રીક્લેમ ધ નાઈટ : રાત પાછી આપો
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- નો કર્ફ્યૂ ઓન વિમેન, કર્ફ્યૂ ઓન મેન. પાબંદી પુરુષો પર હોવી જોઈએ, નહીં કે સ્ત્રીઓ ઉપર
સરેઆમ રસ્તે અભય ચાલી શકું એ રાત પાછી માંગુ છું.
છું દુર્ગા હું, ઓ દાનવ, મહિષાસુર ઘાત પાછી માંગું છું.
- યામિની વ્યાસ
સ્ત્રી ભૂ્રણ હત્યા વિષે જેઓએ 'આંગળી પકડીને તારી ચાલવા દે. મા મને તું આ જગતમાં આવવા દે' લખ્યું હતું, એ જ કવયિત્રી હવે એ જન્મી ચૂકેલી દીકરીને દુર્ગા બનવાનું કહે છે કારણ કે.... દુનિયામાં દાનવો વધતાં જાય છે. બળાત્કાર, શારીરિક ઇજાઓ અને હત્યા... અને એ પણ એક ડૉક્ટરની કે જેનું કામ બીમાર લોકોની સારવાર હતું. અને એ પણ એટલું જ સત્ય કે સુરક્ષાનું ન હોવું એ એક દિવસ અચાનક બનેલી ઘટના નથી. આપણે વર્ષોથી જોઈએ છીએ પણ કાંઈ કરતાં નથી. આગ લાગે ત્યારે કૂવો ખોદવો આપણી આદત છે. પરિસ્થિતિ સુધરે એવી કોઈ કાર્યવાહી સરકાર સૂઓ મોટો કરતી નથી. ન્યાયાલય સ્વયં મેદાનમાં આવી ચઢે તો છે પણ એકાદ થીંગડું સાંધે ત્યાં તો તેર તૂટે છે. માટે કહું છું બોલો. અવાજ ઊઠાવો. આ સાહેબો, હાકેમો કાંઈ કરશે નહીં. કરશે તો કરવા પૂરતું કરશે. દેખાડો કરશે. થૂંકનાં સાંધા ક્યાં સુધી ટકે? આજનો શબ્દ સમૂહ 'રીક્લેમ ધ નાઈટ' (Reclaim the Night)) અનેક અખબારોમાં છપાયો છે.
ગુજરાતી લેક્સિકન અનુસાર 'નાઈટ' એટલે રાત, રાત્રિ, અંધારું, અંધારાનો સમય, રાત પડવી તે, સમીસાંજ, નિશા અને 'રીક્લેમ' એટલે ભૂલેલાને કે દુરાચારીને પાછું નીતિના માર્ગ પર આણવું, ખારવાળી કે વેરાન જમીનને ખેતીલાયક બનાવવી, ખરાબ વસ્તુ (ભૂમિ વગેરે) સુધારીને ઉપયોગમાં લેવા યોગ્ય કરવી, દુર્જનોને સુધારીને સત્પંથે ચડાવવા, મિલકત ચીજવસ્તુ પાછી મેળવવી. મૂળ લેટિન શબ્દ રીક્લેમર્. 'રી' એટલે ફરીથી અને'ક્લેમર' એટલે બૂમ પાડવી, વિરોધ કરવો, આગ્રહભરી વિનંતી કરવી, ખંડન કરવું. ૧૪મી સદીમાં બાજ પક્ષીને ઊડાડીને ફરીથી ચામડાનાં ગ્લોવ્સ પહેરેલાં હાથ ઉપર બોલાવવું તે 'રીક્લેમેઇન' કહેવાતું. આમ જંગલી પક્ષી પણ એને કહ્યાગરું બનાવવાની રીત હતી આ. અને એ પરથી, પ્રયત્ન કરીને કોઈ પણ વસ્તુ પરત મેળવવી એ રીક્લેમ. પણ...અહીં તો રાતને પાછી મેળવવાની છે. રાતનાં અંધારમાં પણ સ્ત્રી બહાર નીકળી શકે, નોકરી કરી શકે, આનંદ પણ કરી શકે. કોઈ પણ ડર વિના, અભય..
'રીક્લેમ ધ નાઈટ' શબ્દો મૂળ ઈંગ્લેન્ડનાં લીડ્સમાં 'યોર્કશાયર રીપર તરીકે ઓળખાતા બાવીસ સ્ત્રીઓનાં હત્યારા સીરીયલ કીલર પરથી આવ્યો છે. સીરીયલ કીલરની ધરપકડ કરવામાં નિષ્ફળ પોલિસે જ્યારે મહિલાઓને સલાહ આપી કે અંધારામાં બહાર ન નીકળવું ત્યારે ૧૨ નવેમ્બર, ૧૯૭૭ની રાત્રે પહેલી વાર 'રીક્લેમ ધ નાઈટ' અંતર્ગત સ્ત્રીઓનો સમૂહ રસ્તા ઉપર ઊતરી આવ્યો હતો. પ્રદર્શનકારી સ્ત્રીઓનાં હાથમાં પ્લેકાર્ડ હતું : નો કર્ફ્યૂ ઓન વિમેન, કર્ફ્યૂ ઓન મેન. પાબંદી પુરુષો પર હોવી જોઈએ, નહીં કે સ્ત્રીઓ ઉપર.
મનુસ્મૃતિનાં ત્રીજા અધ્યાયમાં લખ્યું છે કે પ્હ્વ્ ઝ્ર્પ્ીશ।ઢ હ્લહીંપ્વ્।ય ઝઊંવ્।ય ।હ્વ્ યશ્ન।્છ અર્થાત્ જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો નિવાસ છે. નારીની પૂજા તો છોડો, નારીની સુરક્ષા કરો તો ય ઘણું. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જ્યારે મહિલા મધ્યરાત્રિએ રસ્તા ઉપર ચાલવામાં પોતાની જાતને સુરક્ષિત ગણશે ત્યારે સાચી સ્વતંત્રતા મળી ગણાશે. આપણે આ શેનો અમૃતકાળ ઉજવીએ છીએ? હજી મધરાતે આઝાદી મળી જ ક્યાં છે? સ્ત્રીઓ જ આ સમાજની સાચી સર્જક છે. એ જો સલામત હશે તો સમાજ સલામત રહેશે. સમાજનાં ઠેકેદારો છોકરીઓને સલાહ આપશે કે ટૂંકા કપડાં ન પહેરવા, રાતે નીકળવું નહીં, પાર્ટીમાં જવું નહીં, મદ્યપાન કરવું નહીં. પણ છોકરાઓને સખાણાં રહેવા કોઈ કહેતું નથી. મુંબઈ ફોટો જર્નાલિસ્ટ ગેંગ રેપ કેસમાં ત્રણ આરોપીને ફાંસીની સજા થઈ ત્યારે સપાનાં મુખિયા મુલાયમ સિંઘે ખરબચડું નિવેદન આપ્યું હતું કે બચ્ચો સે ગલતી હો જાતી હૈ.. પ્રવર્તમાન ૧૫૧ સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ છે જે પૈકી ૧૬ કેસ રેપનાં છે. આપણે જ જવાબદાર છીએ જે ખરડાયેલી છબીવાળાઓને ચૂંટી કાઢીએ છીએ.
હા, રાત પાછી આપો. જ્યાં જ્યાં સ્ત્રીઓ રાત્રિનાં કામ કરે છે ત્યાં સુરક્ષા આપો, આરામ કરી શકે એવી સગવડ ઊભી કરો. અમારા પગમાં હવાઈ ચપ્પલ હશે તો અમે હવાઈ મુસાફરી કરી છે એવું માની લેશું. આમ પણ છાશવારે ફરવા જવાની ચળ અમને હવે ઊપડતી નથી. પણ સાહેબ, હોસ્પિટલ્સમાં કામ કરતી બહેન દીકરી માટે ઝેડ કક્ષાની સુરક્ષા આપો, અમારી નમ્ર અરજ છે.
કોઈ પણ બળાત્કાર હત્યાની ઘટનામાં માત્ર બળાત્કારી પુરુષ જ જવાબદાર નથી. કાયદો અને વ્યવસ્થા સંભાળતા લોકો પણ જવાબદાર છે. કાયદો અને વ્યવસ્થા એટલે 'કાંઈ દો' નહીં તો એની 'વ્યવસ્થા' કરો. મડદા વેચીને ખાઈ જાય ત્યાં શી અપેક્ષા રખાય? આંગળીનાં ટેરવે ઓનલાઈન પોર્નોગ્રાફીની સરળ ઉપલબ્ધતા પણ આ માટે જવાબદાર છે. ન્યૂઝીલેન્ડનાં પૂર્વ પ્રધાનમંત્રી હેલન ક્લાર્ક અનુસાર જ્યારે સ્ત્રીને તમે સુરક્ષા આપો ત્યારે એ સમાજ માટે અને અર્થતંત્ર માટે ઘણું યોગદાન આપી શકે, બાળકોનાં શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પણ અનેકગણું પ્રદાન કરી શકે. યસ, પણ એવું ન મળે તો.. રીક્લેમ કરો..
શબ્દ શેષ
એક અ-મુલાયમ સલાહ : સ્ત્રીએ શું કરવું જોઈએ કે જેથી પુરુષ એની ઉપર બળાત્કાર ન કરે એ કરતાં પુરુષને શીખવાડો કે સ્ત્રી ઉપર બળાત્કાર કેમ નહીં કરવો.