રૉડૉગ : અવિધિવત .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- વિધિ હોય એ સારું પણ આપણે વિધિનાં ગુલામ થઈ જઈએ તો એ ઠીક નથી.
નથી કોઈ તારામાં વિધિ મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા
-મરીઝ
અ મેરિકન ડાયલેક્ટ સોસાયટીનાં ભાષાજ્ઞાાનીઓ દર વર્ષે ભાષા, શબ્દો અને ઉચ્ચાર વિષે સંશોધન કરે છે. 'વર્ડ ઓફ ધ યર' ઘોષિત કરવી એ તેઓનાં ભાષાયજ્ઞાની એક વિધિ છે. તેઓએ ગયા અઠવાડિયે વર્ષ ૨૦૨૪નાં સરતાજ શબ્દ ઘોષિત કર્યો એ શબ્દ છે રૉડૉગ (Rawdog). મરીઝ સાહેબનાં મતે દારૂ પીવામાં કોઈ વિધિ હોતી નથી. ઇટ્સ રીયલી સિમ્પલ! એમાં ચોઘડિયા, કમૂરતા નડતા નથી. આજનો શબ્દ પણ કાંઈ એવો જ અર્થભાવ લઈને આવે છે. કોઈ પણ સુરક્ષા કે સુવિધા વિના, સાધનસામગ્રી વિના, કોઈ પણ પૂર્વ તૈયારી કે બહારી મદદ વિના તમે કાંઈ પણ ક્રિયા કરો એ રૉડૉગિંગ.
મૂળ અર્થમાં આ એક અશ્લીલ શબ્દ હતો. 'ડૉગિંગ' એટલે કોઈનો બારીકાઈથી ધરાર પીછો કરવો. ૧૯૭૦નાં દાયકામાં બ્રિટનમાં જાહેરમાં રતિક્રીડા કરતાં યુગલો ઉપર જાસૂસી કરતાં પુરુષો માટે આ શબ્દ વપરાતો હતો. સંભોગ કાંઈ ચાર દીવાલો વચ્ચે જ થાય એવું તો છે નહીં. બગીચા કે જંગલ કે પછી કારમાં ય થાય. પ્રેમીઓની આવી શારીરિક ક્રીડાને ચોરીછૂપી પ્રત્યક્ષ જોવાની ક્રિયા એટલે ડૉગિંગ. આ પરથી બે અથવા બેથી વધારે વ્યક્તિઓનો સરાજાહેર શારીરિક સમાગમ પણ ડૉગિંગ કહેવાયો. આમ ગેરકાયદેસર તો નહીં કહી શકાય પણ હા, કોઈ જુએ, એની સુરૂચિનો ભંગ થાય, એની લાગણી દુભાય, એ ફરિયાદ કરે તો આ પ્રવૃત્તિ નિ:શંક ગેરકાયદેસર ગણાય. હવે શબ્દનાં અર્થમાં આગળ જઈએ. આવો સંભોગ કોઈ વેશ્યા અથવા એવી ચાલચલગત ધરાવતી વ્યક્તિઓ વચ્ચે થાય અને એ પણ જાતીય સંક્રમણ રોકવાનાં સંસાધન એવા કોન્ડોમ વિના થાય તો એ કહેવાય રૉડૉગિંગ. 'રૉ' એટલે કાચું, અધૂરું, અપૂર્ણ, અણઘડ. રૉડૉગિંગ શબ્દ આ અર્થમાં શિષ્ટ સમાજનાં વાણી વ્યવહારમાં બોલવો કે લખવો યોગ્ય પણ ગણાતો નહોતો. પણ આધુનિક સમયમાં જનરેશન ઝેડનાં જવાનિયાઓએ આ શબ્દનો અર્થ જ બદલી નાંખ્યો.
સાંપ્રત કાળમાં એક ક્રિયાપદ તરીકે 'રૉડૉગ' શબ્દ સાવ નિર્દોષ અર્થમાં વપરાય છે. સવારે ઊઠીને ચા પીવાનું ટાળવાની ક્રિયા હવે 'રૉડૉગિંગ ધ મોર્નિંગ' કહેવાય. દૂધ ખાંડ વિનાની બ્લેક કોફી પીઓ તો એ 'રૉડૉગિંગ ધ કેફેન' કહેવાય. તાવ આવે ત્યારે દવા લેવાની નહીં. એની મેળે જ સારું થઈ જાય. રોગનું રૉડૉગિંગ! સને ૨૦૧૭માં અમેરિકામાં વ્હાઇટ હાઉસની ટ્રુમેન બાલ્કનીમાં ઊભા ઊભા તત્કાલીન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં સૂર્યગ્રહણ ટાણે નરી આંખે સૂર્ય સાથે આંખ મિલાવતા ફોટા સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યા હતા. તે સમયે રૉડૉગિંગ શબ્દ આ અર્થમાં પ્રચલિત થયો નહોતો. પણ સને ૨૦૨૪માં સૂર્યગ્રહણ થયું ત્યારે એક યુઝરે જૂની વાત યાદ કરીને લખ્યું કે સૂર્યગ્રહણ ટાણે, ખાસ ચશ્માં વિનાનું ટ્રમ્પનું આ રૉડૉગિંગ ઓનલાઈન એપ પર મસ્તી કરાવી ગયું હતું. અહીં નરી આંખે સૂર્યગ્રહણ જોવાનું રૉડૉગિંગ સેક્સુઅલ સંદર્ભમાં જરા પણ નથી. નવાં અર્થમાં આ શબ્દ પ્રચલિત ત્યારે થયો જ્યારે એપલ ટીવી સીરીઝ 'હાઈજેક'માં સામ નેલ્સનનું પાત્ર ભજવતા એક્ટર ઈદ્રિસ એલ્બાની દુબઈથી લંડનની ફ્લાઇટ હાઈજેક થઈ જાય છે અને ત્યારે સાત કલાક સુધી શાંતિથી બેસી રહેવું, સામેનાં ટીવી સ્ક્રીન પર કોઈ મનોરંજક ફિલ્મ ન જોવી, ખાનપાન સેવાનો લાભ ન લેવો, સૂવું ય નહીં. બસ સામે જોયા કરવું અને પોતાનાં જીવન વિષે મનન ચિંતન કરતાં રહેવું, એ 'રૉડૉગિંગ ધ ફ્લાઇટ' કહેવાવા લાગ્યું. પછી રૉડૉગિંગ કરીને હવાઈ પ્રવાસીઓ સોશિયલ મીડિયા ઉપર પોતાનાં અનુભવ દર્શાવવા માંડયા. પોતે વિષમ સ્થિતિમાં રૉડૉગિંગ કરી શકે છે એવી આત્મશ્લાઘા કરવા માંડયા. અલબત્ત લાંબો સમય નિર્જળ રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવા ધંધા ન કરાય. પણ સાહેબ, ગાંડાનાં ગામ કાંઈ જુદા થોડા હોય. બધા આપણી વચ્ચે જ વસતા હોય છે!
રૉડૉગિંગ જો કે ડાહી વાત પણ છે. આપણને ઊંઘ નથી આવતી કારણ કે મોબાઈલ ફોનનું ઓનલાઈન વળગણ વળગ્યું છે. રાતદિવસ ટૂંકા વીડિયોની વણથંભી વણઝાર મનમાં ખોદકામ કરતી રહે છે. સોશિયલ મીડિયા પર મળતી લાઇક્સ/કોમેન્ટ્સ/શેઅર ઇન્સ્ટન્ટ સંતોષનો અહેસાસ કરાવે છે. મગજનું ફીલ-ગૂડ કેમિકલ છે ડોપામાઇન. એનું હોવું સારી વાત છે પણ પછી એની આદત પડી જાય છે. એ ન મળે તો મન શિયાવિયા થઈ જાય છે. લાઇક્સ અને કોમેન્ટ્સ વિના તે કેમ ચાલશે રે! રૉડૉગિંગ એ ડોપામાઇનનો ઉપવાસ છે. આપણે ઉત્તેજક ઈન્ટરનેટનાં ગુલામ છીએ ત્યારે ડિજિટલ ડીટોક્સ (ઓનલાઈન વ્યસનમાંથી મુક્તિ) જરૂરી છે. બ્રેનરોટનો ઈલાજ છે : રૉડૉગ ધ સ્લીપ. હાલરડું સાંભળ્યા વિના, ઊંઘની ગોળી લીધા વિના કે નશો કર્યા વિના, બસ શાંત ચિત્તે સૂઈ જવું, ઊંઘી જવું. આપણાં મનનાં ભાવજગતમાં સંતુલન જાળવવું છે? તો રૉડૉગિંગ કરો. જીવનમાં અનેક વિક્ષેપ આવે, અનેક વિષય ખેંચે ત્યારે રૉડૉગિંગ માનસિક તાણ સહન કરવાની ક્ષમતા વધારે છે. આપ તો જાણો છો કે મગજ જ્યારે ફ્રી હોય ત્યારે જ એ સર્જનશીલ હોય છે. આમ રૉડૉગિંગ કાંઈક નવું કરવાનું પ્રેરક છે. જો કે દરેક સારી વસ્તુનું ખરાબ પાસું પણ હોય છે. સોશિયલ મીડિયા ઉપર દેખાડો કરવા રૉડૉગિંગ કરો અને જોઈએ તેવો પ્રતિભાવ ન મળે તો માનસિક તાણ સમૂળગાની વધે છે. સામાજિક એકલતા વધે છે. સંવેગ વિમુખતા આવી જાય છે. વાત અતિશય થાય તો વાટ લાગી જાય. હેં ને?
વિધિ હોય એ સારું પણ આપણે વિધિનાં ગુલામ થઈ જઈએ તો એ ઠીક નથી. એક વાર એક મરણ પ્રસંગે મુલ્લા નસરુદ્દીનને કોઈએ પૂછયું : જનાજો નીકળે ત્યારે એની ડાબી કે જમણી? આગળ કે પાછળ? કઈ તરફ ચાલવું જોઈએ? મુલ્લાનો જવાબ હતો : ચાલો ગમે ત્યાં, બસ ઠાઠડી પર તમે ન હો ત્યાં સુધી બધું જ ઠીક!
શબ્દશેષ :
'જીવન સિમ્પલ છે પણ આપણો આગ્રહ હોય છે એને કોમ્પલિકેટ કરવાનો.'
-કન્ફ્યુશિયસ