પર્સ્પેક્ટિવ : દ્રષ્ટિ તેવી સૃષ્ટિ .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- પર્સ્પેક્ટિવ શબ્દનો અર્થ છે: કોઈ વિષય કે વસ્તુ વિષે મનોમન હું શું માનું છું તે, મારી માન્યતા, મારો દ્રષ્ટિકોણ, મારો પોઈન્ટ આફ વ્યૂ
ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે?
હું પણ જાણું તું પણ જાણે.
- મકરંદ મુસળે
લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા રાહુલ ગાંધી અમેરિકા જઈને ભારતની બદબોઇ કરી આવ્યા. હું નથી કહેતો. 'ફર્સ્ટ પોસ્ટ'નો અહેવાલ કહે છે. રાહુલભાઈએ કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા ઠીક નથી. ભારતમાં સામાજિક અસમાનતા છે. લડત એ છે કે શીખને પાઘડી અને કડા પહેરવા અને ગુરુદ્વારા જવા દેવામાં આવશે કે કેમ? નરેન્દ્ર મોદીનો ડર હવે કોઈને નથી. છપ્પન ઈંચની છાતીનો વિચાર હવે ભૂતકાળ થઈ ગયો છે. આ જો કે કોંગ્રેસનો પર્સ્પેક્ટિવ છે. બીજેપીનાં નેતાઓ એવું માને છે કે કોંગ્રેસ હવે ખુલ્લંખુલ્લા દેશની વિરુદ્ધ કામ કરે છે. મોદીસાહેબે ભરી સભામાં કહ્યું કે વિરોધ પક્ષો ભારતનાં ટૂકડા કરવા માંગે છે અને કાશ્મીર લગત ૩૭૦ની ધારા ફરીથી સ્થાપવા માંગે છે. આ અલબત્ત બીજેપીનો પર્સ્પેક્ટિવ છે. અમને તો ખાલિસ્તાન સમર્થકોને ગલગલિયાં થાય એવા નિવેદન અને પાકિસ્તાન કબજા હેઠળનાં કાશ્મીરની સમર્થક અમેરિકી કોંગ્રેસવૂમન ઇલહાન ઓમર સાથેની રાહુલ ગાંધીની તસવીર ગમી નહીં. એ જો કે મારો પર્સ્પેક્ટિવ છે! પણ આ શબ્દ પર્સ્પેક્ટિવ (Perspective) છે શું?
ગુજરાતી લેક્સિકન અનુસાર 'પર્સ્પેક્ટિવ' એટલે ઘનત્વ અને સાપેક્ષ સ્થિતિ અને કદની યથાર્થ કલ્પના આવે એવી રીતે ચિત્ર દોરવાની કળા, યથાર્થદર્શન ચિત્ર. આપણને જે નજરે ચઢે એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ હોય પણ આપણે જ્યારે ચિત્ર બનાવીએ તો એમાં તો બે જ પરિમાણ હોય. ઊંડાઈનો આભાસ મેળવવા માટે આપણે સમાંતર લાઇન દોરીએ એ 'પિક્ચર ઈન પર્સ્પેક્ટિવ' કહેવાય. મૂળ લેટિન શબ્દો 'પરપેક્ટિવા અર્સ' એટલે 'દ્રષ્ટિ વિજ્ઞાાન'. ધ્યાનથી જોવું તે, ઝીણવટથી જોવું, ઇન્સ્પેક્ટ કરવું- એવા અર્થ થાય. મેરિયમ વેબ્સ્ટર મુજબ એ જે દેખાય છે અથવા તો જેમાં દૂરતા કેટલી છે, એનો પણ અંદાજ મળે એ પર્સ્પેક્ટિવ. ઇંગ્લિશમાં સમાનાર્થી શબ્દ વિસ્ટા (Vista) પણ છે. પણ આજનાં સમાચારનાં સંદર્ભમાં પર્સ્પેક્ટિવ શબ્દનો અર્થ છે: કોઈ વિષય કે વસ્તુ વિષે મનોમન હું શું માનું છું તે, મારી માન્યતા, મારો દ્રષ્ટિકોણ, મારો પોઈન્ટ આફ વ્યૂ, યૂ સી! ઇંગ્લિશમાં એક સરસ શબ્દ છે સ્ટેન્ડ પોઈન્ટ (Stand Point). વર્ષો પહેલાં સાદો અર્થ થતો હતો એ પોઈન્ટ જ્યાં કોઈ ઊભો છે. પણ હવે એનો અર્થ થાય છે તમે જે છો, તમે જે કરો છો એનાં સંદર્ભમાં તમે શું જુઓ છો- એનું વિવરણ. બસ, 'પર્સ્પેક્ટિવ'નો પણ હવે આવો જ અર્થ થાય છે. સઘળાં કૌરવ પાંડવને ઝાડ, પાંદડા કે આખી ચકલી દેખાઈ હતી પણ અર્જુનને ચકલીની આંખ જ દેખાઈ હતી, એ એનો પર્સ્પેક્ટિવ હતો.
ચાલો, આપણે દ્રષ્ટાંત આપીને સમજીએ. એક ઘરથી દૂર યુનિવર્સિટીમાં ભણવા ગયેલી દીકરીનો પત્ર. લખ્યું કે 'વહાલાં પપ્પા અને મમ્મી, તમે આગળ વાંચો એ પહેલાં તમને વિનંતી છે કે તમે એક ગ્લાસ પાણી પી લો અને બેસીને વાંચો. વાત જાણે એમ છે કે હું રહેતી હતી એ પ્રાઇવેટ હોસ્ટેલમાં આગ લાગી હતી. હું માંડ બચી. બારીની બહાર કૂદકો લગાવ્યો, તેમાં મારી ડોક મરડાઈ. મારા માથા પર પણ મૂઢ માર લાગ્યો હતો. તે વખતે એક છોકરાએ મારો જીવ બચાવ્યો. મને સહારો આપ્યો. હું એની સાથે જ હવે રહું છું. એણે મારી ખૂબ સેવા કરી. એ આપણી જ્ઞાાતિનો નથી. ધર્મ પણ જુદો છે. પણ મારું ખૂબ ધ્યાન રાખે છે. આમ તો એ ખાસ ભણ્યો નથી. ફૂડ ડીલીવરીનું કામ કરે છે. મારો ખાધાખોરાકીનો પ્રશ્ન પણ હલ થઈ ગયો! પણ પછી એનાં થકી મને ઇન્ફેકશન લાગી ગયું છે. હું હવે પ્રેગનન્ટ છું. હવે લગ્ન કરવા પડે એવી સ્થિતિ છે અને આ એઇડ્સનો ઈલાજ પણ તો કરવાનો થશે. હવે એકદમ અગત્યની વાત. અત્યાર સુધી મેં જે પણ કાંઈ લખ્યું એ.... તદ્દન ખોટી વાત છે. આવું કાંઈ બન્યું જ નથી. છે. હું તદ્દન સાજી નરવી છું. બસ, ખાલી એટલું જ કે હું મારા બધા વિષયોમાં નાપાસ થઈ છું. બસ એટલું જ.' માબાપને છેલ્લે કેવો હાશકારો થયો હશે. બસ આ જ છે પર્સ્પેક્ટિવ. પર્સ્પેક્ટિવ એટલે પરિપ્રેક્ષ્ય, દ્રષ્ટિકોણ. સીધેસીધું કહી દીધું હોત કે હું નાપાસ થઈ છું તો બિચારીને શું શું સાંભળવું પડયું હોત.
નેતાઓ આપણાં પર્સ્પેક્ટિવમાં ઘાલમેલ કરવાની તજવીજમાં હોય છે. આપણે એની વાત માનવા લાગીએ તો એમને ભયો ભયો થૈ જાય. પણ આપણે હવે શાણાં છીએ. આપણી સમજણ, આપણો દ્રષ્ટિકોણ હવે આપણે જ નક્કી કરીએ છીએ. કોઈની વાતોમાં ભરમાતા નથી. મોહબ્બતની દુકાન? કે છપ્પનની છાતી?..એ લપ્પન છપ્પનમાં આપણે પડતા નથી. હમારા નેતા કૈસા હો? અરે ભાઈ, એ અમે નક્કી કરીશું. યે જો પબ્લિક હૈ યે સબ જાણતી હૈ!
જીવન આખું એક પર્સ્પેક્ટિવ છે. મારી પાસે જે છે એને હું જોઉં તો મને લાગે કે ઓહો! મારી પાસે તો ઘણું છે. પણ હું એ જ જોયા કરું કે મારી પાસે આ નથી, પેલું નથી, તો? તો મને લાગે કે મારી પાસે કાંઈ છે જ નહીં. મારું સુખ અને મારું દુ:ખ એ મારું પર્સ્પેક્ટિવ છે. હા, એટલું કે આપણાં દ્રષ્ટિકોણને પણ હવે ઝૂમ કરીને જોયા કરવું. આજ કાલ ડીપફેઇક આવી ગયા છે. છેતરાવું નહીં. તંઈ શું?
શબ્દ શેષ
'આપણે જે સાંભળીએ છીએ એ માત્ર અભિપ્રાય (ઓપિનિયન) છે, હકીકત (ફેક્ટ) નથી. આપણે જે જોઈએ છીએ એ દ્રષ્ટિકોણ (પર્સ્પેક્ટિવ) છે, સત્ય (ટ્રુથ) નથી. - રોમન રાજા માર્કસ ઓરેલિયસ
(ઇ. સ. ૧૨૧-૧૮૦)