અપૉથિઓસિસ : માણસ ઈશ્વર થઈ જાય ત્યારે ..
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ફ્રેંચ ફિલોસોફર માદામ દ સ્તાલનાં મતે કવિતા એ ભાવુકતાનું અપૉથિઓસિસ છે. લાગણી કે ઉમળકો જ્યારે ભગવાન બની જાય ત્યારે કવિતા સર્જાતી હોય છે
जानवर आदमी फरिशता खुदा
आदमी की हैं सैकडों कसिमे
- अलूताफ हुसैन हाली
ડોનાલ્ડ ટ્રમ્પ ટાઈમ મેગેઝિનનાં પર્સન ઓફ ધ યર-૨૦૨૪' (આદમી ઓફ ધ વર્ષ!) ઘોષિત થયા. છેલ્લાં ૯૭ વર્ષથી 'ટાઈમ' મેગેઝિન પર્સન ઓફ ધ યર નક્કી કરે છે. વર્ષ ૨૦૨૦માં જો બાઈડન અને કમલા હેરિસને સંયુક્ત રીતે આ સન્માન મળ્યું હતું. પછી અનુક્રમે ઇલોન મસ્ક(૨૦૨૧), ઝેલેન્સકી/ધ સ્પિરિટ ઓફ યુક્રેન(૨૦૨૨), ટાયલર સ્વિફ્ટ(૨૦૨૩)ને પર્સન ઓફ ધ યરનું બહુમાન મળ્યું. ટ્રમ્પને આ સન્માન બીજી વાર મળ્યું. આખા વર્ષમાં અનેક વાર ન્યૂઝ હેડલાઇનમાં રહ્યા હોય, દુનિયાનો ઘાટ ઘડવામાં સફળ થયા હોય, સારી રીતે કે પછી નરસી રીતે, એ પર્સન ઓફ ધ યર. 'ટાઈમ'નાં મતે આ વર્ષે પસંદગી સરળ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ૩૪ મહાઅપરાધનાં કેસ ચાલી રહ્યા હતા, એ અદાલતથી જ તેઓએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. પછી ચૂંટણી સભામાં થયેલા ગોળીબારમાં માંડ બચ્યા. ચૂંટણીનો ખેલ ખરાખરીનો, ખેલ બરાબરીનો રહ્યો. પણ તેઓ બાજી મારી ગયા. જીતી ગયા. હવે..? હવે કાંઈ પણ થઈ શકે. ગેરકાયદે વસતા લાખો લોકોને દેશ બહાર તગેડી મૂકવા, માલની આયાત ઉપર ભારે વેરાની વસૂલાત, ઈરાન સાથે યુદ્ધ.. કાંઈ પણ. વર્ષ ૨૦૨૦માં ૭૦ લાખ મતોથી ચૂંટણી હાર્યા પછી અમેરિકન લોકશાહીનાં મુખ્ય મથક કેપિટલ હિલ ઉપર તેમનાં ટેકેદારોએ હિંસક ટોળાશાહી કરીને કરેલા હૂમલાની ઘટનાને ટ્રમ્પનો અંત ગણવામાં આવ્યો હતો. એ પળ તેઓ માટે ભલે નાદિર હતી પણ આજે આપણે તેઓનાં અપૉથિઓસિસનાં સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. અપૉથિઓસિસ શબ્દસંહિતાનો આપણો આજનો શબ્દ છે.
'નાદિર'(Nadir) એટલે અધોબિંદુ, અધોગતિ,અવનતિ, નિમ્ન સ્તર અને 'અપૉથિઓસિસ'(Apotheosis) એટલે દૈવીકરણ, દૈવત્વરોપણ, ખુદાગર્દાની, આદર્શ, ઉત્કૃષ્ટ, ગુણગાન ગાવા તે. ગ્રીક શબ્દ 'અપૉ' એટલે બદલવું અને 'થિઓસ' એટલે ભગવાન. માણસ જાણે ભગવાનમાં તબદીલ થઈ જાય. ૨૧મી સદીમાં આ શબ્દ કોઈ પણ વ્યક્તિ વિશેષ, વસ્તુ વિશેષ કે વિચાર વિશેષ માટે, તેમની ઉચ્ચતમ કે શ્રેષ્ઠતમ સ્થિતિ દર્શાવવા વપરાતો રહ્યો. દા. ત. દક્ષિણ ભારતનાં લોકો માટે રજનીકાંતથી લઈને અલ્લૂ અર્જુન સુધીનાં ફિલ્મી હીરો ભગવાન બની ચૂક્યા છે, જે ફિલ્મી હીરોનું અપૉથિઓસાઈઝિંગ છે. 'મોના લિસા' ચિત્રએ મહાન ચિત્રકાર લિયોનાર્દો દ વિન્સીને અપૉથિઓસિસની શ્રેણીમાં લાવી દીધા હતા. ફ્રેંચ ફિલોસોફર માદામ દ સ્તાલનાં મતે કવિતા એ ભાવુકતાનું અપૉથિઓસિસ છે. લાગણી કે ઉમળકો જ્યારે ભગવાન બની જાય ત્યારે કવિતા સર્જાતી હોય છે.
હજારો વર્ષ પહેલાં એક નમરૂદ નામનો રાજા થઈ ગયો. એ એવું માનતો કે હું જ ખુદા છું. ધર્મગુરુ ઈબ્રાહીમ સાથે વાદવિવાદમાં એ હંમેશા કહેતો કે એવું કશું ય નથી જે ખુદા કરી શકે અને હું નહીં. હું જીવન લઈ પણ શકું, દઈ પણ શકું. ઇબ્રાહીમે કહ્યું કે સૂર્યને પૂર્વમાં અસ્ત કરીને બતાવ. નમરૂદ કરી ન શક્યો. નમરૂદે યુદ્ધ માટે તૈયારી કરી તો ખુદાએ મચ્છરોની સેના મોકલી. નમરૂદનાં ઘોડેસવાર સૈનિકોનાં આંખ, કાન અને મોંમાં મચ્છરો એવા તો ભરાઈ ગયા કે ઘોડાઓ દિશા ભૂલી ગયા. નમરૂદે ઈબ્રાહીમને સળગાવી દેવા પ્રયાસ કર્યો પણ આગથી માત્ર એ સાંકળ સળગી, એ સાંકળ જેનાથી ઈબ્રાહીમ બંધાયા હતા. ઈશ્વરની આરાધના એટલે કરવી જોઈએ. હેં ને? ગાલિબને જો કે ઉલઝનમાં રહ્યા જ્યારે તેઓનાં જીવનમાં મૂસલસલ તકલીફ પડતી ગઈ. ત્યારે તેઓએ શંકા વ્યક્ત કરી કે ક્યા વો નમરૂદકી ખુદાઇથી, બંદગીમેં મેરા ભલા ન હુઆ.
એક શબ્દ તરીકે અપૉથિઓસિસ એનાં ઓરિજિનલ સેન્સમાં ધર્મ સાથે જોડાયેલો હતો. ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મમાં નવા ભગવાનની જોગવાઈ નથી. પણ સંત તરીકે પ્રસ્તુતિ થઈ શકે. હિંદુ અને બૌદ્ધ ધર્મમાં ભગવાન સામાન્ય માણસ તરીકે અવતાર લઈ શકે એવી વ્યવસ્થા અલબત્ત છે. સંભવામિ યુગે યુગે.. યૂ સી! આ અપૉથિઓસિસ છે. રામ અને કૃષ્ણ મૂળ વિષ્ણુ ભગવાનનાં અવતાર હતા, જે માનવ રૂપે જન્મ્યા હતા. ઓગણીસમી સદીમાં કેટલાંક બંગાળી બૌદ્ધિકોએ ભારત દેશને ભગવાનનું સ્વરૂપ આપ્યું અને આજે દેશનું 'ભારત માતા' તરીકે પૂજન થાય છે કે આપણાં દેશનું અપૉથિઓસિસ છે. મને ઈશ્વર હંમેશા ગમે છે કારણ કે મને લાગે છે કે એ છે અને એટલે હું છું. અદ્વૈત વેદાંત કહે છે કે હું અને ઈશ્વર ભિન્ન નથી. હું કદાચ એટલે જ માણસમાં ઈશ્વર શોધતો ફરું છું. રાજેશ રેડ્ડીનો એક અદ્ભૂત શે'ર છે : હમને દેખા હૈ કઈ ઐસે ખુદાઓંકો યહાં, સામને જિનકે વો સચમુચકા ખુદા કુછ ભી નહીં.
રાજકારણ, ધર્મકારણ, કલાકારણ અને ધંધાકારણમાં સફળ થયેલા માનવીનું અપૉથિઓસિસ એટલે કે ઈશ્વરાંતરણ થાય, એ સ્વાભાવિક છે. મૂળમાં તો આપણે ભક્તિ સંપ્રદાયનાં લોકો છીએ. પોતાનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ રીતે સફળ થયેલાં માણસને આપણે ભગવાન માની લઈએ છીએ. હું જો કે કોશિશ કરતો ફરું છું જ્ઞાન સંપ્રદાય તરફ વળવાની. એ જરૂરી છે. કારણ કે વ્યક્તિ ભક્તિની એક તકલીફ છે. આપણે એવું માનીએ છીએ કે આ તો ભગવાન છે, એ કાંઈ ખોટું થોડું કરે? પણ જો આપણે જ્ઞાન માર્ગે ચાલીએ તો ભગવાન બની બેઠેલાં માણસની ભૂલ પણ જાણી શકીએ. આપણે મેંગો મેન ભલે છીએ પણ આપણે નીરક્ષીર વિવેક વિષે વિચારી તો જરૂર શકીએ. અને હે કહેવાતા ભગવાન.. ડોન્ટ અન્ડરએસ્ટીમેટ પાવર ઓફ અ કોમન મેન!
શબ્દ શેષ :
'ઘણાં મોટા ગજાનાં બુદ્ધિજીવીઓને -તેઓ પોતે ભગવાન નથી- એવું યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે.' -અમેરિકન અર્થશાસ્ત્રી થોમસ સોવેલ