Get The App

વિશ લિસ્ટ : યાદી ભરી છે ઇચ્છાઓની... .

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
વિશ લિસ્ટ : યાદી ભરી છે ઇચ્છાઓની...                                 . 1 - image


- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- ઈચ્છા મજબૂત હોય તો એ 'ડીઝાયર' કહેવાય.

મેલું ઘેલું મકાન તો આપો !

ધૂળ જેવું ય ધાન તો આપો !

સુખના બે ચાર શ્વાસ તો આપો !

જીન્દગાનીનો ભાસ તો આપો !      

-અમૃત 'ઘાયલ' 

બજેટની મોસમ છે. 'ડેક્કન હેરાલ્ડ'માં અફોર્ડેબલ હાઉસિંગ માટે ઇન્કમટેક્સ ૧૫% રાખવાની વાત કહી છે. 'ધ ઈકોનોમિક ટાઈમ્સ' બજેટ વિશલિસ્ટની એ-અલોકેશન ટૂ ધ સ્ટેટ્સ (રાજ્યોને ફાળવણી)થી લઈને ઈ-એક્ઝીક્યુશન(અપેક્ષિત અમલ)ની એબીસીડીઈ રજૂ કરે છે. 'સીએનબીસી' કન્સેસનલ કોર્પોરેટ ટેક્સને પુનઃ લાગુ કરવાની વાત કરે છે. 'મિન્ટ' કેપિટલ ગેઇન્સ ટેક્સને સરળ કરવાની ઈચ્છા જાહેર કરે છે. 'બિઝનેસ ટૂડે' સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ/ફિક્સ ડીપોઝિટનાં વ્યાજમાં ડિડક્શન લિમિટ વધારવાની લાગણીને વાચા આપે છે. બજેટ પહેલાં સૌ કોઈ પોતાની ઈચ્છા,અપેક્ષા, માંગણી મૂકી રહ્યા છે. આ સમાચારોનો કોમન  શબ્દ વિશ લિસ્ટ(ઉૈજર નૈજા) છે. ઇચ્છાઓની યાદી. અમને ફિલ્મ 'પહેલી તારીખ' (૧૯૫૪)નું કિશોર કુમારે ગાયેલું ગીતઃ ખુશ હૈ જમાના આજ પહેલી તારીખ હૈ.. યાદ આવે છે. ખુશ તો નથી. ચિંતા જરૂર છે. પહેલી તારીખે નિર્મળ બજેટ રજૂ થશે. જય સિયારામ.

ગુજરાતી લેક્સિકન અનુસાર 'વિશ' એટલે ઇચ્છા, વાંછના, આકાંક્ષા, ઉમેદ, વિનંતી, ઇચ્છિત વસ્તુ અને 'લિસ્ટ' એટલે વસ્તુઓ, નામો ઇ.ની યાદી, સૂચિ. તમે એને ટીપ, વિગતવાર ટાંચણ કે તે નોંધવાની ચોપડી, ફેરિશ્ત કે જાહેર નિવેદન (જેમ કે, સરકારી યાદી) પણ કહી શકો. ફારસી મૂળનો શબ્દ 'યાદી'નું મૂળ છે યાદ હોવું તે. ઈચ્છા એટલે? કંઈ મેળવવા કે ભોગવવાની ભાવના, ચાહના, એષણા, જીજ્ઞાસા, મરજી, રુચિ, લાલસા. કોઈ વસ્તુ મેળવવા મનનો જુસ્સો હોય તે 'ઇચ્છા'. કાંઈ પ્રાપ્ત કરવાનો તરંગ એટલે 'મરજી'. તરંગ ક્ષણિક હોય. પણ ઇચ્છામાં વિચાર અને વિવેકનો સમાવેશ થતો હોય છે. ઇચ્છા પૂરી પાડવી એટલે સંતોષવું.  ઇચ્છામાં આવે તેમ કરવું એટલે ગમે તેમ વર્તવું. (બીજાને ન ગમે તેમ વર્તવું!). મને પૂછો તો હું કહું કે  ઈચ્છા નાગા બાવાની લંગોટી છે. સૌ કહે કે આમ નાગાપૂગડા રહો છો, કાંઈ પહેરો તો ખરા. એટલે મને કમને તન પર લંગોટી તો પહેરી પણ પછી એને ધોવી ય પડે. વધારાની મહેનત! અને તાર પર સૂકવી તો ચિંતા થઈ કે કોઈ લઈ જશે તો? રાત આખી ઊંઘ ન આવી. ત્યાં વરસાદ પડયો, લંગોટી ભીંજાઇ ગઈ. ફરી  સૂકવવી.. લો બોલો. લંગોટી નહોતી તો સારું હતું. આ ઈચ્છા સાલી કોમ્પલિકેટ વસ્તુ છે, નહીં?

હિંદીમાં 'ઈચ્છા' માટે ખ્વાહિશ. બુલાવા, મનોરથ, તમન્ના એવા શબ્દો પણ છે. 'વિશ' ઓલ્ડ ઇંગ્લિશનાં શબ્દ 'વાઇસ્કેન' પરથી આવ્યો છે. ઇંગ્લિશમાં વિશ, ડીઝાયર, નીડ, વોન્ટ, વ્હિમ, ડ્રીમ એવા શબ્દો છે જે એક બીજાને બદલે વપરાતા રહે છે. ઈચ્છા મજબૂત હોય તો એ 'ડીઝાયર' કહેવાય. કવિ મુકુલ ચોક્સી કહે કે ઈચ્છા વિષે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં, ઈચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે! પણ ડીઝાયર હોય તો આવું  ન ચાલે. ડીઝાયરમાં ફળે ન ફળે- એવો, હોતી હૈ, ચલતી હૈ-નો ભાવ નથી. એ પછી આવે નીડ. 'નીડ' એટલે આવશ્યકતા, જરૂરી હોવું તે. 'વોન્ટ' એટલે જે નથી એની ઈચ્છા. 'વ્હિમ' એટલે તરંગ, ધૂન, અચાનક ઊઠેલી ઈચ્છા જે સામાન્ય રીતે હોવી ન જોઈએ, એવી ઈચ્છા જે સમજાવી ન શકાય. અને 'ડ્રીમ' તો આપણે જાણીએ છીએ. 'ડ્રીમ' એટલે સ્વપ્ન. પણ અહીં એનો અર્થ થાય આદર્શ, વિચાર, કલ્પના કે મહત્ત્વાકાંક્ષા. એકલદોકલ હોય એ ઈચ્છા પણ સ્વપ્ન સામૂહિક ઈચ્છાનું નામ છે. જેમ કે વર્ષ ૨૦૪૭માં 'વિકસિત ભારત'નું સ્વપ્ન. 

કોઈ ગમે તે કહે પણ હા, વિશ લિસ્ટ હોવું તો જોઈએ. શું જોઈએ છે?- મને ખબર તો હોવી જોઈએ. તો જ મારાથી કર્મ થાય. અને એ જ મારું ભાવિ નક્કી કરે. હું ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલ સાથે સહમત નથી. તેઓ એવું કહી ગયા હતા કે શત્રુઓ પર વિજય મેળવે એનાં કરતાં પોતાની ઈચ્છાઓ પર વિજય મેળવે એ વધારે બહાદૂર ગણાય. પણ સાહેબ, અજુક્ત ઈચ્છાઓ ન હોવું સમજાય પણ આમ સાવ ઈચ્છા વિહોણા હોવું પણ ઇચ્છનીય નથી. યોગ્ય ઈચ્છાઓની યાદી તો હોવી જ જોઈએ. યોગ્ય અને અયોગ્યનો ભેદ સમજાય જાય એટલે સુખનો સૂરજ ઊગે. મારી અને નિર્મળા સીતારામન મેડમની વિટંબણા એક જ છે. આવક ઓછી 'ને જાવક ઝાઝી છે. 'ઝાઝા હાથ રળિયામણાં' હોવાની સાથે સાથે 'ઝાઝા મળ્યા તો ખાવા ટળ્યાં'નો પ્રશ્ન પણ પ્રૉબ્લેમેટિક છે. 

મુલ્લા નસરુદ્દીન મર્યા 'ને એની પાછળ એનાં બે શિષ્યોએ આત્મહત્યા કરી. ગુરુ બિના ક્યા જીના! મરીને પહોંચ્યા જન્નત. રીસેપ્શનમાં સુંદરીએ સ્માઇલ સાથે વેલકમ ડ્રીંક આપ્યું, કમ્પ્યુટરમાં એન્ટ્રી કરી સ્વીટ રૂમ દઈ દીધો. અને આહાહા..  આ તો જન્નત, માંગો એ મળે. હૂરનાં નાચ, અનલિમિટેડ શરાબ અને પકવાન લાજવાબ. સઘળું મળે તુરંત. કશીય મહેનત વગર. ઈચ્છા અને પ્રાપ્તિ વચ્ચે કોઈ અંતર જ નહીં. સાતમે દિવસે કંટાળી ગયા. મેનેજરને રીક્વેસ્ટ કરી કે પૃથ્વી તરફની બારી ખોલી આપો. દુનિયાનું દુઃખ જોયું. ઓહો! આની સરખામણીમાં આપણે તો જલસો છે. ભાઈ ભાઈ! વળી એક અઠવાડિયું ટક્યા પણ કંટાળ્યા. મેનેજરને કહ્યું કે અમને જહન્નમ દેખાડો. એ જોઈશું તો અમને થશે કે અમે કેટલાં સુખી છીએ. મેનેજર હસ્યો. બોલ્યો કે તો અત્યાર સુધી તો તમે ક્યાં છો? મુલ્લાજી, આ જહન્નમ જ છે. ધારો એ મળી જાય તો એ નર્ક છે. આપણે આપણી પીડાની ગાથા ગાતા રહીએ છે. વિશ લિસ્ટ બનાવતા રહીએ છીએ. મઝા એમાં જ છે. વિશ લિસ્ટ મુજબનું જો મળી જાય તો દુનિયા નર્કાગાર થઈ જાય! 

શબ્દ શેષ :

'દુનિયામાં બે જ ટ્રેજડી છે. એક, માંગો તે ન મળે. અને બીજી... માંગો 'ને મળી જાય.' 

- ઓસ્કાર વાઇલ્ડ 


Google NewsGoogle News