Get The App

વર્ડ સલાડ : કાંઈ સમજાય એવું તો બોલો!

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
વર્ડ સલાડ : કાંઈ સમજાય એવું તો બોલો! 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- એવી બોલી કે લખાણ કે જેનો કોઈ અર્થ ન નીકળે એને મનોવિજ્ઞાાનીઓ વર્ડ સલાડ કહે છે

અર્થના કૂંડાળાંમાં અટવાય છે,

શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.

- હિમલ પંડયા

અ મેરિકામાં ચૂંટણીનું દંગલ હજી તો શરૂ થયું ત્યાં ઉંમર ના-લાયક બાઈડન પોતે ખસી ગયા. સારું થયું. જતા જતા વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસને સમર્થન આપતા ગયા. હવે  કમલાબેનનાં જૂના વીડિયો વાઇરલ થયા છે. ગત અઠવાડિયે 'ન્યૂયૉર્ક પોસ્ટ'નાં એક સમાચારની હેડલાઇન હતી : કમલા હેરિસનાં સૌથી ખરાબ 'વર્ડ સલાડ્સ' (Word Salads) અને ગત વર્ષોનાં 'ગૅફ્સ' (Gaffs). ગુજરાતી લેક્સિકન અનુસાર 'ગૅફ' એટલે મૂર્ખામી ભરેલી ભૂલ, ગફલતથી બોલેલો બોલ કે કરેલું કામ. સમાચારમાં લખ્યું છે કે કમલાનાં 'વર્ડ સલાડ' ઉપરાંત તેમનાં શ્રાવ્ય નિવેદનનાં ક્લિપિંગ્સ અને તેમનાં કસમયનાં અટ્ટહાસ્ય સોશિયલ મીડિયા ઉપર મિમનાં વિષય બન્યા છે. એક સંગીત ઉત્સવમાં કમલાબેને સંસ્કૃતિ શબ્દની વ્યાખ્યા વારંવાર કરી. કહ્યું કે 'સંસ્કૃતિ આપણાં સમયની આપણી ક્ષણનું પ્રતિબિંબ છે, બરાબર? અને પ્રવર્તમાન સંસ્કૃતિ એ એક રીત છે, જેમાં આપણે આ ક્ષણ વિષે કેવી લાગણી ધરાવીએ છીએ.' કાંઈ સમજાયું? જો ન સમજાયું હોય તો આ વર્ડ સલાડ છે. જ્યારે કોઈ વક્તા કે લેખક ખૂબ જ ગંભીરતાથી કોઈ વાત સમજાવવાની કોશિશ કરે પણ બોલાયેલા કે લખાયેલા શબ્દોથી કોઈ સ્પષ્ટતા થાય નહીં, ઊલટાનું કન્ફ્યુઝન વધે તો એવા શબ્દો વર્ડ સલાડ કહેવાય છે. 'મેલ ઓનલાઈન'એ ગયા અઠવાડિયે લખ્યું : આ અનુચિત હાસ્ય અને આ વર્ડ સલાડ મનોરોગની નિશાની છે. 'ન્યૂઝ વીક'માં કમલા હેરિસનો એક વીડિયો વાઇરલ થયાની વાત છપાઈ કે જેમાં કમલા હેરિસ બોલી રહ્યા છે કે 'આજનો દિવસ આજે આજનો દિવસ છે પણ ગઇકાલે આજનો દિવસ ગઇકાલ હતી. આવતીકાલે આજનો દિવસ આવતીકાલ હશે, એટલે આજને જીવી લો, જેથી કરીને ભવિષ્યનો આજનો દિવસ એ વીતેલો આજનો દિવસ છે, જે આપણી આવતી કાલ હશે.' આ શબ્દો અવશ્ય વર્ડ સલાડની કેટેગરીમાં આવે. 'ન્યૂઝ વીક' દ્વારા જો કે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આ આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવટી વીડિયો (ડીપ ફેઇક) હતો. લો બોલો!  અમને આ સમાચારોમાંથી જો કે આજનો શબ્દ મળ્યો : વર્ડ સલાડ.  

'વર્ડ' એટલે શબ્દ અને 'સલાડ' એટલે કચુંબર. પણ બે શબ્દો ભેગા કરીએ તો અર્થ  થાય : અત્યંત અસંગત, અસંબદ્ધ અને અવ્યવસ્થિત શબ્દોનું મિશ્રણ. ટૂંકમાં શબ્દોનો ખીચડો. બુદ્ધિ વગરનાં, કાંઈ સમજાય નહીં એવા શબ્દોનું કથન કે ટીકા ટિપ્પણ પણ વર્ડ સલાડ કહેવાય. ઇંગ્લિશમાં એનો સમાનાર્થી શબ્દ છે લોગોરિયા (Logorrhoea). મૂળ ગ્રીક 'લૉગો' એટલે  શબ્દ અને 'રિયા' એટલે વહેવું. શબ્દો વહેતા રહે પણ કોઈ તાલમેલ નહીં હોય. સમજવા જઈએ પણ સમજાય નહીં. માનસશાસ્ત્રમાં 'વર્ડ સલાડ' માનસિક બીમારીનું લક્ષણ છે. એવી બોલી કે લખાણ કે જેનો કોઈ અર્થ ન નીકળે એને મનોવિજ્ઞાાનીઓ વર્ડ સલાડ કહે છે. એ વાત સાચી છે આ શબ્દ માનસિક રોગ જેવો કે સ્કિઝોફ્રેનિઆ તેમજ અલ્ઝાઇમર (ભૂલવાનાં રોગ)નાં લક્ષણો પૈકીનું એક લક્ષણ છે. આ રોગનાં દર્દી જે કાંઈ બોલે એ શબ્દો સાચા હોય પણ કોઈ તાલમેલ ન હોય. ધડ માથા વિનાની વાત. એ શું કહે તે સમજાય નહીં. પણ હવે 'વર્ડ સલાડ' રાજકારણીનાં વાણી વિલાસને દર્શાવવા માટે વપરાવા માંડયો છે. એક પિયાનો સંગીતકારની લાઈફ પરથી  બનેલી ઓસ્ટ્રેલિયન ફિલ્મ 'શાઈન' (૧૯૯૬)માં હીરો માનસિક રોગનો શિકાર હોય છે અને અનેક શબ્દો બોલે છે, જેનો કોઈ અર્થ નીકળતો નથી. આ ફિલ્મનાં રીવ્યૂમાં 'વર્ડ સલાડ' શબ્દ વારંવાર વપરાયો. આમ પહેલી વાર સામાન્ય અર્થમાં વપરાયેલો વર્ડ સલાડ શબ્દ આજે 'નૉનસેન્સ'નાં અર્થમાં વધારે પ્રચલિત થઈ ચૂક્યો છે. એમ કે બોલનાર મનોરોગી તો નથી પણ એની બોલીમાં કોઈ તર્ક નથી, કોઈ બુદ્ધિગમ્ય વાત નથી. મઝાની વાત એ છે કે બોલનાર તો એમ જ માને છે કે પોતે જ્ઞાાની છે. પોતે વિગતે વિગત સમજાવે છે પણ સાંભળનારા ડફોળ છે, સિરિયસ ટૉપિક સમજી શકતા નથી. જ્યારે સાંભળનારનાં મતે બોલનારનાં શબ્દો અલબત્ત નૉનસેન્સ છે. સંસદમાં હોય કે ટેલિવિઝન ઉપર, દરેક રાજકીય ચર્ચા સેન્સ અને નૉનસેન્સ વચ્ચે અટવાય છે. કોઈ બોલે પણ એનાં વિરોધીને એ વાત વર્ડ સલાડ લાગે. આ લેખ ભલે કમલા હેરિસ વિષેનાં સમાચારથી લખાયો પણ તેમનાં પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ વર્ડ સલાડ કરી ચૂકયાનાં સમાચાર છે. આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)  વિષે કોઈએ પૂછયું તો તેઓ બોલ્યાં : 'એઆઈ, નાની વસ્તુઓ.. સાદા બે.. નાના સાદા અક્ષરો.. પણ એ ખૂબ મોટા છે.' હવે આને શું સમજવું?- એ તો ચેટજીપીટીને જ પૂછવું પડે! રાજકારણીઓનાં કારણે વર્ડ સલાડ શબ્દ પ્રચલિત થયો છે, એ નક્કી. તેઓની પણ મજબૂરી છે. સાચું કહી શકાતું નથી. ક્યારે કોને ખોટું લાગી જાય તે નક્કી નથી. અને આપણે પપ્પુ અને ફેંકું વચ્ચે શબ્દોની કચુંબરનો આસ્વાદ માણવા મજબૂર છીએ. ખટાખટ, ખટાખટ, ખટાખટ હોય કે ગેરંટી, ગેરંટી, ગેરંટી, આ શબ્દોની કચુંબર આપણે ભાગે આવે છે. 

વરસાદનું એક ટીપું ટીપુ સુલતાન જેવું હેતાળ હોઈ શકે અથવા ખતરનાક હોઈ શકે. બજેટમાં મધ્યમ વર્ગને કોઈ ફાયદો થયો નથી એવી બૂમ પણ ખતરનાક હોઈ શકે. આજકાલ પ્રદૂષણનું દૂષણ વધે છે પણ સરકાર બિચારી શું કરે?  યુદ્ધોત્સવ કે લગ્નોત્સવ અનંત ચાલ્યા કરે છે. પુતિન અને ટીપુ સુલતાન વચ્ચે કોઈ સામ્ય છે? આપણાં તો હવા, પાણી અને ખોરાક ચાંદીપુરા થઈ ગયા છે. જાત સાચવો, નહીં તો હોસ્પિટલનું બિલ હોય છે ખતરનાક. ગાલિબ કહી ગયા છે કે શું કરીએ? ક્યાં જઈએ? કોને કહીએ?.... જો આપને મારા ઉપરોક્ત લખાણમાં ધડો કે નેઠો ન લાગે તો આપ 'વર્ડ સલાડ' શબ્દને બરાબર સમજ્યા છો. ઇતિ.

શબ્દ શેષ 

'સત્યની ભાષા સિમ્પલ હોય છે.' 

-ગ્રીક નાટયકાર યુરિપીડસ 


Google NewsGoogle News