બ્રેટ : સૂર બગાવતી .
- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- 'બ્રેટ' એટલે કોઈ એવી વ્યક્તિ જે આત્મવિશ્વાસથી છલોછલ હોય, જેનો મિજાજ સ્વતંત્ર હોય અને જેની મનોવૃત્તિ સુખ ઉપભોગ કરી લેવાની હોય
ગઝલ લાધ્યા પછી એને કશી પરવા નથી 'ની૨વ',
એ પૂજામાં નહીં બેસે કે સજદામાં નહીં આવે.
- નીરવ વ્યાસ
પૂજા એટલે ઈશ્વરની આરાધના અને સજદા એટલે ઘૂંટણ ટેકવીને નત મસ્તક નમાજ પઢવી તે. કવિ વિદ્રોહી વાત કહે છે. કહે છે કે ગઝલ લાધી જાય એટલે ઈશ્વર કે ખુદાની પ્રાર્થના કરી, કરી, ન કરી... શું ફેર પડે છે? આજનો શબ્દ પણ એવો જ તોફાની છે.
વર્ષ પૂરું થવાને તો હજી વાર છે પણ કોલિન્સ ડિક્સનરીએ બ્રેટ (Brat) શબ્દને વર્ષ ૨૦૨૪નો 'વર્ડ ઓફ ધ યર' ઘોષિત કરી પણ દીધો. બ્રિટિશ ગાયિકા અને ગીતકાર ચાર્લી એક્સસીએક્સનું મ્યુઝિક આલ્બમ 'બ્રેટ સમર' ધૂમ મચાવી રહ્યું છે. ગુજરાતી લેક્સિકન અનુસાર 'બ્રેટ' એટલે છોકરું, મોઢે ચઢાવેલું છોકરું, બદમિજાજી છોકરું. પરંતુ આ 'બ્રેટ સમર' ગીતનાં સંદર્ભે શબ્દનો અર્થ કરતા કોલિન્સ ડિક્સનરી કહે છે કે 'બ્રેટ' એટલે કોઈ એવી વ્યક્તિ જે આત્મવિશ્વાસથી છલોછલ હોય, જેનો મિજાજ સ્વતંત્ર હોય અને જેની મનોવૃત્તિ સુખ ઉપભોગ કરી લેવાની હોય એ બ્રેટ. એક અત્યંત સફળ મ્યુઝિક આલ્બમનું શીર્ષક બ્રેટ છે પણ એનાં કરતાં ય વિશેષ બ્રેટ એ સાંપ્રત કાળની અસાધારણસાંસ્કૃતિક ઘટના છે. સમગ્ર વિશ્વમાં 'બ્રેટ સમર' એક સૌંદર્યપૂર્ણ જીવનશૈલી બની ગઈ છે. ૩૨ વર્ષની પોપ સ્ટાર ચાર્લી એક્સસીએક્સ પોતાનાં ગીતમાં બ્રેટ ગર્લની વાત કરે છે, એક એવી તોફાની છોકરી કે જે થોડી અસ્તવ્યસ્ત છે, જેને પાર્ટી કરવી ગમે છે, ક્યારેક બેવકૂફી ભરેલી વાત પણ કરે, ક્યારેક માનસિક રીતે પડી ય ભાંગે પણ તો પણ, જલસો તો કરે જ. ટૂંકમાં, આખી દુનિયા જેને માટે જલસાઘર હોય એ બ્રેટ.
કોલિન્સ ડિક્સનરીએ એનાં ૨૦૦ કરોડ શબ્દોનાં ડેટાબેઝમાંથી 'વર્ડ ઓફ ધ યર' નક્કી કરતાં પહેલાં એક ફાઇનલ લિસ્ટ તૈયાર કર્યું હતું. એ લિસ્ટનો વિસ્તૃત અભ્યાસ કરીને આ વર્ષનો વિજેતા શબ્દ નક્કી કર્યો. બ્રેટ શબ્દ સાથે સ્પર્ધામાં 'એન્ટિ-ટૂરિઝમ' (Anti-tourism) શબ્દ પણ હતો. કોઈ હરવા ફરવાનાં સ્થળ ઉપર એટલા બધા લોકો આવી ચઢે કે પર્યાવપરણ ખોરવાઇ જાય, સ્થાનિક લોકો કંટાળી જાય. અને એટલે ટૂરિઝમ વિરુદ્ધ જનઆંદોલન થાય એ એન્ટિ-ટૂરિઝમ. એવો જ એકઅન્ય અવનવો શબ્દ હતો : લૂક્સમેક્સિંગ (Looksmaxxing). કોઈ વ્યક્તિ સારી દેખાવા માટે, સોશિયલી પ્રેસન્ટેબલ થવા માટે બધું જ કરી છૂટે, ડાયેટિંગ, કસરત, બ્યૂટી ટ્રીટમેન્ટ, વાંકાચૂકા દાંત સરખા કરવા, ત્વચા લેપન વગેરે વગેરે. આવી ક્રિયાઓ લૂક્સમેક્સિંગ કહેવાય. પણ આપણે તો બ્રેટ શબ્દની વાત કરવી રહી. આમ પણ જે જીતે એની જ તો લોકો વાત કરે. જુઓને, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનાં પ્રેેસિડન્ટ તો હજી જાન્યુઆરીમાં બનશે પણ લોકો તો એની જ વાત કરે છે. 'ટ્રમ્પ'નો અર્થ જ થાય જીત. પરંતુ ચૂંટણી પ્રચાર દરમ્યાન જુલાઇ મહિનામાં ગાયિકા ચાર્લી એક્સસીએક્સે ટ્વીટ કર્યું હતું કે 'કમલા ઈઝ બ્રેટ'. એમ કે એ સ્વતંત્ર રીતે વિચારે છે, નીડર છે, ખુદમાં એને શ્રદ્ધા છે. કમલા હારિસનાં ચૂંટણી પ્રચારકોને લાગ્યું કે પોપસ્ટારની લોકપ્રિયતાનો ચૂંટણીમાં લાભ મળશે. એટલે તેઓએ કમલાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટનો રંગપણ પોપ સ્ટારનાં લોકપ્રિય મ્યુઝિક આલ્બમનાં જેવા જ આછાં લીલા રંગનો કર્યો અને કમલા ઈઝ બ્રેટ-નો ટીક ટોક વીડિયો વાઇરલ થઈ ગયો. પણ આપણે જાણીએ છીએ કે કમલા હારિસ અલબત્ત હારી ગયા. તેઓનાં નામમાં જ હાર છે. હવે હાર્યા એટલે તેઓની વાત તો ન જ થાય પણ 'બ્રેટ'ની વાત કરી શકાય કારણ કે આ શબ્દ જીત્યો છે. હેં ને?
બ્રેટ શબ્દ સને ૧૪૦૦થી ઇંગ્લિશ ભાષામાં છે. જાડો ખરબચડો ઝભ્ભો કે ડગલો એવો અર્થ થતો હતો. પછી બાળકનું એપ્રોન એટલે કે બહિર્વસ્ત્રનાં અર્થમાં અને પછી એવું વસ્ત્ર પહેરેલો તોફાની કે વંઠેલ છોકરો, એવા અર્થમાં આ શબ્દ પ્રચલિત થયો. લગ્નેતર સંબંધથી બાળક પેદા થાય એ 'બાસ્ટર્ડ' એટલે કે અનૌરસ સંતાન કહેવાય. બ્રેટનો અર્થ એવો નથી. પણ કોઈ પરણેલાં યુગલનું વણજોઇતું કે અનપેક્ષિત કે વધારાનું સંતાન બ્રેટ કહેવાતું. સમાજનાં નિમ્ન સ્તરનાં લોકોનાં તોફાની છોકરાઓ સાથે આ શબ્દ જોડાયેલો રહ્યો. બ્રેટ શબ્દ કોઈ વયસ્ક માણસ માટે ઉપયોગ થાય ત્યારે એ માણસ બાલિશ રીતે સ્વાર્થી અને વાણી વર્તનમાં તોછડો છે, એવો અર્થ થતો રહ્યો. અલબત્ત કોઈ ચોક્કસ ક્ષેત્રનાં લોકોનાં સંતાનોને પણ બ્રેટ તરીકે સંબોધન થતું રહ્યું. જેમ કે આર્મી કેન્ટોન્મેન્ટમાં રહીને ઊછરેલાં બાળકોને આર્મી બ્રેટ્સ કહેવાય છે. તેઓ વંઠેલ ન હોય તો પણ! આ ખરાબ સંબોધન નથી. હોલિવૂડનાં ફિલ્મી નટનટીઓનાં સંતાનો હોલિવૂડ બ્રેટ્સ કહેવાય. અબરામ, તૈમૂર, રહા કે દુઆને તમે બોલિવૂડ બ્રેટ્સ કહી શકો!
સાંપ્રત કાળમાં આ શબ્દનો અર્થ નવતર રીતે આમેજ થયો છે. જનરેશન ઝેડ એટલે કે સને ૧૯૯૫થી ૨૦૧૦ વચ્ચે જન્મેલા જુવાનિયાઓની ભાષામાં 'બ્રેટ' શબ્દ અપમાનજનક બિલકુલ નથી. બ્રેટ શબ્દ હવે પ્રેેમાળ સંબોધનમાં તબદીલ થઈ ચૂક્યો છે. કોઈનાં વખાણ કરવા માટેનું સંબોધન છે બ્રેટ; એમ કે તમે દકિયાનૂસી સામાજિક વિચારધારાને પડકારો છો. એમ કે તમે સક્ષમ છો પોતાનાં વિચારો છૂટથી અભિવ્યક્ત કરવા માટે. વ્યક્તિત્વ કે જીવનશૈલીની બાબતે'બ્રેટ'નો વિરોધાર્થી શબ્દ ડિમ્યૂઅર (Demur) છે. 'ડિમ્યૂઅર' એટલે શાંત, સ્વસ્થ, ગંભીર, ઠાવકું, પ્રતિષ્ઠિત. છોકરી કે સ્ત્રી માટે આ સંબોધન વખાણ છે. એની સામે બ્રેટ એક એવી વ્યક્તિ છે જેને સામાજિક અપેક્ષાઓની કાંઈ પડી નથી. તમે ના પાડો કે આમ નહીં કરવાનું તો તેઓ તમનેકારણ પૂછે કે આમ કેમ નહીં કરવાનું? બ્રેટનાં ફન અને ફેશન ભડકીલાં અને બોલકાં હોય છે. પોપ કલ્ચરમાં 'બ્રેટ' સારા અર્થમાં રમતિયાળ અવજ્ઞાકારી, ખેદહીન બિન્દાસ્ત અને નિસ્સંદેહ વિદ્રોહી છે. લો બોલો!
શબ્દ શેષ
'વિદ્રોહમાંથી જાગરૂકતાનો જન્મ થાય છે,'
- ફ્રેંચ ફિલોસોફર લેખક આલ્બર્ટ કામૂ