કથળેલું શિક્ષણ સ્તર : શું કરવું? રીએક્ટ, રીસ્પોન્ડ કે ફાયર ફાઇટિંગ?
- શબ્દસંહિતા - પરેશ વ્યાસ
- રીસ્પોન્ડમાં ઓવરરીએક્શન નથી હોતું. રીએક્ટ ડર આધારિત હોય છે. બેજવાબદાર હોય છે.
ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,
ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,
યુધ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ,
હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.
ભણતર સાથે આપણે સાત જનમનાં વેર !
- નિર્મિશ ઠાકર
આઈ.એ. એસ અધિકારી ડો. ધવલ પટેલનાં શાળા પ્રવેશોત્સવનાં અનુભવની વ્યથા ઠાલવતો પત્ર છાપે ચઢયો છે. (ના, છાપરે નથી ચઢયો!) તેઓએ છોટાઉદેપુરનાં આદિવાસી વિસ્તારની ૬ શાળાઓની મુલાકાત લીધી. એ પૈકી તમામમાં વર્ગખંડો અને અન્ય ભૌતિક સુવિધાઓ સંતોષજનક હતી. શિક્ષકો સંખ્યામાં પૂરતા હતા. પણ એક શાળાને બાદ કરતાં બાકી પાંચનું શિક્ષણનું સ્તર 'ચિંતાજનક' હતું. ગુજરાતી ભાષામાં લખાયેલાં આ પત્રમાં 'સડેલું શિક્ષણ', 'દયનીય અવસ્થા', 'છળ', 'નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા' જેવાં શબ્દો લખાયા છે. ઇંગ્લિશ મીડિયાકર્મીઓએ પોતાની હેડલાઇન્સમાં 'સડેલાં' શબ્દને 'ગુજરાત મોડેલ' શબ્દો જોડી 'રોટન' (Rotten) ગુજરાત મોડેલ તો 'દયનીય સ્થિતિ' માટે 'પિટીફુલ' (Pitiful) અને 'ચિંતાજનક શિક્ષણ સ્તર' માટે 'ડિઝ્મલ' (Dismal) શબ્દો લખ્યા છે. 'નૈતિક અધઃપતન' માટે થોડાં અઘરાં 'મોરલ ડીકેન્ડસ' (Moral Decadence) શબ્દો લખાયા છે. ના, 'છાતીનાં પાટિયા બેસી ગયા' એવા શબ્દ સમૂહનું ઇંગ્લિશ કોઈને આવડયું નહીં હોય એટલે કોઈએ લખ્યું નથી! આ સમાચાર પછી ગુજરાતી અખબારી આલમે 'સરકાર સફાળી જાગી' એવા શબ્દો લખ્યાં. છોટાઉદેપુરની શાળામાં ખામીઓ નિવારવા માટે સરકારે ત્રણ દિવસમાં ચાર નિર્દેશ આપ્યાની વાત 'ઇંડિયન એક્સ્પ્રેસ'એ લખી. અમે માનીએ છીએ કે બધે સઘળું સારું ન જ હોય. ખામીઓ તો દરેક સીસ્ટમમાં હોવાની જ. પણ મુશ્કેલી એ છે કે એ વિષે કોઈ બોલતું નથી. અને દરેક સમાચાર ટૂંકી એક્સપાયરી ડેટ લઈને આવે છે. આપણે ભૂલકણાં છીએ. ઝટ ભૂલી જઈએ છીએ. પણ એ જવા દો. અમે તો આવા સમાચાર કે જેને કોઇકે 'લેટર બોમ્બ' પણ કહ્યો, એ પછી શિક્ષણ વિભાગે શું કરવું?-એ માટેનાં શબ્દો શોધી રહ્યા હતા. અમને ત્રણ શબ્દો મળી આવ્યા. રીએક્ટ (React), રીસ્પોન્ડ (Respond) અને ફાયર ફાઇટિંગ (Fire Fighting). શબ્દસંહિતામાં શબ્દની વાત હોવી લાઝમી છે.
ગુજરાતી લેક્સિકન અનુસાર 'રીએક્ટ' એટલે ક્રિયા કરી રહેલી વ્યક્તિ કે વસ્તુ ઉપર તે ક્રિયાની વળતી અસર થવી, સામી અસર ઉપજાવવી, પ્રત્યાઘાત, પ્રતિક્રિયા. આપણે અક્સર એક્ટ કરતાં નથી, રીએક્ટ કરીએ છીએ. 'રીસ્પોન્ડ' રીએક્ટનો સમાનાર્થી શબ્દ છે. રીસ્પોન્ડ એટલે જવાબ આપવો, પ્રત્યુત્તર આપવો, -ના જવાબમાં કાંઈ કરવું, પ્રતિક્રિયા કરવી. બંને શબ્દોમાં જો કે તાત્વિક તફાવત છે. રીએક્ટ એક્ટનાં જવાબમાં થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે થાય. મનુષ્ય જાતિ રીએક્ટ કરીને ટકી છે. પૌરાણિક જમાનામાં કોઈ જંગલી જાનવર હૂમલો કરે તો વિચારવાનો સમય જ ન હોય. તરત સામો વાર ન કરીએ અથવા ભાગી ન જઈએ તો જાનવર આપણને ફાડી ખાય. પણ હવે આધુનિક યુગમાં આપણી મનોસ્થિતિ સંભાળવાની જરૂર આપણને રોજ પડે છે. સ્વાભિમાન પર હૂમલો થઈ શકે, મેળવવા ધાર્યું હોય એમાં અડચણ આવે, હારનો ડર મન પર હાવી હોય. આ સ્થિતિમાં મન-દુરસ્તી તાત્કાલિક ન કરીએ. રીએક્ટ ન કરીએ, પણ રીસ્પોન્ડ તો કરીએ. દાખલા તરીકે પ્રમોશન મને જ મળવાનું હતું પણ અન્યને મળ્યું. હું જો રીએક્ટ કરું તો અત્યંત નિરાશ થઈ જાઉં, ગુસ્સો કરું, બોસની ચેમ્બરમાં ઘૂસી જઈને તડાફડી બોલાવું. પણ શું એનાથી મને પ્રમોશન મળી જશે? ના. એની જગ્યાએ હું વિચારું, મારામાં રહેલી ક્ષતિને નિવારું, અને માની લો કે બોસ સાથે તડાફડી બોલાવવાનું મને યોગ્ય લાગે તો એમ કરવામાં જોખમ શું છે? અને ફાયદો શું થઈ શકે?-એનું વિશ્લેષણ કરી લઉં. પછી નિર્ણય લઉં. ટૂંકું નહીં, લાંબુ વિચારીને જે પ્રતિક્રિયા આપું એ રીસ્પોન્ડ. આમ તો ખરેખર એક્ટ જ કરવું જોઈએ. પણ એ થયું નહીં તો રીએક્ટ તો ન જ કરું. હા, રીસ્પોન્ડ જરૂર કરું. કારણ કે જે કરું એ વિચારીને કરું. એમ કરવાનાં કારણો સમજીને કરું. એક લગ્ન સ્વરૂચિ ભોજન સમારંભ દરમ્યાન સન્નારીઓનાં એક ઝૂંડમાં સૌથી સુંદર નારીનાં ખભે એક વંદો ઊડીને બેઠો અને તડાફડી થઈ ગઈ. થાળીઓ ઊછળી, વિવિધ વ્યંજનો ઘણાં વસ્ત્રો પર વેરાયા. એક જુવાન એ જોતો હતો ત્યાં તો વંદો ઊડીને એનાં હાથ પર બેઠો. એણે એને બેસવા દીધો. વંદો થોડો ઠરીઠામ થયો કે શાંતિથી બીજા હાથે ફટકો મારીને એને પતાવી દીધો. પેલી સુંદર નારી રીએક્ટ કરી રહી હતી, જુવાને રીસ્પોન્ડ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો! રીસ્પોન્ડમાં ઓવરરીએક્શન નથી હોતું. રીએક્ટ ડર આધારિત હોય છે. બેજવાબદાર હોય છે. બલિનો બકરો બનાવી દીધો એવો ભાવ હોય છે. લડું કે ભાગું-ની અસમંજસ હોય છે. રીસ્પોન્ડમાં જવાબદારી નિભાવની વાત છે. સહકાર અને સંચાર હોય છે. અને જે થાય એ પ્રેમપૂર્વક થાય છે.
આજનો ત્રીજો શબ્દ છે ફાયર ફાઇટિંગ. આગ લાગે, ફાયર બ્રિગેડને ફોન થાય એટલે લાહ્યબંબાઓ સાયરન સાથે ધસી આવે, આગ બુઝાવે અને બંબાખાને પરત જાય અને રાહ જુએ બીજી આગ ક્યારે લાગે?
ઓક્સફોર્ડ ડિક્સનરી અનુસાર 'ફાયર ફાઇટિંગ' એટલે પ્રોબ્લેમ આવે ત્યારે જ એની સાથે નીપટવાનું કામ કરવાનું. પ્રોબ્લેમ થાય જ નહીં, એનું આયોજન કે એની વ્યૂહરચના કરવાની અહીં જરૂર નથી. પીટીડી રાખવું. પડશે તેવી દેવાશે! ડો. ધવલ પટેલે શિક્ષણનાં સડાં સામે આંગળી ચીંધી એટલે ધડાધડ ત્રણ દિવસમાં ચાર નિદેશો જારી થઈ ગયા એ ફાયર ફાઇટિંગ. એ ય જરૂરી છે. પણ શાંતિથી આયોજનબદ્ધ રીસ્પોન્ડ થાય તો સારું. એક્ટ એટલે કર્મ કરવું. એની પર જ તો આપણો અધિકાર છે. હેં ને? કર્મ થશે.. જરૂર થશે. ધવલ ક્રાંતિ થશે. હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ એક દિન ..
શબ્દ શેષઃ
'રીસ્પોન્ડ કરવું એ પોઝિટિવ છે; રીએક્ટ કરવું એ નેગેટિવ છે.' -અમેરિકન લેખક ઝિગ ઝેગલર (૧૯૨૬-૨૦૧૨)