પુનઃ સ્થાપન એટલે... .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- આપણે, ઈતિહાસકાર નોહ હરારી કહે છે તેમ, નકામા બની ગયેલા માણસોની એક વિરાટ વસ્તીને જન્માવી રહ્યા છીએ ! જેમની પાસે કદાચ થોડુંએક સત્ય બચ્યું હોય તો પેટ ભરવા પૂરતું.
ક્યા રેક ક્યારેક એકાદ શબ્દ જ આપણી યાત્રા બની જતો હોય છે. દિવસો સુધી તે આપણી સાથે જ ચાલે, આપણી સાથે જ જીવે, શ્વાસ ભરે, આપણને નવાં નવાં ઉડ્ડયન કરાવે. એવો એકાદ શબ્દ અંદર-બહારથી ઢંઢોળ્યા કરે. આપણે ન કલ્પ્યાં હોય તેવાં દ્રશ્યો, ન કલ્પ્યાં હોય તેવાં ચિત્રો કે ન કલ્પી હોય તેવી વ્યક્તિઓને નજર સામે લાવીને મૂકી દે છે. હું કે તમે પણ કદાચ એવા ખજાનાને લૂંટવામાં પછી એવા ડૂબોડૂબ થઈ જઈશું કે આજુબાજુનું વિશ્વ પણ ભૂલાઈ જશે કે ભૂલાઈ જતું લાગે...
હું જે શબ્દને અત્યારે મમળાવી રહ્યો છું, માણી રહ્યો છું અને તેના થકી વિસ્તરી રહ્યો છું એ શબ્દ છે ઃ 'રિસ્ટોર'. 'રિસ્ટોર' પરથી 'રિસ્ટોરેશન' એને જ આગળ વધારીને કહું તો 'રિસ્ટોરર' આ અંગ્રેજી શબ્દ ઇીર્જાિી, ઇીર્જાર્ચિૌહ, ઇીર્જાચિૌપી કે એવું ઘણું - તમે પૂછશો કે કેમ સ્મરણમાં આવ્યો, કયા કારણે તમારી યાત્રા બન્યો, શાને કારણે તમારી સાથે તે શ્વાસ ભરી રહ્યો છે ? તમારા એવા પ્રશ્નનો મારો સાદો ઉત્તર છે - બસ, કારણ શાનું ? જે ભીતરથી ગમી જાય તેને કારણ હોય ? આ શબ્દનો અર્થ જ મારા નકશાની રેખાઓને ઘાટી કરી આપે છે - 'રિસ્ટોર' એટલે પાછું આપવું, ફરી પૂર્વે હોય તેવું કરી આપવું. 'રિસ્ટોરેશન' એટલે પુનઃ સ્થાપન એનું પુનઃસ્થાપન કરી આપનાર તે 'રિસ્ટોરર'.
મારી સંવેદના પણ કંઈક અત્યારે ઘણા બધાંની પુનઃસ્થાપના સાથે જોડાતી જાય છે. વર્તમાન મારી ચાહનાનો વિષય નથી એવું હું નથી કહેતો પણ એવું ઘણું સુંદર, સુંદરતર કે સુંદરતમ છે જે સરી ગયું છે, એવી અનેક વ્યક્તિઓ છે કે જેનું વિસ્મરણ થઈ રહ્યું છે કે કદાચ થઈ જશે. એવા અનેક દ્રશ્યો છે કે જે લુપ્ત થઈ રહ્યાં છે. એવા અનેક શબ્દો કે શબ્દાવલિઓ છે જે હવે ગઈકાલનાં બની ગયાં છે, જે હવે ભાગ્યે જ સપાટી પર તરી આવી તે તેનાં કામણનો પુનઃ પરિચય કરાવી રહેશે. ઘણુંક નંદવાતું જાય છે, ઘણુંક તૂટતું જાય છે, ઘણુંક જર્જરિત થતું જાય છે, ઘણુંક ઉપેક્ષિત બનતું જાય છે, ઘણુંક ભસ્મીભૂત થઈ ગયું છે, ઘણુંક ભગ્નાવેશી બની ગયું કે, ઘણુંક એનો અર્થ બદલી ચૂક્યું છે... અરે, આ બધું તો મારો તમારો ઈતિહાસવૈભવ હતો, અરે, એ તો અતીતનું ગુંજન હતું, અરે, એ તો પૂર્વજોએ દીધી ભેટ હતી. અરે, એ તો આપણા સૌની મનોરમ કથાઓ હતી, અરે, એ તો આપણા જ પૂર્વજોની વણલખાયેલી આત્મકથાઓના રોચક અંશો હતા, અરે, તે જ તો આપણા પ્રેમની, આપણા ત્યાગ કે આપણી કરૂણાની શબ્દાવલિઓ હતી. એ સૌએ સમયને પોતાનામાં કેવો મુશ્કેટાટ બાંધી રાખ્યો હતો ? સમયની એ સુરાવલિઓ તો સદા શમી ગઈ છે હવે, સમયે દીધેલાં એ ચિત્રો, દ્રશ્યો, ઘટનાઓ બધું ઝાંખું થઈ ગયું છે, કેટલુંક એમ જ ભૂલાઈ ગયું છે !
અરે, આપણે જ આપણને ગૂમાવી દીધા છે ! આપણે જ આપણને ભૂલી જઈએ એવું અહીં ઘણા જણ ઈચ્છી રહ્યા છે. બસ, આપણે 'વર્તમાન'ને વળગી રહીએ, જળોની જેમ, ગતિ પણ ન કરીએ એવું પણ એક વર્ગ ઈચ્છી રહ્યો છે. કદાચ એટલે જ અત્યારે, આ ક્ષણે હું આ 'રિસ્ટોર' શબ્દને બીજે છેડેથી ચાહી રહ્યો છું, તો એ શબ્દ પણ મારી સંગ રડી મને એવાં જ કોઈ કારણોસર ઉત્તેજિત કરી રહ્યો છે...
આ પુનઃ સ્થાપન માટે આપણે આપણી જાતને ભૂતકાળ સાથે જોડવી પડશે, ફરી એકવાર ત્યાં સુધી પહોંચીને ઝાંખી થઈ ગયેલી એ સૃષ્ટિને સાફસૂફ કરવી પડશે, વિલુપ્તિના આરે પહોંચેલી રેખાઓ કે અક્ષરોને ઉકેલવા માટે મથામણ કરવી પડશે. અનેક ખંડેરો વચ્ચે હરફર કરવી પડશે, અનેક અવશેષો વચ્ચે ઘૂમી, રખડી, રઝળીને તેમની મૂક ભાષાને પામવી પડશે. લુપ્ત થયેલા મહેલો, લુપ્ત થયેલી નદીઓ, લુપ્ત થયેલા ચિત્રો, લુપ્ત થયેલા કાવ્યો, લુપ્ત થયેલા શબ્દો - વાણી, સ્થળો, નગરો, શિલ્પો, વિશ્વવિદ્યાલયો કે ત્યાં સદાને માટે થીજી ગયેલી સંવેદનાએ સૌને પુનઃ સંચારિત કરવા પડશે. અરે, આખાં નગરો અને નગરો સમુદ્ર તળે છુપાયેલાં છે, અરે, પથ્થરોની વચ્ચે, અનેક મનુષ્યો, અનેક જાતિઓના શ્વાસ હજી ઘુમરાયા કરે છે, અરે અનેકાનેક શિલાલેખોની લિપિ હજી વણઉકલી રડીને અનેક સત્યો પ્રકટ કરવા ઝંખી રહી છે. અપલુપ્તા સરસ્વતીનાં સ્તોત્ર-ગાન હજી ડૂસકાઈ રહ્યાં છે, અનેક કિલ્લાઓ, સુમસામ, અવાવરુ, એમ જ રહસ્યો જાળવીને તેનાં ખંડિત રૂપો સાથે ઊભા છે. અજંતા-ઈલોરાનાં ચિત્રો માત્ર ચિત્રો નથી, ઉદયગિરિનો પહાડ માત્ર પહાડ નથી, લિયોનાર્દોવીંચી કે માઈકલ એન્જેલો કેવળ મનુષ્યો નહોતા, રામકૃષ્ણ કે એવું ઘણું એની બીજી બાજને પણ સંગોપીને બેઠું છે. આપણે હજી પાણિનિને પણ પૂરો ક્યાં પામ્યા છીએ ? કાલિદાસ-ભાસ-ભવભૂતિ પણ હજી અનેક અપ્રત્યક્ષ એવા રસાંશોને સાચવીને અકબંધ બેઠા છે. વેદ-ઉપનિષદોની કે આપણા ઋષિઓની વાણી હજી એના ગર્ભમાં, આપણે જે જાણીએ છીએ તેનાથી અનેકગણું વધુ છૂપાવીને બેઠી છે. અરણ્યોની કથા તો એનાથી ય નિરાળી છે. ત્યાં કોની કોની પગલીઓ પડી, કયાં કયાં વૃક્ષોએ કેવો કેવો લીલાવેશ ધાર્યો, કેવી કેવી કથાઓ એ મધ્યે થઈ - એ બધું પણ અચંબિત કરે તેવું છે. આપણી ચારેતરફ મનુષ્ય, મનુષ્યનું કૌશલ, મનુષ્યની કળા, મનુષ્યનું સંવેદન - એક ભર્યો ભર્યો ઈતિહાસ રચીને બેઠાં છે. આપણે આ ઈતિહાસ રચી શકીએ તેવી શક્તિ કદાચ ગૂમાવી દીધી છે, ઈતિહાસને નામે આપણે એક કૃતક ઈતિહાસ લખવા-લખાવવાની નિરર્થક હોડ બકી રહ્યા છીએ. આપણે, ઈતિહાસકાર નોહ હરારી કહે છે તેમ, નકામા બની ગયેલા માણસોની એક વિરાટ વસ્તીને જન્માવી રહ્યા છીએ ! જેમની પાસે કદાચ થોડુંએક સત્ય બચ્યું હોય તો પેટ ભરવા પૂરતું.
બાકી ભવિષ્ય અને ભૂતકાળ બંને સાથે તેનો સંબંધ તૂટતો જાય છે.
'રિરસ્ટોરેશન' - શબ્દ તેથી જ અત્યારે, આગળ નોંધ્યું છે તેમ, મને અનેકશઃ યાત્રા કરાવતો રહ્યો છે. ભૂંસાતી છાપોનું તે આપણને સૌને પુનઃસ્થાપન કરવાનું કહી રહ્યો છે. તે આપણા સમૃદ્ધ પૂર્વજોને પુનઃ આપણ સાથે જોડવા માટે તકાજો કરે છે. આપણી એક સમયે સુખ્યાત અને આજે લગભગ લુપ્ત એવી સંસ્કૃતિને પુનઃ ઉપસાવી આપવા નિમંત્રે છે. આપણા કળાવારસાની જે બહુમૂલ્ય જણસ છે તે પાછી તરો-તાજ તેની છાપો પ્રકટ કરી રહે તેવું ઈચ્છી રહ્યો છે. અરે, એક અર્થમાં તો તે સૌના પુનઃ સ્થાપન સાથે આપણું જ પુનઃ સ્થાપન ઈચ્છી રહ્યો છે...!