ડેન્જરસ : ખેલ ખતરનાક .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- મૂળભૂત રીતે આ શબ્દ 'સત્તા'માંથી આવ્યો છે. ડેન્જર ત્યાં જ હોય જ્યાં સત્તા હોય
मेहनत की लूट सबसे ख़तरनाक नहीं होती
पुलिस की मार सबसे ख़तरनाक नहीं होती
गद्दारी-लोभ की मुट्ठी सबससे ख़तरनाक नहीं होती
सबसे ख़तरनाक होता है
मुर्दा शांति से भर जाना
न होना तड़प का सब सहन कर जाना
घर से निकलना काम पर
और काम से लौटकर घर जाना
सबसे ख़तरनाक होता है
हमारे सपनों का मर जाना-पाश (1150-1188)
'ધ ડેઇલી બીસ્ટ'નાં તાજેતરનાં સમાચાર અનુસાર અમેરિકાનાં ડેમોક્રેટિક પક્ષની પીઢ સાંસદ અને પૂર્વ સ્પીકર નેન્સી પેલોઇએ કહ્યું કે રીપબ્લિકન પક્ષનાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને વિયર્ડ (Weird) કહેવા, એ તો એમનાં વખાણ થયા. 'વિયર્ડ' એટલે વિચિત્ર. નેન્સીબેનનાં મતે ટ્રમ્પ માટે એક જ શબ્દ કહી શકાય અને એ છે ડેન્જરસ (Dangerous). એ જ રીતે 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'તાજેતરનાં સમાચાર અનુસાર હિન્ડનબર્ગ રીપોર્ટનાં સંદર્ભે ભારતનાં નવોદિત સાંસદ ભાજપનાં કંગના રેનોટ બોલ્યાં કે રાહુલ ગાંધી ડેન્જરસ છે. તેઓ દેશને અસ્થિર કરવા માંગે છે. રાજકારણ સાલું ગજબ છે, નહીં?! કોઈ કોઈને ગમે તે વિશેષણ આપી દે છે. અમને અલબત્ત એમાંથી શબ્દ મળી જાય છે. આપણે તો જાણીએ છીએ કે રાજકારણ પોતે જ એક ડેન્જરસ ગેમ છે. પણ આજે આપણે 'ડેન્જરસ' શબ્દની વાત કરવી છે. એમાં કોઈ કારણસર રાજકારણ આવી જાય તો વાંક મારો નથી. એનું કારણ છે કે મૂળભૂત રીતે આ શબ્દ 'સત્તા'માંથી આવ્યો છે. ડેન્જર ત્યાં જ હોય જ્યાં સત્તા હોય. મામલા ડેન્જરસ હૈ. હેં ને?
ગુજરાતી લેક્સિકન અનુસાર 'ડેન્જરસ' એટલે જોખમકારક, ભયજનક, ખતરનાક. પણ આ પ્રવર્તમાન અર્થ છે. ડેન્જરસ શબ્દનું મૂળ આટલું ડેન્જરસ નથી. સને ૧૩૦૦માં એનો અર્થ ઘમંડ, મદ, ગુમાન, તોછડી રીતભાત એવો જ થતો હતો. લેટિન શબ્દ 'ડોમસ' એટલે ઘર અને 'ડોમિનસ' એટલે ઘરનો માલિક. માલિક હોય એટલે એ નિયંત્રણ કરે, માલિક પાસે સત્તા હોય એટલેએ ડખો કરે, બખેડો કરે. સંસ્કૃત શબ્દ 'દમથ' અથવા 'દમન'નાં તાર પણ ઇંગ્લિશ શબ્દ 'ડેન્જરસ' સાથે જોડાયેલા છે. આ શબ્દ આધુનિક અર્થમાં- એટલે કે નુકસાન, જોખમ, ઇજા, પીડા વગેરે અર્થમાં- પહેલાં ફ્રેંચ ભાષામાં અને પછી ઇંગ્લિશ ભાષામાં દાખલ થયો છે. આ પહેલાં 'ડેન્જરસ' એટલે એ જે તમને કંટ્રોલ કરે- એવો જ અર્થ થતો હતો. 'જોખમી' એવો અર્થ નહોતો. પણ તમને નથી લાગતું કે જેની પાસે સત્તા હોય એ અચૂક ડેન્જરસ હોઈ શકે?
માઇકલ જેક્શનનાં એક ગીતનું શીર્ષક છે 'ડેન્જરસ'. અહીં માઇકલ જેક્શન એવી છોકરીની વાત કહે છે, જેની મોહિની જબરી છે. એની આંખોમાં વાસના છે. એનાં પાપાચારની મોહજાળમાં ફસાઈ ગયાનો એને અહેસાસ થાય છે. એ સ્પર્શ, એ ચુંબન, એ પ્રેમની ગુસપુસ, હું જાણે એવી જગ્યાએ પહોંચી ચૂક્યો છું જ્યાંથી પાછો આવવા હું અક્ષમ છું. કોઇક વિચિત્ર અમાનવીય કામેચ્છામાં હું જકડાઈ ચૂક્યો છું. એ છોકરી ખરાબ છે. એ છોકરી ડેન્જરસ છે....... ડેન્જરસ એટલે? ડેન્જરસ એટલે ખતરનાક. ડેન્જરસ એટલે એ જે સદંતર જૂઠ્ઠું બોલે, છલ જેમાં છલોછલ હોય, અન્યને સતત દાબમાં રાખે, શોષણ કરે, એક રીતે જોઈએ તો સમજાય નહીં એવું વ્યક્તિત્વ, ઘડીમાં વરસે અને ઘડીમાં દઝાડે, સહાનુભૂતિનું નામોનિશાન ન હોય, બસ પોતાની જ વાત કરતી રહે, અન્યને ફસાવવાની પેરવી કરતી રહે અને દિવસને જો એ રાત કહે તો આપણે રાત કહેવા મજબૂર થઈ જઈએ, એ ડેન્જરસ વ્યક્તિનાં લક્ષણો છે. મને એવું લાગે છે કે કોઈને ડેન્જરસ કહેતા પહેલાં નેન્સી પોલોઇ કે કંગના રેનોટે થોડું વિચારી લેવું જોઈતું હતું. એનું કારણ એ કે આ 'ડેન્જરસ' થોડો અઘરો શબ્દ છે.
હવે હું કહું કે ડેન્જરસ હોવું સારું છે તો તમે કહેશો કે લો બોલો! પણ હું સમજાવું. એક ઝેરીલા સર્પને તમે શું કહેશો? ડેન્જરસ, અલબત્ત. ડંખ મારે તો ઝેર ચઢે અને માણસ મરી જાય. રામકૃષ્ણ પરમહંસની એક બોધકથા છે. એક ઝેરી સર્પ આવતા જતા સૌને ડંખે. સૌ એનાથી ડરે. એક વાર એક સંતને જોઈ એને ડંખવા દોડયો પણ સંતની સૌમ્યતા સામે સર્પની વિકરાળતા ઓગળી ગઇ. સંતે કહ્યું કે 'હે મિત્ર, હવેથી કોઈને ડંખતો નહીં.' સર્પ હવે સૌમ્ય બની ગયો. કોઈને ય ડંખે જ નહીં. લોકોને ખબર પડી કે હવે આ સર્પ ડેન્જરસ નથી. હવે એ કોઈને ડંખતો નથી. એટલે લોકો એને પથ્થર મારવા લાગ્યા. બિચારો સર્પ.... પથ્થરમારાથી અધમૂઓ થઈ ગયો. એ જ સમયે પેલા સંત ફરીથી ત્યાંથી પસાર થતા હતા. સર્પ કરગર્યો કે 'હે સંત, હવે હું શું કરું?' સંતે કહ્યું કે 'ભાઈ, મેં ડંખ મારવાની ના પાડી હતી, ફૂંફાડા મારવાની નહીં'.
દરેક માણસે ડેન્જરસ બનવું જરૂરી છે. હાથમાં હથિયાર ચોક્કસ હોવું જોઈએ. શરીર સૌષ્ઠવ પણ મજબૂત હોવું જોઈએ. તો જ લોકો સીધા ચાલે. હું હથિયાર ચલાવવાનું કહેતો નથી. કારણ વગર સામેથી હૂમલો કરવા પણ કહેતો નથી. પણ માણસ ડેન્જરસ ન હોય તો એ પપ્પૂમાં ખપી જાય. મોહબ્બતકી દુકાન આમ પણ ચાલતી નથી. શી ખબર, કદાચ કોઈકનો બનાવેલો ડેન્જરસ શૉપિંગ મૉલનો ધંધો ચાલી જાય. જુઓ સાહેબ, બહુ સારા થવામાં ભલીવાર નથી. ભલીવાર એટલે? ગુજરાતી લેક્સિકન અનુસાર 'ભલીવાર' એટલે સફળતા, આવડત, સત્વ, સાર. સૌથી વધારે ડેન્જરસ માણસ એ છે જે વાંચે છે, સાંભળે છે, વિચારે છે અને નીરિક્ષણ કરે છે. જેણે કાંઈ પણ ગૂમાવવાનું નથી, એ માણસ ડેફિનેટલી ડેન્જરસ હોય છે.
શબ્દ શેષ
'સત્તા હંમેશા ડેન્જરસ હોય છે. સત્તા દુષ્ટતમ લોકોને આકર્ષે છે અને શ્રેષ્ઠતમ લોકોને ભ્રષ્ટ કરે છે.'
- અમેરિકન લેખક એડવર્ડ એબી (૧૯૨૭-૧૯૮૯)