બ્રેન રૉટ : ગોલી માર ભેજેમેં! .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- બ્રેન રોટ થાય તો માનસિક થાક લાગે અને પ્રેરણા, ધ્યાન, ઊર્જા કે ઉત્પાદકતા ઘટી જાય
તારે કાજે ગઝલ મનોરંજન,
ને મારે માટે તો પ્રાણવાયુ છે...
- મનોજ ખંડેરિયા
મા રા માટે શબ્દ પ્રાણવાયુ છે. ગુજરાતીમાં પ્રાણવાયુને ઓક્સિજન કહે છે! જો આપને મારી વાતમાં શંકા હોય તો ભગવદ્ગોમંડલનો પરામર્શ કરી શકો છો. પણ એ વાત જવા દો. 'ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર-૨૦૨૪'ની પસંદગીમાં વિદ્વાનોની સરમુખત્યારશાહી હવે નથી. સામાન્ય માણસ પણ પોતાનો મત આપી શકે છે. ભાષા લોકોની છે અને એમાં હવે લોકશાહી છે. શબ્દ ચૂંટણીમાં અમે ઓનલાઇન મતદાન કર્યું છે. તમે કર્યું? ન કર્યું હોય તો હજી ય મોડું થયું નથી. કાલે છેલ્લી તારીખ છે.
આ વર્ષે સરતાજનો ખિતાબ મેળવવા માટે છ શબ્દો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. આ શબ્દો છે ડિમ્યૂઅર (Demure) : સ્વસ્થ, શાંત, ગંભીર, પ્રતિષ્ઠિતત ડાયનામિક પ્રાઇસિંગ ((Dynamic Pricing) : કોઈ પણ માલ કે સેવાની કિંમત બદલાતી રહે, એમ કે ડીમાન્ડ વધે, સપ્લાય ઓછો હોય તો કિંમત આસમાને પહોંચી જાય; લૉર (Lore) : કોઈ પણ વિષયની સંપૂર્ણ જાણકારી જેનાથી એ વ્યક્તિ કે વાત બરાબર સમજાય; રોમાન્ટસી (Romantasy): રોમાન્સ+ફેન્ટસી- એવું સાહિત્ય કે ચલચિત્ર જે મૂળમાં તો પ્રેમકથા પણ એમાં જાદુ કે અલૌકિક ઘટનાઓ ભારોભાર ભરી હોય તે; સ્લૉપ (Slop): આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સથી સર્જાયેલી નબળી અને અપ્રમાણભૂત કલા કે સાહિત્યની કૃતિત અને બ્રેન રૉટ (Brain Rot) તો શબ્દસંહિતાનો આજનો શબ્દ છે કારણ કે અમે અમારો કિંમતી મત બ્રેન રાટ શબ્દને આપ્યો છે! ચૂંટણી પરિણામ ૨ ડિસેમ્બરે જાહેર થશે.
'બ્રેન' તો આપણે જાણીએ છીએ. મગજ, ભેજું, સંવેદન કે વિચારનું કેંદ્ર, બુદ્ધિશક્તિનું મૂળ. પણ 'રૉટ' એટલે? ગુજરાતી લેક્સિકન અનુસાર 'રૉટ' એટલે વપરાશને અભાવે કે બગાડને લીધે ક્ષીણ થવું, સડવું, સડાવવું, કહોવું, કહોવડાવવું, બગાડવું, બગાડો, કચરો, ક્ષીણ કરવું, પજવવું, ચીડવવું, સડો, ક્ષય, વિનાશ, વાહિયાત વાત, ખોટી લવરી, બકવાદ, અનિષ્ટ પરિસ્થિતિ, લગાતાર ઓચિંતી એક પછી એક હાર (ખાવી તે). 'બ્રેન રાટ' એ જનરેશન આલ્ફાનો શબ્દ છે. વર્ષ ૨૦૧૦ પછી જન્મેલી પેઢી આલ્ફા કહેવાય છે. આજકાલ ડિજિટલ મીડિયાની ભરમાર છે. હવે તો બે વર્ષનાં બાળકને પણ રમવા માટે મોબાઈલ ફોન જોઈએ છે. ઈન્ટરનેટ કન્ટેન્ટ એટલું બધું વધી ગયું છે કે ગુણવત્તા જળવાતી નથી. અનેક તત્ત્વ આપણી ચોગરદમ ફરે છે જે સત્ત્વ હોવાની કોઈ ગેરંટી નથી. ગુજરાતીમાં એક શબ્દ 'મજકૂર' પણ છે. બીના, હકીકત, હેવાલ, વર્ણન એવો અર્થ થાય. આપણે મજબૂર છીએ સ્ક્રીન ઉપર કાંઈ પણ મજકૂર જોયા કરવા માટે. દા. ત. ટૂંકા વિડીયો. એક પછી એક આવ્યા જ કરે. સતત જોયા કરીએ, મોબાઈલ ફોન સાથે સતત ઓડાયેલા રહીએ, મગજ તો બહેર જ મારી જાય. આ કહેવાતું મનોરંજન છે, અલખ નિરંજન નથી. 'અલખ' એટલે દેખાય નહીં એવું અને 'નિરંજન' એટલે મલિનતા વિનાનું. ઈન્ટરનેટ તો મલિનતાથી ભરપૂર છે. એની અસર એ થાય છે કે મનની એકાગ્ર રહેવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. મન ખોટકાવા માંડે છે. મનને થાક લાગે છે. બારીકાઈથી કરવાનું હોય તો એવું કામ થઈ શકતું નથી. ટૂંકમાં મન ખાલી વાસણ જેવું થઈ જાય છે. ખખડે ઘણું પણ અંદરથી હલકું અને નિર્માલ્ય બની જાય છે. ખખડધજ!
બ્રેન રૉટ અન્ય માનસિક બીમારી જેમ કે અલ્ઝાઇમરથી ભિન્ન છે. ઘણી વાર વધતી જતી ઉંમરનાં કારણે ઘરડાં લોકોને ભૂલવાની બીમારી થઈ જાય છે, મનની એકાગ્રતા ઘટતી જતી હોય છે. એની સાપેક્ષ બ્રેન રાટ એ લાઈફ સ્ટાઈલનો રોગ છે, વર્તણૂંકની બીમારી છે. ટિકટોક અને રેડિટ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ શબ્દ વપરાતો રહે છે. બ્રેન રાટ થાય તો માનસિક થાક લાગે અને પ્રેરણા, ધ્યાન, ઊર્જા કે ઉત્પાદકતા ઘટી જાય. વહાલાંઓ સાથે ગુણવત્તા સભર સમય વીતાવી શકાતો નથી. વહાલાંઓ માટે આપણે દવલાં થઈ જઈએ છીએ.
ઈલાજ તો છે. સૌને ખબર પણ છે. પણ આદત છે, જે છૂટતી નથી. હમ નહીં સુધરેંગે! તેમ છતાં કોશિશ તો થઈ જ શકે. જેમ કે સ્ક્રીન ટાઈમને ઘટાડો. યાદ રહે કે અતિશય થાય તો સોશિયલ મીડિયા એન્ટિ-સોશિયલ છે. સોશિયલ મીડિયામાં જે લોકો પોતાનાં ફોટા અપલોડ કરતાં ફરે છે એટલી તેઓની જિંદગી પરફેક્ટ હોતી નથી. અને આપણે ઈર્ષ્યામાં ખોટાં બળી મરીએ છીએ. ઈન્ટરનેટ તો જાળ છે જાળ. ફસાયા કે મર્યા જ સમજો. મંકોડો પણ ગોળમાં ચોંટીને મરતો હોય છે, સાહેબ. હલકી ગુણવત્તાનાં ટૂંકા કન્ટેન્ટનું આચમન કર્યા કરવામાં આપણી ઊંઘ હરામ થઈ જાય છે. ઊંઘ અને ક્વોલિટી ઊંઘમાં ફેર હોય છે. હું સાંજનાં છ પછી ઈન્ટરનેટ બંધ કરી દઉં છું. ફોન પણ ઊપાડતો નથી સિવાય કે કોઈ ઇમરજન્સી. લોકોને પણ હવે ખબર પડી ગઈ છે એટલે તેઓ પણ સાવ અમસ્તો નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ ફોન કરતાં નથી. ફોન આવે તેનો વાંધો નથી પણ હું જો ઉપાડું તો વાત કર્યા બાદ મોબાઈલ ફોન ઉપર સ્ક્રીન સ્ક્રોલ કરવાની મને તલપ લાગે છે, આંગળીમાં ચળ આવે છે. એટલે વ્યસની મોબાઈલ ફોનથી બાર ફૂટ દૂર રહેલાં જ સારા. કોઈની બે ચાર ખોટી ખોટી લાઇક્સ કે હાર્ટનાં ઇમોજી મેળવવા માટે મારા આનંદની પળોને હું બરબાદ કરતો નથી. સમય મળે ત્યારે પુસ્તક વાંચું છું, સંગીત સાંભળું છું, બગીચા કામ કરું છું, પાકશાસ્ત્ર પર પણ હાથ અજમાવું છું. મારા શરીરની અવહેલના હું કરતો નથી. રોજબરોજની મારી જિંદગીમાં હું ગેરહાજર રહેતો નથી. જે વર્ચ્યુઅલ છે એ રીઆલિટી નથી. નથી જ. મિત્રોને રૂહ-બ-રૂહ મળવું એ બ્રેન રૉટ સમસ્યાનો રામબાણ ઈલાજ છે. હું મારો સૌથી સારો મિત્ર છું.
શબ્દ શેષ :
'જનરેશન આલ્ફા માટે બ્રેન જો અપ હોય તો જ ચાલે!' -અજ્ઞાત