Get The App

સપ્ટેમ્બર - 'કમ સપ્ટેમ્બર'! .

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
સપ્ટેમ્બર - 'કમ સપ્ટેમ્બર'!                                       . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- ગિટાર, મેન્ડોલીન, પિયાનો અને બોન્ગોના સાજથી તેનું આખુંય નિબંધન એ રીતે થયેલું કે ગીત કમ્પોઝ થઈ જતાં બીલી વોઘન ખુદ નાચી ઊઠેલો! 

સુ ખની વ્યાખ્યા તો હું જાણતો નથી, પણ સુખાનુભવની સાચ્ચે જ ખબર છે. ઝબૂકતો આગિયો જુઓ, આકાશમાં સરકી જતી વીજળી નિહાળો, દૂર દૂરથી આવતી કોઈ પુષ્પગંધને માણો, વહેલી સવારે કોઈ મંદિરમાં થતો ઘંટારવ સાંભળો, રસ્તે ચાલતા જતા હો અને કોઈ અજાણી કન્યા વિના કારણે સ્મિત આપી રહે, અથવા સામે મળી જતો કોઈ વૃદ્ધ ઓળખાણ વિના જ તમારી સાથે ક્ષણ-બે-ક્ષણ ઊભા રહી તમારા મસ્તકે તેનો હાથ મૂકી રહે - તો એ બધી ક્ષણોને શું કહેશો ? અથવા આજે, આ લખું છું ત્યારે સપ્ટેમ્બર, ૨૦૨૪ની પહેલી તારીખ છે, કોઈ મિત્ર પ્રાત: કાળે જ તમને 'કમ સપ્ટેમ્બર'નું સંગીત મોકલે, તમે તેને સાંભળતા રહો, તમારા હાથ-પગ તેની સાથે તાલ મિલાવે, તમે અંદરથી પણ નૃત્યાનુભવ કરી રહો તો એ ક્ષણને કયા રૂપે ઓળખશો ? હું તો વળી વળીને એને જ 'સુખ' કહું છું. તમારું અંદરનું બારણું ઊઘડયું એટલે માનો કે 'સુખ' સામે જ છે. હું આ લખું છું ત્યારે ય 'કમ સપ્ટેમ્બર'ના સંગીતને સાંભળેલું - વહેલી સવારે જ - તેનું ગુંજન-અનુગુંજન હજી કાન અને ભીતરમાં પણ પૂરા ઠાઠમાઠથી ચાલુ જ છે. કાનસેન છું ને !

ઓહ ! આવી થોડીક ક્ષણો પણ કેવી અજાણતાં જ વિસ્તરી રહે છે ! ક્યાંની ક્યાં લઈ જાય છે ! ક્યાં ક્યાં આપણને ખડા કરી દે છે ! સહજ પણ અસહજ બની જાય છે. આજે આ 'કમ સપ્ટેમ્બર'ના મ્યુઝિકનું પણ એવું જ બન્યું. તેણે મને નોસ્ટેલજિક બનાવી મૂક્યો, મારા વર્તમાનને થોડોક કોરાણે મૂકી દીધો. ફરી પેલી અઢાર-વીસ-વર્ષની મારી ઉંમરનો ખજાનો ખૂલી ગયો. ત્યારે નાનકડા ગામમાં એક જ ઘેર એચએમવી ગ્રામોફોન. સદ્નસીબે તે મારા જ પડોશી ! પહેલીવાર એમાં 'કમ સપ્ટેમ્બર' સાંભળ્યું ત્યારે સંગીતપ્રેમ પૂરો, પણ ઝાઝી સમજ તો ક્યાંથી હોય ? હા, એ સાંભળીએ, પૂરું થાય તો ફરી ગ્રામોફોન પર એને મૂકાવીએ, પુન: પાછું શ્રવણ થાય ! અહીં 'શ્રવણ' શબ્દ પણ અકારણ મૂકું છું. સંગીતમાં ટયૂન-એનું શ્રવણ જ જલસો કરાવી રહે. એ જ હાથ-પગને હાલતા કરી રહે, એ જ અંદરની ધડકનની માત્રા વધારી રહે. તમે કે હું અન્ય કોઈ અજાણી ભાષાનું નાટક જોતા હોઈએ ત્યારે ભાષા તો અજાણી હોય પણ પેલો અભિનય હસાવે, રડાવે, ભાષા વિના ઘણું બધું મસ્તક અને હૃદય સુધી પહોંચી જાય. 'કમ સપ્ટેમ્બર'ને પછી તો અનેકવાર માણવાનું બન્યું છે. જુદી જુદી વયે, જુદા જુદા સ્થળ - સમયે તેને મેં એન્જોય કર્યું છે અને હજી પણ એનો કેફ નથી એમ તો હું કેમ કરું ? ભારતીય કલાસિક સંગીતની સાથે, આજનું ભારતીય અને વિદેશી સંગીત પણ સાંભળવું ગમે છે પણ એ બધાં વચ્ચે આ 'કમ સપ્ટેમ્બર' આજે ય એટલું જ વહાલું છે. હું તો આજે એને એપિક કલાસિકલ મ્યુઝિક જ કહું. એનો ટયૂન-સૂર-સંગીત બધું તરોતાજ છે, ર્ર્જીારૈહય સેજૈબ છે. એમાં સપ્ટેમ્બરનો છે જ, સાથે જીવનનો સપ્ટેમ્બર પણ વણાતો આવ્યો છે. એક એવો સમય આજે મારી સમક્ષ પ્રત્યક્ષ થઈ રહ્યો છે કે ત્યારે કિશોરો-યુવાનો માટે 'કમ સપ્ટેમ્બર' એક ક્રેઝ હતો. વિદેશી ફિલ્મ જોનાર તો કહેશે પણ ખરા કે ત્યારે થિયેટરમાં મધ્યાન્તર આવતાં જ 'કમ સપ્ટેમ્બર' શરૂ થાય. અરે, ક્યારેક તો હિન્દી મૂવીનો આરંભ થાય તે પૂર્વે જ 'કમ સપ્ટેમ્બર' શરૂ થાય. પ્રેક્ષકો સંગીત સાંભળતાં સાંભળતાં, બહારથી પછી થિયેટરમાં આવીને પોતાની જગા લે. બ્લેક એન્ડ વ્હાઇટ હિન્દી ફિલ્મોમાં ક્યારેક આપણા અભિનેતા-અભિનેત્રીનો ડાન્સ પણ 'કમ સપ્ટેમ્બર'ના મ્યૂઝિક સાથે થતો હોય ! ખરું તો એ બધો જાદુ બીલી વોઘન અને એના ઓરકેસ્ટ્રાનો હતો. ગિટાર, મેન્ડોલીન, પિયાનો અને બોન્ગોના સાજથી તેનું આખુંય નિબંધન એ રીતે થયેલું કે ગીત કમ્પોઝ થઈ જતાં બીલી વોઘન ખુદ નાચી ઊઠેલો ! બોબી ડેરીનનું ગીત બર્લિન મેલોડી રૂપે ત્યારે અને પછી પણ પ્રતિષ્ઠા પામ્યું હતું. ત્યાં નથી તે છે - એવી એક સ્વપ્નનગરી છે, ત્યાં વયાતીત આબોહવાની ખુશ્બૂ છે, ત્યાં કિશોર-યુવાનના દિલની મહેફિલ છે. ભીતરને જગવી રહે તેવું કંપનજગત છે. ગીત-ગીતકાર-સંગીત બધું વિદેશી છે. પણ મનુષ્યનું હૃદય ક્યાં દેશી-વિદેશીના ભેદ સ્વીકારે છે ? કદાચ એટલે જ 'કમ સપ્ટેમ્બરે' ભાષાની, સરહદની, કોમની સરહદો ત્યારે ય અતિક્રમી હતી. સંગીત-શબ્દ, કલા માત્ર એવી સરહદોને સદા ઓળંગે છે. કળાનું સાચું પ્રાણતત્વ જ એ છે. મને હજી ય એ નોસ્ટેલ્ઝિક દિવસોનું સ્મરણ થાય છે. મારા ગામમાં આવતું નાનકડું સર્કસ, નાનકડી નાટય કંપની પણ આ મ્યૂઝિક તો અવશ્ય સંભળાવે જ. અને હા, સંગીતનો 'સ' નહીં જાણનારાં ત્યાંના બાળકોને ત્યારે મેં પોતાની રીતનો ડાન્સ પણ કરતાં જોયાં છે. આ ગંભીર પ્રકૃતિના બંદા પણ ત્યારે જ્યાં બેઠા હોય ત્યાં શ્રવણ વેળાએ હાથ-પગને હલાવ્યા વિના રહેતા નહોતા !

પહેલી સપ્ટેમ્બર ૨૪, નો પ્રાત: કાળ એમ અનાયાસે જ કમ સપ્ટેમ્બરના વૈશ્વિક સૂર સાથે જોડાતો ગયો, એ સાથે કિશોરાવસ્થાનું અતીતરાગી જગત પણ સીમ સીમ ખૂલજા - એ ન્યાયે ખૂલતું રહ્યું. કોઈકને આવો અતીતરાગ ન ય ગમે. પણ તેવાઓ શું તેમના ભૂતકાળ વિના જીવી શકે છે ? એવો પ્રશ્ન પણ મને કરવો ગમે. ૧૯૬૧-૬૨ નું આ ગીત-સંગીત હજી અત્યારે 'જૂની' થઈ ગયેલી પેઢી માટે ભૂલાયાં નથી. હું તો આજના સંગીત રસિયા માટે પણ આ સાચવી રાખવા જેવા સૂરોને પુન: પુન: સાંભળે તો કદાચ એક બીજો જ નવો પથ તેઓ વડે ખૂલી આવે તેમ માનું છું.

મારા માટે વાત તો આજની આ સુખાળવી સવાર છે. મને તો નાનુ અમથું નિમિત્ત મળી જાય ત્યારે રાજપાટ મળી ગયું હોય તેવું અનુભવી રહું છું. ગીતકાર અને બંદીશ રચનાર બંને માટે તો સલામ ખરી જ, પણ આવા ફેન્ટાસ્ટિક સોન્ગનું આજે પુન: સ્મરણ કરાવી રહેનાર એ મિત્રને ય સલામ ! કહો તો ખરા કે આજે આવી નિર્દોષ ક્ષણોને આપણી સામે એવી જ નિર્દોષ વૃત્તિથી ધરી રહેનાર કેટલા ? ખરી કલાનો જાદુ ક્યારેય ભૂતકાળ બનતો નથી, તે તો સદા વર્તમાનનો જ વૈભવ હોય તેવો અનુભવ કરાવી રહે છે, એક યુનિવર્સલ અપીલ તેમાં હોય છે. કહો, આજની એક નાની શી ઘટનાની છતાં હૃદયમાં રોમાંચ જન્માવી રહેલી એ પળ મને ક્યાંની ક્યાં લઈ ગઈ ?! આને ભલા ! તમે 'સુખોત્તમ' નહીં કહો ? અરે, સપ્ટેમ્બર નિમિત્તે બીજું ય સ્મરણ થઈ આવ્યું - સપ્ટેમ્બરના ધરા, પવન અને અગ્નિનાં અમેરિકન ગીતો પણ નજર સામે આવ્યાં. ત્યાં પણ આનંદનૃત્યનું જગત જ ઊઘડી રહે છે... સુખ તો અત્ર-તત્ર બધે વેરાયેલું છે. માત્ર ગ્રહી રહો !


Google NewsGoogle News