Get The App

ક્ષણ-વિરાટ મહોત્સવ ! .

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
ક્ષણ-વિરાટ મહોત્સવ !                                     . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- આપણે 'ક્ષણ' નહીં, 'ક્ષણો' શોધીએ છીએ, ક્ષણોને અસંબધ્ધ રીતે જોડવા મથામણ કરીએ છીએ 

ક્યા રેક થાય છે કે કેમ આપણે જીવનના નફા-તોટાનો વિચાર કરી કરીને જીવનના આખા સ્વસ્તિકને જ વેરવિખેર કરી નાખીએ છીએ ? કેમ આપણે આપણી નિશ્ચિત ધારણા સાથે જ જીવનને જોડીને તેનાં સમીકરણો રચવા બેસી જઈએ છીએ ? શું આ આયખુંય છુટ્ટા હાથે વેરી દીધેલાં મોતીની ભાત જેવું નથી ? એ ભાત અનાપાસે પણ રોમહર્ષણ આકાર ધારણ કરી લેતી હોય છે. આ ક્ષણે, તે ક્ષણે, પેલી ક્ષણે એમ કરીને બધાંને સાંકળવા જતાં કેટલીક સૌંદર્યભરી ક્ષણોને એમ જ તડાક તોડી બેસીએ છીએ. જીવનનો એક મોટો હિસ્સો નિરર્થક પ્રશ્નાવલિઓ રચવામાં જ પસાર થઈ જતો હોય છે. અને એવી પ્રશ્નાવલિઓના કંઈ ઉત્તરો એમ મળી પણ જાય છે એવું ય માનવાને કોઈ કારણ હોતું નથી. જે લોકો મળ્યાનો ક્યારેક સંતોષ લેતા હોય છે એ પણ શું ભ્રામક નથી હોતું ? જિંદગીની પ્રત્યેક ક્ષણ એક સ્વતંત્ર ક્ષણ છે. તેને પોતાની ખાસ શોભા છે, ઝગમગાટ છે, પોતાનું ગીત છે, ગમે તે પળે ગાઈ ઊઠીએ તેવું ગીત. પણ માણસ એવી દોણને અન્ય ક્ષણ સાથે જોડીને માળાની મેધા પુરવાર કરવામાં, કંઈક છું. એવું બતાવવામાં પાછો પરોવાઈ જતો હોય છે. ત્યાંજ સરવાળા-બાદબાકી શરૂ થઈ જતી હોય છે. હું ફૂલને ફૂલ રૂપે, જે ક્ષણે એની મહેક લઈ રહ્યો છું, જે ક્ષણે એના રંગમાં ડૂબોડૂબ હોઉં છું, તેની ન સેનસમાં હું મને વહેતો કરી દઉં છું. તેના વૃન્તને સ્પર્શીને જે અકળ રોમાંચ અનુભવું છું એ ક્ષણ જ મારી છે. પેલી સાવ સ્વતંત્ર ક્ષણ, ગીત સભર ક્ષણ, મને રાગાત્મક કરી મૂકતી ક્ષણ, પવનની લહેરથી સાથે આછેરું નૃત્ય કરી રહેતકી એ ફૂલની આગવી અદાની ક્ષણ... મારે એ ક્ષણમાં સમાઈ જવાનું છે. તત્ક્ષણે બીજી ક્ષણ સાથે તેનો કોઈ મુકાબલો થવો ન જોઈએ. બીજી ક્ષણો, જે હોય તે, તેની રૂપલીલા એની રીતે નોખી જ રહેવાની. ક્ષણ નાશવંત હોય તો પણ એ રીતે એક્ષણ શાશ્વત છે. શાશ્વત જ એવી મનભાવન ક્ષણને જન્માવી આપતું હોય છે.

મન રાંકડું છે, ક્યારેક સાંકડું પણ. સાથે ઉમેરવું રહ્યું કે તે ફાંકડું પણ છે ! માત્ર મનને વિના કારણે વળગેલી બાબતોથી છૂટું પાડવાનું છે. દરિયાકાંઠે બેઠો હોઉં અને મારું ધ્યાન ચોપાટી પરની દુકાનમાં તળાતી વાનગીઓ સાથે જોડાઈ ગયું હોય, હું કદાચ કોઈ બીજી વ્યક્તિ દરિયાને જે મુક્તતાથી નિહાળી રહી હોય તેને જોવામાં જાતને જોડું, તો દરિયો નજર સમક્ષ જ એનું બધું અર્પી દેવા તૈયાર થયો હોય તો પણ દરિયાકાંઠે હોવા છતાં, દરિયાથી જોજનો દૂર જ ગણાઉં. હા, સમુદ્ર તો ઉપહાર લઈને આવ્યો છે, શાંત અને છળતો, નિઃસીમ અને છથાં કિનારાવાળો, મોજાને મારી તરફ ભેટરૂપે ધરી દેતો અને એ મોજાને નિહાળીને મારું વિસ્મય જો એમાં ભળ્યું હોય તો તેને પણ તે પોતાનામાં લઈલે છે. પણ ક્યારે ? દરિયાને નિહાળવાની ક્ષણમાં મારી લીનતા હોય. હું દરિયો બની જાઉં અને દરિયો હું બની જાય. આ ક્ષણ જ આપણી-દરિયાની. તેના રમ્યરૂપની, તેની પારાવાર કથાઓનું મૃદંગ ત્યારે બન્યા જ કરતું હોય છે. પેલી લીનતા એ બધું સ્વયં અંકે કરી લેતા હોય છે. આ 'ક્ષણ' જ દરિયો જોયો કે દરિયો માણ્યાની ક્ષણ છે. બીજી ક્ષણો અન્ય કારણોસર આપણે ઊભી કરતા હોઈએ છીએ. દરિયો ત્યારે હોય છે ખરો પણ થર્ડ પાર્ટી જેવો !

અરે, અત્યારે શ્વાસ ભરી રહ્યા છીએ એ ફાગણની જ વાત કરોને ફાગણ વિશે તો ઘણું કહેવાય, કહેવાતું પણ રહ્યું છે અને કહેવાશે પણ. છતાં એ બધામાં મને મારી લાગે એવી કોઈ એ ફાગણની ક્ષણ ખરી ? મારે જો એક જ ક્ષણમાં એ ફાગણને કેદ કરી લેવો હોય, એક જ ક્ષણમાં તેના વિશસ્ત રૂપને પામવું હોય તો મારે બન દેવીની સંનિક્ટ તેનાં ચરણોમાં બેસીને પારાવાર ખીલી રહેલા, આમ તેમ ગુંજન કરી રહેલા, સજ-ધજ-થઈને રૂઆબભેર મળ્યું દિલચોરી ઉતાં હોય તો જેવા પુષ્પોને તો એ પળે નીરખવાનાં છે, એની અશ્વર્યચકિત કરી રહેતી દેહયષ્ટિ સાથે એકરૂપતા સાધવાની છે જ, પેલા વ્યાપક રૂપ સુધી પહોંચવા, કહો કે 'ફાગણ' સુધી પહોંચવા અડખેપડખેનાં સુકકાં પાંદડાંની નિરપેક્ષ રમતમાં પણ તત્ક્ષણે જ જોડાતા જવાનં, છે, મારી પંચેન્દ્રિયોને એ 'ક્ષણ' સાથે જોડવાની છે એકરસ કરી મૂકવાની છે તો જ રૂપ, રંગ સાથે ગંધને પણ અને તેના સંગીતને પણ હું મારું કરી શકું. અને સ્પર્શ ? એનો સ્પર્શ તો એવી 'ક્ષણ'નું આખું શિલ્પ રમી રહે છે. સ્વતંત્ર ક્ષણ, અલોપ ક્ષણ, અદ્દભુત ક્ષણ, અ-મર ક્ષણ ! પણ એ 'ક્ષણ'ની ત્યાં વાત પૂરી થઈ જતી નથી. 'ફાગણ'ને પૂરા માપે તો પ્રેમ કરવા પેલી ક્ષણમાં બીજું પણ અનાપાસ ઉમેરાતું જતું હોય છે. સંનધ્ક ચેતના ત્યારે એનો માર્ગ જળની જેમ સહજ રીતે જ શોધી લે છે. વનદેવી પણ તમારું તાદાત્મ જોઈ પોતાને હાથે સંભવ છે કે પુષ્પમાળા પણ ગૂંથી રહે, સંભવ છે કે તમારા માટે બંસીમાંથી કોઈ ગાન પણ રેલાવી રહે, અનાપાસે કેટલાંક તરુઓ એ ગાન સુણતાં સુણતાં તમને વધુ મદિલ બજાવી રહે. દક્ષિણમાંથી દડી રહેતો પવન તમારા કાન પાસે કંઈક એવું કહી જાય કે તમે ઘેલાંની જમાતમાં અજાણતાં જ ભળી જાવ, એવા ફાગણની રોમાંચકારી પરોઢ કે રાશિનું આકાશ જોવાનું બને તો ? તો ફાગણ સર્વાંગે પેલી 'ક્ષણ'માં ફોરી રહે, મહેકે જ નહીં, ગ્હેકે પણ 'ક્ષણ' એક અને સામે ફાગણ આખેઆખો !

આવી 'ક્ષણ' સામે કશો હેતુ કે કારણ જોડીને આપણે એવી બાદશાહી ક્ષણને તરડી-મરડી નાંખીએ છીએ. બુધ્ધિમાનો ગુણાકાર-ભાગાકાર કરી તેનો ફટ્ કરતાંક જવાબ શોધી તમારી સામે ધરી દેશે. પણ ભલા, બધે જ ક્યાં કારણોની દુનિયા વસ્તી હોય છે ? આત્માને પણ ધંધાદારી બનાવી દઈશું ? પંચેન્દ્રિઓને પણ કારણોમાં જકડી લઈશું ? મુક્ત થવા ઈરખી રહેલા મનને પણ સોનેરી પિંજરમાં બંધ કરી આપણી બુધ્ધિપ્રેરે તે રીતે તેની માવજત કરીશું ?

આપણી સામે તો છાબ ભરીને રોજ પારિજાતનાં પુષ્પો જેવી ક્ષણો લઈને સવાર આવી રહે છે. પણ આપણે 'ક્ષણ' નહીં, 'ક્ષણો' શોધીએ છીએ, ક્ષણોને અસંબધ્ધ રીતે જોડવા

 મથામણ કરીએ છીએ રાત પડતાં સુધીમાં તો પેલી છાબમાંના ક્ષણ પુષ્પો વિલાઈ જાય છે. બાકી, અમાસના અંધકારને ખુલ્લી અને બંધ આંખે જોવાની ક્ષણ કદી ઝડપી છે ? પૂર્ણિમાનો ચંદ્ર તો જોનારા ઘણા છે, પણ વખતે દિવસે એ ચંદ્રની વિહસતી નિર્ભાર મુદ્રા સાથે એકરૂપ થવાનું બન્યું છે ? દિશાવસ્ત્ર વાળું કોઈ બાળક તમારી સામે ટગર ટગર જોતાં જોતાં એકદમ હસી પડે, બે હાથ આગળ કરી રહે, પગને ઉત્સાહથી હલાવી રહે-એવી ક્ષણનો અનુભવ કર્યો છે ? અને કોઈની સમક્ષ તમે નર્યું મૌન ધારીને ઘડીભર તેની આંખમાં આંખ પરોવીને નવા જન્મી રહેલા તાજા શબ્દોનો અર્થ અવગત કરવાની ક્ષણનું સ્વાગત કર્યું છે ?

'ક્ષણ'નું વિશ્વ વિરાટ મહોત્સવ છે ! 


Google NewsGoogle News