પ્રાચીન ભારત અને શિક્ષણ .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- ગુરુ-શિષ્ય વર્ષો સુધી આત્મીય સંબંધથી બંધાયેલા રહ્યા હોઇ ત્યાં ઔપચારિકતા નહીં, અંતરની આશિષો, આશીર્વાદ મળતાં.
પ્રા ચીન ભારતીય શિક્ષણ પધ્ધતિ વિશે મારી વાતનો આરંભ કરું તે પૂર્વે હું સ્વામી વિવેકાનંદના એક મહત્વના કથનનું વિસેષ રૂપે સ્મરણ કરી તમારી સામે મૂકું છું. તેમણે કહેલું - 'પ્રાચીન કે અર્વાચીન કોઇપણ સમાજને ચરણે સત્ય બેસતું નથી, પણ સમાજે જ સત્યના ચરણે બેસવાનું છે. એમ ન થાય તો તેને નષ્ટ થવાનું રહે છે. સમાજ સત્યને ધ્યાનમાં રાખીને પોતાનું ઘડતર કર, સત્યે કંઇ સમાજને અનુકૂળ ન થવાનું હોય. જે સમાજમાં સર્વોત્કૃષ્ટ સત્ય આચારની ભૂમિકામાં ઊતરે એ સમાજ જ સર્વથી મહાન છે. જો સમાજ સર્વોત્કૃષ્ટ સત્ય ઝીલવાને માટે યોગ્ય ન હોય તો તેને યોગ્ય બનાવો. ' ભારતીય શિક્ષણ પધ્ધતિનાં મૂળિયાં આ પ્રકારના 'સત્ય'માં રહેલા છે. ત્યાં એ સમયે પણ દેશ-કાળનો પ્રશ્ન તો રહ્યો હશે જ, તેને અનુકૂળ શિક્ષણ પ્રથાનો બુનિયાદી વિચાર થયો હશે જ. પણ એવી બુનિયાદમાં 'સત્ય' જ સર્વેસર્વા રહ્યું હતું. શેષ તેને અનુષંગે આવ્યું છે.
આ વાતને સમજીએ તો જ પ્રાચીન ભારતીય શિક્ષણ પધ્ધતિનું સાચું હાર્દ પામી શકાય. ઋષિઓનો ત્યારે સદા આગ્રહ રહ્યો હતો. કે રોજ-બરોજના વ્યવહારમાં, સર્વપ્રકારની પ્રવૃત્તિઓમાં સત્યનું પાલન થવું જોઇે, એ વિશુદ્ધિ જ વ્યક્તિ-સમાજ માટે માનદંડ બનવી જોઇએ. ત્યારે ઋષિઓના મનમાં સર્વાંગીણ જીવન પદ્ધતિમાં સત્યનું વ્યાપન હોવું જોઇએ એ ખ્લાય મૂલતઃ રહ્યો હતો. તેથી ત્યાં પહેલો માનવ અને પછી બીજું બધું - એવું વણલખ્યું સૂત્ર રહ્યું હતું. ત્યારનાં આશ્રમો, ગુરુકુળો, આચાર્યો, કુલપતિઓ સાચા અર્થમાં માનવને ઘડનારાં શિલ્પીઓ હતા. ત્યાં વનશ્રી વચ્ચે જનશ્રીના નિર્માણ માટે ભરપૂર પ્રયાસો થતા હતા. એક શિક્ષક થવા માટે જ દાયકો નીકળી જતો, ક્યારેક અંતિમ કસોટીમાં પાર ન ઊતરે તો બીજાં થોડાક વધુ વર્ષ ગાળવા પડતાં ! વિદ્યાર્થી માત્રને ત્યાં વિદ્યાસાધક બનવું પડતું, જીવન સાધક પુરવાર થવું પડતું હતું. ઋષિઓ એવા વિદ્યા-અર્થીઓની અહર્નિશ ચિંતા કરતા, પોતાનું સત્ય-પ્રાણ તેમાં રેડી દેતા. પૂરી યોગ્યતા પ્રાપ્ત કરી વિદ્યાર્થી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ માટે પોતાને ઘેર પછી આવતો. ઋષિ-ઋષિ પત્ની બંને ત્યાં સુધી પેલા વિદ્યાર્થીનાં માતા-પિતા બની રહેતાં. કહો કે ઋષિ આશ્રમ પોતે જ એક સંસ્કારતીર્થ બની રહેતું. ધનોપાર્જનનો, લેવા-દેવાનો કશો ઉપક્રમ ત્યાં નહોતો, હોય તો ગૌણ રૂપે, મુખ્ય વાત તો માનવીનું એ વર્ષો દરમ્યાન આત્મપક્ષ ખીલી રહે એ હતી. વિદ્યાર્થી સાચો માનવ બને, સત્યાચરણવાળો તે થઇ રહે. વાત કહો કે જીવનના વિવિધ ક્રિયાકલાપોમાં સત્યની જ રહેતી, અનૃતની ક્યાંય નહીં. 'વિદ્યા મુક્તિ અપાવે છે' એવા પ્રચલિત સૂત્ર પાછળ સકલ વિદ્યાનું સાચું રૂપ કેવું હોઇ શકે - કઇ કઇ રીતે તે જીવનનાં વિવિધ વાનાને સ્પર્શી રહે - એ વાત રહેલી છે. આ મુક્તિ છે સંશયોમાંથી, આ મુક્તિ છે અજ્ઞાાનમાંથી, આ મુક્તિ છે ભયમાંથી, આ મુક્તિ છે અસત્યમાંથી, આ મુક્તિ છે સ્વાર્થમાંથી. વિદ્યા આવાં નકારાત્મક બળો વિશે વિદ્યાર્થીને જાગ્રત કરે, સકારાત્મક બળો પ્રતિ વાળે એ એનો ઉદ્દેશ રહેતો. આ બધું શિક્ષા પામનાર નીસ્ક્ષીર ભેદ પામી લે તો જ સુખ-શાંતિ-સમૃદ્ધિ, સંતોષ, આનંદ વ.નો તે ગૃહસ્થાશ્રમમાં અનુભવ કરી રહે. અહીં જ્ઞાાન-સાધનામાં પ્રકૃતિ-સચરાચર-આવી જતાં કહો કે કોસમોસ. કર્મ-ધર્મ તેની કુશળતા-કૌશલ કે તેના મર્મો બધું એ વિદ્યામાં સમાવેશ પામે. સ્વાધ્યાયમાં સ્વ-અધ્યાયની સાથે સર્વ અધ્યાય પણ ખરો, માનવ માનવ વચ્ચે કશી ભેદક દીવાલો કે તસમભાવ પણ લગભગ નહીં. કૃષ્ણ-સુદામાનું સહઅસ્તિત્વ સંભવી શકતું. અર્જુન-દુર્યોધન-અશ્વસ્થામા એક સાથે વિદ્યા લઇ શકતા. ગુરુ ત્યારે સૌને સમાન ભાવે વિદ્યાદાન કરતા. કોણ કેટલું, કેવું ગ્રહણ કરે છે તે શિષ્ય પર આધારિત રહેતું. ગુરુ ક્યારેક મીઠી ટકોર કરી રહે, ઋષિ સહજ ચર્ચામાં દ્રષ્ટાંતો તે યથોચિત સમયે આપે પણ ખરા છતાં ઋષિઓ ઉપદેશ આપવાનું લગભગ ટાળતા. ત્યાં ઋષિની અર્થાત્ ગુરુની દિનચર્યા જ એવી હોય, પોતાનું આચરણ જ એટલું પ્રેરક હોય, તેમનાં શબ્દોનો પ્રભાવ જ એવો હોય કે શિષ્ય આપોઆપ તેમાંથી ઘણું પ્રાપ્ત કરી લે, શીખી લે.
વિદ્યાકાળ પૂરો થતાં ત્યારે પણ ઋષિ શિષ્યની પરીક્ષા તો લેતા જ. પણ આજની પરીક્ષા જેવી એ પરીક્ષાઓ નહોતી. ગુરુ એ જુએ કે ગૃહસ્થાશ્રમમાં તેનો શિષ્ય કેવો પાર ઊતરશે, પોતાએ આપેલી વિદ્યાને તે કેવી રીતે અજવાળી રહેશે, પરિવાર અને સમાજને તે કેટલો ઉપયોગી બની રહેશે. આપેલી વિદ્યામાં પ્રાપ્ત કરેલી નિપુણતા તે સાચા-સારા માર્ગે પ્રકટ કરશે કે કેમ - તેની કર્મશીલતા દીપી રહેશે ખરી, વિવિધ વિષયોમાં પ્રાપ્ત કરેલું કૌશલ અર્થોપાર્જન માટે પર્યાપ્ત બનશે ખરું, ધર્મનિષ્ઠ, સત્યનિષ્ઠ, પ્રેમનિષ્ઠ, માનવનિષ્ઠ બની રહેશે ખરો - આ કે આવી બીજી અનેક બાબતોનો ત્યાં મૂળભૂત રૂપે ખ્યાલ રખાતો. એવી કસોટીમાં કશે ઉણપ જણાય તો ગુરુ માર્ગદર્શન પણ આપતા, એવી કૌશલ પ્રાપ્તિ માટે તે વધુ વર્ષો માટે શિષ્યને આશ્રમમાં રોકી પણ લેતાં.
તેમનો દીક્ષાંત સમારોહ પણ જુદા પ્રકારનો રહેતો. ગુરુ-શિષ્ય વર્ષો સુધી આત્મીય સંબંધથી બંધાયેલા રહ્યા હોઇ ત્યાં ઔપચારિકતા નહીં, અંતરની આશિષો, આશીર્વાદ મળતાં. ઋષિ પત્ની પણ ઋષિની સાથે લાગણીભર્યા હૃદયે શિષ્યોને વિદાય આપતા. ગુરુ ત્યારે શિષ્યને સંબોધીને કહેતા - માતા-પિતાની સેવા કરજો, ગુરુ પણ તમારી સેવાનું પાત્ર બનવા જોઇએ. એ સર્વેને દેવ ગણીને તેમની સાથે વર્તાવ કરજો. બારણે આવેલા અતિથિને પણ પ્રેમથી આવકારજો, તમે જે કંઇ વિદ્યા પ્રાપ્ત કરી છે તેનું વિસ્મરણ ન થાય તે જોશો. તમારો સ્વાધ્યાય ગૃહસ્થાશ્રમમાં પણ ચાલુ રાખશો. સ્વાધ્યાયમાં પ્રમાદ ન સેવતા. ઉત્તમ પુરુષોનાં ચરિત્રોને અનુસરજો, તેમના આચરણમાંથી ગ્રહણ કરવા યોગ્ય તે ગ્રહણ કરજો, ગુરુના દોષોને ભૂલીને ગુરુના ગુણોને, તેમના જ્ઞાાન માર્ગને સ્મરણમાં રાખશો. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશી ચૂકેલા શિષ્યો ક્યારેક ગુરુ-ગુરુ પત્નીને મળવા આશ્રમમાં પણ આવતા. સારા-માઠા પ્રસંગોએ તે ગુરુ પાસેથી ઉત્સાહભર્યા શબ્દોથી કે આશ્વાસનભર્યા શબ્દોથી જીવન બળ પણ પ્રાપ્ત કરતા. એક નવી ઊર્જા લઇ, નવી સ્ફૂર્તિ-શક્તિ સાથે એવા શિષ્ય ઘેર પાછા આવી જીવનની સંકુલ લીલાઓમાં પરોવાતા, વધુ ક્ષમતાથી કામ કરતા. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રથા એ રીતે વ્યક્તિના સમગ્ર ચેતનતંત્રને, તેની સમગ્ર જીવન શક્તિને સંકોરી આપનારી, તેના સુપ્ત ગુણોને જાગ્રત કરી આપનારી હતી. ત્યાં વ્યક્તિ ચેતના અને જગત ચેતના વચ્ચેનું પ્રબળ અનુસંધાન રહેતું.
લૌકિક-ભૌતિકથી માંડી પારલૌકિક સુધીનો એવા શિક્ષણનો વ્યાપ હતો. દીવાલો વિનાની એવી મહા વિદ્યાલયોએ હંમેશાં માનવને, તેની આત્મકેળવણીને પ્રાધાન્ય આપ્યું છે. પહેલા માનવ, સૌથી ઉપર માનવ-એ વાત જ તંદુરસ્ત સમાજનું, આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે. તક્ષશિલા અને નાલંદા જેવી વિદ્યાપીઠો એવા આદર્શો લઇને જ વૈદિક પરંપરાને આગળ ઉપર દ્રઢાવે છે ને પોતાની રીતનો નવો વિસ્તાર પણ કરે છે - પેલા 'સત્ય' ને જાળવીને....