નવા વર્ષની પ્રાર્થના .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
વા હ મારા પ્રભુ ! વાહ મારા કિરતાર ! તારી અપાર લીલાને પ્રણામ કરું છું. જોને આજે તેં વળી એક વધુ નવું વર્ષ તારા અને તારી રચાયેલી સૃષ્ટિના દર્શન માટે આપ્યું. હું ધન્ય ધન્ય છું પણ તે માટે તારો આભાર ન માનું તો નગુણો ગણાઉં. બસ, આ નવા વર્ષે તને પ્રાર્થી રહેવું છે. મને ખબર નથી કે પ્રાર્થનાના શબ્દો કેવા હોઈ શકે, કઈ તેની ભાષા હોઈ શકે, પણ હું તો મને આવડે એવા શબ્દોનો પ્રાર્થનારૂપી પુષ્પહાર તારા ગળામાં પહેરાવીશ. એમ કરવા જતાં મારો મલકાટ વધે છે, તારી સાથે સમય જેવો સંબંધ પણ બંધાઈ રહે છે.
તેં પ્રભુ ! કહે આ એક વધુ નવું વર્ષ મને ભેટ આપીને તું મારી પાસે શું ઈચ્છે છે ? મને કંઈ ઝાઝી કશા વિશે ગતાગમ નથી. લોક સાથેના અને સ્વજનો સાથેના સંબંધોમાં પણ હું ઊણો ઊતરું છું, ભોંઠો પણ પડું છું, પણ તું મારી સાથે છે ને ! એવા ખ્યાલથી હું એવી-તેવી ક્ષણોને પાર કરી જાઉં છું. તેંજ મને શીખવ્યું છે કે એક વત્તા એક એટલે બે એવું સીધું ગણિત યાદ રાખજે. એટલે જ કિરતાર, તમને પ્રાર્થના છે કે હું આડોઅવળો જતો હાઉં તો તું મને ચેતવી દેજે. અને હા, તને આ એક વધુ મળેલા અર્થાત્ તેં જ આપેલા નવા વર્ષમાં તું જ મને તને ગમતાં કામોમાં દોરી રહેજે. હું તો અહીં કે બીજે મને નિમિત્ત માનું છું. બાકી તો તું જ બધું સંભાળી લેતો હોય છે, તું જ પ્રેરતો હોય છે. માગું તો તુલસીદાસની જેમ એ જ માગું મનને નિર્મલ રાખજે, કપટ, છલ, છિદ્રથી મને દૂર રાખજે. પ્રભુ ! વ્હાલા સખા ! ઘણીવાર છેતરાતો હોઉં તેમ સમજવા છતાં બીજાને હું નારાજ નથી કરી શકતો. ક્યારેક 'ના' પાડવાની હોય ત્યાં 'ના' પાડી શકતો નથી. ત્યારે મને મારા માટે જ થોડી નારાજગી થાય, પણ પછી વિચારું કે છેતરી છેતરીને કોઈ મને શું છેતરી શકશે ? તારા પ્રેમમાં જ ડૂબોડૂબ છું તો પછી તું જ બાજી સંભાળી લેવાનો છું ને ! આવી બાજી તેં અનેકવાર સંભાળી લીધી છે. તારો એ રીતે તો હું સદા ઓશિંગણ રહ્યો છું.
સખા ! પ્રભુ ! હજી પણ મારા અંતરના કોઈ ખૂણે કોઈના માટે દુર્ભાવ રહ્યો હોય કે કોઈને માટે અણગમો રહ્યો હોય તો તું તે દૂર કરજે. મને વૃક્ષની માફક જીવવાનું તેં જ શીખવ્યું છે એટલે કોઈને અડવા-નડવાનંપ મારી પ્રકૃતિમાં જ નથી અને હા, મારે તો તેં આ એક વધુ વર્ષ આપ્યું છે તો તું તારું અદ્ભુત કાવ્ય બતાવજે. અથર્વવેદ દેવનું કાવ્ય જોવા માટે સૂચવે છે એ અભિલાષ હજી પણ એટલો જ ઉત્કટ રહ્યો છે. પ્રભુ ! તારું કાવ્ય તો જોતો આવ્યો છું, ને જોતો રહું તેવું કરજે. ત્યાંથી તો મને તું પવનરૂપે કેટલુંય કાનમાં કહી જાય છે. હું તારા એ શબ્દોને ઉકેલી ઉકેલીને જગતને-માનવને જોવા પ્રયત્ન કરું છું. ઘણીવાર હું તારા કાનમાં કહેવા દોડી આવું છું, પણ તું નજરે પડતો નથી, ઘંટનાદ કરું છું તો ય તું ન સાંભળતો હોય એવું અનુભવાય પણ પછીથી શાંતિની ક્ષણોમાં હું બેઠો હોઉં ત્યારે નિઃશબ્દ તું ધીમે ધીમે મારા કાનમાં કહું કહેતો જાય છે. મારા રુંવેરુંવેમાં તું તેનો જાદુ ભરી દે છે. હું તે સમયે ચકિત થઈ જાઉં છું. નવા ઉત્સાહથી, નવી ગતિથી છલકાઈ રહું છું. મારું હૃદય વાર્તાલાપે પછી ચઢે છે અને તારી અનેક રસિક-મધુર છબીઓ પાસે મને મૂકી દે છે. થાય છે કે તેં જ આ વિશ્વમાં મોકલ્યો છે, તો તેંજ મને તેનાં રહસ્યઘરોને ખોલવાની ચાવી પણ આપી છે. હું ત્યારે તને નિકટતમ રીતે પામી રહું છું. જે બીજા એક વિશ્વની કલ્પના કરું છું, તે તો આ વિશ્વ અંતર્હિત જ છે તેવું પણ મને તારા એવા મીઠડા શબ્દો સમજાવી રહે છે.
પ્રાર્થના તો આજે એટલા માટે કે કિરતાર, મારી વહી તારી પાસે છે. ચોપડો તું રાખીને બેઠો છે, નોંધ તું રાખે છે, ગુણ પણ તું અંદર મૂકે છે. એટલે મારે તો અહીં રહ્યે રહ્યે તારા નામે, હા, તારા જ નામે થોડું ચિતરામણ કરવાનું રહે છે. અને એ ચિતરામણ પણ તેં આપેલા હાથ અને આંગળીઓથી કરતો રહ્યો છું. મારી વહી એમ તારી વહી - અર્થાત્ તારા જ પ્રેમ સંદેશાઓ પર નિર્ભર છે અને હા, તેં કેટલા ચઢાવ-ઉતાર પરથી મને પસાર કર્યો છે ? પણ બધી વખતે તેં મને સાહી લીધો છે. રુમઝુમ ચરણે તું જ ત્યાં આવી પહોંચે છે. હું તો દરેક મુકામ તારો જ મુકામ છે એમ સમજીને પરિવાર- સમાજ કે તેં જે કાર્યો સૂચવ્યાં હોય કે તે તરફ ગતિ માટે ઈશારો કર્યો હોય તે પ્રમાણે કરતો જાઉં છું. અભાવો વચ્ચે જીવ્યો છું, પથ્થર વચ્ચેથી અંકુરાઈ આવ્યો છું અને માટીના ઢેફામાંથી મહેકી રહેતો તેં કર્યો છે એટલે અપેક્ષા તો કોઈ નથી. જે ચાહે છે, સાથે છે કે પછી દૂર છે તે સર્વનો મેં સ્વીકાર કરી લીધો છે. જિંદગીને સફર સમજું છું એટલે એ સફરમાં ગમતું - ન ગમતું, ઈચ્છેલું- ન ઈચ્છેલું બધું આવતું જવાનું પણ તેં જ મને ભારપૂર્વક વારંવાર કહ્યું છે: જે છે તેનો સમગ્ર રૂપે, સચ્ચાઈથી સ્વીકાર કર. અને હું એટલે જ પ્રશંસાને બદલે પ્રેમના રસ્તે વળ્યો છું. એ અઘરી બાબતે તેં મને કહ્યું છે કે દુઃખ જ શક્તિ છે. દુઃખને જીરવવા પ્રેમ કર - સૃષ્ટિના એકેએક અંશને...
પ્રભુ ! એક વધુ મંગલકારી વર્ષ તેં મને આપ્યું છે એને હું તારો મારા પ્રત્યેના અઢળક પ્રેમનો પાકો દસ્તાવેજ સમજું છું. તારી કરૂણાને મેં માત્ર આંખોમાં જ નહીં, હૃદયમાં પણ ઊતારી છે. એણે જ મને સમતાથી જોવાનું કહ્યું છે, એણે જ મને સમભાવ શીખવ્યો છે, એ જ મારી ધબક છે. તારી સાથેના સંબંધનું અને દુનિયા સાથેના સંબંધનું આ એક વધુ નૂતન વર્ષ તેં આપીને મને તારો ઋણી બનાવ્યો છે. તેં મને આકાશને નિહાળવા ને પૃથ્વીને પામવા વધુ એક તક સંપડાવી આપી છે. મારા એવા બડભાગીપણાને પ્રકટ કરવા મારા શબ્દો અધૂરા છે, તેનો કદાચ કોઈ ઉચિત ક્રમ પણ નહીં હોય પણ મૈત્રીભાવમાં તો શબ્દોની ઝાઝી જરૂર જ ક્યાં તું સમજે છે ! હૃદયની તંત્રીના તાર તારા છે, ગીત તારું છું, સ્વર પણ તારો છે. હું તો વચ્ચે વચ્ચે દાદ આપું છે - મને ખુદને જ ! પસાર થયેલા વર્ષમાં કશેક ત્રુટિ રહી હોય, કોઈકને અજાણતાં સંતાવ્યા હોય તો તે પણ આશય વિનાનો આશય હશે. કારણ કે હું તારી સંગે છું, તું મારી સંગે છું. એટલે તે વિશે પણ તારો ઠપકો હશે તો માથે ચઢાવી લઈશ. હે કિરતાર ! આ નવા, એક વધુ ભેટ મળેલા વર્ષમાં, તારા જ મારા પ્રત્યેના પ્રેમને મારી સ્મૃતિમાં રાખું છું. મારા સઘળા ક્રિયા-કલાપો ત્યાંથી વિસ્તરી રહો !