Get The App

ડબલ સ્ટાન્ડર્ડ : બેવડું ધોરણ .

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ડબલ સ્ટાન્ડર્ડ : બેવડું ધોરણ                                 . 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- જો તમારા જેવા બીજા ય હોય કે જેઓ આવા ડબલ સ્ટાન્ડર્ડનો ભોગ બની રહ્યા હોય તો ભેગા થાવ અને પરિસ્થિતિને બદલવા માટે એક્શન લો

हम देखेंगे

लाजिम है कि हम भी देखेंगे

- फैज अहमद फैज

'લાઝિમ' એટલે અનિવાર્ય, ઉચિત, નિશ્ચિત. હવે અનિવાર્ય છે કેનેડા, તને જોઈ લઈશું અને ભરી પીશું. 'ભરી પીશું' એટલે ગાંઠશું નહીં, ગણકારશું નહીં. સાવ આવું તે કાંઈ ચાલે. કેનેડામાં ભારતીય રાજદૂત પોતાની સુરક્ષા અને સલામતી વિષે જાણવાની કોશિશ પણ કરે તો ય કેનેડાને વાંધો. અને કેનેડાનાં રાજદૂત ભારતમાં રહીને  ભારતનાં સૈન્ય અને પોલિસની જાણકારી મેળવે, ભારતીય નાગરિકોનું પ્રોફાઈલિંગ કરે તો કાંઈ નહીં. 'પ્રોફાઈલિંગ' એટલે વ્યક્તિનાં જીવન, કાર્ય, પાત્ર વિશેનો સંક્ષિપ્ત હિસાબ. કેનેડિયન રાજદૂતે અહીં સ્વયં પોતાને જે કરવાનું લાયસન્સ આપી દીધું છે, એ જ કાર્ય કરવા માટે કેનેડામાં ભારતીય રાજદૂતો સામે પ્રતિબંધ છે. કેનેડિયન નાગરિકો ખુલ્લે આમ ભારતનાં નેતાઓને, રાજદૂતોને ધમકી આપે છે કારણ કે  કેનેડામાં વાણીસ્વાતંત્ર્યનો અધિકાર છે. લો બોલો! પણ દિલ્હીનાં સાઉથ બ્લોકમાંથી  બહાર નીકળતા કેનેડિયન ડિપ્લોમેટને ભારતીય પત્રકાર પૂછે કે તમે ચીડાયેલાં કેમ લાગો છો? તો કેનેડિયનને એ વાત વિદેશી દખલગીરી લાગે છે. 'કેનેડા જે કરે છે એ માટે ડબલ સ્ટાન્ડર્ડ (Double Standard) શબ્દ હળવો કહેવાય'. આ વિદેશમંત્રી એસ.જયશંકરનાં શબ્દો છે. મારે કહેવાનું હોત તો હું કહી દેત કે તુમ્હારા ખૂન ખૂન હૈ ઔર હમારા ખૂન પાની હૈ..! એસ. જયશંકર અમારા ફેવરીટ છે. શંકર છે પણ પોતાનું ત્રીજું નેત્ર અત્યંત નરમાશથી ખોલે છે, હળવે હાથે મહીડાં વલોવે છે અને હસતાં હસતાં તડ ને ફડ કહી દે છે. આપણે  આજનાં શબ્દની વાત કરીએ.

ગ્રીક ઉપસર્ગ 'ડાઈ'  (Di) એટલે બેવડું અથવા બે વાર વાળેલું. લેટિનમાં આ જ ઉપસર્ગ 'બાઈ' (Bi)  છે. ઇંગ્લિશ ભાષામાં અનેક શબ્દો છે જેમાં એક જ વાત કે વસ્તુનું બે વાર વર્ણન કરવાનું આવે ત્યારે આ ઉપસર્ગો વપરાય છે. લેટિનનો 'ડુપ્લસ' શબ્દ ઇંગ્લિશમાં 'ડબલ' થઈ જાય છે. 'ડબલ' શબ્દ આપણે પણ અપનાવી લીધો છે

ગુજરાતી લેક્સિકન અનુસાર ગુજરાતી શબ્દ 'ડબલ' એટલે બેગણું, બમણું, બેવડું. એ જ રીતે ડબલરોટી, ડબલચાર્જ, ડબલશિફ્ટ, ડબલઘોડી, ડબલગ્રેજ્યુએટ, ડબલઘોડી, ડબલઢોલકી પણ અધિકૃત ગુજરાતી શબ્દો છે. એ જ રીતે 'સ્ટાન્ડર્ડ' શબ્દ પણ ગુજરાતમાં આવીને હેવાયો થઈ ગયો છે. સ્ટાન્ડર્ડ ટાઈમ, સ્ટાન્ડર્ડ લેંગ્વેજ વગરે. પાંચમીથી નવમી સદીમાં બોલાતી હતી એ ફ્રેન્કિશ ભાષામાં 'સ્ટેન્ડાહાર્ડ' એટલે એક જ જગ્યાએ ચોંટીને ઊભા રહેવું. એ પરથી સ્ટાન્ડર્ડ શબ્દ આવ્યો છે. 'ધોરણ' એટલે અમુક કામકાજ કરવાની નિયત રીત અથવા પદ્ધતિ. આ બે શબ્દો ભેગા થાય ત્યારે એનો શાબ્દિક અર્થ માર્મિક થઈ જાય છે.

'ડબલ સ્ટાન્ડર્ડ' એટલે કોઈ એક વ્યક્તિ કે જૂથ સાથે વ્યવહાર એક પ્રકારનો વ્યવહાર હોય પણ બીજી વ્યક્તિ કે જૂથ સાથે વળી અલગ જ વ્યવહાર હોય. વહાલાં દવલાંની નીતિ પણ આ જ છે. એકને ગોળ અને એકને ખોળ. મારું તારું સહિયારું અને મારું મારા બાપનું. ઘરાક જોઈને પડીકું બાંધવું પણ ડબલ સ્ટાન્ડર્ડ ગણાય. રોજિંદા વ્યવહારમાં આપણને ડબલ સ્ટાન્ડર્ડનાં ઘણાં દાખલા મળી આવે છે. પુરુષ અને સ્ત્રી બંને સરખું કામ કરે. ીને પગાર ઓછો મળે. પ્રમોશનની તક પણ ઓછી. સ્ત્રી જો સાહેબ બની જાય અને કડક હાથે કામ લેતી હોય તો એ ઘમંડી કે આક્રમક કહેવાય પણ પુરુષ જો કડક હાથે કામ લેતો હોય તો એનાં વખાણ થાય કે આ સાહેબમાં જબરો આત્મવિશ્વાસ છે, હોં! (ડબલ સ્ટાન્ડર્ડથી હેરાન થતી સ્ત્રીને પુરુષ પર વધારે ગુસ્સો કરવાનો અધિકાર છે. અમે એને ીનું ડબલ સ્ટાન્ડર્ડ માનતા નથી!) પુરુષ એકથી વધારે સ્ત્રી સાથે સેકસ સંબંધ રાખે તો એ વીર્યવાન કહેવાય પણ સ્ત્રી એવું કરે તો છિનાળ કહેવાય. શિક્ષક પણ ભેદભાવ રાખે. ગુરુ દ્રોણને અર્જુન પ્રિય એટલે ગુરુદક્ષિણામાં એકલવ્યનો અંગૂઠો માંગી લીધો. સાવ આવું? ઘરમાં માતા પોતાની દીકરીને કહે કે સાસરે આરામ કરવાનો, સાસુનું સાંભળવાનું નહીં. પણ પોતાનાં ઘરમાં દીકરાની વહુને લબડધક્કે લેય. ઘણાં એવા ય હોય કે પોતાની કહાણી વારંવાર કહેતા ફરે પણ સામાવાળાની વાત સાંભળવાની કોશિશ પણ ન કરે. ડબલ સ્ટાન્ડર્ડ શબ્દ ઇંગ્લિશ ભાષામાં પહેલી વાર સને ૧૮૭૨માં ચલણમાં આવ્યો હતો. ડબલ સ્ટાન્ડર્ડ ત્યારે અસ્તિત્વમાં આવે છે જ્યારે કોઈ પ્રક્રિયા, નીતિ કે ધોરણ એક વ્યક્તિ કે એક જૂથ માટે યોગ્ય અને અભિનંદનને પાત્ર ગણાતું હોય પણ અન્ય વ્યક્તિ કે જૂથ માટે એ જ ખોટું અને ખેદજનક ગણાય. 

જો તમને ડબલ સ્ટાન્ડર્ડનો અનુભવ થાય તો તમે શું કરો? ચૂપ રહો? કે માથાકૂટ કરો? જાણકારો કહે છે કે પહેલાં તો એ વાતનો સ્વીકાર કરો કે ડબલ સ્ટાન્ડર્ડનું અસ્તિત્વ હોય જ છે. જો તમારા જેવા બીજા ય હોય કે જેઓ આવા ડબલ સ્ટાન્ડર્ડનો ભોગ બની રહ્યા હોય તો ભેગા થાવ અને પરિસ્થિતિને બદલવા માટે એક્શન લો. માત્ર વિરોધ પૂરતો નથી. પોતાનાં અનુભવની નોંધ રાખો. ભવિષ્યમાં  પૂરાવો ઉપયોગી થઈ શકે, જો તમારે આગળ ઉગ્ર વિરોધ કરવો જરૂરી બને તો. તમારી જરૂરિયાત અને તમારી મર્યાદા સ્પષ્ટ રીતે કહી દેવી. અને એ ય કહી દેવું કે જુઓ, વ્યાજબી અને સમાવિષ્ટ રીતભાત આવી હોવી જોઈએ અને અમે તમારી પાસે આવી વર્તણૂંકની અપેક્ષા રાખીએ છીએ. એ ચોક્કસ છે કે આપણાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાને આવું જ કહ્યું હશે. કદાચ એવું ય ઉમેર્યું હશે કે અમે તૈયાર છીએ. તમારાથી થાય તે તોડી લેજો! 

ડબલ સ્ટાન્ડર્ડ અત્ર તત્ર સર્વત્ર છે. મંદિરમાં પણ પૈસા વધારે મૂકે એ પહેલી હરોળમાં ઊભો રહીને આરતી કરે છે. શું ઈશ્વર ડબલ સ્ટાન્ડર્ડ રાખે છે? 

શબ્દ શેષ

'બધા સ્ટાન્ડર્ડ ડબલ સ્ટાન્ડર્ડ છે' - અમેરિકન પોલિટિકલ રાઇટર ટકર કાર્લસન 


Google NewsGoogle News