કરે છે. પણ જંગલનો કૂતરો તે બધું સાંભળી તેને કહે છે : ''તું તારા માલિકની ઈચ્છા સિવાયનું કશું કરી કે વિચારી શકે છે ?'' અને માલિકનો હૃષ્ટપૃષ્ટ કૂતરો ઝંખવાઈ ગયો. પેલા જંગલના કૂતરાએ ઉત્સાહભેર ઉમેર્યું : 'હું તો મને પસંદ પડે તેમ કરું છું. હું તો આ ચાલ્યો મારા ખુદના રજવાડા જેવા જંગલમાં મારે ક્યાં તારા જેવો કશો ગળપટ્ટો બાંધેલો છે ?' અને એટલામાં જંગલનો કૂતરો વેગથી જંગલ ભણી દોડી ગયો. માલિકના સાદ સાથે પેલો હૃષ્ટપૃષ્ટ કૂતરો પૂંછડી દબાવી, તેના માલિકની પાસે ટેવવશ પહોંચી ગયો... આઈડેન્ટિટીનું કેટલું સાદું ગણિત- આપણે ભૂલતા જઈએ છીએ ?

ભાષાની ચબરાકીઓ માત્ર ભાષક સુધી જ અટકી નથી તેના માહેર પત્રકારો-લેખકો-કોલમિસ્ટોનો એક વર્ગ પણ એ બધું ખાસ્સું શીખી ગયો છે. ભાષાને નવા નવા વરખ લગાડે છે. ઈચ્છે તો વાછરડાને બકરું બનાવી દે છે અને બકરાને વાછરડું પણ ! હું આને ભાષાદ્રોહ કે શબ્દદ્રોહ જ નથી કહેતો - જીવનદ્રોહ કહું છું, પાપ પણ કહું છું. કારણ કે ઘણાં અધકચરાં મનવાળાં માનવીઓને તે ખોટી દિશામાં પ્રભાવિત કરતો હોય છે. તેમની સાચી ચેતનાને તે થીજાવી દે છે. શબ્દ-ભાષાનું કામ તો હૃદયદલને, સત્યદલને, પ્રેમદલને ખીલવી આપવાનું છે. એવા શબ્દને કશાનું- વ્યક્તિ કે કોઈ ધારાનું - વાજિંત્ર નથી બનાવવાનો. શબ્દ જે મોટું શ્રદ્ધાસ્થાન રહ્યો છે, તેને જ આપણે ધ્વસ્ત કરવા બેઠા છીએ. હૉકર જેવો વિચારક તેથી જ ઉગ્રપણે કહે છે : શબ્દ ક્યારેય આટલો ખતરનાક નહોતો... આ શબ્દની જાણકારી એમ પીડામુક્તિને બદલે પીડા વધારનારી બની છે. ક્ષર-અક્ષરની સરહદ સુધી લઈ જનાર શબ્દ જ હવે ક્ષણ-ક્ષય-ના વિશ્વ ભણી માણસને ધકેલી રહ્યો છે. મંત્રરૂપ શબ્દ હવે તેથી યંત્રરૂપ કે તંત્રરૂપ બનતો જાય છે. તે બધું જ શોધશે- શોધી શકશે પણ એ બધું ક્યારે એને જ ભરખી જાય તેવું પડકાર રૂપ બની રહે તો નવાઈ નહીં. શબ્દનું બ્રહ્મરૂપ વિનષ્ટ થતું જાય છે, શબ્દ ભ્રમનું રૂપ ધારણ કરતો જાય છે.

લાઓત્સેએ ઉદ્ગારેલી ભવિષ્યવાણી ધીમે ધીમે આપણા સમયનું સત્ય બનતી જાય છે. તે હંમેશાં કહેતાં સાચો શબ્દ આનંદદાયક નથી, આનંદદાયક શબ્દો સાચા નથી. જેઓ સાચા છે તેઓ દલીલ કરતા નથી, દલીલ કરનારા સાચા નથી. જેઓ જાણે છે તે શીખ્યા નથી. જેઓ વિદ્વાન છે તેઓ જાણતા નથી.

લાઓત્સેની આ વાણી જરૂર અવળવાણી લાગવાની પણ આ અવળવાણીમાં જ આપણા આજના સમયનું વાસ્તવ ઝિલાયેલું છે. સત્ય કોઈને ગમતું નથી. તેથી તેવા શબ્દો અપેક્ષિત આનંદ ક્યાંથી આપી શકે ? અને રંજન-મનોરંજન કરતા-કરાવતા, ભીડની તાળીઓ ઉઘરાવતા શબ્દો, સાચા કેવી રીતે હોઈ શકે ? સત્ય તો મૌનવ્રતધારી છે, તે વાચાળ હોઈ શકે ? પણ વાચાળ માણસો પોતાને સાચામાં ખપાવવા અહર્નિશમંડયા રહે છે. જેઓ જાણે છે, તેને બહારની ભભકની ખબર નથી. જેઓ વિદ્વાન છે, તે બાપડા કશું જાણતા નથી. પોથીમાંની ઉધઈ જ બની રહે છે. અહો, જગત ! અહો, માનવ !


Google NewsGoogle News