વૉકિઝમ : હવનમાં હાડકાં નાંખવાની વાત
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- કેટલાક લોકો 'આંદોલનજીવી' (!) હોય છે. લોકોનું ખરેખર ભલું થાય કે ન થાય, પણ અમારી સામાજિક શાખ વધવી જોઈએ
અમે તો એક્ટિવિસ્ટો,
ઇષ્ટ, અભીષ્ટને ટ્વિસ્ટ કરીને ગાવું એજ અમારો મનિફેસ્ટો.
- ભાગ્યેશ જહા
'ઇષ્ટ' એટલે યોગ્ય, હિતાવહ અને 'અભીષ્ટ' એટલે કલ્યાણ, ભલું. પણ કમબખ્ત એક્ટિવિસ્ટોની એક વિશિષ્ટ જમાત છે, જે જ્યાં ને ત્યાં, ઇષ્ટ અને અભીષ્ટને આમળીને, મરડીને, વિકૃત કરીને હોહા દેકારો કરવાનો કારસો રચતી ફરે છે. વિઘ્નસંતોષી જીવો ઉર્ફે ઘાસિયા કૂતરાઓની કમી નથી આ દુનિયામાં. આવા લોકો સામે, આવી સંસ્કૃતિ સામે લાલબત્તી ધરવી જરૂરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંચાલકશ્રીએ વિજયાદશમીનાં દિવસે પોતાના પરંપરાગત સંભાષણમાં આ જ વાત કહી. તેઓએ કહ્યું કે 'ડીપસ્ટેટ (DeepState), વૉકિઝમ (Wokeism), કલ્ચરલ માર્કિસઝમ (Cultural Marxism) ઐસે શબ્દ ચર્ચામેં હૈ.... દેશ હી નહીં, દુનિયાકી સભી સાંસ્કૃતિક પરંપરાકે વિરુદ્ધ યે વિચારધારા હૈ.' સરસંઘચાલકશ્રીનાં શુદ્ધ હિંદી સંભાષણમાં બોલાયેલા આ શબ્દો ઇંગ્લિશ ભાષાનાં હતા. આ ઇંગ્લિશ શબ્દો એટલે બોલાયા કારણ કે હિંદી કે ગુજરાતીમાં આ શબ્દોનાં સમાનાર્થી શબ્દો જ નથી. તમને નથી લાગતું કે ગુજરાતી સહિત આપણી દેશી ભાષાઓની ડિક્સનરીઝનો જીર્ણોદ્ધાર જરૂરી છે?!!!
આજનો શબ્દ 'વૉકિઝમ' એટલે 'વૉક' (Woke)+‘'ઇઝમ' (-ism).'ઇઝમ' એટલે વાદ. વાદ એટલે તાકક ચર્ચા, જ્ઞાાનવિજ્ઞાાનનાં અનુમાન અને તારણોનો નિષ્કર્ષ. 'વૉક' શબ્દ દુનિયાની ૨૩ ઇંગ્લિશ ડિક્સનરીઝમાં છે. 'વૉક' આફ્રિકન અમેરિકન લોકબોલીનો શબ્દ છે. જાગૃત હોઈએ, મતલબ કે ઊંઘતા ન હોઈએ અથવા ઊંઘમાંથી જાગ્યા હોઈએ.. તો એ માટે ઇંગ્લિશ ભાષામાં અવેઇકન (Awaken) શબ્દ છે. 'અવેઇકન' એટલે સભાન થવું, ચેતના જગાડવી એવો અર્થ પણ છે. અમેરિકી અશ્વેત લોકબોલીમાં એ જ અર્થમાં 'વૉક' શબ્દ બોલે છે. હવે આ અર્થને આગળ વધારીએ. 'વાક' એટલે માત્ર જાગૃત જ નહીં પણ જાતિભેદ, રંગભેદ, વર્ણભેદ અને અન્ય સામાજિક અન્યાયનાં વિષયમાં પૂરેપૂરી જાણકારી ધરાવતો અને એ દૂર કરવા કટિબદ્ધ હોય એવો માણસ. આ તો સારી વાત છે. અશ્વેત લોકોની જિંદગી પણ અગત્યની છે. એ જ રીતે સમલિંગી વ્યક્તિઓનાં હક વિષેની વાત પણ અગત્યની છે. અહીં સુધી આ શબ્દનો અર્થ એકદમ પ્રસ્તુત છે. આ સદીની શરૂઆતમાં 'સ્ટે વૉક' એટલે કે જાગતે રહો-ની વાતો થતી રહી. સારી વાત હતી આ. પણ સને ૨૦૧૫ પછી આ શબ્દનો ઉપયોગ વિસ્તર્યો અને માત્ર અશ્વેતોનાં આંદોલન માટે જ નહીં પણ કોઈ પણ આંદોલન વિષે આ શબ્દ વપરાવા લાગ્યો. જ્યારે અતિરેક થવા માંડે ત્યારે શબ્દ પોતાનો અર્થ બદલતો હોય છે. આપે જોયું હશે કે કેટલાક લોકો 'આંદોલનજીવી' (!) હોય છે. લોકોનું ખરેખર ભલું થાય કે ન થાય, પણ અમારી સામાજિક શાખ વધવી જોઈએ. આ તો નિષ્ઠા વિનાનું અને ઢોંગી આંદોલન થયું. ઉદારવાદી મત સાચો પણ એની પાછળની દાનત ખોરી અને ખોટી. આવા લોકો જડતાપૂર્વક માને કે અમે તો કાંઈ પણ બોલીએ કારણ કે બોલવાનો અમારો અધિકાર અબાધિત છે. તેઓને જરા પણ રોકવામાં આવે તો બૂમરાણ મચાવે. ઇલોન મસ્ક આને 'વૉક માઇન્ડ વાઇરસ' કહે છે. આમ ખરેખર જે સારી વાત હતી, વંચિતોને પોતાનો હક આપવાની વાત હતી એ 'વૉકિઝમ' સમય જતા યથાર્થ સામાજિક નિસ્બતનાં સ્વાંગમાં અંગત રાગદ્વેષનો હિસાબ સરભર કરવાનું હથિયાર બની ગયું. યાદ રહે, કાયદેસરની સામાજિક ફરિયાદ વૉકિઝમ નથી. વૉકિઝમ કરનારા આંદોલનકારીઓની વાત નિરાળી છે. અન્યાયનો જેઓ ભોગ બન્યા છે તેઓ પ્રત્યે કોઈ સાચી સંવેદના તેઓને હોતી નથી. બસ, દેખાડો કરવાનો, હોહા, ધમાલ, અત્યાચાર અને વ્યતિક્રમ. પોતાના અંગત લાભની વાત. ઓનલાઈન યુગમાં આ શબ્દની અસર અણધારી રીતે ખરાબ થાય છે.ખોટી માહિતીઓનો ઓનલાઈન તોપમારો થતો રહે છે, હકીકતની ખાતરી કોઈ કરતું નથી, કરે છે તો કોઈ એની વાતને સાચી માનતું નથી. જ્યારે આંદોલનમાં અતિરેક થાય છે ત્યારે શબ્દ પણ પોતાનો અર્થ બદલે છે. સરસંઘચાલકશ્રી જ્યારે કહે છે કે આ શબ્દ આખી દુનિયાની સંસ્કૃતિ પરંપરાથી વિરુદ્ધ છે તો એ વાત તો સાચી છે. દિવાળીમાં ફટાકડાં ન ફોડવા કારણ કે પ્રદૂષણ થાય. અરે ભાઈ, ઈઝરાયેલ-હમાસ અને રશિયા- યુક્રેનનાં બોમ્બમારાથી તો હવા જાણે ચોખ્ખી જ રહે છે. હોળી પર રંગ ન છાંટવો કારણ કે પાણીનો બગાડ થાય, ઉતરાયણ પર પતંગ નહીં ચગાવવા કારણ કે.. સામાન્ય સંજોગોમાં આ વૉકિઝમ નથી પણ આવી વાતનો અતિરેક થાય તો એ વૉકિઝમમાં બદલાઈ જાય.
સાંસ્કૃતિક પરંપરા જાળવવી જોઈએ. મુક્ત વિચારધારાનાં નામે કાનમાં કીડા પડે એવી ગાળ અને મુક્ત વ્યભિચાર ઓટીટી પર દેખાડાય છે. ઇન્ટરનેટ પર મફત પોર્ન વીડિયો આંગળીવગા છે. મુક્ત અભિવ્યક્તિનાં નામે કાંઈ પણ? અને પછી એ વળગણ બળાત્કારમાં તબદીલ થાય છે. બળાત્કારીઓનાં ઘર પર બુલડોઝર ફેરવવા સામે વિરોધ થાય છે. એ વૉકિઝમ છે.
અમે શબ્દની વાત કરીએ છીએ. જાગૃતિ અને અન્યાય સામેની લડત ખોટી નથી.પણ જાગૃતિ હિંસક બને તો? એવી જાગૃતિને શું ઘોળવી કે જેમાં પીડિતની કોઈને પડી જ ન હોય, માત્ર વિલન શોધવાનો, પછી વિલનની શાબ્દિક મારપીટ કરવાની અને પોતે હીરો બની જવાનું. અદ્દલ વૉકિઝમ. સાંસ્કૃતિક પરંપરાની સઘળી વાત સાંપ્રત યુગમાં કદાચ પ્રસ્તુત ન પણ હોય પણ આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ નર્યો બકવાસ છે, એવી બેફામ રજૂઆત સદંતર અયોગ્ય છે. શબ્દ સમજીએ તો ભેદ પણ સમજાઈ જાય. ઇતિ.
શબ્દશેષ :
'અવેઇક, નોટ વૉક'
- અમેરિકન લેખિકા નોએલ મેરિંગ